સશકત ભારત - સક્ષમ થવાની જરૂર સ્વદેશી માધ્યમ

    ૦૫-જૂન-૨૦૨૦
કુલ દૃશ્યો |

swadeshi_1  H x 
 

સશકત ભારત - સક્ષમ થવાની જરૂર સ્વદેશી માધ્યમ

 
મહાત્મા ગાંધીના શબ્દોમાં સ્વદેશી ભાવનાનો અર્થ એટલે કે, આપણી એ ભાવના જે આપણને દૂરનું છોડી સમીપવર્તી પરિવેશનો ઉપયોગ કરવાનું શીખવે છે. ગાંધીજીની સ્વદેશી ભાવના શીખવે છે કે, અર્થના ક્ષેત્રમાં મારે મારા પડોશીઓ દ્વારા બનાવાયેલી વસ્તુઓનો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો જાઈએ અને જા એ ઉદ્યોગોમાં કોઈ ત્રુટી છે તો તેને દૂર કરી તેને વધારે સંપૂર્ણ અને સક્ષમ બનાવી તેની સેવા કરવી જાઈએ. મહાત્મા ગાંધી કહે છે કે, મારા મતે સ્વદેશી એટલે ભારતના બેરોજગાર લોકોના હાથની બનેલ વસ્તુઓ. તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ લોકડાઉન દરમિયાન દેશને નામે પોતાના પાંચમા સંબોધનમાં પણ સ્થાનિક ચીજવસ્તુઓ એટલે કે સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવા પર ભાર મૂક્યો હતો. ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે પણ લોકોને સ્વદેશી ચીજવસ્તુઓ વાપરવાનો આગ્રહ કર્યો છે.
 
ભારત ખુદમાં એક આખી દુનિયા છે. સશકત ભારત આજે ય અનેક સ્વદેશી વસ્તુઓનું નિર્માણ કરે છે. દેશ-વિદેશમાં નિકાસ કરે છે. બસ દેશે હવે વધારે સક્ષમ થવાની જરૂર છે. ભારતમાં વસ્તી અને રાજ્ય એટલાં બધાં છે કે જા તે ધારે તો ખુદની એક આખી ઇકોનોમી ઊભી કરી શકે છે. ભારત પાસે સશકત અને સક્ષમ માનવબળ છે. તે પ્રતિભાઓ દેશ-વિદેશમાં ડંકો વગાડી રહી છે. તે પ્રતિભાઓને જા સ્વદેશ તરફ વાળવામાં આવે તો આવનારા સમયમાં ભારત સ્વદેશી માધ્યમ થકી સમગ્ર વિશ્વમાં સૌથી વધુ સક્ષમ દેશ બની શકશે.

ભારતીય અર્થવ્યવસ્થાનું સ્વદેશીકરણ

 
આમ તો દાયકાઓથી ભારત સ્વદેશી ઉત્પાદનોમાં સશક્ત રહ્યું છે. પરંતુ સપ્ટેમ્બર, ૨૦૧૪માં શરૂ થયેલ મેઇક ઇન ઇન્ડિયા કેમ્પેઇન ભારતીય અર્થવ્યવસ્થામાં સ્વદેશીકરણનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય. આ અંતર્ગત રક્ષા ખાદ્ય પ્રસંસ્કરણ સહિત ૨૫ ક્ષેત્રોમાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સરકારી નિયમ-કાયદાઓને સરળ બનાવવામાં આવ્યા છે. મેઇક ઇન ઇન્ડિયા અંતર્ગત વિશેષ કરીને રક્ષાક્ષેત્રે સ્વદેશીની ગાડી બૂલેટ ઝડપે દોડી છે, એવું કહેવામાં જરા પણ અતિશયોકિત નથી. અમેરિકન રક્ષાકંપની લોકહીડ માર્ટીન ભારતમાં ચોથી પેઢીના બહુઆયામી વિમાન એફ-૧૬ બનાવવા આતુર છે. નિયમો મુજબ ભારત આ વિમાનોની નિકાસ પણ કરી શકશે. આ ઉપરાંત મેઈક ઇન ઇન્ડિયા અંતર્ગત તાજેતરમાં જ સ્કોર્પીયન શ્રેણીની ત્રીજી પનડૂબી આઈએનએસ કરંજ નૌસેનામાં સામેલ કરવામાં આવી છે, જે પણ એક સ્વદેશી પનડૂબી છે અને મેઇક ઇન ઇન્ડિયા અંતર્ગત તૈયાર થયેલી છે. આ અગાઉ આઇબેન એસકલવટી પનડૂબી પણ ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવી હતી, ત્યાર બાદ મેઇક ઇન ઇન્ડિયા અંતર્ગત જ આઈએનએસ પાંદેરી પણ લોન્ચ થઈ છે.

