ઓપરેશન રોલિંગ થન્ડર - વિયેતનામની ધરતી પર ખેલાયેલા આ યુદ્ધમાં અમેરિકા જીતીને પણ હારી ગયું હતું

    ૧૪-જુલાઇ-૨૦૨૦
કુલ દૃશ્યો |

operation rolling thunder
 
 
કેટલાક નિર્ણયો એવા હોય છે કે તે લીધા બાદ તેમાં પીછેહઠ થઈ શકતી નથી, અને આંતર્રાષ્ટ્રીય કૂટનીતિક બાબતોમાં લેવાયેલા આવા એક ખોટા નિર્ણયથી તો દેશનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જાય છે. ભારતીય તરીકે આપણે આવી ભૂલોથી વાકેફ છીએ, પરંતુ અમેરિકા જેવા દેશોના ઇતિહાસમાં ડોકિયું કરીએ તો તેમની ય આવી ભૂલો આંખો સામે ચડે છે.
 
આંતર્રાષ્ટ્રીય કૂટનીતિક બાબતે માહેર ગણાતા, દુશ્મન દેશોની જાસૂસી કરવામાં અવ્વલ અને દુનિયાભરના ડેટા મેળવી તેનાં તમામ પાસાંને જોયા-જાણ્યા પછી નિર્ણય કરવા માટે જાણીતું અમેરિકા આવી પણ ભૂલ કરી બેઠું હતું અને તે ભૂલ હતી વિયેતનામની ધરતી પર યુદ્ધ માટે ઊતરવું. યુદ્ધ પર ઊતર્યાના થોડાક દિવસોમાં જ અમેરિકાને પોતાનો નિર્ણય ખોટો હોવાનું સમજાઈ ગયેલું, પણ આખરે અમેરિકાએ પ્રતિષ્ઠા ખાતર યુદ્ધ લડી લેવાનું મુનાસિબ માન્યું હતું. અલબત્ત, યુદ્ધમાં અમેરિકાની હાર છતાં અમેરિકન સૈન્યએ ઘણાં કામિયાબ ઑપરેશનકર્યાં હતાં, તેમાંનું એક હતું ‘ઑપરેશનરોલિંગ થન્ડર’...
 
ઇતિહાસને પલટી નાખતાં યુદ્ધોનું વિશ્ર્લેષણ સદીઓ બાદ પણ થતું રહે છે. 70ના દાયકા દરમિયાન થયેલા વિયેતનામ યુદ્ધ અંગેના અનેક સવાલો અને રહસ્યનો તાળો મેળવવા હજુ આજેય ચર્ચાઓ થતી રહે છે. આ યુદ્ધથી ખરેખર શું મેળવ્યું ? યુદ્ધ જરૂરી હતું ? યુદ્ધને લાંબુ ચાલતાં કેમ ન અટકાવી શકાયું ? યુદ્ધ પ્ાૂર્ણ થયા બાદ આવા અનેક પ્રશ્ર્નો જ્યારે શાસકો સામે આવે છે, ત્યારે તેના જવાબો યુદ્ધ જાહેર કરનારને પણ મૂંઝવી નાંખે છે. કશુંક મેળવવા ગયા હોય ને બમણું ગુમાવ્યું હોય તેવો ઘાટ સર્જાય છે, પરંતુ પ્રતિષ્ઠા સાચવવા માટે બધું જાણવા છતાં ચુપ્પી સાધી લેવી પડતી હોય છે !
 
વિયેતનામ યુદ્ધમાં અમેરિકા સામે પણ આ જ સ્થિતિ ઊભી થઈ હતી. અમેરિકા એકવાર ઝડપભેર આ યુદ્ધમાં કૂદી તો પડ્યું, પરંતુ ત્યાર બાદ તેના વમળમાં ફસાતું જ ગયું. અમેરિકાની તમામ રણનીતિની ધૂળધાણી કરી નાંખનાર આ યુદ્ધમાં અમેરિકન સૈનિકો કોઈ જાળમાં ફસાઈ ગયા હોય તેવું અનુભવતા હતા. વિયેતનામ યુદ્ધમાં અમેરિકન સૈન્ય પહેલેથી જ પાણીમાં નહોતું બેસી ગયું. તેઓ ખૂબ લડ્યા પણ વિયેતનામની વિપરીત ભૌગોલિક પરિસ્થિતિ અને ગેરીલા વારથી ધાર્યા કરતાં યુદ્ધ ખૂબ લાંબુ ચાલ્યું હતું. આખરે, અમેરિકાના સૈનિકોનો જુસ્સો ત્ાૂટતો ગયો અને વિયેતનામની જીત સાથે યુદ્ધનો અંત આવ્યો, ત્યારે અમેરિકાની આબરૂ ખાસ્સી ખરડાઈ ચૂકી હતી.
 
