ઇશ્વર અને આપણી પોતાની દોસ્તીને ઘટ્ટ બનાવે એવો સમય આવીને ઉભો છે. આવો, એ નવી દુનિયાને આવકારીએ....

    ૧૬-મે-૨૦૨૦   
કુલ દૃશ્યો |

lockdown_1  H x 
 

નવી દુનિયાને આવકારીએ…

મઝા આવી રહી છે કારણ દુનિયા બદલાઇ રહી છે મિત્ર ભરતભાઇ, મુંબઈથી કહે છે, 'આ જગતની પોઝીટીવીટી પુન:આકાર પામી રહી છે'. આપણે લૉકડાઉનના ત્રીજા તબક્કામાં પ્રવેશ કરીએ છીએ, કો'ક અંગમાં અગ્નિપ્રવેશ કરતાં સીતાની અનુભૂતિ આવે છે. જો કે સીતા જેવી નિર્ભયતા નથી. પહેલા તબક્કામાં નવો અનુભવ હતો, કુતુહલ હતું અને આંખોમાં ટીવીએ રોપેલા ચિત્રો હતા,ચીનના, ઇટલીના અને અમેરિકાના. બીજા તબક્કામાં જાગૃતિ આવી અને સાવધાની સ્વીકારી પણ ભય રહ્યો, પણ માહિતી અને અનુભવે એ ભયને બીવડાવ્યો. આપણો દેશ છે અને આપણા લોકો છે. હવામાં મરકઝ (તબલીકીઓના સમ્મેલન)ની વાત હતી. પાર ઉતર્યા એવી અનુભૂતિ પણ થઈ. હવે ત્રીજો તબક્કો આવ્યો છે, એ સમજણ અને સમન્વયનો છે, આ તબક્કો જાત અને જગતના સંબંધના નવા સમીકરણનો તબક્કો છે, આ તબક્કામાં દર્પણને સમજવાનો અને અર્પણને અનુસરવાનો તબક્કો છે.
 
હું લૉકડાઉનના ત્રીજા તબક્કામાં વહેલી સવારે હીંચકા પર બેઠો છું, ગઈકાલના ચંદ્રની વિહવળ મુદ્રા જોઇ જાગેલાં વૃક્ષોની આંખોમાં ઉજાગરો છે છાપાને તડકામાં સુકવવા મુકેલાં એમાંથી ઉઠેલી મરણની વાસ અને ચીસ હવે ઝાડ પર ગોઠવાઈ ગઇ છે આ બધાથી અનાસક્ત રહીને કશુંક મગરૂરીભર્યું ગાતી કોયલ મારી પ્રિય ગાયિકા બની રહી છે. તડકો જે રીતે ગુસ્સો ઠાલવે છે એના પરથી આગે છે કે એને કોઇ લીલાછમ સર્કલ પર કોઇ પોલીસે હેરાન કર્યો હશે. આછા અંધકારની કિનારી મારા આંગણા આગળ ધ્રુજી રહી છે. જીવનાનંદદાસની 'અંધકાર' કાવ્યની પંક્તિ વાંચીને બહેરો થઈ ગયેલો મારા સેક્ટરનો વળાંક એ પંક્તિ મને ફરીથી સંભળાવે છે, " કોઇ વારે ય મનુષ્ય હતો નહિ, હું, / હે નર, નારી, તમારી પૃથ્વીને મેં ઓળખી નથી / કોઇ દિવસ "પર્યાવરણની હાનિ કરવા બદલ આ સજા ભોગવવાનો સમય આવ્યો છે એવી વાતો કરવા કે કહેવાનો શો અર્થ રહેશે. હવે તો ધાડુપાડુ ઘર આંગણે આવી ગયા છે એટલે આપણે જે કરી બતાવીએ એ જ શૌર્ય, અને બચી ગયેલા લોકો જે ગાશે એ જ ગીતો ટકશે.
 