પર્યટન ક્ષેત્રમાં ભારતની લાંબી છલાંગ પરંતુ હજુ સુધારા જરૂરી

 
વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા ગત સપ્ટેમ્બર ૨૦૧૯ દ્વારા ઘોષિત એક રિપોર્ટ મુજબ વિશ્વ પર્યટન પ્રતિયોગી યાદીમાં ભારતનું રેંકિંગ સતત સુધરી રહ્યું છે. હાલ ભારત આ યાદીમાં ૩૪મું સ્થાન ધરાવે છે.
 
અહીં જણાવવું જરૂરી છે કે, ૨૦૧૫માં ભારત આ યાદીમાં પર (બાવન)મા સ્થાને હતું. એટલે કે ભારતે ૧૮ સ્થાનોની છલાંગ લગાવી છે. પર્યટન એક એવો શુદ્ધ સ્વદેશી વ્યવસાય છે કે તે ઓછામાં ઓછા રોકાણમાં વધુમાં વધુ રોજગારી રળી આપે છે. ભારત સરકારના પર્યટન મંત્રાલયના અનુમાન મુજબ પર્યટન પર પ્રતિ દસ લાખના રોકાણ પર ૪૭૫ રોજગારના અવસર પેદા થાય છે. એક અનુમાન મુજબ ૨૦૧૭-૧૮માં દેશમાં ૮.૧૧ કરોડ લોકોને પર્યટન ક્ષેત્રમાં રોજગારી મળી હતી, જે દેશના કુલ રોજગાર અવસરોમાં ૧૨.૩૮ ટકા જેટલી થાય છે. પ્રવાસ અને પર્યટન ભારતનું ત્રીજું સૌથી મોટું વિદેશી ધન કમાવી આપતું શુદ્ધ સ્વદેશી ક્ષેત્ર છે.
 

swadeshi_1  H x 

સ્વદેશી મેન્યુફેક્ચરિંગ પર ફોકસ

 
રક્ષાક્ષેત્રમાં વિદેશી નિર્ભરતા ખતમ કરવા માટે સતત પ્રયત્નો થઈ રહૃા છે. રક્ષા મંત્રાલય દ્વારા ભારતમાં જ નિર્મિત અનેક હથિયારો જેવાં કે HALનું તેજસ, પોર્ટેબલ ટેલિમેટિસિન સિસ્ટમ, પેનેટેરેશન કમ બ્લાસ્ટ (પીસીબી) અર્જુન ટેંક માટે થર્મોબેરિક એમ્યુનેસન, ૯૫% સ્વદેશી પાર્ટસથી બનેલ વરુણા  (હેવી લાઈટ ટોરપેડો) અને મીડિયમ રેન્જ સરફેસ એર મિસાઇલ્સ (MSAM)નો સમાવેશ થાય છે. ભારતમાં બનાવો અને ભારતમાં બનેલ માલસામાન ખરીદો. આ નીતિ અંતર્ગત રક્ષા મંત્રાલયે ૮૨ હજાર કરોડ રૂપિયાના સોદાને મંજૂરી આપી છે તે અંતર્ગત લાઈટ કોમ્બેક્ટ એરક્રાફ્‌ટ (LCA) T-90 ટેંક, મિનિ-અનનેમેડ એરિયલ વ્હીકલ્સ (UAV) અને લાઈટ કોમ્બેક્ટ હેલિકોપ્ટર સામેલ છે. આ ક્ષેત્રમાં પ્રોત્સાહન આપવા માટે અનેક સુવિધાઓ આપવામાં આવી છે.
 

