૮૦-૯૦ના દશકની પુનરાવૃત્તિનો ભાવિ સંકેત શું છે?

    ૧૫-એપ્રિલ-૨૦૨૦   
કુલ દૃશ્યો |

india_1  H x W:
આ સમય પીડાનો જરૂર છે પરંતુ એવું લાગી રહ્યું છે કે આ દિવસો સોનેરી દિવસો છે. રામાયણ, મહાભારત, ચાણક્ય જેવાં દેશના આધ્યાત્મિક અને ઐતિહાસિક વારસાને સચોટ રીતે દર્શાવતાં ટીવી ધારાવાહિકોએ ઘર-વાસની પીડાને અમૂલ્ય સાધનામાં ફેરવી નાખ્યાં. પરિવારમાં નિકટતા આવી. ભૌતિક સુખો પાછળની આંધળી દોટ કરતાં પરિવારના પ્રેમનું મહત્ત્વ સમજાયું.
“એવું લાગે છે કે આપણે ૮૦-૯૦ના દશકમાં પાછા ફરી ગયા છીએ.”
 
ઘર-વાસ દરમિયાન લોકો એકબીજા સાથે ફૉન પર વાત કરતી વખતે આવું બોલતા જોવા મળ્યા. કેટલાકે કહ્યું કે આ અમૂલ્ય સમય છે. આવો સમય આપણને ફરી નહીં મળે. નોકરિયાતો, વેપારીઓ બધા કેટલા સમયે પોત-પોતાના પરિવારો સાથે રહી શક્યા!
 
તો અનેક લોકો એવા હશે કે આવા સમય દરમિયાન પોતાના પરિવારની નજીક આવી શક્યા હશે. અમદાવાદનો બાપુનગરનો કિસ્સો જુઓ. ‘દિવ્ય ભાસ્કર’માં પ્રકાશિત એક અહેવાલ મુજબ, મનીષાબેન અને તુલસીભાઈનાં લગ્ન સાત વર્ષ પહેલાં થયાં હતાં. પરંતુ તુલસીભાઈને મનીષાબેનના હાથનું ભોજન ન ભાવે! આથી બંને વચ્ચે અણબનાવ! ઑફિસની કેન્ટિનમાં જમી લે. પતિ વડોદરામાં અને પત્ની અમદાવાદમાં! શનિ-રવિની રજામાં પણ પતિ જ્યારે ઘરે આવે ત્યારે ઍપ પરથી ભોજન મગાવી લે! પરંતુ આર્યનારીના ગુણ મુજબ, ‘પતિનું હૃદય જીતવાનો રસ્તો પેટથી જાય છે’ તે ઉક્તિને સમજીને મનીષાબહેન રસોઈના વર્ગમાં જઈને રસોઈ શીખી આવ્યાં.
 
કોરોના વાઇરસના લીધે ઘર-વાસ થયો. પતિ અમદાવાદ આવ્યા. શરૂઆતમાં તો નાસ્તાથી પેટ ભર્યું, પછી કંટાળ્યા. ત્રણ દિવસ પછી પતિએ જમવાનું છોડી દીધું! આથી વ્યથિત પત્નીએ હેલ્પલાઇનની મદદ લીધી. હેલ્પલાઇન પરથી સલાહ મળી કે એક વાર પત્નીના હાથનું જમી તો જુઓ, નહીં ભાવે તો અમે ટિફિન પહોંચાડીશું. પતિના ગળે વાત ઉતરી અને તેણે પત્નીના હાથની રસોઈ જમી. તેના આશ્ચર્ય વચ્ચે પત્ની મનીષાબહેને સ્વાદિષ્ટ રસોઈ બનાવેલી અને આ રીતે કોરોના વાઇરસના લીધે આવી પડેલા ઘર-વાસની આપત્તિ તેમનાં લગ્નજીવન માટે આશીર્વાદરૂપ સાબિત થઈ!
 
