દેશભરમાં પ્રસરેલી કોરોના જેહાદ સામેના યુધ્ધ સમયે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા કર્મીઓની વીર ગતિ...

    ૨૦-એપ્રિલ-૨૦૨૦
કુલ દૃશ્યો |

jammu kashmir shahid_1&nb
કોરોના વાઇરસના જન્મ સ્થાન ચીનને કારણે આજે ભારત સહિત સમગ્ર વિશ્વની માનવજાત કોવિડ-19 સામે ઝઝુમી રહી છે ત્યારે આતંકવાદના જન્મ સ્થાન પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં આતંકી જેહાદ પુરજોશમાં ચલાવી રહ્યું છે. આ માસના પ્રથમ સપ્તાહમાં આપણાં દેશનાં નરશાર્દુલ સુરક્ષા કર્મીઓએ ૯ જેટલા નરરાક્ષસોને નર્કાગારમાં મોકલી આપ્યા હતા. પરંતું ભારત માતાની રક્ષા કરતાં કરતાં પાંચ નરશાર્દુલો વીર ગતિ પામ્યાં હતાં. કોરોના જેહાદ સામે ઝઝુમી રહેલા ભારતમાં મિડિયાએ અમિત કુમાર સહિતના એ પાંચ નરશાર્દુલો વીર ગતિની ગાથાની વિશેષ નોંધ લીધી નથી એ દુર્ભાગ્યપુર્ણ છે. "સાધના" નાં વાચકો માટે પ્રસ્તુત છે એ વીર બલિદાનીઓની કથા....
 
૧ એપ્રિલના દિવસે જમ્મુ-કાશ્મીરમાં હિમાચ્છાદિત LoC ઉપર પાકિસ્તાની આતંકીઓ ઘુસણખોરીનો પ્રયત્ન કરી રહ્યાં છે તેવી જાણકારી સુરક્ષા કર્મીઓને પ્રાપ્ત થઈ અને તરત જ 8 જાટ રેજીમેન્ટના વીર સૈનિકો તેમના શિકારને શોધવા નીકળી પડ્યા. પાકિસ્તાની આતંકી ઘુસણખોરોનાં હિમાચ્છાદિત માર્ગ ઉપર અંકિત થયેલાં પગલાંને આધારે સુરક્ષા કર્મીઓએ આતંકીઓને પડકાર્યા અને તે પછી થયેલા સામસામા ગોળીબારને કારણે પાકિસ્તાની આતંકીઓ કેટલોક દારુગોળો ત્યાં જ મુકીને ભાગી ગયા. એ પાકિસ્તાની આતંકીઓ ત્યાં જ ક્યાંક સંતાયા હોવાથી તરત જ આપણાં સુરક્ષા કર્મીઓએ એ વિસ્તારની નાકાબંધી કરીને એ વિસ્તારમાં સઘન તપાસ આરંભી. રાષ્ટ્રીય રાઈફલ્સનાં સૈનિકો પણ આ અભિયાનમાં જોડાયા હતાં.
 
બાર કલાક સુધી ચાલેલી શોધખોળ પછી આતંકીઓનું ઠેકાણું હાથ લાગ્યું. ત્યાં પણ આતંકીઓ, આપણાં સુરક્ષા કર્મીઓ ઉપર ભારે ગોળીબાર કરીને ફરીથી નાસી છૂટયા.
 
આપણાં સુરક્ષા કર્મીઓ અને પાકિસ્તાની આતંકીઓ વચ્ચે આવી સંતાકૂકડી કલાકો સુધી ચાલતી રહી. હવે તો કોઈ પણ ભોગે એ આતંકીઓને નર્કમાં પહોંચાડવાના નિશ્ચય સાથે એ સુરક્ષા કર્મીઓની સાથે સ્પેશ્યલ ફોર્સ-SF-ના સૈનિકો પણ જોડાયા.
૪ એપ્રિલના દિવસે બટાલિયન મુખ્યાલયથી લઈને રંગદુરી, ગુડુલદ્વાર અને તીન બેઠક જેવા કુપવાડાના જુમગુન્ડ ક્ષેત્રના ડુંગરાળ વિસ્તારમાં શરૂ થયેલાઆ અભિયાનમાં ડ્રોન અને ધ્રુવ હેલીકોપ્ટરની સહાયતાથી આતંકીઓને શોધી કાઢવામાં આવ્યા.
 