મેડિકલ ટૂરિઝમ

 
પર્યટનનો મતલબ હવે માત્ર હરવું- ફરવું જ નથી રહ્યું. બલકે આજે વિશ્વભરમાં નવું પર્યટન ક્ષેત્ર વિકસી રહ્યું છે અને તે છે સ્વાસ્થ્ય પર્યટન એટલે કે મેડિકલ ટૂરિઝમ. વર્તમાન સમયમાં વિશ્વભરના લોકો સ્વાસ્થ્ય લાભો માટે પણ પ્રવાસ કરી રહૃા છે અને દેશમાં જ્યારે સ્વદેશી અપનાવવાની ચર્ચા જારમાં છે ત્યારે આપણા માટે ગૌરવની અને અવસરની વાત એ છે કે ભારત આ પ્રવાસનમાં ટોચ પર છે. ભારતમાં મેડિકલ ટૂરિઝમ લગભગ ૩૦૦ કરોડનું હતું જે ૨૦૧૯-૨૦માં વધીને ૯૦૦ કરોડની આસપાસ પહોંચી ગયું છે. હાલ ભારતમાં સારવારનો ખર્ચ વિદેશો કરતાં લગભગ ૮૦ ટકા ઓછો થાય છે, પરિણામે લાખો વિદેશીઓ ભારતમાં માત્ર મેડિકલ સારવાર માટે જ પ્રવાસ કરે છે.

રીફાઈડ પેટ્રોલિયમ

 
રિફાઇનિંગ પેટ્રોલિયમ ઉદ્યોગ ભારતીય અર્થવ્યવસ્થામાં ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવે છે. જેમાં પ્રાઇવેટ સેક્ટરની કુલ ક્ષમતાનો લગભગ ૩૮% ભાગ છે. એક આંકડા મુજબ વર્ષ ૨૦૧૮માં ભારતે ૪૬.૮ બિલિયન ડૉલરના રિફાઇન્ડ પેટ્રોલિયમનું નિર્યાત કર્યો હતો. ભારતે રિફાઇનરીઓના નિવેશ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાથી ભારત શુદ્ધ કાચા તેલનો સૌથી વધુ આયાત કરતો હોવા છતાં પેટ્રોલિયમ ઉત્પાદકોની નિકાસ કરતો દેશ બની ગયો છે. Essar, Reliance Industries Limited વગેરે જેવી કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારોમાં સિંગાપુર, સાઉદી અરબ, સંયુક્ત આરબ અમીરાત અને નેધરલેન્ડ જેવા દેશોમાં ઇન્જન ગેસોલીન નાપ્થા તેમજ ડિઝલનો નિર્યાત કરી રહી છે.
 

swadeshi_1  H x 
 

ખનિજ ઇંધણ :

 
ભારત ખનીજામાં સમૃદ્ધ દેશ છે. ભારત ખનીજ ઉત્પાદનમાં ઉચ્ચ રેકિંગ સ્થિતિમાં છે. આપણે ત્યાં વિશેષ રૂપની કોલસાનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. એક અનુમાન મુજબ હાલ ભારત ૪૦ પ્રકારના ખનીજ ૧૦ પ્રકારની ધાતુ ખનીજા સહિત ૮૭ પ્રકારના ખનીજાનું ઉત્પાદન કરે છે અને લગભગ ૩૦.૭૯ બિલિયન ડોલરના ખનિજાની નિકાસ કરે છે.
 

રત્ન તેમજ કિમતી પથ્થર :

 
રત્નો તેમજ ઘરેણાના ઉત્પાદન અને નિર્યાત બાબતે ભારત વિશ્વનાં અગ્રણી દેશોમાં સ્થાન ધરાવે છે. આ ધાતુની સૌથી વધુ નિકાસ યુ.એ.ઈ., યુ.એસ.એ., રુસ, સિંગાપુર, હોંગકોંગ, લેટિન અમેરિકા અને ચીન જેવા દેશોમાં થાય છે. ખાલી અમેરિકા હોંગકોંગ અને યુએઈમાં જ કુલ નિર્યાતની ૭૫% નિકાસ કરવામાં આવે છે. એક અનુમાન મુજબ ૨૦૧૬-૧૭માં ૩૫.૫૧ બિલિયન ડોલરની નિકાસ થઈ હતી.
  

મશીનરી તેમજ યાંત્રિક ઉપકરણ :

 
વર્તમાન સમયમાં ભારત ટેક્ટર મેન્યુફેક્ચરિંગમાં વિશ્વનો સૌથી પ્રમુખ દેશ છે. આપણે ત્યાં ૧૩થી વધુ ટ્રેક્ટર બનાવતી કંપનીઓ છે જે સ્થાનિક માંગની આપૂર્તિની સાથે સાથે વિદેશોમાં પણ ટ્રેક્ટરની નિકાસ કરે છે. એક આંકડા મુજબ એકલુ ભારત જ આખા વૈશ્વિક ટ્રેક્ટર ઉત્પાદન ૧/૩ ઉત્પાદન કરે છે. ભારત દ્વારા નિર્મિત ટ્રેક્ટર આફ્રિકા, મધ્યપૂર્વ એશિયા, દક્ષિણ અમેરિકા સહિતના દેશોમાં નિકાસ થાય છે. આ સિવાય દેશના તમામ પ્રકારના ડિઝલ એન્જિન, ઇલેક્ટ્રિક મોટર્સ અને કૃષિ મશીનો તેમજ અન્ય ઉપકરણોની પણ નિકાસ કરવામાં આવે છે.
 