કેટલાક પુરુષોએ ઘરના સભ્યો માટે રસોઈ કરી. કેટલાકે પોતાના જૂના કાગળની સાફસફાઈ કરી. કોઈ નવા પિતાએ પોતાના ત્રણ મહિનાના બાળકના માલિશ સહિતની જવાબદારી ઉઠાવી તો કોઈ પિતા-પુત્રએ મળીને સાસુ-પુત્રવધૂ માટે રસોઈ બનાવી! કોઈ વૉટ્સએપ વિડિયો કૉલ દ્વારા અંતાક્ષરી રમ્યા. તો આર. આર. શેઠ જેવા પ્રકાશકે અને સૌરભ શાહ જેવા લેખકે આ સમય સદ્વાંચનમાં વિતે તે માટે એમેઝૉન પર નિઃશુલ્ક ઇ-બુક ડાઉનલૉડ કરવા વ્યવસ્થા કરી આપી!
 

ramayana_1  H x 
 
આ સમય દરમિયાન દૂરદર્શન પર ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’નું સૂત્ર ધ્યાને ફરી ચડ્યું! આ સૂત્રને ચરિતાર્થ કરતાં દૂરદર્શનના સોનેરી કાળનાં ધારાવાહિકો ‘રામાયણ’, ‘મહાભારત’ તો શરૂ થયાં જ, સાથે ‘ચાણક્ય’, ‘ઉપનિષદગંગા’, ‘બુનિયાદ’, ‘વ્યોમકેશ બક્ષી’, ‘શ્રીમાન શ્રીમતી’, ‘દેખ ભાઈ દેખ’, ‘રજની’ અને ‘બુનિયાદ’ પણ શરૂ થયાં.
 
નવી પેઢીએ ‘રામાયણ’ જોયું હતું પરંતુ તે એનડીટીવી ઇમેજિન પર નવું! ‘મહાભારત’ જોયું હતું પરંતુ એકતા કપૂરવાળું! પરંતુ રામાનંદ સાગર અને બી. આર. ચોપરાના આ બંને ધારાવાહિકો દિવસમાં બે વાર પ્રસારિત કરીને આ ઘર-વાસને મોદી સરકારે આધ્યાત્મિક અને ઐતિહાસિક ભાથુંવાળો બનાવી દીધો! ઘણાએ કહ્યું કે અમે આખું ઘર ‘રામાયણ’ અને ‘મહાભારત’ બંને જોઈએ છીએ. અમને હતું કે વેબ સિરિઝ અને મોબાઇલ પર ટૂંકા વિડિયો જોતી, ઉર્દૂ અને અંગ્રેજીભાષાવાળી હિન્દીમાં ફિલ્મ/ધારાવાહિકોમાં સંવાદો સાંભળતી નવી પેઢીને આ ધારાવાહિકોના શુદ્ધ સંસ્કૃતપ્રચુર હિન્દીવાળા સંવાદો, જૂની ટૅક્નિકવાળી ફૉટોગ્રાફીવાળા આ ધારાવાહિકો નહીં પસંદ પડે, પરંતુ અમારા આશ્ચર્ય વચ્ચે તમને આ ધારાવાહિકો ગમ્યા. અલબત્ત, નવી પેઢીની તર્કગમ્ય લાક્ષણિકતા મુજબ, તેમના કેટલાક પ્રશ્નો હતા જેના જવાબ તેમને જોઈતા હતા.

ramayana_1  H x 
 
આ દરમિયાન હવા પહેલાં કરતાં શુદ્ધ થઈ! રસ્તા પર ટ્રાફિક બંધ થયો એટલે વાહનોની ઘરઘરાટી બંધ થતાં અદ્ભુત શાંતિ દેખાઈ. લોકોમાં મ્યૂઝિક સિસ્ટમનાં ગીતો બંધ થયાં! આને, સન્નાટો ગણવો કે શાંતિ તે દરેકની પોતપોતાની દૃષ્ટિ મુજબ હોઈ શકે! પરંતુ શાંતિ હતી તે ચોક્કસ છે. અને બે રવિવારે લોકોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર તાળી-થાળી કે ઘંટીનો નાદ કર્યો ત્યારે અને દીપ પ્રજ્વલન કર્યું ત્યારે જે ઉત્સાહ-માનસિક શાંતિ અને આનંદનો અનુભવ કર્યો તે અદ્ભુત હતો.
 
