કહેવત કથા । સો દા’ડા સાસુના તો એક દા’ડો વહુનો...

    ૧૦-જુલાઇ-૨૦૨૦
કુલ દૃશ્યો |

kahevat katha_1 &nbs 
 

સો દા’ડા સાસુના તો એક દા’ડો વહુનો...

 
સૌરાષ્ટ્રમાં સુદામડા કરીને ગામડુંગામ. આ નાના એવા ગામમાં કરશન પટેલનું ખોરડું પાંચ જણમાં પૂછવા ઠેકાણું ગણાતું. કરશન પટેલ જાતે કડવા કણબી, પરગામથી આવીને અહીં વસેલા. ધરતી હાર્યે એમને ભારે હેતપ્રીત. રાતદિવસ કે વાર-તહેવાર જોયા વિના કાળી મજૂરી કરીને ધરતીમાં એક કણ વાવીને મણ ધાન્ય પેદા કરે એવા પોરસીલા. ગાડું, બળદ, ઘોડો, રાસ, પરોણા વગેરે પણ શોખથી રાખતા.
 
કરશન પટેલને બે દીકરા. દીકરાય કેવા! કાળા ચોરને અરધી રાતે ગરદન મારે એવા જુવાનજોધ. રાત દિ’ વાડીએ રહીને ખંતથી ખેતી કરે. પટેલે બેય દીકરાને રંગેચંગે પરણાવેલા. બાપદીકરો ત્રણે વાડીએ રહીને ખેતી કરે અને સાસુ વહુ ત્રણેય ઘેર રહીને ભાતાંપોતાં, દાડિયા-દપાડિયા ને ઘરનાં છાણવાસીદાં કરે.
 
કરશન પટેલના ઘેરથી જે પટલાણી હતાં એ જીવનાં જરીક કંજૂસ. નાનપણથી ગરીબાઈમાં આળોટીને ઊછરેલાં. સાસરે આવ્યા પછી બે પાંદડે થયેલાં પણ જીવ એવો ને એવો લોભી રહેલો. ખાંડ, ઘી, ગોળ અને રોટલાય મજૂડામાં મૂકીને તાળું વાસી દે ને કૂંચી થેપાડામાં ભરાવી રાખે. બેય વહુઓ પાસે મુકડદમની જેમ કાળી મજૂરી કરાવે પણ ધરાઈને ધાન ખાવા દે નહીં. કોઈના ફળિયામાં કે વાડામાં ચીજજણસ પડી હોય તો છાનીમાની લાવીને છારિયામાં સંતાડી દે. ભગવાને સોળેય સુખ દીધેલાં. દીકરા, વહુઓ, ધનદોલત, ઢોરઢાંખર, આબરૂ, પ્રતિષ્ઠા, પણ ટૂંકા જીવને કારણે પટલાણી ભોગવી શકતાં નહીં. પોતે આનંદથી ઉપભોગ કરી શકતાં નહીં. વહુઓને વસ્તુ વાપરતી, અરે ખાતીપીતીય જોઈ શકતાં નહીં. વારપરબેય આ કુટુંબમાં લાડવા, શીરો કે લાપસી દુર્લભ હતાં. કોઈ વાર બટકબોલી નાની વહુ કહી પણ દેતી :
 
‘માડી, ખાધે, પીધે ને ખવરાવ્યે કોઈનું ખૂટી ગ્યું સાંભળ્યું છે ? મલકમાં જેનો રોટલો મોટો ઈની આબ‚ય મોટી.’
 