***
 
અમેરિકા-વિયેતનામ વચ્ચે આમ તો ’60ના દાયકાના આરંભથી જ છૂપું યુદ્ધ શરૂ થઈ ચૂક્યું હતું, પરંતુ અમેરીકા દ્વારા લોન્ચ કરવામાં આવેલા ‘ઑપરેશનરોલિંગ થન્ડર’થી આ બંને દેશોએ ખુલ્લેઆમ યુદ્ધભૂમિમાં જોતરાવવું પડ્યું. ‘ઑપરેશનરોલિંગ થન્ડર’નો ઘટનાક્રમ અને તેના પરિણામ અંગે જાણતા પહેલાં વિયેતનામની પ્ાૃષ્ઠભૂમિ અને યુદ્ધનાં કારણોને સમજવાં જરૂરી છે.
 
એશિયા ખંડના છેવાડાના પ્ાૂર્વીય દેશોમાંનો એક દેશ એટલે વિયેતનામ. લાંબા પટ્ટામાં ફેલાયેલો દેશ વિયેતનામ એક બાજુથી ચીન, લાઓસ, કમ્બોડિયા જેવા દેશોથી ઘેરાયેલો છે અને બીજા પટ્ટે ખૂબ લાંબો દરિયોકિનારો ધરાવે છે. કુદરતી સંપદાથી લખલૂટ આ દેશ આજે પોતાના સુવર્ણકાળમાં જીવી રહ્યો છે. પણ એક સમયે જ્યારે અઢારમી ઓગણીસમી સદીમાં વિશ્ર્વના ઘણા દેશો ગુલામીમાં સબડતા હતા, ત્યારે વિયેતનામ પર પણ ફ્રાન્સનું શાસન હતું. ફ્રાન્સના શાસનમાંથી મુક્તિ મેળવવા હો ચી મિન્હ નામના ક્રાંતિકારીએ વિયેતનામને આઝાદ કરવા 1944ના અરસામાં ‘નેશનલ લિબરેશન ફ્રન્ટ’ (‘એનએલએફ’ અથવા આ સેનાને ‘વિએટ કોન્ગ’ના નામથી પણ ઓળખાય છે) નામની ફૌજ ઊભી કરી હતી.
 

operation rolling thunder 
 
વિયેતનામમાંથી ફ્રાન્સનાં મૂળિયાં ઉખાડી ફેંકવા હો ચી મિન્હ ચીનના શરણે ગયા. પોતાનું વર્ચસ્વ વિસ્તારવાના ઇરાદે ચીન મિન્હને શસ્ત્રો સરંજામ પ્ાૂરાં પાડવા લાગ્યું. ચીનની વિયેતનામમાં વધતી જતી દખલગીરી જોઈને અમેરિકાએ વધુ એક દેશને સામ્યવાદી દેશ બનતો અટકાવવા માટે પાછલે બારણે ફ્રાન્સને મદદ કરવા માંડી, જેથી વિયેતનામમાં ફ્રાન્સનાં મૂળિયાં જડાયેલાં રહે. પરંતુ અમેરિકાની મદદ છતાંય 1954માં ફ્રાન્સને ‘ડેઇન બેઈન ફુ’ સ્થળે વિયેતનામી ક્રાંતિકારીઓથી પીછેહઠ કરવી પડી. અને ફ્રાન્સે વિયેતનામ છોડીને જવું પડે તેવો ઘાટ ઊભો થયો. દરમિયાન વિયેતનામને હંગામી ધોરણે બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું. સામ્યવાદી વિચારધારા ધરાવતો ઉત્તર વિયેતનામ અને સામ્યવાદી ન હોય તેવું દક્ષિણ વિયેતનામ.
 
એ સમયે કાલ્ડવારની હવા હજુ ચાલી રહી હતી અને મૂડીવાદને વિશ્ર્વ પર વિજય અપાવવા માટે અમેરિકા કોઈ પણ રીતના દાવ અજમાવવા તૈયાર હતું. એટલે તેણે એવો દાવ રમ્યો કે સામ્યવાદ પ્રભાવવિહોણા દક્ષિણ વિયેતનામમાં ચૂંટણી કરાવી દીધી અને પોતાને અનુકૂળ શાસકને ગાદીએ બેસાડી દીધો. દૂધ પીવડાવીને સાપ્ને ઉછેરવાની નીતિ અમેરિકાને સતત ભારે પડતી રહી છે એવું આપણે સદ્દામ હુસૈનથી માંડીને બિન લાદેનના કિસ્સામાં પણ જોઈ ચૂકયા છીએ, અને ઉત્તર વિયેતનામમાં પણ કંઈક આવું જ બન્યું હતું.
 