દવા તેમજ દવા સંબંધિત ઉત્પાદ

 
ભારતમાં બનેલ દવાઓ તેમજ અન્ય ચિકિત્સા ઉત્પાદોની ચીન અને અન્ય એશિયાઈ દેશોમાં નિકાસ થાય છે. એક આંકડા મુજબ ભારતનું દવા બજાર મૂલ્ય અને આકારમાં સમગ્ર વિશ્વમાં ચૌદ (૧૪)માં સ્થાને છે. વર્તમાનમાં વિશ્વનાં ૨૦૦ જેટલા દેશોમાં ભારતમાં બનેલા દવા તેમજ તેને સંબંધિત ઉત્પાદો નિકાસ થાય છે. વિશેષ કરીને અમેરિકા, જર્મની, રશિયા, અને યુનાઇટેડ કિંગડમ અને ચીન ભારત માટે મોટા બજાર છે.
 

વિદ્યુત મશીનરી અને વિદ્યુત ઉપકરણ

 
ભારત ડિઝલ જનરેટરનાં ઉત્પાદનમાં વિશ્વમાં પ્રસિદ્ધ છે. આ ઉપરાંત વિભિન્ન ક્ષેત્રો જેવા કે ઇલેક્ટ્રોનિક્સ નવીનીકરણ ઊર્જા, મોટર વાહન, રેલવે વગેરેમાં વિદ્યુત મશીનરી તેમજ અન્ય ઉપકરણોની નિકાસ કરે છે. મહત્વની વાત એ છે કે પાછલા એક દાયકામાં ભારતની ટેક્‌નોલોજી વગેરેમાં નોંધપાત્ર સુધારો થયો હોવાથી ભારતમાં બનેલા વિદ્યુત મશીનરી તેમજ ઉપકરણોની માંગ અમેરિકા, યુરોપિય સંઘ જેવા વિકસિત દેશોમાં પણ થવા લાગી છે.
 

swadeshi_1  H x 
 

કપાસ, કોફી અને મસાલા

 
આ ઉપરાંત ભારત વિશ્વના કુલ કપાસ બજારમાં ૨૫% જેટલું કપાસ અને તેની સાથે સંકળાયેલ ઉત્પાદોની આપૂર્તિ કરે છે. લગભગ ૧૬૬ દેશોમાં ભારત કપાસની નિકાસ કરી ૧૦૦ બિલિયન અમેરિકન ડોલરની આવક કરે છે. કપડા અને ગારમેન્ટસની નિકાસમાં પણ ભારતનું સ્થાન વિશ્વના પ્રમુખ દેશોમાં છે.
 
ચા-કોફી પણ ભારતની પારંપારિક નિકાસ છે. એક આંકડા મુજબ ૨૦૧૬-૧૭માં વિશ્વભરમાં ભારતે ૫૫ મિલિયન ટનથી પણ વધુ ચા-કોફીની નિકાસ કરી હતી. ઇટલી, જર્મની, રશિયા, તુર્કી, પોલેન્ડ સહિતના દેશોમાં નિકાસ કરવામાં આવે છે.
મસાલાના ઉત્પાદનમાં પણ ભારત મોખરે છે. ભારત દર વર્ષે વિશ્વભરમાં લગભગ ૮૫ લાખ ટન મસાલાની નિકાસ કરે છે. જેને મૂલ્ય લગભગ ૧૬૨.૩૮ બિલિયન ડોલર થાય છે. આ ઉપરાંત ચોખા ઉત્પાદનમાં પણ ભારતની બોલબાલા છે. કુલ વૈશ્વિક વ્યાપારમાં ભારતની ભાગીદારી ૨૫% છે. જેનું મૂલ્ય ૭.૭૩ બિલિયન અમેરિકન ડોલર થાય છે. ભારતની કુલ નિકાસમાં ૮૦થી વધુ ટકા નિકાસ માત્ર ખાડી દેશો અને ઈરાનમાં થાય છે.

