કોરોનાના કારણે અડધી દુનિયા લોકડાઉન ! કયો દેશ કેવી રીતે લડી રહ્યો છે? જાણો…

05 Apr 2020 14:48:09

corona and world_1 &
 
આ દેશોમાં તો લોકો જ એટલાં ફફડી ગયાં છે કે બહાર નિકળતાં જ નથી. તેના કારણે સરકારે લોકડાઉનની જાહેરાત નહોતી કરી ત્યારે પણ લોકડાઉનની સ્થિતી જ હતી.
 
ચીનમાંથી દુનિયાભરમાં પ્રસરેલા કોરોના વાયરસે આખી દુનિયાને હચમચાવી દીધી છે. કોરોનાવાયરસના ચેપની લપેટમાં વિશ્વના 180 દેશો આવી ગયા છે. આ 180 દેશોમાંથી 130 દેશોમાં કોરોનાવાયરસના ચેપના દર્દીઓના મોત પણ થયાં છે. કોરોનાવાયરસનો ચેપ લાગ્યો હોય એવા દર્દીઓની સંખ્યા તથા મૃત્યુઆંક સતત બદલાતો રહે છે તેથી તેની વાત કરવાનો મતલબ નથી પણ મહત્વની વાત એ છે કે, દુનિયાના સૌથી વિકસિત તથા સુખી કહેવાય એવા દેશો કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત છે. ચીનમાં કોરોના કાબૂમાં હોવાનો દાવો થાય છે પણ યુરોપ અને દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં કોરોનાનો કહેર સૌથી વધારે છે. કોરોના વાઇરસનો ચેપ હોય દર્દીઓના મામલે અમેરિકા ટોચ પર છે તો મૃત્યુઆંકમાં ઈટાલી ટોચ પર છે. અમેરિકામાં કોરોનાવાયરસના સંક્રમિતોની સંખ્યા ચીન કરતાં બમણી થઇ ગઇ છે.
 

તમામ દેશને લૉકડાઉનની સલાહ જ આપી હતી

 
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને સત્તાવાર રીતે કોરોનાને મહારોગચાળો જાહેર કર્યો ત્યારે ઘણા દેશોએ તેની વાતને ગંભીરતાથી નહોતી લીધી. કોરોનાવાયરસના ચેપને ફેલાતો અટકાવવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને સૌથી પહેલાં તમામ દેશને લૉકડાઉનની સલાહ જ આપી હતી. ઇટાલી, સ્પેન સહિતના યુરોપના દેશોએ એ સલાહને અવગણી હતી. તેનાં માઠાં પરિણામ એ દેશો ભોગવી રહ્યાં છે. એ દેશોએ એ વખતે લોકડાઉન જાહેર કર્યું હોત તો ચેપ ફેલાતો અટક્યો હોત ને આટલા લોકો ના મર્યાં હોત. ખેર, એવું ના થયું પણ યુરોપના દેશોની તબાહી જોયા પછી દુનિયાના ઘણા દેશો હરકતમાં આવી ગયા છે.
 

corona and world_1 & 
 

આ દેશોમાં તો લોકો જ એટલાં ફફડી ગયાં છે કે

 
અમેરિકા ઉપરાંત ઇટાલી, સ્પેન, ફ્રાન્સ, જર્મની અને બ્રિટન સહિત યુરોપના દેશોમાં કોરોનાએ ભારે તબાહી મચાવી છે. તેના કારણે દુનિયાના સંખ્યાબંધ દેશોમાં લૉકડાઉનની ફરજ પડી છે. ભારત, ફ્રાન્સ, ઈટાલી, પોલેન્ડ, યુ.કે., સાઉથ આફ્રિકાએ તો ત્રણ સપ્તાહ કરતાં વધારે સમયનો લોકડાઉન જાહેર કરી દીધો છે. ચીને વુહાનમાં છ સપ્તાહનો લોકડાઉન જાહેર કરેલો. એ પછી ભારત સહિતના દેશોએ સૌથી મોટા લોકડાઉનનો નિર્ણય લેવો પડ્યો છે. ન્યુઝીલેન્ડે તો 25 માર્ચથી એક મહિનાના લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. એક મહિના પછી કેસ ઘટશે તો જ લોકડાઉન હળવો કરાશે, નહિંતર લોકડાઉ લંબાવાશે તેવી જાહેરાત પણ કરી દેવાઈ છે. યુરોપના ઈટાલી, ફ્રાન્સ, સ્પેન એ ત્રણ દેશોમાં મૃત્યુઆંક સૌથી વધારે છે. આ દેશોમાં તો લોકો જ એટલાં ફફડી ગયાં છે કે બહાર નિકળતાં જ નથી. તેના કારણે સરકારે લોકડાઉનની જાહેરાત નહોતી કરી ત્યારે પણ લોકડાઉનની સ્થિતી જ હતી.
 
