શ્રી ગુરુજી - દેવદૂત નહીં, પણ દૃષ્ટા

    ૦૫-જૂન-૨૦૨૦
કુલ દૃશ્યો |

guruji_1  H x W
 
 

 ૫ જૂન, પ. પૂ. શ્રી ગુરુજીની પુણ્યતિથિ નિમિત્તે વિશેષ  

 
શ્રી ગુરુજીના લેખન-ચિંતન ઉપર ગહન સંશોધન કરીને શ્રી ગુરુમૂર્તિએ બતાવ્યું છે કે દાયકાઓ પહેલાં પ. પૂ. શ્રી ગુરુજીએ જે વિચારો વ્યક્ત કર્યા હતા તે આજે સર્વથા યથાર્થ ઠરી રહ્યા છે. પમી જૂન પ. પૂ. શ્રી ગુરુજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રી ગુરુમૂર્તિ દ્વારા લખાયેલો આ લેખ `સાધના'ના વાચકો માટે વિશેષ રૂપે પ્રસ્તુત છે….
 
પ. પૂ. ડૉક્ટર હેડગેવાર દ્વારા સ્થાપિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારાનું બીજ રોપણ પ. પૂ. શ્રી ગુરુજીએ કર્યું. સતત ત્રણ દાયકાઓ સુધી એ મૌન તપસ્વીએ એ વિચારનું સિંચન કરીને આ સામાજિક-સાંસ્કૃતિક રાષ્ટ્રીય સંગઠનને વિશાળ વટવૃક્ષનું સ્વરૂપ આપ્યું.
 
બનારસ હિન્દુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ આપેલું તેમના પ્રોફેસર માધવ સદાશિવ ગોળવલકરને અત્યંત પ્રેમથી `ગુરુજી'નું હુલામણું નામ જીવનભર તેમની ઓળખ બની રહ્યું. ભારતના વિભાજન પૂર્વે, અને પછી, સંઘ અને દેશ માટેનાં વિકટતમ વર્ષોમાં તેમણે સંઘનું નેતૃત્વ સંભાળ્યું. દેશના વિભાજન પછી, સંઘના વટવૃક્ષને ધરમૂળમાંથી ઉખેડી નાખવા માટે, તત્કાલીન શાસકોએ, સ્વાતંત્ર્ય આંદોલનને કારણે મળેલી સહાનુભૂતિ અને લોકપ્રિયતાનો ગેરલાભ લઈને, તથ્યહીન અને વાહિયાત આક્ષેપો કરીને સંઘ ઉપર પ્રતિબંધ લાદ્યો. સંઘને સમાપ્ત કરવાની શાસકોની ઇચ્છા પૂર્ણ તો ન જ થઈ, પરંતુ સંઘ ઉપર તેમણે મૂકેલા બધા જ આરોપોને પણ ન્યાયાલયે ખોટા ઠેરવ્યા અને સંઘ એ અગ્નિપરીક્ષામાંથી નિષ્કલંક પુરવાર થઈ વધુ શક્તિશાળી બનીને ઊભરી આવ્યો. બધી જ રીતે અત્યંત વિષમ પરિસ્થિતિમાં પણ પ. પૂ. ગુરુજીએ સંઘનું જે રીતે નેતૃત્વ કર્યું તે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં સફળ નેતૃત્વ કેવું હોવું જોઈએ તેનું એક સર્વોત્કૃષ્ટ દ્રષ્ટાંત છે. જ્યારે દેશને જ પોતાનું કોઈ બંધારણ ન હતું તેવા દિવસોમાં, સ્વયંસેવકોને પ્રેરણા પૂરી પાડીને સરકાર સામે કરેલા સંઘર્ષની કથા તો દ્રઢ નિર્ધાર, ત્યાંગ, બલિદાન અને સમર્પણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે, જે અનેક સંગઠનોને પ્રેરણા પૂરી પાડી શકે છે. અત્યંત વિકટ પરિસ્થિતિમાં સર્વશક્તિમાન સરકાર સામે સંઘર્ષ કરીને વિજયી બનનાર પ. પૂ. ગુરુજીએ એ સિદ્ધ કરી બતાવ્યું કે મૂળભૂત વિચારોમાં દૃઢ વિશ્વાસ હોય તો ગમે તેવી કઠિન પરિસ્થિતિમાંથી પણ સરળતાથી ઊગરી શકાય છે. કોઈ સંતવર્ય કે ઋષિની જેમ જ, શ્રી ગુરુજી કાળથી પર જઈને દેશ અને વિશ્વનું ભવિષ્ય પામી શકનારા આર્ષષ્ટા હતા.
 

