માનસમર્મ – અંજાઈને નહીં પણ ભીંજાઈને ગુરુપદ પામશો

    ૧૬-મે-૨૦૨૦   
કુલ દૃશ્યો |

moraribapu_1  H
 
વિદેશની વાત છે. રોમેલ્ક નામે એક ધર્મગુરુ હતા. એના આંગણે કોઇ આવે તો ખાલી હાથ જતું ન હતું. દરેક ધર્મ અને સંસ્કૃતિ કંઈકને કંઈક શીખવીને જાય છે. જ્યાંથી પણ સારી વાત મળે એને સ્વીકારવી જોઈએ. એકવાર એ એમના બગીચામાં છોડને પાણી પાતા હતા ત્યારે એક ભિખારી એમના દરવાજે આવ્યો. ત્યારે એનું પાકીટ ખાલી હતું. ટેબલ પર પત્નીના પાકીટમાં એક વીંટી હતી એ એને આપી. એકાદ મિનિટ બાદ પત્ની પછી ફરી ત્યારે એને વીંટીવાળી વાત કહી તો પત્ની ભડકી અને કહ્યું કે ‘એ વીંટી ખૂબ મોંઘી હતી અને એની કિંમત પચાસ દિનાર હતી. મારું મો શું જોઈ રહ્યા છો, જાવ જલ્દી વીંટી પાછી લઇ આવો. એ ભિખારી દૂર નહીં ગયો હોય’
 
 
રોમેલ્ક દોડ્યા. સોસાયટીના નાકા પર જ ભિખારી મળી ગયો. એને કહ્યું કે ‘મેં તને વીંટી આપી એની કિંમત પચાસ દિનાર છે. જો જે કોઈ ઓછી કિંમત આપીને તને છેતરી ન જાય’
 
વિશ્વમાં આવા કર્ણ હશે ત્યાં સુધી માનવતાને આંચ નહીં આવે. ગુરુકૃપા હોય તો જ આવા સારા કાર્ય થઇ શકે. મને એક શ્રોતાએ પ્રશ્ન પૂછેલો કે ‘ બાપુ, આપ કથામાં વારંવાર કહો છો કે હું કોઈનો ગુરુ નથી અને પછી આપ એમ પણ કહો છો કે ગુરુ આવશ્યક છે.’ મને ખબર છે ગુરુ થવું ખૂબ મુશ્કેલ છે. હું પણ માનસ વાંચતો તમારા જેવો એક માણસ છું., મને મહાન ન બનાવો, મને માણસ રહેવા દો. ગીતાનો શબ્દ લઇ કહું તો ‘જન્તવ:’ આપણે તો એક જંતુ છીએ. મારા ગુરુ મારા દાદાજી. સારા ગ્રંથને ગુરુ કહો. શીખસમાજે ‘ગ્રંથસાહેબ’ને ગુરુ માન્યા છે. જેમાં ગુરુની વાણી સંગ્રહિત છે. મારા રામચરિત માનસકારે ‘રામાયણ’ વિશે લખ્યું છે કે ‘માનસ’ સ્વયમ્ ગુરુ છે...
 
 सद्गुरु ग्यान विराग जोग के |
बिबुध बैद भव भीम रोग के ||
 
સંસ્કૃતનું કોઇ અષ્ટક કે કવિતાની કોઈ પંક્તિ પણ આપણા ગુરુ બની શકે છે. કોઈ વાર્તા કે એ વાર્તા જેવું વિસ્મય જેનામાં છે એ બાળક પણ આપણા ગુરુ બની શકે છે. જીસસ તો કહેતા કે ‘મારા પિતાના રાજ્યમાં એમને જ પ્રવેશ મળશે જે બાળક જેમ રહેશે.’ ગુરુનો ગણવેશ નથી હોતો. દત્તાત્રેય જેમ તમે કોઈને પણ ગુરુ માની શકો છો. અંજાઈ જઈને ગુરુ ન બનાવશો પણ ભીંજાઈ જઈને ગુરુ બનાવજો. ભગવાન મહાવીર સ્વામીએ સાધુપુરુષના જે લક્ષણ કહ્યા છે એ સોક્રેટીસમાં જોવા મળે છે. એ લક્ષણો જેનામાં જોવા મળે એને તમે ગુરુ માની શકો છો. તમારામાં જો તીવ્રતા હશે તો ગુરુ શોધવાની જરૂર નહીં પડે, ગુરુ તમને જ શોધી લેશે. સ્વામી રામસુખદાસના વચનો તમારી સમક્ષ મુકું છું. ગુરુને વ્યક્તિ સમજવી ભૂલ છે એમ વ્યક્તિને ગુરુ સમજવા ભૂલ છે. ગુરુ એક વિચાર છે અને વિચાર એક ગુરુ છે. आनो भद्रा क्रतव: સારો વિચાર ગમે ત્યાંથી આવે એનું સ્વાગત થવું જોઈએ.
 
સદગુરુનું એક લક્ષણ એ છે કે એ સિંહ જેવા પરાક્રમી હોય. સિંહ ભરપેટ હોય ત્યારે શિકાર નથી કરતો. હું ગીરમાં ફર્યો છું. મેં એકવાર જોયું કે એક સિંહ મારણ કરીને ઊભો છે, પરિવાર પાસે આવે છે અને પછી આખું ટોળું સંપીને ખાય છે. સિંહ વહેંચીને ખાવામાં માને છે. આપણે ગમે તેટલું કમાઈએ છીએ પણ સંતોષ નથી, સંઘરાખોરી જતી નથી. નિયત સાફ નહીં હૈ...જન્મજાત વૃત્તિ માણસને છોડતી નથી.
 
ગુરુ અપરિગ્રહી છે. લોભને પાપનું મૂળ કહ્યું છે. સિંહ લોભી નથી અને લોભી હોય તે રાજા ન બની શકે. સિંહ ઘાસ નથી ખાતો. એમ ગુરુ પણ ક્ષુલ્લક વાતોમાં પડતા નથી. લોભી માણસ ભૂખનું પણ બલિદાન દઈ દે છે કેમ કે એને બીજી ભૂખ હોય છે. સંસ્કૃત સુભાષિતમાં કહેવાયું છે તેમ ‘કૂતરો ખાવાનું બટકું આપનાર આગળ પૂંછડી પટપટાવે, જમીન પર આળોટે પણ હાથી તો કદી અથરો ન થાય. એ સો વાર પળશી કરાવે, લાડ માગે અને પછી જ આરોગે છે.’ સાચા ગુરુનું પણ એમ સમજવું.
 
 
- આલેખન - હરદ્વાર ગોસ્વામી