ભારતે વિદેશથી આવતી ફ્લાઈટ્સ બંધ કરી છે. આ સિવાય પોતાના દેશમાં વિદેશથી આવતા મોટા ભાગના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. દુનિયામાં ઘણા દેશો એવા છે કે જેમણે આ પ્રકારનાં પગલાં લીધાં છે. કેનેડા, પેરુ, સ્લોવાકિયા, લિથુઆનિયા તથા યુક્રેને પોતાની તમામ સરહદો બંધ કરી દીધી છે ને બહારથી કોઈને આવવા દેવાતા નથી. પેરુમાં 12 એપ્રિલ સુધી રાષ્ટ્રીય કટોકટી જાહેર કરાઈ છે. કતારે તમામ વિદેશી ફ્લાઈટ્સ બંધ કરી છે તો માલદીવ્સમાં પોતાના દેશમાં બહારથી આવેલા તમામને ક્વોરેન્ટાઈનમાં રાખી દીધા છે.
 

તેને પાંચ વર્ષ સુધીની સજા

 
રશિયાએ તમામ લોકોને કામના સ્થળે નહીં જવા આદેશ આપ્યો છે. જે લોકો ઘરે રહીને કામ કરશે તેમને સરકાર વધારાની રકમ ચૂકવવાની છે. રશિયાએ પોતાની તમામ સરહદો પણ સીલ કરી દીધી છે. જે લોકો ક્વોરેન્ટાઈનનો ભંગ કરે, બીજાંને ચેપ લગાડે કે કોરોનાવાયરસ વિશે ખોટી માહિતી ફેલાવે તેને પાંચ વર્ષ સુધીની સજાનો કાયદો પણ તાબડતોબ બનાવી દેવાયો છે. યુ.કે.માં તો પ્રિન્સ ચાર્લ્સ અને વડાપ્રધાન બોરીસ જોનસન પોતે કોરોનાવાયરસા દર્દી બન્યા પછી લોકડાઉન જાહેર કરી દેવાયો છે. લોકોએ બહાર નિકળવું હોય તો પહેલાં ફોન કરીને મંજૂરી લેવી પડે છે. યોગ્ય કારણ હોય તો તેમને ઈ-પાસ અપાય પછી જ બહાર નિકળી શકાય છે. યુ.કે.માં બે વ્યક્તિ એક સાથે દેખાય નહીં એવો પ્રતિબંધ પણ મૂકી દેવાયો છે.
 

corona and world_1 & 

લોકડાઉન…લોકડાઉન….લોકડાઉન…

 
ઓસ્ટ્રેલિયામાં પણ લોકડાઉન છે. ઓસ્ટ્રેલિયામાં ન્યુ સાઉથ વેલ્સમાં કોરાનાના સૌથી વધારે કેસ નોંધાયા છે. આ સ્ટેટમાં એકદમ આકરાં નિયંત્રણો લાદી દેવાયાં છે. જોર્ડન, સાઉદી અરેબિયા, યુનાઈટેડ આરબ અમિરાત સહિતના દેશોમાં સંપૂર્ણ લોકડાઉન નથી પણ બહારથી આવનારા લોકોના પ્રવેશ પર નિયંત્રણો તો આવી જ ગયાં છે. સાઉદી અરેબિયાએ રાજધાની જેદ્દાહ અને મુસ્લિમોનાં પવિત્ર યાત્રાધામ મનાતાં મક્કા અને મદીનામાં સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યું છે. જેદ્દાહમાં કરફ્યુ લાદી દેવાયો છે. જોર્ડનમાં 21 માર્ચથી અનિશ્ચિત સમયના લોકડાઉનની જાહેરાત કરાયેલી પણ હવે થોડા હળવા નિયમો કરાયા છે. આર્જેન્ટિના, ઈઝરાયસ બેલ્જિયમ, મલેશિયા, ઝેક રીપબ્લિક પણ લોકડાઉનમાં છે.
 

corona and world_1 & 
 

ટ્રમ્પ હાલ રાષ્ટ્રપતિ છે કે બિઝનેસમેન?