guruji_1  H x W 
 

હિન્દુત્વ જીવંત પદ્ધતિ છે

 
આપણા ન્યાયતંત્રમાં ન્યાયાધીશોની પીઠ (બેન્ચ) દ્વારા બમતીથી આપેલા નિર્ણય સાથે અસંમતિ દર્શાવનારા ન્યાયાધીશના અભિપ્રાયને ભવિષ્યના સંદર્ભમાં `અપીલ' સ્વરૂપે ગણવામાં આવે છે. બમતીના નિર્ણયમાં રહી ગયેલી ત્રુટીને નિવારવામાં એ અપીલ પાયાનું સાધન બની જાય છે. એ જ રીતે પ્રચલિત બમતી વિચારો સાથે અસંમતિ દર્શાવતા શ્રી ગુરુજીના વિચારોએ પણ ભાવિ પેઢી માટે ન્યાયતંત્રની પરિભાષાની અપીલનું કામ કર્યું છે. આથી ભૂતકાળમાં, બમતીના એ વિચારોમાં રહેલી ત્રુટિઓને નિવારવા માટે આપણને શ્રી ગુરુજીના વિચારો આજે પણ ઉપયોગી પુરવાર થાય છે.
 
આવી જ એક સંકલ્પના હિન્દુ અંગેની છે. સંઘ માટે ભારતીય અને પાશ્ચાત્ય વિચારકો કટ્ટર હિન્દુત્વ, હિન્દુ કટ્ટરવાદ, ધાર્મિક પુનરુત્થાન કે પ્રતિક્રિયાત્મક હિન્દુત્વ જેવા શબ્દપ્રયોગો છૂટથી પ્રયોજે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે સંઘ કે હિન્દુત્વને સમજવા માટે આવા શબ્દપ્રયોગો સાવ અપ્રસ્તુત અને અસંબદ્ધ છે. અન્ય બધા જ આત્યંતિક વિચારોવાળા મતાવલંબીઓમાં એક નિશ્ચિત ધર્મગંર્થ, નિશ્ચિત કર્મકાંડ કે નિશ્ચિત માળખું જોવા મળે છે તે પૈકી હિન્દુ ધર્મમાં કશું જ નથી. આજના ભારતીય વિચારકો પણ હવે એ સ્વીકારતા થયા છે કે `હિન્દુત્વ એ કેવળ ધર્મ નહીં પરંતુ બુદ્ધિગમ્ય અને માનવીય મૂલ્યો ધરાવતી આધ્યાત્મિકતાના પાયા ઉપર રચાયેલી એક જીવનપદ્ધતિ છે.'
 