jammu kashmir shahid_1&nb 
 
બંને પક્ષેથી ચાલી રહેલા ગોળીબારની વચ્ચે સાંજે આપણાં વીર સુરક્ષા કર્મીઓએ કુપવાડા પાસેના ઘનઘોર જંગલ વિસ્તારમાં ઘેરી લીધા. આતંકીઓને આંતરવામાં મગ્ન સુબેદાર સંજીવ અને પેરા ટ્રુપર્સ અમિત તથા છત્રપાલ એ ત્રણેયના ધ્યાનમાં આવ્યું કે તેઓ ત્રણેય એક હિમશિલાની ધાર ઉપર પહોંચી ગયા હતાં. દુર્ભાગ્યે, ત્રણેયના ભારથી એ હિમશિલાની ધાર તુટી પડી અને એ ત્રણેય દોઢસો ફૂટ ઉંડા નાળામાં ખાબક્યા. સદભાગ્યે આ દુર્ઘટનાનું સુખદ પરિણામ એ આવ્યું કે એ ત્રણેય સૈનિકોને ઘણાં બધાં ફ્રૈક્ચર થયાં તેમ છતાં તેઓ બચી ગયાં, એટલું જ નહીં પરંતુ તેઓ એ પાકિસ્તાની આતંકીઓની સાવ પાસે જ પહોંચી ગયા હતા.
 
શત્રુઓને હણી નાખવા એ ત્રણેય ઘાયલ સૈનિકોએ મરણિયા બનીને આતંકીઓ ઉપર ગોળીબાર શરૂ કર્યો. પરંતુ અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ આતંકીઓએ કરેલા વળતા ગોળીબારમાં સુબેદાર સંજીવ તથા પેરા ટ્રુપર્સ અમિત અને છત્રપાલ ગંભીર રીતે ઘવાયાં. ૧૫ ગોળીઓથી વીંધાયેલા અમિતનું શરીર ચાળણી જેવું લાગતું હતું. આવી વિકટ પરિસ્થિતિમાં પણ એ ત્રણેય વીર સૈનિકોએ પાંચમાંથી બે પાકિસ્તાની આતંકીઓને નર્કમાં પહોંચાડ્યા પછી જ અંતિમ શ્વાસ લીધા અને વીર ગતિ પ્રાપ્ત કરી.
 
એ ત્રણેય વીર સૈનિકોને અનુસરીને ત્યાં પહોંચી ગયેલા હવાલદાર દેવેન્દ્ર અને પેરા ટ્રુપર બાલ કિશને બાકી રહેલા ત્રણ પાકિસ્તાની આતંકીઓ ઉપર આક્રમણ કર્યું અને બે આતંકીઓ નર્કમાં પહોંચાડ્યા. આ ગોળીબારમાં બંને સૈનિકોને ઈજા થઈ હતી. જો કે તેમના આક્રમણથી બચીને ભાગી ગયેલા પાંચમાં આતંકીને જાટ રેજીમેન્ટના વીર સૈનિકોએ નર્કમાં પહોચાડી દીધો. આમ, ચાર દિવસ સુધી ચાલેલા આ રણ સંગ્રામને અંતે પાંચેય નર પિશાચોને પુણ્ય ભૂમિ ભારતમાં મુક્તિ મળી હતી, પરંતુ ભારત માતાના ત્રણ સપુતો વીર ગતિ પામ્યાં હતાં.
 
એ વીરવ્રતિ સૈનિકો સુબેદાર સંજીવ અને પેરા ટ્રુપર્સ અમિત તથા છત્રપાલને આપણા સૌની વિનમ્ર શ્રધ્ધાંજલિ.