ભારતે વિકાસનું સ્વદેશી મોડલ અપનાવવું જ રહ્યું : કાશ્મીરી લાલ (અ.ભા.સંગઠક, સ્વદેશી જાગરણ મંચ)

 
kashmirilala_1  
 
 
સિંગાપોર યુનિવર્સિટીના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે કોરોના ફેલાવાનું એક કારણ અતિ શહેરીકરણ તથા અત્યાધિક સંપર્ક છે. જ્યાં જ્યાં વિકાસનું આ પશ્ચિમી મોડલ વિકાસ પામ્યું છે ત્યાં પણ આનાં દુષ્પરિણામોને કારણે તેનો વિરોધ થઈ રહ્યો છે. એટલા માટે કોઈ વિકેન્દ્રિત અને આત્મનિર્ભર મોડલ જ આવી બીમારીઓથી બચાવી શકે છે. અહીં એક મુખ્ય પ્રશ્ન એ થાય છે કે આ વૈકલ્પિક સ્વદેશી સંરચનાને લાગુ કોણ કરશે ? આ કામ ત્રણ સ્તર પર થઈ શકે છે. શાસન, પ્રશાસન અને સમાજ. હાલ આપણું શાસન આ મુદ્દે વિશેષ રસ દાખવી રહ્યું છે. જ્યાં સુધી પ્રશાસનનો સવાલ છે, તો કાયદાથી તે શાસન જે કહે છે તે કરવા પ્રતિબદ્ધ છે. હવે વાત સમાજ પર આવે છે અને સતત અને યોજનાપૂર્વકને જનજાગરણથી સમાજ પણ સ્વદેશી અભિયાનનો ભાગ બની શકે છે. સમાજે જીવનમાં સ્વદેશી અપનાવવાનો આગ્રહ રાખવો પડશે. જીવન માટે જે પણ જરૂરી છે તે આપણા દેશમાં જ તૈયાર કરવું પડશે અને તેની ગુણવત્તા સાથે કોઈ જ સમાધાન થવું ન જાઈએ.
 

આ ભગીરથ કાર્ય સરકાર, વેપારીઓ અને નાગરિકોનાં સંયુકત સહકારથી જ શક્ય છે : જ્યોતિન્દ્ર મિસ્ત્રી (પૂર્વ ગુજરાત પ્રાંત સંયોજક, સ્વદેશી જાગરણ મંચ)

 

jyotindra mistry_1 & 
 
અત્યારે વૈશ્વિક વેપારના સંદર્ભમાં આત્મનિર્ભરતા એટલે ભારતની નિકાસ જે આયાત કરતાં વધુ હોવી જાઈએ. ખનીજ તેલની આયાતની બાબત આપણા હાથમાં નથી. પણ ચીનના ઔદ્યોગિક આક્રમણને ખાળવું આપણા હાથમાં છે. ૨૦૧૭માં ભારત-ચીન વચ્ચે થયેલ ડોકલામ સરહદ વિવાદના કારણે ભારતમાં થયેલ સ્વયંભૂ ચીની માલના બહિષ્કારને કારણે ચીન તેના કોઈ પણ માલસામાન ઉપર Made in China લખતું નથી. ઉપરાંત એવી અસંખ્ય ભારતીય કંપનીઓ છે કે જે ચીનમાંથી જ માલ બનાવીને ત્યાંથી જ Made in India લખાવીને અહીં લાવીને વેચે છે. આના કારણે જે ભારતીય નાગરિકો સ્વદેશી ખરીદવા ઇચ્છતા હોય તે પણ સહેલાઈથી છેતરાય છે. આ સમસ્યાનો ઉકેલ ભારત સરકારના સહકારથી અમેરિકા જેવા આયાતના કાયદાઓથી જ લાવી શકાય. આ સમસ્યાનો ઉકેલ લાવવો જરૂરી છે, કારણ કે ચીનના ઔદ્યોગિક આક્રમણના કારણે આપણા દેશના ઉદ્યોગો અને રાષ્ટ્રીય સુરક્ષાને પણ અસર થાય છે અને બંનેને બચાવવાના છે. આ ભગીરથ કાર્ય સરકાર, વેપારીઓ અને નાગરિકોના સંયુક્ત સહકારથી જ શક્ય છે.