આ વિચાર દાયકાઓ પહેલાં શ્રી ગુરુજીએ આપેલા કોઈ બૌદ્ધિકના હોય તેવું કોઈને પણ લાગશે. હા, આ વિચારો શ્રી ગુરુજીના જ છે, પરંતુ શબ્દો તેમના નથી !
 

guruji_1  H x W 
 

સકારાત્મક હિન્દુત્વ

 
`હિન્દુ, હિન્દુત્વ કે હિન્દુઇઝમ એ સંકલ્પનાઓનો કોઈ નિશ્ચિત અર્થ કરી શકાય નહીં, તે જ રીતે `ધર્મ'ની મર્યાદિત પરિભાષામાં પણ આ શબ્દોને બાંધી શકાય નહીં. ભારતીય સંસ્કૃતિ અને વારસાના સંદર્ભ વિના આ શબ્દોને સ્પષ્ટ કરી શકાય નહીં. સામાન્ય રીતે હિન્દુત્વને એક જીવનપદ્ધતિ, એક વિચારપદ્ધતિના સંદર્ભમાં જ સમજી શકાય છે, તેથી હિન્દુને કેવળ એક `ધર્મ' (religion)ના અર્થમાં ક્યારેય મૂલવી શકાય નહીં.
 
આ શબ્દો પણ શ્રી ગુરુજીના જ હોય તેવું લાગે છે ને ? પરંતુ, ના, આ શબ્દો તેમના નથી, હા, તેમાં વ્યક્ત થયેલા વિચારો સંપૂર્ણપણે શ્રી ગુરુજીના છે.
 
અહીં આપેલાં બંને ઉદ્ધરણોમાંથી એક પણ ઉદ્ધરણ, શબ્દ શ્રી ગુરુજીના નથી. આમ છતાં બંને લગભગ પચાસ વર્ષો પૂર્વે શ્રી ગુરુજીએ વ્યક્ત કરેલા વિચારો રજૂ કરે છે. પ્રથમ ઉદ્ધરણ ધી અમેરિકન એકેડેમી ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સીઝ દ્વારા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિદ્વાનો દ્વારા પાંચ ખંડોમાં તૈયાર કરવામાં આવેલા `Fundamentalisms Project'માંથી લેવામાં આવ્યું છે. આ મહાગ્રંથના The Functioning of the Rashtriy Swayamsevak Sangh : to define the Hindu Nation. એ પ્રકરણમાંથી આ ઉદ્ધરણ મેં લીધું છે. આ મહાગ્રંથના ચોથા ખંડમાં એઇન્સ્લી ટી એમ્બ્રી (Anislee T Embree) નામના લેખકે લેખ લખ્યો છે. પૃષ્ઠ (૬૧૨-૫૨, શિકાગો યુનિ. પ્રેસ. ISBN : ૦૨૨૬-૫૦૮૮૫-૪, ૧૯૯૫) લેખકે પોતાની રીતે જ શ્રી ગુરુજીના લેખન ચિંતનનો ગહન અભ્યાસ કરીને સંઘની વૈચારિક ભૂમિકા રીપીટ કરી છે. તેમના વિચારોમાં શ્રી ગુરુજીના વિચારોની જ અભિવ્યક્તિ જોવા મળે છે. એ અમેરિકન લેખક પોતે જ કહે છે કે સંઘની વિચારધારા માટે `militant Hinduism', `Hindu fundamentalism', `religious revivalism' કે reactionary Hiduism જેવા શબ્દો પ્રયોજવા એ સાવ અતાર્કિક અને અપ્રસ્તુત છે. આ જ વાત શ્રી ગુરુજી દાયકાઓ પૂર્વે સૌને કહેતા હતા. હિન્દુ જાગરણ અને પ્રક્રિયાત્મક હિન્દુત્વની ભેદરેખા સ્પષ્ટ કરતાં શ્રી ગુરુજી કહેતા કે આજે લોકો જાગૃતિને પ્રતિક્રિયાના અર્થમાં જુએ છે અને તેથી સંઘની ટીકા કરે છે. સંઘ સકારાત્મક હિન્દુત્વની વાત કરે છે. નકારાત્મક કે પ્રતિક્રિયાત્મક હિન્દુત્વની નહીં.
 