એટલે લેખની શરૂઆત જે વાક્યથી કરી હતી કે એવું લાગે છે કે આપણે ૮૦-૯૦ના દશકમાં પાછા ફર્યા છે તે સ્થિતિ દરેક રીતે પાછી ફરી! એ વખતે વાહનોની આટલી દોડ નહોતી. પૈસા કમાવવા આંધળી દોટ પણ નહોતી! પરિવારને પહેલી પ્રાથમિકતા હતી! પરિવાર સાથે આનંદથી સમય વિતાવવો એનાથી મોટું કોઈ કામ નહોતું. મોબાઇલ તો હતાં જ નહીં, પરંતુ થિયેટર, હૉટલ વગેરે પાછળ પણ દર અઠવાડિયે દોટ નહોતી. અને સોમથી શનિ દરમિયાન પડોશીઓ ઘરની સામે ખુરશી નાખીને બેસતા અને વાતો કરતા. પડોશણો પણ એકબીજા સાથે ગપ્પા-ગોષ્ઠિ કરતી. છાશના મેળવણથી લઈને ખાંડ, લીમડા હકથી માગી શકાતાં અને ઘરે કોઈ ખાસ વાનગી બનાવાઈ હોય તો પડોશીના ઘરે અચૂક દેવા જવાતું. પડોશીઓ મળીને એકબીજાના ઘરે મહિનામાં એક દિવસ જમતા. આ સમય જાણે પાછો ફર્યો. અલબત્ત, તેમાં પડોશીઓ સાથે બેસીને ગપ્પા મારી શકે તે શક્ય નહોતું પરંતુ આમ છતાં પોતપોતાના ઘરની અંદરથી વાતો કરતા હોય તેવી તસવીરો પણ જોવા મળી! 
 
‘રામાયણ’ ૧૯૮૭માં આવી હતી. તે વખતે કૉંગ્રેસના નેતાઓને બીક લાગી હતી કે આ ધારાવાહિકનું પ્રસારણ થશે તો હિન્દુત્વની વાત કરતા ભાજપને બળ મળશે. આજે ‘સિયા કે રામ’માં કે ‘કહાની મહાભારત કી’માં જે રીતે વિકૃતિ સાથે બતાવવામાં કથાઓ બતાવવામાં આવી તેના બદલે નવી પેઢી પણ સ્વીકારે છે કે રામાનંદ સાગરના ‘રામાયણ’ અને ‘મહાભારત’માં ગહન સંશોધન કરાયું. મૂળ કથાને વળગી રહેવાયું. તે વખતનાં વસ્ત્રો-આભૂષણો-ભવનો, અભિનય વગેરેમાં ચોકસાઈ રાખવામાં આવી. સંવાદોમાં ઉર્દૂ શબ્દો નહોતા. એટલું જ નહીં, વિધિ-વિધાનમાં, મંત્રોચ્ચારણમાં પણ ખૂબ જ ચોકસાઈ રાખવામાં આવી, એટલે સુધી કે મરણ જેવી અમુક વિધિમાં જનોઈને સવ્ય-અપસવ્ય કરવી પડે તેનું પણ ધ્યાન રખાયું. બ્રહ્માંડનું, શરીરમાં સાત ચક્રનું, કઈ દિશામાં સૂવું, વગેરે જ્ઞાન વશિષ્ઠ દ્વારા અપાયું. લોકોએ એ પણ જોયું કે કહેવાતા ક્ષત્રિય શ્રી રામ તેમના ગુરુકુળ મિત્ર નિષાદ રાજ ગુહને બરાબર સન્માન આપે છે અને કથિત બ્રાહ્મણ મહર્ષિ ભારદ્વાજ શ્રી રામની બાજુમાં જ નિષાદ રાજને બેસવા કહે છે. શ્રી રામ શબરીનાં એઠાં બોર ખાય છે.
 