લૉકડાઉન અને રોગના ભયે આખા સામાજિક માળખાને ધરતીકંપનો અનુભવ કરાવ્યો છે. જેને પોઝીટીવ આવ્યો છે તેને તથા તેના પરિવાર તરફ એક પ્રકારની ઘૃણા જેવું વાતવરણ સર્જાયું છે. આપણે માટે લડતા ડૉક્ટરો અને નર્સો પ્રત્યે પણ ક્યાંક વિચિત્ર વર્તનના સમાચાર છે. આ ચિંતા ઉપજાવે તેવી ઘટનાઓ છે. ગાંધીજીએ ભારે મહેનત કરીને જે અસ્પૃશ્યતાને કાઢી હતી તે સાવ અલગ જ પ્રકારે આવી રહી છે. હું તો ગુજરાતી ભાષાના કવિ તરીકે આ શબ્દ 'સોશિયલ ડીસ્ટસીંગ' ને બદલે 'ફીઝીકલ ડીસ્ટસીંગ' શબ્દ વાપરવા ભલામણ કરું. આપણી સામાજિકતાને તો ટકાવવી પડશે, પડોશીને ત્યાં કાલે બેસવા જઈશું ને પરમ દિવસે સાથે બેસીને જમશું પણ ખરા જ ! ખાલી થોડું આકાશ આપણી વચ્ચે આવીને બેસશે, એ ખાલી જ હશે, અવાહક હશે, પણ વિષાણુંઓ માટે. એક કવિ તરીકે મારા સમીપના આકાશની શિરા-ધમનીઓમાં તો ભારોભાર સામાજિકતા વહે છે. હું કોરોનાને કરુણાથી હરાવું એવો ભીંજાયેલા હ્રદયનો માણસ છું, અને મારે મારી આ ઓળખ જાળવી રાખવી છે. મારે મારું આ ગુજરાતીપણું મારા બાળકોને વારસામાં આપવુ છે.
 
હવે એક વાત લગભગ સ્વીકૃત બની છે કે આ વાયરસ તરત ભાગી જાય કે મરી જાય કે નાશ પામે એવો નથી. આપણે સમયને પારખીને હવે નવી જીવનશૈલી નક્કી કરવી પડશે પૉલ ક્રુગમેન અને નારાયણ મૂર્તિ જેવા અનુભવી સમાજચિંતકોએ સાચું જ કહ્યું છે કે, 'એટ અસ ઈવ વીથ ધીસ વાયરસ "
 
એક વાત સમજી લઈએ, આ યુધ્ધ નથી, યુધ્ધ જેવું છે, કારણ માનવ માનવ વચ્ચે યુધ્ધ હોય. કુદરત સાથે યુધ્ધ ના હોય. ત્સુનામીને બાથ ના ભીડાવાય. આપણે બદલાતી કુદરતની વ્યવસ્થાને અનુકુળ થવાનું હોય. ખરાબ સ્વભાવના પતિ કે પત્ની સાથે જે 'અનુકૂલન' સાધવાનું હોય છે એટલું સરળ અને સાંકડું આ અનુકૂલન નથી. આ 'ગેમ ચેન્જર નથી' આ તો નવી જ ગેમ છે. ઘરની વ્યાખ્યા બદલાશે. એમાં એક ઑફિસ પણ ઉભી થશે. એક સ્ટુડિયો હશે. મીટીંગોની શૃંખલા અહીં જ સર્જાશે. ઔપચારિકતાનો ચહેરો બદલાઈ જશે. આખે આખા મૉલ તો આપણા મોબાઈલમાં આવી ગયા હતા, બેંકની લાઈનો અદ્ર્શ્ય થઈ ગયી હતી. પણ હવે, જીવનનો ઘણો વ્યવહાર 'ઑનલાઇન' થશે. માસ્ક વાળા માણસોની 'ફેસવેલ્યુ' બદલાશે. નાક સાથે મોં ઢંકાશે. નાક અને આંગળીઓને એક ગુપ્તાંગનું સ્ટેટસ મળશે કે પછી વેક્સીન શોધાઇ જતાં આપણે ઓગણીસના અડાબીડમાં પાછા ફરીશું. જો કે વૈજ્ઞાનિકો અને ચેપીરોગોના તજજ્ઞોને સાંભળવા જેવા છે. એ લોકો કહી રહ્યા છે, 'જમ ઘર ભાળી ગયા છે... ' આ નહીં તો બીજા સ્વરુપમાં આ વાઇરસના આક્રમણ પૃથ્વી પર ચાલું રહેશે. કદાચ, આપણે માર્ચ પહેલા હતા તેવા જીવનને પ્રપૌત્રોને વાર્તામાં જ કહી શકીશું. સિનેમા થિયેટરો અને સભાઓ અને શાળા-કોલેજોને નવનિર્મિત કરવાની છે. એક પડકાર છે અને એક અમુલ્ય તક પણ ! એક અદ્રશ્ય વિશ્વવિષાણુંએ આપણા જીવનનું વ્યાકરણ બદલી નાંખ્યું છે. ઇશ્વર ઇન્ટરનેટના માર્ગે મળે પણ ખરો..
 
ઇશ્વર અને આપણી પોતાની દોસ્તીને ગહન નહીં પણ ઘટ્ટ બનાવે એવો સમય આંગણે આવીને ઉભો છે. આવો, એ નવી દુનિયાને આવકારીએ....