શ્રી ગુરુજી કોઈ દેવદૂત નહીં, દૃષ્ટા હતા

 
૧૯૪૦થી ૧૯૭૩માં તેમના દેહાંત સુધી સરસંઘચાલક તરીકે તેમણે ૩૩ વર્ષ સુધી સંઘનું નેતૃત્વ કર્યું. આ વર્ષોમાં તેમણે અવિશ્રાંતપણે ભારતભ્રમણ કરતા રહીને પ્રાચીન હિન્દચિંતનને સમાજમાં પુનઃ પ્રસ્થાપિત કર્યું. આ ભગીરથ કાર્ય તેમણે માત્ર વર્તમાનને નહીં, પરંતુ ભવિષ્યને ષ્ટિમાં રાખીને કર્યું. દેશના ખૂણે-ખૂણે જઈને, અનેક લોકોને મળીને, વિચારવિમર્શ કરીને તેમણે વિશ્વના સૌથી વિશાળ સંગઠનનું નિર્માણ કર્યું. તેમની બુદ્ધિપ્રતિભા અને નૈતિક ગહનતા અકલ્પ્ય હતા. તેથી જ તેમના વિરોધીઓ પણ તેમની દ્રઢતાને અને વૈચારિક સ્પષ્ટતા સામે પ્રશ્ન કરી શકતા નહીં. તેઓ ૧૯૪૦માં સંઘના સરસંઘચાલક બન્યા ત્યારે દેશના વિભાજનની ભૂમિકા રચાઈ ચૂકી હતી. તેથી તે સમયગાળાના તેમના વિચારોને તત્કાલીન પરિસ્થિતિમાં જ મૂલવીએ તો તેઓ સમયથી કેટલા આગળ હતાં તે સ્પષ્ટ થાય છે.
 
ભારતના વિભાજન પછી પણ ૨૫ વર્ષો સુધી તત્કાલીન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેઓ ભારતના ભવિષ્ય અંગે પોતાના વિચારો વ્યક્ત કરતા હતા. તેમના વિચારો વાંચતાં એક વાત ધ્યાનમાં આવે છે કે તેઓ તત્કાલીન સંદર્ભોમાં જ જે તે સમસ્યા અંગે જે વિચારો વ્યક્ત કરતા તેને ભવિષ્યની ઘટનાઓ સાથે ઘનિષ્ઠ સંબંધ રહેલો છે. લોકપ્રિયતા પ્રસિદ્ધિથી દૂર રહીને અસંદિગ્ધ શબ્દોમાં તેઓ પોતાના વિચારો સૌની સમક્ષ મૂકતા. તેમના હિન્દુ રાષ્ટના વિચારો સર્વસામાન્ય લોકોના મનમાં સરળતાથી ઊતરી જતા. આજે તેમના નિધનને લગભગ પાંચ દાયકા જેટલો સમય વીતી ગયા હોવા છતાં તેમના વિચારો તો આજે પણ એટલા જ પ્રસ્તુત બની રહ્યા છે. તેમણે તૈયાર કરેલી સંસ્કારિત માનવધનની શ્રેષ્ઠ શૃંખલા આજે પણ સંઘકાર્ય કરીને પોતાની શક્તિઓને નવપલ્લવિત કરી રહી છે. રાષ્ટ્ર ઉપર ભવિષ્યમાં થનારા કુઠારાઘાતોને શ્રી ગુરુજી અગાઉથી જ પામી જતા. તેમ છતાં, તેઓ કોઈ દેવદૂત નહીં, પરંતુ એક દ્રષ્ટા હતા. (not a prophet but a seer) તેમણે કોઈ ભવિષ્યવાણી ભાખી ન હતી. વળી, હિન્દુ પરંપરામાં આવા દેવદૂતો કે ભવિષ્યવાણીને સ્થાન પણ નથી. અન્ય પરંપરાઓમાં થઈ ગયેલા દેવદૂતોએ એક ઈશ્વર તથા તે ઈશ્વરપ્રાપ્તિ માટે એક માત્ર માર્ગ નિર્ધારિત કરીને અનુયાયીઓને માત્ર તે માર્ગે જ ચાલવા જણાવ્યું. સાથોસાથ એ પણ જણાવ્યું કે પોતે બતાવેલ માર્ગ અને દેવતા સિવાયના બધા જ માર્ગો-દેવતાઓ મિથ્યા છે. જે તે દેવદૂતોએ કરેલી વાત આજે તેમના અનુયાયીઓ માટે એકમાત્ર અને અંતિમ સત્ય બની ગઈ છે. પરંતુ એક જ સત્ય અને એકેશ્વરવાદમાં માનતી આ પરંપરાઓથી વિપરીત, હિન્દુત્વ કહે છે કે સત્ય તો એક જ છે, પરંતુ તેની અભિવ્યક્તિ અનેક રીતે થાય છે. એટલે જ કેવળ અમારો જ માર્ગ, અને અમારા ઈશ્વર જ સાચા છે અને બીજા બધા જ માર્ગ - ઈશ્વર ખોટા છે તેવું હિન્દુ ક્યારેય માનતો નથી. ભારતમાં તો આર્ષદ્રષ્ટા ઋષિમુનિઓ, સંતો મનીષીઓની પરંપરા ચાલતી આવી છે. આ દ્રષ્ટાઓ તેમના વિચારોથી જે તે સમય - સંદર્ભ અનુસાર સમાજનું માર્ગદર્શન કરે છે. આથી હિન્દુ વિચારધારામાં કોઈ જ અંતિમ સત્ય નથી. હિન્દુત્વના કોઈ સ્થાપક નહીં હોવાથી, કેવળ દ્રષ્ટાઓએ આ વિચારધારા વિકસિત કરી.
 