 
અમેરિકામાં હજુ લોકડાઉનની જાહેરાત થઈ નથી. અમેરિકામાં બહુ પહેલા કોરોનાવાયરસને કારણે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરાઈ હતી પણ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હજુ પણ લૉકડાઉનને નાહકની કવાયત ગણાવે છે તેથી હજુ લોકડાઉનની જાહેરાત કરાઈ નથી. ટ્રમ્પ મૂળ બિઝનેસમેન છે ને અત્યારે અમેરિકાના પ્રમુખ તરીકે વર્તવાના બદલે બિઝનેસમેન તરીકે જ વર્તી રહ્યા છે. ટ્રમ્પને લાગે છે કે લૉકડાઉનના કારણે પહેલેથી જ મંદીનો સામનો કરી રહેલી અમેરિકાની અર્થવ્યવસ્થા ખાડે જતી રહેશે. આ કારણે અમેરિકામાં કોરોનાવાયરસના પીડિતોની સંખ્યાની સાથે સાથે મૃતકોનો આંક પણ વધી રહ્યો છે અને આજે દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ પણ કોરોનાવાયરસથી ત્રાહિમામ પોકારી રહ્યો છે છતાં ટ્રમ્પ લોકડાઉન જાહેર કરતા નથી. ટ્રમ્પ સરકારની કોરોનાવાયરસ સામે લડવાની ધીમી કામગીરીને લઇને ભારે ટીકા થઇ રહી છે. કોરોનાવાયરસની સૌથી ખરાબ અસર દુનિયાના સૌથી આધુનિક શહેરોમાં ગણાતા ન્યૂયોર્કને થઈ છે અને અમેરિકામાં થયેલાં કુલ મોતમાં ત્રીજા ભાગનાં મોત ન્યુ યોર્કમાં થતાં આ શહેરમાં સોપો પડી ગયો છે. આ જ હાલત બીજાં શહેરોમાં પણ છે એ જોતાં દુનિયાના સૌથી શક્તિશાળી દેશની હાલત ઇટાલી કરતાયે બદતર થઇ શકે છે.
 

સોશિયલ ડિસ્ટન્સિંગ પ્ર વિશ્વાસ ડૂબાડશે..?

 
જો કે આ પ્રકારની ચેતવણી છતાં ટ્રમ્પ હજુ પણ સંપૂર્ણ લૉકડાઉનના સ્થાને સોશિયલ ડિસ્ટન્સિંગને વધારે અસરકારક માને છે અને તેના કારણે કોરોનાવાયરસનો ચેપ નહીં લાગે એવું માને છે. આ કારણે તેમણે લોકડાઉનના બદલે સોશિયલ ડિસ્ટન્સિંગની જાહેરાત કરી છે. સોશિયલ ડિસ્ટન્સિંગ એટલે કે સામાજિક અંતર જાળવી રાખવાની તકેદારી પણ 15 એપ્રિલ સુધી રાખવાની જાહેરાત કરાઈ હતી. જો કે પરિસ્થિતિની ગંભીરતાને જોતાં ટ્રમ્પે હવે આ સમયમર્યાદા 30 એપ્રિલ સુધી વધારવી પડી છે.
 

corona and world_1 & 

પણ કોરોનાવાયરસનો કહેર બધે છે

 
કોરોનાના કારણે દુનિયા ડરીને જીવી રહી છે. દુનિયાના કોઇ એક દેશમાં ચેપી રોગચાળો ફેલાય તો તેને બીજા દેશો ગણકારતા નથી પણ કોરોનાવાયરસનો કહેર બધે છે એ જોતાં આ રોગચાળા સામે આખી દુનિયાએ એક થઈને લડવું પડે એમ છે. આ લડીમાં વિજ્ઞાનના સંશોધનમાં આગળ પડતા દેશો અસરકારક ભૂમિકા ભજવી શકે. કોરોના વાયરસના સંક્મણના વધી રહેલા કેસો જોતાં જાણકારોનું માનવું છે કે રોજેરોજ ટેસ્ટની સંખ્યા વધારવાની જરૂર છે. ઝડપથી થતા ટેસ્ટ સંક્રમણની ભાળ મેળવવામાં અને રોગચાળા પર નિયંત્રણ મેળવવામાં કારગર સાબિત થઇ શકે છે. અત્યારે તાત્કાલિક પરિણામ આપી દે એવા ટેસ્ટ ઉપલબ્ધ નથી. દુનિયાભરના રિસર્ચર આ પ્રકારના ટેસ્ટ વિકસાવવામા લાગ્યા છે ત્યારે સંયુક્ત પ્રયાસો કરીને આ સંશોધનમાં ઝડપ લાવવાની જરૂર છે.
Powered By Sangraha 9.0