રોગ પ્રતિકાર શક્તિ વધારવા માટે સૂર્ય ઉર્જા સૌથી મોટો સ્ત્રોતઃ સૂરજનાં કિરણની મદદથી આહાર પણ ઘટાડી શકાય છે

    ૨૨-જૂન-૨૦૨૦
કુલ દૃશ્યો |

SUNBATH_1  H x
 
 
એક બહેનનું નાનું છોકરું ખોવાયું. બિચારી રઘવાઈ થઈને ગામ આખામાં ફરી. એક શેરીથી બીજી શેરી અને બીજી શેરીથી ત્રીજી શેરી.. ઉચાટ અને ચિંતાનો કોઈ પાર નહીં. રસ્તામાં એક માજી મળ્યાં. તેને દોડાદોડ કરવાનું કારણ પૂછ્યું. બહેન રડતાં-રડતાં કહે, મારું છોકરું ખોવાઈ ગયું છે. માજી હસતાં હસતાં બોલ્યાં, અલી, ગાંડી થઈ છે કે શું ? તેં તારા છોકરાને તેડેલું તો છે.. બહેને જોયું તો તેની કાંખમાં જ છોકરું હતું. પોતાની કાંખમાં છોકરું હતું અને એ બહેન ગામ આખામાં છોકરું શોધતી હતી.. અત્યારે આવી જ દશા ભારતના લોકોની છે. કોરોના સામે લડત આપવા રોગ પ્રતિકાર શક્તિ (Immunity) વધારવાની જરૂર છે. તેનો સૌથી મોટો સ્ત્રોત છે સૂરજ. સૂરજને મૂકીને લોકો રોગ પ્રતિકાર શક્તિ વધારવા ફાંફાં મારે છે ત્યારે કાંખમાં છોકરું હોવા છતાં ગામમાં છોકરું શોધતી બહેન યાદ આવે.
 
ભારતના સદ્દનસીબે દેશને કાયમ ઝળહળતો-તપતો સૂરજ મળ્યો છે. અનેક વિકસિત અને પૈસાપાત્ર દેશો પાસે આવો સૂરજ નથી. સૂર્યઉર્જામાં અપાર શક્તિ છે. આદર્શ અમદાવાદના સ્થાપક શ્રી ભરતભાઈ શાહે હમણાં સૂર્ય ઉર્જાથી રોગ પ્રતિકાર શક્તિ કેવી રીતે વધારી શકાય (sun gazing therapy) તેનું ફેસબુક પર જીવંત વ્યાખ્યાન આપ્યું. તેઓ પોતે સૂર્ય ઉર્જાના 15 વર્ષથી પ્રેકટીશનર છે. સૂર્ય ઉર્જાની મદદથી તેમણે પોતાનો 35 ટકા ખોરાક પણ ઓછો કર્યો છે. ભરતભાઈ તો પરમ જીવન-સાધક છે. અમદાવાદ જેવા શહેરમાં વસતા હોવા છતાં સંપૂર્ણ કુદરતી જીવન જીવે છે. કુદરતની અનેક થેરાપીઓનો તેમણે પોતાના જીવનમાં વર્ષોથી સફળ વિનિયોગ કર્યો છે. ગાંધીજીની જેમ અમલ કર્યા પછી તેઓ તેનો પ્રસાર કરી રહ્યા છે. અમદાવાદ શહેરને આદર્શ બનાવવા માટે 15 વર્ષથી તેઓ મનભરીને તનતોડ મહેનત કરી રહ્યા છે. 74મા વર્ષે સંપૂર્ણ સ્વસ્થ છે. કોઈ બિમારી નથી કે એક પણ દવા લેતા નથી. કદી માંદા પડતા નથી. પોતે માંદા પડતા નથી અને પોતાની આજુબાજુના લોકોને માંદા પડવા દેતા નથી. 74મા વર્ષે 47 વર્ષના હોય તેવી ઉર્જા ધરાવે છે.
 

