કોરોના વાઇરસનો સૌથી મોટો સંદેશ કયો? એવો પ્રશ્ન પૂછો તો જવાબ મળે….

    ૨૩-એપ્રિલ-૨૦૨૦   
કુલ દૃશ્યો |

coronavirus_1  
 
 
કોરોના વાઇરસના કારણે ઘણા બોધપાઠ મળ્યા પરંતુ તેના લીધે બે ચીજો સૌથી વધુ યાદ આવી તો તે સ્વચ્છતાનો મંત્ર અને બીજું ગામડાં. સ્વચ્છતા એ હિન્દુની જીવનચર્યામાં ડગલે-પગલે વણાયેલી હતી પરંતુ તે ભૂલ્યા તેમાં અનેક રોગે ભરડો લીધો. આ જ રીતે ગામડાં પણ આ મહામારીમાં મીઠાં લાગી રહ્યાં છે…
 
કોરોના વાઇરસનો સૌથી મોટો સંદેશ કયો?
એવો પ્રશ્ન પૂછો તો જવાબ મળે, સ્વચ્છતા!
 
ગાંધીજીએ સ્વતંત્રતા આંદોલનની સાથે બીજા જે કેટલાક મુદ્દાઓ વણી લીધા હતા તેમાં સ્વચ્છતા પણ એક હતો. ગાંધીજીએ તો ત્યાં સુધી કહેલું કે “સ્વતંત્રતા કરતાં સ્વચ્છતા મહત્ત્વની છે!”
 
ગાંધીજી માત્ર વાત જ નહોતા કરતા પરંતુ સાથે વ્યવહારમાં પણ ઉતારતા.
 
ગાંધીજીને પશ્ચિમમાંથી આ વાત શીખવા મળી હતી તેમ કહેવાય છે, પરંતુ જો હિન્દુ ધર્મ જીવન શૈલી જોવામાં આવે તો સ્વચ્છતા એ ડગલે ને પગલે આપણા જીવનમાં વણાયેલી છે. આપણે ત્યાં સ્વચ્છતા કઈ રીતે જીવનનું અભિન્ન અંગ હતી તે જોઈએ.
 
# ઘરમાં આવતાં વેંત ફળિયામાં ચોકડી રહેતી જ્યાં કૂવામાંથી પાણી સિંચીને હાથ-પગ ધોવડાવાતા.
 
# નહાયા વગર રસોડામાં કોઈને પણ પ્રવેશ નહોતો.
 
# નહાયા વગર જમવા મળતું નહોતું.
 
# શિવજી અને નંદીની વાર્તા. ત્રણ વાર નહાવું અને એક વાર ભોજન લેવું. નંદીએ ગરબડ કરી અને માણસે અપનાવી લીધી.
 
# સ્મશાનયાત્રાએ જાવ તો સ્મશાનમાં ટુવાલ કે ગમછો લઈને જવાનું. ત્યાં જ નાહી લેવાનું. ઘરે આવે તો ક્યાંય અડ્યા વગર સીધા નહાવા જવાનું. આનું કારણ ભૂત-પ્રેત નહીં, મૃતદેહના જીવાણુ ન લાગે તે હતું.
 
# ઘરમાં બે વાર સંજવારી કઢાતી. સવારે અને રાત્રે.
 
# દિવાળી પહેલાં આખા ઘરની, ખૂણેખાંચરેથી સાફ-સફાઈ કરવાનો રિવાજ.
 
# નહાયા વગર પૂજા ન થઈ શકે. પૂજા તેમજ વિધિવિધાનની અંદર પણ વારંવાર પવિત્ર થવાનું સમાવિષ્ટ. સંધ્યા વંદન હોય કે અન્ય વિધિવિધાન, પ્રાણાયામ કરવામાં આવે તો પણ હાથ ધોવડાવાય છે. અંગન્યાસ કરીને પણ હાથ ધોવાનું વિધાન છે.
 
# સંધ્યા વંદનમાં ગોમૂત્ર અને ગાયના છાણથી શુદ્ધિનું પણ મહત્ત્વ છે. તેનાથી જીવાણુ મરે છે. કોઈનું મૃત્યુ થાય ત્યારે ગાયના છાણથી મૃતદેહને જ્યાં દર્શનાર્થે રાખવાનો હોય તે જગ્યા લિંપવામાં આવે છે.
 
#  સવારે ઊઠીને દાતણ/બ્રશ કરવાની ટેવ. આજકાલ મૉડર્ન દેખાવા મમ્મીઓ બાળકોને સ્નાન કરતી વખતે બ્રશ કરવાની ટેવ પાડે છે. તે પહેલાં દૂધ વગેરે આપી દે છે.
 