અમેરિકાએ સામ્યવાદી વિચારધારાના કટ્ટર વિરોધી ન્હો ડિન્હ ડિએમને નેતા તરીકે ગાદીએ બેસાડી તો દીધો જ પણ ડિન્હ ડિએમે પાછળથી પોતાના રંગ દેખાડવા માંડ્યા અને સરમુખત્યાર શાસનનો આરંભ કર્યો. તેણે અમેરિકાની રીતસરની અવગણના કરવા માંડી. બસ, પોતાના ઘટતા જતા પ્રભુત્વને ફરી સ્થાપવા બહાવરું બનેલું અમેરિકા હવે કોઈ પણ રીતે વિયેતનામ પર આક્રમણ કરવા માંગતું હતું - ‘રોલિંગ થન્ડર ઓપરેશન’નો અમલ કરવા માંગતું હતું. આ જ ગાળામાં ડિન્હ ડિએમના વિરોધીઓએ તેના વિરુદ્ધ બળવો પોકાર્યો. સામ્યવાદી વિચારધારા ધરાવતા અહીંના કેટલાક લોકોએ પોતાનો પક્ષ રચીને અમેરિકા સામે જંગ છેડ્યો. મતલબ, કે અમેરિકાને જે તક જોઈતી હતી તે હવે મળી રહી હતી.
 
બન્યું એમ કે 2, આગસ્ટ, 1964ના રોજ અમેરિકાનાં બે જહાજ આંતર્રાષ્ટ્રીય દરિયાઈ હદમાં પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં, છેલ્લા ઘણા વખતથી અમેરિકાને પાઠ ભણાવવાનો કારસો ઘડી રહેલા ઉત્તરી વિયેતનામના સૈન્યએ આ જહાજ પર હુમલો કરી તેનો ખાત્મો બોલાવી દીધો. આ હુમલો ‘ગલ્ફ આફ ટોન્કિન’ના નામથી ઓળખાય છે. જગત જમાદાર બનવાનાં સપ્નાં જોતા અમેરિકા માટે આ હુમલો તેની શાખ પર તમાચા સમાન હતો. એમાંય ઉત્તર વિયેતનામની વધતી જતી દાદાગીરીથી તે પહેલાં પણ ગિન્નાયું હતું, એટલે આ હુમલાની આડમાં અમેરિકાએ ઉત્તર વિયેતનામને રાતા પાણીએ રડાવવાના ઇરાદેથી ‘ઑપરેશનરોલિંગ થન્ડર’ લોન્ચ કર્યું.
 

operation rolling thunder
 
2 આગસ્ટ, 1964ના રોજ ‘ગલ્ફ આફ ટોન્કિન’નો હુમલો થયાના સમાચાર પ્રેસિડન્ટ હાઉસ અને સુરક્ષા એજન્સીઓ સુધી પહોંચતાં જ અમેરિકાના પ્રેસિડન્ટ લિન્ડન જ્હોન્સન ત્રીસ મિનિટમાં જ વળતો હુમલો કરવાનો નિર્ણય લઈ ચૂકયા હતા. તેઓ ઉત્તર વિયેતનામ પર હુમલો કરવા બરોબર ઉતાવળા થયેલા, પરંતુ વિયેતનામમાં અત્યાર સુધી ચાલી રહેલી અમેરિકાની પરોક્ષ સૈન્ય કાર્યવાહીને તપાસવાની હજુ બાકી હતી. એટલે તાત્કાલિક ધોરણે પ્રેસિડન્ટ લિન્ડન જ્હોન્સને સંદેશો પાઠવીને ડિફેન્સ ડિપાર્ટમેન્ટના જોઈન્ટ ચીફ્સ આફ સ્ટાફની બેઠક બોલાવી. ડિફેન્સ વિભાગના તમામ અધિકારીઓ પેન્ટાગોનમાં દોડી આવ્યા. ગણતરીની મિનિટોમાં વ્હાઈટ હાઉસ અને સંબંધિત વિભાગોના ફોન રણકવાના શરૂ થઈ ગયા. બધું જ યુદ્ધધોરણે અને અત્યંત ગુપ્ત રીતે થઈ રહ્યું હતું. બેઠકમાં વિયેતનામની સ્થિતિને લઈને ચીફ આફ સ્ટાફના તમામ સભ્યોએ પોતાનાં મંતવ્ય રજૂ કર્યાં અને ઉત્તરી વિયેતનામની સાન કેવી રીતે ઠેકાણે લાવવી તેને લઈને લાંબી ચર્ચા-વિચારણા ચાલી. ચીફ આફ સ્ટાફે પ્રેસિડન્ટને ખાતરી અપાવી કે હવાઈ હુમલાને ઉત્તરી વિયેતનામની સેના કોઈ પણ કાળે પહોંચી નહીં વળે. જો કે તેઓ એ સમયે ભૂલી ગયા હતા કે ક્યારેક વધુ પડતો આત્મવિશ્ર્વાસ પણ પરાજયનું કામ કરતો હોય છે. પ્રેસિડન્ટે પોતાના તરફથી સફ ગમ રમવા આત્મવિશ્ર્વાસ બતાવી રહેલા સૈન્ય અધિકારીઓને થોડા વધુ સવાલો કરી જોયા, વિયતનામને ટચૂકડો દેશ ગણતા સૈન્ય અધિકારીઓએ વાસ્તવિકતાને અવગણીને તથા ત્યાંની પરિસ્થિતિ પારખ્યા વિના જ આત્મવિશ્ર્વાસથી પ્રેસિડન્ટને જવાબ વાળ્યા અને પ્રેસિડેન્ટે પણ હુમલાનો હુકમ આપી દીધો. રક્ષા અધિકારીઓ ઉત્તર વિયેતનામ સામે વ્યાપક અને આક્રમક હુમલો કરવા ઇચ્છતા હતા, અને યોગ્ય તક તથા ગણતરીની પણ તેઓ વેતરણમાં હતા. પોતાની રીતે સંપ્ાૂર્ણ સુરક્ષિત પ્લાન ઘડ્યો હતો. જો કે આ બધી જ તૈયારીઓમાં અમેરિકન લશ્કર એક એવી હકીકત ભૂલી ગયું હતું જે તેને આગળ જઈને ભારે પડવાની હતી અને એ હતી વિયેતનામની ભૌગોલિક સ્થિતિ અને તેમની ગરીલા વારની આવડત. આખરે જહાજો પર થયેલા હુમલાના દસ મહિનાના લાંબા સમય બાદ 2 માર્ચ, 1965ના દિને ‘ઑપરેશનરોલિંગ થન્ડર’ આરંભાયું.
 