સ્વદેશી એક મંત્ર, તંત્ર, શસ્ત્ર અને શાસ્ત્ર છે : જીતુભાઈ શાહ

 
૧૯૬૮થી ૭૦ના ગાળામાં પાંચમા ધોરણમાં એક પાઠ આવતો, તેમાં ભણાવાતું કે સ્વદેશી એટલે પોતાના ગામમાં બનતું હોય તો બીજા ગામની વસ્તુ ના ખરીદવી. પોતાના જિલ્લામાં બનતી હોય તો બીજા જિલ્લાની વસ્તુ ના ખરીદવી અને પોતાના રાજ્ય કે દેશમાં બનતી હોય તો બીજા રાજ્ય કે દેશની વસ્તુ ના ખરીદવી કે ના વાપરવી. તરુણાઈ દરમિયાન સ્વદેશી અંગે પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીએ કહેલી વાત આજે પણ યાદ છે. એમણે કહ્યું હતું કે, સ્વદેશી એટલે પુરાતન વસ્તુઓને યુગાનુકૂળ બનાવવી અને વિદેશી વસ્તુઓને સ્વદેશાનુકૂળ બનાવવી.
 

jyotindra mistry_1 & 
 
રાષ્ટ્રપ્રેમી ભારતીય નાગરિકો માટે ‘સ્વદેશી’ એટલે યુગાનુકૂળ સ્વાભિમાનયુક્ત, સંસ્કારયુક્ત વિશ્વનું કલ્યાણ ઇચ્છનારી અને કરનારી જીવનપદ્ધતિ. ‘સ્વદેશી’ એટલે સ્થાનીય સ્તર માટે જેટલી સુવિધા ઉપલબ્ધ છે તેમનો ઉપયોગ કરીને બનાવેલી શ્રેષ્ઠતમ સામગ્રી કે પદ્ધતિ કે જીવનશૈલી. આપણા દેશમાં ઉચ્ચ ગુણવત્તા ઉપર ભાર અપાય જ છે અને આપવો પણ જાઈએ જ. માણસ પોતાની ગુણવત્તા પ્રમાણે પોતાનું સ્વાભિમાન જાળવીને શ્રેષ્ઠતમ જીવનશૈલીની રચના કરી શકે છે. કોઈ કવિએ લખ્યું છે કે,
 
એક ચિનગારી કહીં સે ઢૂંઢ લાઓ દોસ્તો, ઇસ દિયે મેં તેલ સે ભીગી હુઈ બાતી તો હો.
 
(લેખક સ્વદેશીના દૃઢ આગ્રહી છે. લેખન અને સાઇકલપ્રવાસ એમની રુચિના વિષય છે.)

રાષ્ટ્રીય વેબીનારમાં ખ્યાતનામ અર્થશાસ્ત્રી એસ.ગુરુમૂર્તિનું આહ્‌વાન
આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી પૂર્વશરત છે

 
- કોવિડ મહામારીના પરિણામે નવાં વૈશ્વિક - રાજકીય - આર્થિક સમીકરણો આકાર લઈ રહ્યાં છે. કોવિડ મહામારીના પુર્વે આર્થિક રીતે શક્તિશાળી દેશોની દાદાગીરી સામે અન્ય દેશોએ પોતાના સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય મૂલ્યોને કોરાણે મૂકવાં પડતાં હતાં. હવે આવી દાદાગીરી ચાલશે નહીં.
 
- યુનોએ તો છેક ૨૦૧૦ માં જ ઘોષણા કરી હતી કે વૈશ્વીકરણના નામે બધાં જ દેશોને એક જ લાકડીએ હાંકી શકાય નહીં. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિશાવિહીન આયોજન પંચનું વિસર્જન કરીને નીતિ આયોગની રચના કરી. આ નીતિ આયોગ દેશના સ્વાભિમાનને ભોગે કોઈ પણ દેશ સાથેના આર્થિક વ્યવહારોને અનુમતિ આપતું નથી.
 
- ભારતના માર્કેટને આવશ્યક હોય તે ઉત્પાદનો તૈયાર કરાશે તો જ મેક ઇન ઇન્ડિયા સફળ થશે. એટલે કે આપણે આપણી આવશ્યકતાઓની આપૂર્તિ આપણાં સ્વદેશી ઉત્પાદનોથી જ કરવી પડશે.
 
- 4G અને નેનો ટેકનોલોજીનાં ક્ષેત્રે નિકાસની અપાર તકો છે
 
- ગ્રામ્ય અને શહેરી ક્ષેત્રોની પરિસ્થિતિઓ ભિન્ન હોય છે તેથી આ બંને ક્ષેત્રોના વિકાસ માટે સ્વતંત્ર રીતે જ વિચાર થવો જોઈએ.
 
