સીએએ - વિરોધ કે સમર્થન હિંસક એટલે ભારતની આબરૂના ધજાગરા

    ૦૭-માર્ચ-૨૦૨૦   

delhi riots_1  
 
 
દિલ્હીનાં રસ્તાઓ પર સંવિધાનનો હ્રાસ થયો. આતંકી નાગરિકની ગોળીથી, સ્ટીલના પાઇપથી, પથ્થરથી ઘવાયેલ અને મૃત્યુ પામેલ પોલીસ કર્મીઓથી, એક વરવું દૃશ્ય ઊભું થયું. દુકાનો, મકાનો, ધાર્મિક સ્થળો સળગ્યાં. આ કૃત્ય રાતોરાત નથી થયા. સીએએ અને એનઆરસીના વિરોધ અને સમર્થનમાં થઈ રહેલાં દેખાવો, તોફાનો એ ચોક્કસ પરિબળોની મેલી મુરાદનો જ એક ભાગ. બે મહિના પહેલાં આ મુદ્દે આસામ સળગ્યું, હવે દિલ્હીમાં આગ લાગી. મેઘાલય પણ એ જ વાટે. મહિલાઓએ બાનમાં લીધેલ શાહીનબાગના દેખાવો અને વિરોધ ભલે શાંત હોય પણ રસ્તા બંધ કરીને લોકોને હાલાકીમાં મૂકવાનું ચલાવી લેવાય નહીં, તેવી સુપ્રીમ કોર્ટે માત્ર તાકીદ કરી નહીં, ત્રણ મંત્રણાકારો નિયુક્ત કર્યાં છતાં સમજાવટના પ્રયાસો ય નિષ્ફળ ગયા. પછીથી ઝાફરાબાદ, મૌજપુર અને ભજનપુરા સળગ્યા. ૩૮ લોકોએ જીવ ગુમાવ્યા અને અનેક લોકો ઘાયલ. પાગલપન ભરેલી આ હિંસામાં મોટા પાયે જાન-માલનું નુકસાન થયું અને સામાજિક - સાંસ્કૃતિક ગૌરવ પણ છિન્ન-ભિન્ન, વેરણછેરણ થયું.
 

સીએએના કારણે હજુ એક પણ વ્યક્તિની નાગરિકતા છીનવાઈ નથી પણ... 

 
વિરોધ કરનારાઓ પર અસામાજિક તત્ત્વોએ કબજો જમાવી દીધો હોય તેવો ભાસ થઈ રહ્યો છે. વિરોધ અને સમર્થન કરનારાઓની ઉશ્કેરણી, ઘર્ષણ અને ટકરાવ જ હિંસાને જન્મ આપે છે. આવા સંવેદનશીલ મુદ્દે વિરોધ પક્ષ કે સરકારના નેતાઓની, રાજનીતિ છોડી, સામાજિક સદભાવ બનાવવાની વૃત્તિ જ કાયદો - વ્યવસ્થા જાળવવામાં મદદ કરે, ભડકાઉ ભાષણો કદીયે નહીં. શાહીનબાગમાં ધરણાં કરી રહેલાં લોકોને વિપક્ષનો સહયોગ અને સમર્થન પણ હતાં કે નહીં ? હાઈકોર્ટે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, વારીસ પઠાણ, અભિનેત્રી સ્વરા ભાસ્કર દ્વારા આપવામાં આવેલાં ભડાકાઉ નિવેદનોની ટીકા કરી નોટિસ ફટકારી. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને દિલ્હી પોલીસને ય નોટિસ. કપિલ મિશ્રા જેવા નેતાઓએ ભડકાઉ ભાષણો કર્યાં છે એમની સામે પક્ષમાંથી જ પગલાં લેવાની માંગણી પણ થઈ, સીએએના કારણે હજુ એક પણ વ્યક્તિની નાગરિકતા છીનવાઈ નથી પણ મોત અનેક થયા છે.
 
તાહીર હુસેન ( tahir hussain ) આપ ( APP ) ના કાઉન્સીલરના ધાબા પરથી પેટ્રોલ બોંબ, પથ્થર વિ. મા તે લોકો મુકી ગયા તેવી વાહિયાત રજૂઆત કેટલી ઘૃણાસ્પદ. પક્ષમાંથી બરતરફી અને પાર્ટીનો જે કાર્યકર્તા પકડાય તેને ડબલ સજા તથા મૃતકો કે ઘાયલોને તાત્કાલિક લાખો રૂપિયાની મદદના નિર્ણયો યોગ્ય છતાં દોષનો બધો ટોપલો કેન્દ્ર સરકારને માથે ઢોળવો કેટલું યોગ્ય, જ્યારે તે જ પાર્ટીના કોર્પોરેટર તથા અન્ય પદાધિકારીઓ હિંસામાં સંડોવાયા હોય ?
 