ત્યારે પટલાણી સાસુ તાડૂકતાં :
 
‘તમે બધીયું બાપના ઘર્યે સુખમાં આળોટીને ઊછરિયું છો એટલે આ બધા ભૂખલાડ આવડે છે. કાળી મજૂરી કરીને અમારા માથે ટાલ્યું પડી જીયું સે, એટલે ચેટલી વીહુએ હો થાય છે ઈની હંધીય ખબર પડે છે. પછેડી પરમાણે સોડ્ય તાણીએ તો આ જમાનામાં જિવાય. તમે આજકાલ્યની છોડિયું ઘરના વહેવારમાં શું સમજો ? અમારો જમાનો તમે જોયો લાગતો નથી. મારાં હાહુ કામ કરાવીને હાડની કાસલિયું કરાવી નાખે તાંણે બપોરે બાજરાનો ફડશ (અડધો) રોટલો ને ગોળનો કાંકરો આલતાં. શાક તો શીનું જોવાનું જ હોય ?’
 
મર્યાદામાં રહેવાવાળી વહુઓ મનમાં સમસમીને રહી જતી.
 
એવામાં એક દિવસ પટલાણીના પિયરથી મેલો આવ્યો. પટલાણીના કાકાના દીકરાની વહુ કૂવે પડીને મરી ગયેલી. પટલાણીને ચિંતા થવા માંડી :
 
‘અરરર ! ભાર્યે કરી. હું કાણે જઈશ તો આવતા બે દનૈયા ભાંગશે. આ જાખી જેવી વહુઓ ઘી, દૂધ ને દહીંના ગોરહડાં ઝાપટી જાશે.’ પણ કાણે ગયા વગર રડે એવું નંઈ.
 
ગુરુવારનો દિવસ જોઈને પટલાણી અડોશપડોશનાં બે-ચાર બૈરાં જોડે પિયરની કાણે જવા નીકળ્યાં. તે દિ’ ઝાઝો વાહનવ્યવહાર નહીં. લોક ગાડામાં બેસીને ગામગામતરે જતાં, પણ ચોમાસાનો વરસાદ કહે મારું કામ. ગાડાં ક્યાંય ચાલે એવું નહીં એટલે આ બધા બૈરાનું ઝોલું વાતો કરતું કરતું પટલાણીના પિયર ભણી ચાલ્યું જાય છે.
 
હવે બન્યું એવું કે આગલે દિ’ બપોરના વાવાઝોડું થયેલું : વગડામાં લીમડાનું મોટું ડાળું ભાંગીને પડેલું. આ જોઈને પટલાણીની દાઢ ડળકી. ઘર્યે લઈ જાઉં તો પાંચ દિ’ રોટલા થાય એવું છે. હવે પિયર જઈને પાછા આવે ત્યાં સુધી કંઈ ડાળું રહે નહીં. કરવું શું? પટલાણીએ ત્રાગડો રચ્યો :
 
‘વોય વોય માડી. મને ગોળો સડ્યો છે. પેટમાં વાઢ્ય ઊપડી છે. મારાથી ડગલુંય હલાશે નહીં. તમે સંધિયું જઈ આવો. હું પાંચ દિ’ પછી જઈશ.’
 
બીજી બાઈઓ અંદરોઅંદર સગી હતી એટલે મને-કમને આગળ વધી. આ બાઈઓ આઘેરેક પોગી એટલે પટલાણી ‘હાશ’ કરીને ઊભાં થયાં. લીમડાનું મસમોટું ડાળું ઢસડતાં ઢસડતાં ઘર તરફ આવવા નીકળ્યાં.
 
હવે અહીં વહુઓએ મળીને વિચાર્યું કે સાસુડી ઘરનું વૈતરું જ કુટાવે છે. કોઈ દિ’ વારતહેવારેય ગળ્યું ખાતી નથી કે ખાવા દેતી નથી, લોભણી ઓલ્યા જલમારાની. હાલો આજ શીરો બનાવીને પેટ ભરીને ખાઈએ. આમ વિચારીને બેય બાઈયુંએ ખુમચો ભરીને શીરો બનાવ્યો ને ઠરવા મૂક્યો ત્યાં પટલાણીએ આવીને ખડકીની સાંકળ ઠબઠબાવી.
 