- દેશના GDPમાં શેરબજારમાં નોંધાયેલી કંપનીઓનો ફાળો માત્ર પાંચ ટકા જેટલો હોય છે જ્યારે નાના અને સ્જીસ્ઈ એકમોનો ફાળો ૫૦ ટકાથી વધુ છે. આથી આવા એકમોને આર્થિક સહાય અને પ્રોત્સાહનો આપવાં જોઈએ.
 
- નાના અને MSME એકમોને આર્થિક સહાય અને પ્રોત્સાહનો આપવામાં આવે તો દેશનો ઉત્પાદન, વેચાણ અને રોજગારી વધશે અને ભારતનો આર્થિક વિકાસ તીવ્ર ગતિથી આગળ વધશે.
 
- ટૂંકમાં, આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી પૂર્વશરત છે, આવો, સ્વદેશીને અપનાવીને દેશસેવા કરીએ.

૮૦૯ કોડવાળી બધી જ વસ્તુઓ સ્વદેશી જ છે તેવું માનવાની જરૂર નથી : 
રમેશભાઈ દવે (પશ્ચિમ ક્ષેત્ર - સહ સંયોજક, સ્વદેશી જાગરણ મંચ - ગુજરાત)

 
લોકોના મનમાં સ્વદેશી ભાવ જાગૃત થયો છે તે ખૂબ આનંદની વાત છે, પણ સ્વદેશી અને વિદેશી કોને કહેવાય એ લોકોના ધ્યાનમાં નથી. દા.ત. ૮૯૦ ક્રમાંક જે ચીજ વસ્તુઓ પર લખેલો હોય તે બધી જ વસ્તુઓ સ્વદેશી તેવો ભાવ લોકોના મનમાં છે. ખરેખર સ્વદેશી એટલે ભારતની જ માલિકીની કંપની હોય, એનો માલિક પણ ભારતીય હોય જેથી નફો ભારતમાં રહે તેવી કંપનીઓની ચીજવસ્તુઓ સ્વદેશી માટે ૮૯૦ના કોડથી શરૂ થાય છે એ બધી જ વસ્તુઓ સ્વદેશી છે તેવું લોકોએ માનવાની જરૂર નથી. આ માટે લોકોને સ્વદેશી-વિદેશી વસ્તુઓના નામ આપવા પડશે.
 
સ્વદેશી ભાવને સ્થાયી બનાવો પણ જરૂરી છે. ઉપરાંત ચીનના માલને તો સ્પર્શ જ નથી કરવાનો તે આપણે સૌએ સમજી લેવાનું છે. લોકો ઉપરાંત સરકારે પણ ધ્યાન રાખવું પડશે કે સ્વદેશી માટેની લોન-સહાય યોગ્ય લોકો સુધી પહોંચે. સરકારે લોકલ બ્રાન્ડને ઉત્તેજન આપવું ખરીદ-વેચાણ કરવાની વ્યવસ્થા ય ગોઠવવી જાઈએ.
 

નાના અને મધ્યમવર્ગના લોકોના પુનરુત્થાન માટે “સરકાર”
સાથે હાથ મિલાવશે “સહકાર” : જ્યોતિન્દ્રભાઈ મહેતા (ચેરમેન : ગુજરાત અર્બન કો.ઓ.બેંક ફેડરેશન)