SUNBATH_1  H x  
 
તેઓ સૂર્ય દર્શન ચિકિત્સા (sun gazing therapy) સૂર્યસાધક હીરા રતન માણેક પાસેથી શીખ્યા છે. માત્ર ભારતમાં નહીં, સમગ્ર વિશ્વમાં સૂર્ય દર્શન ચિકિત્સાની પ્રતિષ્ઠા કરવાનો યશ હીરા રતન માણેકને જાય છે. મૂળ કચ્છના હીરાભાઈ રતનભાઈ માણેકભાઈના પૂર્વજો ધંધા-રોજગાર માટે કેલિકટ (calicut-દક્ષિણ ભારત)માં વસ્યા. હીરા રતન માણેક મિકેનિકલ એન્જિનિયર થયા હતા.
 
તેઓ નાનપણથી જ સૂર્ય પ્રત્યે રસ અને રુચિ ધરાવતા હતા. તેઓ એક વખત પોંડિચરી ગયા. શ્રી માતાજીએ તેમને સહજ રીતે કહ્યું હતું કે જીવનમાં જ્યારે આપને અવકાશ મળે ત્યારે સૂર્ય ઉર્જા વિશે સંશોધન-અનુભવ કરજો. 1992માં નિવૃત થયા પછી પોતાનો સંપૂર્ણ સમય તેમણે સૂર્યશક્તિ વિશે સંશોધન-અનુભવ કરવામાં ગાળ્યો.
 
પોતાની જાત પર પ્રયોગો કરીને તેમણે સૂર્યમાંથી શક્તિ મેળવવાની સરળ પદ્ધતિ વિકસાવી. હીરા રતન માણેકે માનવ-કલ્યાણ અને શાંતિ માટે વિશ્વને એકવીસમી સદીની આપેલી આ સૌથી મોટી ભેટ છે. સૂર્યમાંથી ઉર્જા મેળવીને હીરા રતન માણેક વર્ષો સુધી આહાર વિના રહ્યા. તેમણે ભારતમાં માત્ર સૂર્યઉર્જાની મદદથી 211, 411 અને અમેરિકામાં 130 ઉપવાસ કર્યા. મેડિકલ ક્ષેત્રના નામાંકિત ડોકટરો અને નિષ્ણાતોની હાજરીમાં તેમનું પરીક્ષણ કરાયું હતું.
 
તેમણે 160થી વધુ દેશોમાં ફરીને સૂર્ય શક્તિનો પ્રસાર કર્યો. તેઓ કહે છે આ કોઈ નવી વાતો નથી. સૂર્ય ચિકિત્સા પદ્ધતિ એ પ્રાચીન પદ્ધતિ છે અને તેનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. HRM તરીકે સમગ્ર વિશ્વમાં જાણીતા હીરા રતન માણેક માણસના બ્રેઈનને બ્રેન્યુટર કહે છે. સૂર્યથી તેને ચાર્જ કરીને સૂર્યની અપૂર્વ શક્તિનો લાભ લઈ શકાય છે. હીરા રતન માણેકે દાયકાઓ સુધી સૂર્યનો ઊંડો અભ્યાસ અને સંશોધન કરીને વિશ્વ સમગ્ર સૂર્યમાંથી શક્તિ મેળવવાની વિવિધ પદ્ધતિઓ શોધી જેથી દરેક વ્યક્તિ વ્યાપક રીતે તેનો લાભ લઈ શકે.
 

SUNBATH_1  H x  

સૂર્યનું સીધુ દર્શન 

 
1. સૂર્યદર્શન પદ્ધતિમાં સૂર્યોદય પછીના કે સૂર્યાસ્ત પહેલાંના એક કલાકમાં સૂર્યનું સીધુ દર્શન કરવાનું હોય છે. જમીન પર ઊભા ટટ્ટાર ઊભા રહીને પ્રથમ દિવસે માત્ર 10 સેકન્ડ દર્શન કરવાનાં હોય છે. એ પછી દરરોજ 10 સેકન્ડનો વધારો કરતાં કરતાં નવ મહિને 45 મિનિટ સુધી પહોંચવાનું હોય છે. 15 મિનિટ, 30 મિનિટ એવા પડાવ પાર કરીને 45 મિનિટે પહોંચ્યા પછી જીવનભર વધારે સૂર્ય દર્શન કરવાની જરૂર રહેતી નથી.
 

જમીન કે રેતી પર ખુલ્લા પગે ચાલવાનું 

2. સૂર્ય દર્શનનો આ તબક્કો અંકે કર્યા પછી દરરોજ એક કલાક જમીન કે રેતી પર ખુલ્લા પગે ચાલવાનું હોય છે. એક વર્ષ સુધી ચાલ્યા પછી બંધ કરી દેવાનું. એ પછી આ રીતે ચાલવાની આવશ્યકતા નથી. તમે 365 દિવસ જમીન પર, ખુલ્લા પગે ચાલો એટલે તમારો દેહ કાયમ માટે ચાર્જ થઈ જાય.
 