# શૌચ-મૂત્રાદિ ક્રિયામાં પશ્ચિમમાં ટિશ્યૂ પેપરનો ઉપયોગ છે, આપણે ત્યાં પાણીથી અંગસફાઈનું મહત્ત્વ છે. તે પછી પણ હાથ ધોવાની ટેવ પડાય છે.
 
#  શુભ ક્રિયાઓ જમણા હાથે અને અશુભ ક્રિયાઓ ડાબા હાથે કરવાની ટેવ. શૌચ વગેરે ક્રિયામાં ડાબા હાથનો ઉપયોગ. જમવામાં જમણા હાથનો. આના કારણે રજમાત્ર અસ્વચ્છતા હોય તો તેના કારણે તકલીફ ન પડે તેવો હેતુ.
 
# આપણે ત્યાં કપડાં-વાસણ રોજ ધોવાની સ્વાભાવિક ટેવ. બાથરૂમ રોજ ધોવામાં આવે છે. પરંતુ કેટલીક મૉડર્ન ગૃહિણી (અહીં તેમજ અમેરિકા જેવા દેશમાં) કપડાં એકઠાં કરી અઠવાડિયે એક વાર વૉશિંગ મશીનમાં ધોવે છે. વાસણ માટે કામવાળી પર નિર્ભર હોય ત્યારે કામવાળી અનેક ઘરે કામ કરતા હોવાથી કોઈક વાસણ બરાબર ન ધોવાય તેવું પણ બને. આથી સ્વચ્છતા ન જળવાય.
 
# ગોળામાંથી પાણી લેવા ડોયાનો ઉપયોગ. આજે બહારથી આવી બાળકો સીધા ફ્રિજમાંથી પ્લાસ્ટિકની બૉટલ કાઢી પાણી ગટગટાવે છે.
 
# સામૂહિક જમણવારમાં વાસણના બદલે પતરાળાંનો ઉપયોગ કરાતો. પર્યાવરણ માટે પણ હિતાવહ.
 
# પુસ્તકને પગ ન અડાડાય તેવી માન્યતા.
 
# બાળકનો જન્મ થાય ત્યારે સૂતક લાગે તેમ કહી નવજાતને બહારના લોકોથી દૂર રાખવામાં આવે. મૃત્યુ થાય ત્યારે પણ સૂતક લાગે તેમ કહી ઘરના સભ્યો બહારના લોકોથી દૂર રહે. પૂજાપાઠ પણ આ સમયમાં બંધ રખાય.
 
# શાળા એ વિદ્યા મંદિર છે. મંદિરની જેમ ત્યાં પગરખાં ઉતારીને અંદર જવાય. ઘરમાં પગરખાં બહાર ઉતારીને અવાય.
 

coronavirus_1   
 
 
આ બધું હોવા છતાં આપણે ૨૧મી સદીમાં પ્રવેશી ગયા, ટૅક્નૉલૉજી વગેરે તમામ રીતે પ્રગતિ કરી પરંતુ સ્વચ્છતાની રીતે અવગતિ કરી. જાહેરમાં નાક સાફ કરવું, ગળફો થૂંકવો, પાન ખાઈને ગમે ત્યાં થૂંકવું, ગમે ત્યાં મળ-મૂત્ર માટે બેસવું, ટ્રેન વગેરે જાહેર જગ્યાએ નાસ્તો કરી સફાઈ ન કરવી, પોતાનું ઘર સ્વચ્છ રાખવું પરંતુ ઘરની બહારનો પેસેજ કે શેરી નહીં, અને પશ્ચિમનું જોઈ-જોઈ નહાયા વગર નાસ્તો કરવો-જમવું, નહાતી વખતે બ્રશ કરવું, બહારથી આવી ફ્રિજમાંથી પાણીની બૉટલ કાઢી પાણી ગટગટાવવું, પગરખાં બહાર ઉતારવાના બદલે અંદર પહેરીને આવી જવું (મહેમાન તરીકે પણ). આવી અનેક અસ્વચ્છતા સંબંધિત કુટેવો આપણામાં આવી ગઈ. અભિવાદન માટે નમસ્તેના બદલે હસ્તધૂનન અને ભેટીને ચુંબન કરવા સુધીની પશ્ચિમની વિકૃતિ અપનાવી. મળ-મૂત્રનો આવેગ ન રોકવો જોઈએ જ્યારે જાહેરમાં પ્રેમાવેગને રોકવો જોઈએ, પણ ટેવ ઊંધી પાડી. બહારના લારીથી માંડીને હૉટલ-રેસ્ટૉરન્ટમાં જમવાનું વધ્યું. ઍપ પરથી ઑનલાઇન ઑર્ડર કરી ભોજન મગાવવાનું વધ્યું. તેમાં કેટલી સ્વચ્છતા રખાય છે તેના અનેક વિડિયો સમયે-સમયે વાઇરલ થાય જ છે, તેમ છતાં આપણી આંખ નથી ઉઘડતી. ઘરમાં સભ્યો ઘટવાથી ગૃહિણીને રસોઈનો કંટાળો આવે તો અઠવાડિયે રજા હોય ત્યારે પતિએ મદદ કરીને રસોઈમાં અને અન્ય કામોમાં સાથ આપવો જોઈએ. બહારનું જમીને માંદા પડવા કરતાં તો આ મહેનત આનંદ જ આપશે કારણકે પોતે બનાવેલી રસોઈ વધુ સ્વાદિષ્ટ લાગે.
 