છારિયામાં શીરાની થાળી સંતાડીને નાની વહુ ખડકી ખોલવા ગઈ ત્યાં તો સામે સાસુજીને જોયાં. ખડકીમાં આવતાંવેંત બોલ્યાં :
‘કડવી ! મને પેટમાં વાઢ્ય ઊપડી છે. ખાટલો ઢાળ્ય, મારે સૂઈ જાવું છે. આ લીમડાનું ડાળું ઝાલતી આવી છું. ઈના કટકા કરીને કોઢમાં ભરી દેજે. રૂપાળું બળતણ થાશે.’
 
વહુઓ ડોશીની વાત પામી ગઈ. બેયે નક્કી કર્યું કે આજ તો હવે ભજવવી જ પડશે. સાસુડીની ખૉ ભુલાવવી જ પડશે. હવે તો શીરો ખાધ્યે પાર છે.
 
નાની વહુએ કુહાડો લઈને લીંમડાનું ડાળું કાપવા માંડ્યું. ડાળું કાપતાં કાપતાં માથાના મોવાળા છૂટા મૂકીને ધૂણવા માંડી :
‘હાઉ હાઉ ! તને ખાઉં.
 
ડાળું મારું પાછું લઈ જાઉં.’
 
ઝોડઝપટિયું વળગ્યું હોય એમ વહુએ તો ઘર માથે લીધું. અડોશપડોશીઓ ભેગા થઈ ગયા. પટલાણીને તો વગર ડાકલે માતા આવવા માંડી. એ બોલ્યાં : ‘વહુ ! શું છે બાપા !’
 
‘આઘી મર્ય, હું ચાં તારી વહુ છું ? હું તો ચુડેલ છું. તું મારા લીમડાનું ડાળું ઘેર શું લેવા લાવી ? તારું ધનોતપનોત કાઢી નાખીશ. દીકરીયેય દીવો નંઈ રે’વા દઉં... હાઉ હાઉ... તને ખાઉં...’
 
સાસુ ધ્રૂજતાં ધ્રૂજતાં મોટી વહુને કહે : ‘વહુ, આ ડાળું સુરધનવાળા ખેતરના શેઢે મૂકી આવ્ય.’
 
ત્યાં નાની વહુ તાડૂકી :
 
‘ઈ નંઈ જાય. તું ડાળું લાવી છું. તું પંડે જા નંઈ તો છઠ્ઠીનું ધાવણ ઓકાવી નાખીશ.’
 
પટલાણીની તો ફેં ફાટી ગયેલી. નાની વહુને પગે પડીને માફી માગી ને ડાળું લઈને વગડામાં મૂકવા ચાલી નીકળી. પછી તો નાની વહુનો ઓતાર ઊતરી ગયો. અડોશીપડોશી ગયા એટલે છારિયામાંથી શીરાની થાળી કાઢીને બેય દેરાણી જેઠાણી ઝાપટી ગયાં. નાની વહુ તો શીરો ખાઈને ઢોરણી ઢાળીને સૂઈ ગઈ. પટલાણી વગડામાં ડાળું મૂકીને પાછાં આવ્યાં. શ્ર્વાસ ધમણની જેમ ચાલતો હતો. ઘેર આવતાં જ આંખો ચકળવકળ થવા માંડી અને પેટમાં સાચે જ ગોળો ચડ્યો. બેય વહુઓએ પટલાણીની ચાકરી કરી. ત્યારે સાત દિવસે સાસુજી સાજાં થયાં. સાજાં થતાંવેંત જ સાસુ બોલ્યાં : ‘વહુ ! ઓલ્યા મજૂડાંની કૂંચિયું ક્યાં મૂકિયું છે ? લાવ્ય મારી કને.’
 
ગામલોકોએ સાચી વાત જાણી ત્યારે સૌ કહેવા લાગ્યા :
  
‘સો દા’ડા સાસુના તો એક દા’ડો વહુનો.’ ત્યારથી આ કહેવત લોકજીભે રમતી થઈ ગઈ.