સૂર્યસ્નાન

 
3. સૂર્ય પ્રકાશ સંજીવની છે. સૂર્યસ્નાન પણ ખૂબ જ ફાયદાકારક છે. શરીર પર સૂર્યનાં કિરણો (ખમી શકાય તેવાં) લેવાં જોઈએ.
 

સૂર્યનાં કિરણોથી ગરમ થાય તે પીવાના અનેક ફાયદા

4. કાચના પારદર્શક જાર (બરણી)માં છ-આઠ કલાક રાખેલું પાણી, જે સૂર્યનાં કિરણોથી ગરમ થાય તે પીવાના અનેક ફાયદા છે. ગામડામાં પહેલાં કૂવા-તળાવ-નદીના પાણી પર સૂર્યનો તડકો પડતો અને લોકો એ પાણી પીતા એટલે અનેક રોગોથી બચી જતા. સૂરજનાં કિરણોમાં જુદા જુદા રંગ હોય છે અને જુદા જુદા રોગ માટે જુદો જુદો રંગ ઉપયોગી થાય છે. રાજકોટના સુરેન્દ્રભાઈ દવેએ તેના પર સંશોધન કરીને ઓમયોગ નામનું પુસ્તક લખ્યું છે.
 

રોગ પ્રતિકારક શક્તિ જબરજસ્ત વધી જાય 

5. સૂર્ય ચિકિત્સાના અનેક ફાયદા થાય છે. તેનાથી વ્યક્તિનો રોગ પ્રતિકારક શક્તિ જબરજસ્ત વધી જાય છે. નવા રોગ તો શરીરમાં આવી શકતા નથી, પરંતુ જૂના રોગો પણ પૂછડી દબાવીને ભાગે છે. સૂર્ય ચિકિત્સાના જુદા જુદા તબક્કે માનસિક તનાવ, ડિપ્રેશન, ચંચળતા, અવઢવપણું ઘટે છે. અશાંત અને ચંચળ મન શાંત થાય છે. ધૈર્યનો ગુણ કેળવાય છે. ઢીલું-અનિર્ણાયક અને નિરુત્સાહી મન મજબૂત, મક્કમ, ઉત્સાહી અને નિર્ણાયક બને છે. માનસિક અસ્વસ્થતા દૂર થાય છે. મન હકારાત્મક અને તાજગી ભર્યું બને છે. વ્યસનોથી છુટકારો મેળવી શકાય છે. શરીરના તમામ પ્રકારના દુખાવા મટી જાય છે. થાક લાગતો નથી. નિયમિત અને અમુક સમય સુધી આ ચિકિત્સા કરાય તો ડાયાબિટિસ, બીપી સહિતની મોટાભાગની બિમારીઓ મટી જ જાય છે. પાચનતંત્રના રોગો, ફેફસાં કે ગળાના રોગો મટે છે. આંખો તેજસ્વી બને છે. નંબર ઘટે છે.
 
સાયનસ અને થાઈરોઈડ પણ મટે છે. સૂર્ય ચિકિત્સાથી વ્યક્તિ હકારાત્મક અભિગમવાળી અને ગુણગ્રાહી બની જાય છે. કાન-નાક અને ગળાનાં દર્દ મટે છે. મરડો-હરસ, મસા, પથરી, પ્રોસ્ટેટ, યુરીનરી ઈન્ફેકશન, ખીલ, શીળસ, ખરજવું.. અસાધ્ય અને હઠીલા રોગોને પણ આ ચિકિત્સા પદ્ધતિ હરાવી શકે છે. એમ કહોને ડો. સૂર્યનારાયણ એક પણ પૈસો લીધા વિના તમામ રોગો મટાડી શકે છે.
 