delhi riots_1   
 

દિલ્હીના દામન પર દાગ - Delhi Riots

 
માનવતા હજી જીવંત છે, હિન્દુ પડોશીઓએ મુસ્લિમ કુટુબોને બચાવ્યા છે. કેટલા મુસ્લિમ કુટુબોએ હિન્દુઓને. છતાં, ખૌફનાક હિંસામાં હિન્દુ-મુસ્લિમ બન્ને મર્યા, મિલકતોને નુકસાન, પોલીસ અને આઈ.બી.ના અધિકારીની ક્રૂર હત્યા જેવી ઘટનાથી દિલ્હીના દામન પર દાગ લાગ્યો છે.
 
આ ભીષણ હિંસા દિલ્હીમાં કાયદો - વ્યવસ્થા જાળવણીની ઉણપ તથા મીડિયા રીપોર્ટ પ્રમાણે IB રીપોર્ટની અવગણના તરફ આંગળી ચીંધે છે. મુંબઈ તથા દિલ્હીની પોલીસ તો ભારતમાં, સ્કોટલેન્ડ યાર્ડ પોલીસની સમકક્ષ ગણાતી. દિલ્હી પોલીસ આ અંદેશાને માપવામાં અને તોફાની તત્ત્વો પર લગામ લગાવવામાં નાકામ રહી એ બાબતને ગંભીરતાથી લઈ કોર્ટે, ન્યાયાધીશ મુરલિધરને યોગ્ય અને ત્વરિત કાર્યવાહી ન કરવા બદલ પોલીસ પર પસ્તાળ પાડી. સરકારી વકીલની દલીલોને અવ્યવહારું ગણી કોર્ટે ઠપકારી, તે વધારે શરમજનક. મધરાતે ન્યાયાધીશની બદલી પણ આંતરિક વિરોધને વધુ તીવ્ર બનાવે.
 

વિશ્વસમુદાયમાં આપણી છબી ખરડાઈ છે!! 

 
ડોનાલ્ડ ટ્રમ્પ ( donald trump ) ની ભારત મુલાકાત વેળાએ જ આ થાય એ એ માનવા મજબૂર કરે છે કે અમેરિકન પ્રમુખના આગમન સમયે જ જાણી જોઈએ હિંસા ભડકાવવામાં આવી છે. આનો ઈરાદો આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ ભારતને નીચું દેખાડવા સિવાય બીજો કોઈ ન જ હોઈ શકે. ટ્રમ્પે આ બાબતને ભારતની આંતરિક બાબત ગણાવી. પરંતુ અમેરિકન રિપબ્લિક અને ડેમોક્રેટ બંને પક્ષના લોકોએ આને માનવ અધિકારનું ઉલ્લંઘન ગણાવ્યું, અમેરિકાનાં ૩૦થી વધુ શહેરોમાં સીએએના વિરોધમાં પ્રદર્શનો થયાં અને ધાર્મિક સ્વતંત્રતા પર નજર રાખનારી આંતરરાષ્ટીય એજન્સી યુ.એસ. કમિશન ઓન ઈન્ટરનેશલ રિલિજિયન ફ્રીડમે નાગરિકતા કાનૂન બાબતે રજૂ કરેલા રીપોર્ટમાં ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવા બાબતના સરકારના અનેક નેતાઓનાં ભાષણો-નિવેદનો પર ગંભીર ચિંતા વ્યક્ત કરી. આ બધી બાબતોએ વિશ્વસમુદાયમાં આપણી છબી ખરડાઈ છે, તે સુધારવાનું કામ પણ સરકારે કુનેહપૂર્વક તાકીદે કરવું જ રહ્યું.
 
સામાજિક સદભાવ અને સૌહાર્દ ઊભો કરવાની તાતી જરૂરિયાતના સમયે, વડાપ્રધાનની શાંતિ માટેની અપીલને ય ટીકાત્મક વલણે પ્રતિભાવ આપતા વિપક્ષ નેતાઓએ દૂધ પાઈને સાપ ઉછેરવામાંથી બચવું રહ્યું. સાપ ડખે ત્યારે ઝેર જ નીકળે, અમૃત નહીં તે બાબતે તેમણે સાવચેત થઈને અવ્યવહારુ અને ભયાનક રાજનીતિ છોડી, જવાબદેહી નેતૃત્વ સ્વીકારવામાં જ, તેમનું અને ભારતનું ગૌરવ જળવાશે. સૌ એ નૈતિકતા કેળવી, સંવિધાન થકી દેશ, દિલ્હી અને પરિવારની રક્ષા કરે.