 
ગુજરાતની ૨૧૮ જેટલી સહકારી બેન્કો, ૧૮ જિલ્લા સહકારી બેન્કો સાથે મળીને લગભગ ૨૪૦૦ જેટલી શાખાઓમાંથી અને ૬૦૦૦ જેટલી ક્રેડિટ સોસાયટીના માધ્યમથી નાના માણસોને લોન મળી રહે તે માટેનું આયોજન રાજ્ય સરકારે કરેલ છે. જે તમામને હાલમાં સહકારી બેન્કો ૧૨થી ૧૩ ટકાના દરે લોન આપે છે. તેની સામે ફક્ત આઠ ટકાના દરથી લોન ઉપલબ્ધ કરાશે. રાજ્ય સરકાર તેમાં છ ટકાની સબસિડી આપશે, જેના પરિણામે ધિરાણ મેળવનારને નેટ ૨% વ્યાજદરે લોન મળી રહેશે. આ સ્કીમ રાજ્ય સરકારની સાથે મળીને ગુજરાતના સહકારી ક્ષેત્રના આગેવાનો અને બેન્કોના ચેરમેન અને અધિકારીઓ સાથે મળીને ઘડી કાઢી છે. સહકારી બેન્કો જ્યારે દેશને કે રાજ્યને મુશ્કેલી પડે છે, જનતાને તકલીફ પડે છે, ત્યારે ખરે વખતે લોકોની વચ્ચે રહીને તેમની વહારે ધાય છે. હાલની કટોકટીમાં, મુશ્કેલ સમયમાં ગુજરાતના લોકો આર્થિક ક્ષમતા ફરી હાંસલ કરે, આત્મનિર્ભર બને તે માટે સરકાર અને સહકાર સાથે મળીને આ યોજનાનો અમલ કરશે. ગુજરાત અર્બન કો. ઓપ. બેન્ક્સ ફેડરેશનના ચેરમેન શ્રી જ્યોતિન્દ્ર મહેતા જણાવે છે કે સહકારી ક્ષેત્ર માટે ગૌરવની વાત છે કે ખરા સમયે જ્યારે ગુજરાતને જરૂર છે ત્યારે, ગુજરાતના વેપારીઓને જરૂર છે ત્યારે, નાના લોકોને જરૂર છે ત્યારે, તેમની પડખે મજબૂતીથી ઊભું રહેશે.
 
આ યોજનાનો લાભ ૧૦ લાખ લોકોને મળશે. બેન્કો માત્ર અરજીના આધારે લોન મંજૂર કરશે. ૧ લાખ સુધીની લોન આગળ જણાવ્યું તેમ માત્ર ૨%ના વાર્ષિક વ્યાજદરથી મળશે. પ્રથમ ૬ માસ વ્યાજ અને મુદ્દલ ચૂકવવાની જરૂર નહીં હોય. લોન લેનારે કોઈ પ્રકારનો પ્રોસેસિંગ ચાર્જ ભરવાનો થશે નહીં. સહકારી ક્ષેત્ર સમાજના આર્થિક પુનરુત્થાનમાં ભાગીદાર બનવાની તક મળવાથી ખુશી અનુભવે છે.

બાબા રામદેવ હવે એમેઝોન અને ફ્લિપાકાર્ટ આપશે ટક્કર,
પતંજલિ લોન્ચ કરશે સ્વદેશી શોપિંગ પોર્ટલ

 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને ખાદી ખરીદવાનો આગ્રહ અને સ્વદેશી વસ્તુઓ ખરીદવાનું સમર્થન કર્યુ છે. હવે ગ્રાહકો માટે બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ ભારતમાં બનતાં ઉત્પાદનો અને સ્વદેશી વસ્તુઓની ખપત પૂરી કરવા માટે એક વિશેષ ઇ-કોમર્સ પ્લેટફોર્મ શરૂ કરવા જઈ રહ્યું છે, જેમાં ફક્ત સ્વદેશી ઉત્પાદનો ખરીદી શકાશે. ઇ કોમર્સ કંપની order me પર પતંજલિ હવે આયુર્વેદિક ઉત્પાદનોની સાથે સાથે સ્વદેશી ઉત્પાદન વેચશે. ખાસ વાત તો એ છે કે ઓર્ડર કરવાથી ફ્રી હોમ ડિલિવરી કરવામાં આવશે. આ સિવાય પતંજલિ ૧૫૦૦ ડાક્ટરો અને યોગની શિક્ષા માટે ૨૪ કલાક મફત સલાહ આપશે.
 
૧૫ દિવસમાં લોન્ચ થશે સાઈટ
 
બાબા રામદેવની ઇ-કોમર્સ સાઇટ આગામી ૧૫ દિવસમાં માર્કેટમાં દસ્કત આપશે. કંપનીએ દાવો કર્યો છે કે આ વેબસાઇટ પર ઓર્ડર કરવામાં આવેલ સામાનને થોડા સમયમાં જ પહોંચાડવામાં આવશે. આચાર્ય બાળકૃષ્ણએ આ મામલે પ્રકાશ પાડતાં કહ્યું order me પર ફક્ત અને ફક્ત સ્વદેશી વસ્તુઓ જ મળશે. જે પણ સામાનનો ઑર્ડર કરવામાં આવશે તેની ફ્રી હોમ ડિલિવરી કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયા એન્ટરપ્રાઇઝને પણ આની સાથે જોડવામાં આવશે જે આ ઉત્પાદનોને આ પ્લેટફોર્મના માધ્યમથી વેચશે.