હીરા રતન માણેક ખરેખર ભારતનું રતન છે. તેમણે સૂર્ય ચિકિત્સા પદ્ધતિનો આવિષ્કાર કરીને આપણા પર મોટો ઉપકાર કર્યો છે. સમગ્ર વિશ્વમાં ફરી ફરીને તેમણે તેનો પ્રસાર કર્યો. મેં એવું પણ સાંભળ્યું છે કે અમેરિકા સ્થિત નાસા National Aeronautics and Space Administration (NASA) સંસ્થાએ તેમનો સંપર્ક કર્યો હતો. સ્પેસમાં જતા અવકાશ વિજ્ઞાનીઓ સૂર્યમાંથી જ આહાર લઈ શકે કે કેમ તેનું સંશોધન તેમને સોંપાયું હતું.
 
મનુષ્યના શરીરને આહારની નહીં, પણ કેલેરી-શક્તિની જરૂર હોય છે. સૂર્ય કેલેરીનો મોટો સ્ત્રોત છે. બે આંખો વડે સૂર્ય શક્તિ લઈને તથા પોતાના દેહ પર સૂર્યને ઝીલીને વ્યક્તિ શરીરના ચાલન માટે જરૂરી શક્તિ મેળવી જ શકે છે. હીરા રતન માણેકે તો આ વાત સાબિત પણ કરી. 211-411-130 ઉપવાસ કરવા ઉપરાંત તેઓ વર્ષો સુધી માત્ર ઉકાળેલા પાણી અને નાળિયેરના પાણી પર રહ્યા. તેમના માર્ગદર્શનમાં ભરતભાઈ શાહ શીખ્યા-પ્રેકટિશનર બન્યા અને તેમણે પોતાનો ખોરાક 35 ટકા ઘટાડ્યો.
 

SUNBATH_1  H x  
 
ભરતભાઈ શાહ આમ તો 10થી વધુ વૈકલ્પિક થેરાપી જાણે છે, પણ તેમણે સૂર્ય ચિકિત્સા-પાણી-ખોરાક-ઉપવાસ અને શિવામ્બુ ચિકિત્સા પદ્ધતિનો વર્ષોથી પોતાના જીવનમાં અમલ કર્યો છે અને પરિણામો પણ મેળવ્યાં છે. તેઓ પહેલાં કરે છે, પછી જ કહે છે. તેમના હાથ નીચે અને હૃદય સાથે વિવિધ થેરાપીના સેંકડો સાધકો તૈયાર થયા છે. સૂર્યચિકિત્સા પદ્ધતિમાં તેમના માર્ગદર્શનમાં તૈયાર થઈને ચીમનલાલ કેશવલાલ શાહ, ધીરૂભાઈ વોરા, બેલાબહેન શાહ, મમતાબહેન શાહ હવે સૂર્ય ઉર્જાના નવા સાધકો તૈયાર કરી રહ્યાં છે. એકલા અમદાવાદમાં જ સૂર્ય ચિકિત્સામાં 45 મિનિટ સૂર્ય દર્શન કરવાના તબક્કે પહોંચેલા 100થી વધુ સાધકો છે. ગુજરાત-ભારત અને સમગ્ર વિશ્વમાં સૂર્ય સાધકોની સંખ્યા ઘણી મોટી છે.
 
અમદાવાદમાં રતિલાલ કાંસોદરિયા નામના વિશ્વખ્યાત શિલ્પી રહે છે. તેમનાં માતા દીવાળી બા 106 વર્ષે સંધ્યા સમયે વગાડી શકાય તેવાં નગારા જેવાં (આ રતિલાલભાઈના શબ્દો છે..) સ્વસ્થ અને નિરામય છે. કડેધડે અને હરતાં-ફરતાં છે. એક દિવસ બપોરના ખાણામાં તેમણે નિયત બેને બદલે એક રોટલી જ ખાધી. રતિલાલભાઈએ પૂછ્યું કે મા કેમ એક રોટલી ઓછી ખાધી ? દીવાળીમાએ જવાબ આપ્યો કે હું હમણાં તડકામાં બેઠી હતી. એક રોટલી મેં સૂરજદાદા પાસેથી ખાઈ લીધી. બોલો, ગામડાના અને નિરક્ષર લોકોને પણ ખબર પડે છે કે સૂરજદાદા જમાડે છે. લાભશંકર ઠાકરે સુંદર બાળવાર્તાઓ લખી છે તેમાં એક વાર્તા છેઃ તડકાનાં પાપડ. હીરા રતન માણકે તે શોધી કાઢ્યું કે તડકાનાં પાપડ જ નહીં રોટલીઓ, ભાખરીઓ, પીત્ઝા અને બીજી અવનવી વાનગી પણ હોય છે.
 