જે લોકો અમેરિકા વગેરે વિદેશ જાય છે તેમના અનુભવો ખબર જ છે કે ત્યાં કામ કરવા કે રસોઈ કરવા કોઈ માણસ મળતા નથી. બધાં કામ જાતે કરવાં પડે છે. તો પોતાના દેશમાં કામ કરવામાં વાંધો કેમ?
 
આ બધી અસ્વચ્છ ટેવોનું પરિણામ ફ્લુ, મેલેરિયાથી લઈને કોરોના વાઇરસ જેવી બીમારી. કદાચ, આનો પૂર્વ સંકેત મળ્યો હોય કે ગમે તેમ પણ વડા પ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર્ય દિનના પહેલા પ્રવચનમાં સ્વચ્છતા અભિયાનની અને શૌચાલય નિર્માણની જાહેરાત કરેલી અને દેશવાસીઓને આગ્રહ કરેલો કે ૨૦૧૯માં ગાંધીજીની ૧૫૦મી જયંતી પર દેશને સંપૂર્ણ સ્વચ્છ કરવાનો અનુરોધ કરેલો.
 
જોકે આ કોરોનાના આક્રમણ વખતે ગામડાંઓ મોટા ભાગે બાકાત રહ્યા અને જે લોકો ગામડાં મૂકીને સુરત વગેરે મહાનગરોમાં ગયાં હતાં તેમને ગામડાં વહાલાં લાગવાં લાગ્યાં. ગુજરાતી જ નહીં, સમગ્ર ભારતમાં આ સ્થિતિ થઈ. નહીંતર પહેલાં કહેતાં હતાં કે સૂકો રોટલો ખાશું પણ ગામડામાં તો નહીં જ રહીએ. કોઈ માતાપિતા પોતાની દીકરી ગામડે દેવા તૈયાર નહોતું. પરંતુ કોરોનાએ વાસ્તવિકતાનું ભાન કરાવ્યું.
 
બે કાઠિયાવાડી બહેનોનું નવું નક્કોર લોકગીત સૉશિયલ મિડિયા પર સાંભળ્યું હશે (જુઓ બૉક્સ)
ઉઘાડો ડેલો અમે સુરતથી આવ્યાં,
રાતોરાત ભાગી નીકળ્યા, ભાડાની તો ગાડી લીધી,
છોકરાવારુ સાથે લીધાં, વચમાં તો પોલીસ મળ્યા, દંડેદંડે માર્યા રે…ઉઘાડો ડેલો અમે…

પહેલાં તો એમ કે’તા’તા, મરચું ને રોટલો ખાવો છે
સુરતમાં રે’વું છે, કોરોનાનો રોગ આયવો
રાતોરાત ભાયગા રે…ઉઘાડો ડેલો અમે…

સુરત હોય તો વેહવાળ કરીએ, દેહ (દેશ)માં તો દેવી નો’તી
ગામડામાં રે’વું નો’તું, ઢોરાંને સાચવવાં નો’તાં,
ગામડાએ આશરો દીધો રે…ઉઘાડો ડેલો અમે…

ખેતી મને ફાવતી નથી, ચૂલે ચડવું ગમતું નથી
એ.સી. વગર ફાવતું નથી, પરાણે પરાણે રહેશું રે…ઉઘાડો ડેલો અમે…

બોલો ગામડાની જય…માતપિતાની જય…
ગામડાની જય કરવી જોઈએ તેવી અનેક ગામડાંની કથા છે. આવી કેટલીક કથા જોઈએ.
 