ramayana_1  H x 
 
નિષાદ રાજ ગુહ જ્યારે વનવાસમાં શ્રી રામને માર્ગ દેખાડવા માટે સાથે આવવા કહે છે ત્યારે પોતે અન્યાયનો ભોગ બન્યા હોવા છતાં શ્રી રામ તેમને પાછા વળી જવા કહી તેમને કહે છે કે મારો અનુજ ભરત હજુ બિન અનુભવી છે. આથી જો અયોધ્યા પર આક્રમણ થાય તો તમે ભરતને સાથ આપજો. આમ કરી તેમણે પોતાના સંબંધોનો ઉપયોગ કરીને બીજા રાજ્યની મદદ પાકી કરી લીધી. પરંતુ તે પછી રાજાઓ અહંકારમાં ઊંચ-નીચમાં માનવા લાગ્યા અને આ રીતે મિત્રતા દ્વારા બીજા રાજ્યની મદદ લેવાનું ભૂલતા ગયા. જો આમ ન થયું હોત તો મોહમ્મદ ગઝનવી કઈ રીતે આટલે દૂરથી ભારતમાં છેક સોમનાથ સુધી આવીને ૧૭ વાર લૂટી જાય? મુઠ્ઠીભર અંગ્રેજો કઈ રીતે ભારતના ઘણા ભાગ પર કબજો કરી શકે?
 
ભીષ્મની પ્રતિજ્ઞા પણ લોકોએ જોઈ. ભીષ્મએ પિતાના મોહમાં પિતાને પૂછ્યા વગર આજીવન બ્રહ્મચારી રહેવા અને જે પણ રાજા બને તેની સેવા કરવાની પ્રતિજ્ઞા લઈ લીધી અને ચિત્રવીર્ય-વિચિત્રવીર્ય સંતાન વગર ગુજરી ગયાં ત્યારે એ પ્રતિજ્ઞા જેના કારણે લીધી હતી તે માતા સત્યવતીએ આદેશ આપ્યો તો પણ પ્રતિજ્ઞા તોડી નહીં. આખું જીવન અધર્મી ધૃતરાષ્ટ્ર અને કૌરવોને સાથ આપતા રહ્યા! કુળવધૂ દ્રૌપદીનું ચીરહરણ પણ સભામાં ઉપસ્થિત રહીને જોયું! આની સામે શ્રી કૃષ્ણએ યુદ્ધમાં શસ્ત્રો ન ઉઠાવવા પ્રતિજ્ઞા કરી હતી પરંતુ જ્યારે ભીષ્મ દુર્યોધનના ટોણાથી પોતાનાં બાણોથી અગ્નિ વરસાવવા લાગે છે અને પાંડવોના પક્ષે હાહાકાર મચાવી દે છે ત્યારે શ્રી કૃષ્ણ રથનું પૈડું ઉઠાવી લીધું. આમ, લોક કલ્યાણ માટે-ધર્મની રક્ષા માટે પોતાની છબિ ભલે બગડે, પણ શ્રી કૃષ્ણ પ્રતિજ્ઞા તોડવા તૈયાર થઈ ગયા. શ્રી રામ પણ મૃત્યુ પામી રહેલા વાલિને એ જ કહે છે કે અધર્મનો આશરો લેતા તને મારવા માટે મારી નિંદા થાય તો પણ મને વાંધો નથી.
 
આજે સજ્જનોની સંખ્યા ઓછી નથી. પરંતુ તેમની નિષ્ક્રિયતા ભારે પીડા આપનારી છે. પોતે દુર્જનો વિરુદ્ધ કંઈ બોલશે કે કરશે તો પોતાની છબિ બગડશે તે વિચારે છે. આજે દેશ વિરુદ્ધ કંઈ એલફેલ બોલવામાં આવે, કાયદાને કોઈ સહકાર ન આપતું હોય તો જે બોલનાર હોય તેને ઉદ્દેશીને ભલે તમે ન બોલો કે લખો પરંતુ તેની સામે તે બાબતે દેશને-કાયદાને સમર્થન આપતો તમારો મત તો મૂકો. સંયમિત ભાષામાં સારા શબ્દોમાં પણ પોતાની વાત મૂકી જ શકાય છે.
 