આ આખી વાત જાણ્યા પછી અમારા એક મિત્રએ તો એમ કહ્યું કે જો યોગ્ય રીતે સૂર્ય ચિકિત્સાનો ઉપયોગ કરાય તો દેશની ભૂખમરાની સમસ્યાનો પણ હલ લાવી શકાય. સૂર્યમાંથી કેલેરી મેળવીને લોકો પોતાનો આહાર ચોક્કસ ઓછો કરી શકે. જે સૂર્ય સાધકો વધુ સાધના કરે તેઓ તો સૂર્યઉર્જા અને પાણી પર જ નિભાવ કરી શકે.
 
દુનિયાનું મોટામાં મોટું રસોડું તો સૂરજદાદાનું જ છે. તેમણે પકવેલાં પર્ણ-પુષ્પ કે ફળ ખાઈને અબજો પ્રાણીઓ જીવે છે. અમરેલીના બાલુભાઈ ચાૈહાણે ન્યુ ડાયટ સિસ્ટમ શોધી છે (જેના વિશ્વમાં 10 કરોડથી વધુ પ્રેકટીસનર છે.) તેઓ તો કહે છે કે માણસ નામના પ્રાણીએ સૂરજ દ્રારા પકવાયેલું જ ખાવું જોઈએ. "રંધાય તે ગંધાય" એવા સૂત્ર સાથે તેમણે પ્રયોજેલી નવી જમણ પદ્ધતિ રસપ્રદ છે. તેઓ રોગમુક્ત ભારતનું અભિયાન ચલાવી રહ્યા છે.
 
કોરોનાએ સમગ્ર વિશ્વમાં કાળો કેર વર્તાવ્યો છે ત્યારે સૂર્ય ઉર્જા અને ચિકિત્સા પદ્ધતિ સમગ્ર વિશ્વ માટે વરદાન બની શકે તેમ છે. જો કોરોના પોઝિટિવ દર્દીઓ પર સૂર્ય ચિકિત્સાનો ઉપયોગ કરાય તો ચમત્કારિક પરિણામો મળી શકે તેમ છે. સરકારે જેમ આયુર્વેદને કોરોનાની સારવારમાં વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિ તરીકે છૂટ આપી તે જ રીતે સૂર્ય ચિકિત્સા, શિવામ્બુ, પાણી ચિકિત્સાને પણ અજમાવવાની મંજૂરી આપવી જોઈએ.
 
એ સિવાય પણ લાખો લોકો સૂર્ય ચિકિત્સાનો લાભ લઈને પોતાની રોગ પ્રતિકાર શક્તિને વધારી શકે. ગુંદરિયા મહેમાનની જેમ કોરોના જવાનું નામ નથી લેતો ત્યારે આપણે તેને આપણા શરીરમાં પ્રવેશતો અટકાવવો હશે તો પ્રતિકાર શક્તિને વધારવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી.
 
જેમ જીવનનાં મહત્ત્વનાં સત્યો સરળ હોય છે તે જ રીતે શરીરના તમામ રોગના ઉકેલ સરળ જ હોય છે, જો કુદરતી ચિકિત્સા પદ્ધતિની મદદથી તેનો સામનો કરાય તો. ભારત દેશ માટે હવે એ સમય આવી ગયો છે કે તે આ બધી કુદરતી, સુગમ અને નિઃશુલ્ક ચિકિત્સા પદ્ધતિઓના માધ્યમથી પોતાની જાત અને રાષ્ટ્રને નિરામય બનાવે...
 
(સૂર્ય ચિકિત્સા પદ્ધતિનો અમલ કરતાં પહેલાં અમદાવાદ સ્થિત આદર્શ અમદાવાદ, નેહલ એપાર્ટમેન્ટ, કોમર્સ છ રસ્તા, સ્થાનકવાસી જૈન ઉપાશ્રય પાસે, સર્વોત્તમ નગર સોસાયટી, નવરંગપુરા, અમદાવાદ 380009 ફોન નંબર 079 2656 5416નો સંપર્ક કરવો. આપ આદર્શ અમદાવાદનું ફેસબુક પેજ પણ જોઈને વિશેષ માહિતી મેળવી શકો છો.
 
આલેખનઃ રમેશ તન્ના