લદ્દાખના કારગિલ જિલ્લાના લાતુ ગામના લોકોએ ગામડાના પ્રવેશ દ્વાર પર સૂચના ચોંટાડી દીધી કે હાથ ધોયા વગર કોઈ ગામમાં પ્રવેશ ન કરે! આ ગામમાં લગભગ ૪૫ ઘર છે. સ્થાનિક નિવાસી મુદસિર અહમદ મુજબ, ગામના લોકોએ એક સમિતિ બનાવી આ નિર્ણય કર્યો અને આ નિર્ણયનો અમલ કરાવવા ગામડાના યુવા અલગ-અલગ પાળીમાં ફરજ બજાવે છે.
કોરોના મહામારીને કારણે ઘોષિત ઘર-વાસના લીધે લોકોની કમાણીના સ્ત્રોત ઠપ્પ થઈ ગયા છે. તેને ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીર રાજ્યના કઠુઆ જિલ્લાની એક પંચાયતે કોરોના સામે અનોખી પહેલ કરી. પંચાયતે નિર્ણય લીધો કે, ગામના આશરે ૨,૫૦૦ લોકો એક સમયનું ભોજન નહીં કરે જેથી કરિયાણું બચે અને ઘર-વાસમાં દરેક ભૂખ્યા વ્યક્તિને જમવાનું મળી શકે. જોકે, આ નિર્ણયમાં ગામની ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો અને બાળકોને જોડવામાં આવ્યા નથી.
 
દિલ્લી-મેરઠ ઍક્સ્પ્રેસ વે પર હાપુડ પહેલાં મસૂરી ગામમાં એક વૃદ્ધની કથા જોઈએ. તેમણે જનતા કર્ફ્યૂ પહેલાં જ દિલ્લીમાં ભણતી પોતાની બે દીકરીને ગામડે બોલાવી લીધી. ગામડાના એક વ્યક્તિને મોકલીને જરૂરી ચીજવસ્તુઓ ખરીદી લીધી. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં માત્ર ઠંડીમાં ગરમ પાણી પીતા હતા. હવે ફરીથી શરૂ કરી દીધું છે. સફાઈ રાખીએ છીએ અને ભોજનમાં સાગનું શાક અને દૂધ વધારી દીધું છે.
 
ગાઝિયાબાદ જિલ્લાના અચ્છેજા ગામડાની પણ આવી જ કથા છે. ત્યાં જ્યારે પત્રકારો પહોંચ્યા ત્યારે લોકો પોતપોતાના દરવાજા પર બેસીને ગપ્પાં મારી રહ્યા હતા. ગામમાં રાજવીરનો દીકરો લખનઉથી સાઇકલ પર ગામડામાં આવ્યો તો તેની તપાસ માટે હૅલ્પલાઇન પર ફૉન કરી જાણ કરવામાં આવી.
 
ગુજરાતના ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાનું વડસર ગામ પણ આવું જ ગામ નીકળ્યું. ત્યાં ૧૯ માર્ચ પછી જ પગલાં લેવાવાં લાગ્યાં હતાં. પંચાયતે ખેડૂતોને શાકભાજી, અનાજ અને કઠોળ બહાર ન લઈ જવા સમજાવ્યા. પશુપાલકોને પણ ગામલોકોના વપરાશ જેટલો દૂધ-ઘીનો પુરવઠો જાળવી રાખવા મનાવ્યા. કરિયાણાની દુકાનોવાળાને ૨૨મી માર્ચના લોકડાઉન પહેલાં જરૂરી સામાન ભરી દેવાની સૂચના આપવામાં આવી. શહેરોના મોટા રસ્તાઓ પર પોલીસે બેરિકેડ પણ નહોતાં ગોઠવ્યાં તો અહીં ગામલોકોએ લાકડાં ગોઠવીને કામચલાઉ ચોકી ઊભી કરી આવતાજતાં લોકો પર નજર રાખવા ચોકીદારો પણ ગોઠવી દીધા હતા. દરેક વ્યક્તિની પૂછપરછ કરવામાં આવતી.
 
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તાવેડા ગામના સરપંચ દાનુભાઈ આયરે તો માનવતાનું અદ્ભુત ઉદાહરણ બેસાડ્યું. ગામના ગરીબ શ્રમિકોનું મજૂરીકામ બંધ થતાં દાનુભાઈએ પોતાની પાસે રોકડ રૂપિયા નહોતા, તેથી પોતાના તમામ દાગીના બૅન્કમાં મૂકીને સાડા નવ લાખ રૂપિયાની લૉન લીધી. આ રકમમાંથી ગરીબોને કરિયાણું અપાવ્યું. જેમને રોકડ રૂપિયાની જરૂર હતી તેમને એક હજારથી લઈને પાંચ હજાર રૂપિયા આપ્યા! સરપંચનું કહેવું છે કે ‘ગામનો કોઈ વ્યક્તિ ભૂખ્યો ન રહે તેની મેં નેમ લીધી છે. જો જીવતા રહીશું તો ઘરેણાં તો ફરીથી બનાવી લઈશું.’