એટલે બાળપણમાં ‘રામાયણ’ અને ‘મહાભારત’ જોયાં હોય તો આજે ફરીથી નવાં દૃષ્ટિકોણથી જોઈ શકાય. ‘બુનિયાદ’માં દેશને સ્વતંત્ર કરવા ક્રાંતિકારી માર્ગે મથતા આર્યસમાજી માસ્ટર હવેલીરામને જુઓ તો ખબર પડે કે ‘દે દી હમેં આઝાદી બિના ખડગ બિના ઢાલ’ પંક્તિ બોદી છે. સહુના સહિયારા પ્રયાસથી આ સ્વતંત્રતા મળી છે. વિધવાને પરણતા અને ક્રાંતિના માર્ગે ચાલતા માસ્ટર હવેલીરામ અને તે માટે સરકારી ઠેકો (કૉન્ટ્રાક્ટ) લઈને વેપાર કરતા પોતાના પિતાજી દ્વારા ઘર નિકાલ, તેમની વસિયતમાંથી બહાર કાઢી મૂકવાની પીડા સહી લે છે. કેટલા ક્રાંતિકારીઓએ આ રીતે પરિવારને છોડીને ગુપ્ત રીતે પ્રવૃત્તિ કરી અંગ્રેજો પર દબાણ લાવ્યું હશે? આ જ ધારાવાહિકમાં હજુ એ કથા નથી આવી પણ આવનારા દિવસોમાં ભારત વિભાજનની કરુણાંતિકા પણ દર્શાવાશે એ જોવાનું પણ ચૂકવા જેવું નથી!
 
૮૦-૯૦ના દશકામાં આ ધારાવાહિકોનો પણ હિન્દુત્વમાં ઉછાળમાં અમૂલ્ય ફાળો હતો તો આજે પણ એ સ્થિતિ છે કે સાચા હિન્દુત્વને (જેને ઘણી વાર હિન્દુવાદીઓ પણ નથી જાણતા હોતો) જાણવાનો આ ધારાવાહિકો દ્વારા મોકો મળ્યો છે. સાથે, તે સમયે રાજકારણમાં પણ ઇતિહાસ પડખું ફેરવી રહ્યો હતો, બિન કૉંગ્રેસી મોરચા સરકાર આવી રહી હતી. ઉદારીકરણની નીતિ દ્વારા દેશની આર્થિક નીતિ સમૂળગી બદલાઈ હતી. જોકે ત્યારે કેન્દ્રમાં અસ્થિરતા પણ હતી પરંતુ તે શાંતિ પહેલાંની અશાંતિ હતી. અત્યારે એક સ્થિર ભાજપ સરકાર છે, જેનું મજબૂત નેતૃત્વ વિશ્વભરમાં કોરોના વાઇરસ સામેની લડતના કારણે વખણાઈ રહ્યું છે. આજે કોરોનાના કારણે ‘નમસ્તે’, એકબીજા વચ્ચે દેખાડાની શારીરિક સંપર્કવાળી કથિત આત્મીયતા નહીં, પરંતુ મર્યાદાવાળી-આજે જેને સૉશિયલ ડિસ્ટન્સિંગ કહે છે તે સાથેની અને હૈયેથી હૈયાની આત્મીયતાની જરૂર છે તેમ વિશ્વ સ્વીકારે છે. ઘરમાં પ્રવેશ પહેલાં હાથ-પગ ધોવા, સૂતક, માસિક વગેરે ધર્મ કે જાતિના નામે નહીં પરંતુ સ્વચ્છતા-વિજ્ઞાન અને મનોવિજ્ઞાનનાં કારણોથી હતું તે હવે લોકો સમજી રહ્યા છે.
 
આ ગર્ભાવસ્થાની પીડા છે. એવી આશા છે કે આ પીડા માને જેમ બાળકને જન્મ આપીને આનંદ આપે છે તેમ જનેજનમાં હિન્દુત્વના પુનરુત્થાનની પીડા બની રહેશે તેવો પૂરો વિશ્વાસ છે.