guruji_1  H x W 
 
હિન્દુત્વ તો એમ માને છે કે કાલબાહ્ય બની ગયેલી કોઈ વાતને આજે વળગી રહેવાથી આપણે બૂતકાળમાં જ ધકેલાઈ જઈએ છીએ, આવી કાલબાહ્ય પરંપરાને વળગી રહેવાથી ધર્માંધતા જન્મે છે અને સમાજમાં હિંસા પ્રસરે છે. આથી ભૂતકાળમાં કોઈ દ્રષ્ટાએ, ભવિષ્યને ધ્યાનમાં રાખીને જે કાંઈ કહ્યું હોય છે તે, એક હિન્દુ માટે તો એક અવિરત પરંપરાનાં અનેક સોપાનો પૈકીનું એક સોપાન માત્ર હોય છે. આમ, તેને માટે કોઈ અંતિમ સત્ય કે એકમાત્ર માર્ગ ક્યારેય હોતો નથી. આ પરંપરા કોઈ દેવદૂત દ્વારા જન્મી નથી અને તેથી તેમાં દેવદૂતને કોઈ સ્થાન નથી. અહીં તો દ્રષ્ટાની જ પૂજા થાય છે. વ્યક્તિના વિચારો માત્ર તેના કાલખંડ પૂરતા ને તે સમયના લોકોની સ્વીકૃતિ પૂરતા જ મર્યાદિત છે, અથવા તેના વિચારોમાં સાંપ્રત કાળથી પર, ભવિષ્યની ષ્ટિ પણ છે કે નહીં તે જાણીને કોઈ વ્યક્તિ દ્રષ્ટા છે કે નહીં તેની કસોટી થઈ શકે છે. દ્રષ્ટાની બીજી કસોટી એ છે કે તે સાંપ્રત દબાણોને વશ થયા વિના, લોકપ્રિયતાના ભોગે પણ સત્યને જ વળગી રહીને પોતાના વિચારો વ્યક્ત કરે છે. દ્રષ્ટાની અંતિમ અને મહત્ત્વપૂર્ણ કસોટી એ છે કે તેના વિચારો ભવિષ્યમાં પણ માન્ય ઠરે છે.
 
- લેખક- ગૂરૂમૂર્તિ