એરબેઝ પરથી અમેરિકાના યુદ્ધવિમાન હુમલો કરવા ટેક આફ કરવા લાગ્યાં. યુદ્ધવિમાનોએ પહેલા જ ધડાકે ઉત્તર વિયેતનામનાં 94 ઠેકાણાંને નષ્ટ કરી દીધાં. અમેરિકાએ પહેલા જ હુમલાથી ઉત્તર વિયેતનામની સેના ‘નેશનલ લિબરેશન ફ્રન્ટ’(એનએલએફ)ની સપ્લાય લાઇન જ કાપી નાંખી. બ્રીજ, રેલવે, બંદર અને સેના મુખ્ય કેન્દ્રો પર અમેરિકાનાં યુદ્ધવિમાનો બાઁબ વરસાવી રહ્યાં હતાં. ‘એનએલએફ’ સેનાને પાંગળી બનાવવા અમેરિકન એરફોર્સ દ્વારા થઈ રહેલી કાર્યવાહીથી કેટલાય નિર્દોષ વિયેતનામી પણ મોતને ઘાટ ઊતર્યા, પરંતુ અમેરિકા હવે પોતાના આ મિશનમાં વિજયી થવા માંગતું હતું અને પહેલા જ હુમલામાં ‘એનએલએફ’ની કમર પર ફટકો વાગ્યો હોય તેમ તેની સેના નિષ્ક્રિય થતી દેખાઈ રહી હતી. અમેરિકા ઉત્તરી વિયેતનામના અને તેની સેના ‘એનએલએફ’ની સ્થિતિ જોઈને ગેલમાં આવી ગયું. તેને લાગવા માંડ્યું કે તેના બધા જ પાસા પોબાર પડી રહ્યા છે. અમેરિકાએ શરણાગતી સ્વીકારી લેવા અંગે સંદેશો પણ મોકલ્યો, પરંતુ ‘એનએલએફ’ ઘૂંટણિયે પડવા તૈયાર નહોતું. એટલે આ વખતે અમેરિકાએ બમણા જોરથી ફરી આક્રમણ કર્યું.
 

operation rolling thunder 
 
‘એનએલએફ’ સૈન્ય બેઝ પર નાબૂદ થયા છતાં તેમના સૈનિકોનો લડવાનો જુસ્સો જળવાયેલો હતો, કારણ ‘એનએલએફ’ની સપોર્ટિંગ સિસ્ટમ હજુ પણ ચુસ્ત દુરસ્ત હતી. ‘એનએલએફ’ને ચીનના માર્ગે જથ્થાબંધ શસ્ત્રો મળી રહ્યાં હતાં. અમેરિકાને ચીન તરફથી મળી રહેલી મદદનો અંદાજ હતો, પણ તેને રોકી શકવામાં અમેરિકા કશું કરી શકે તેમ નહોતું. એટલે આક્રમક રીતે યુદ્ધ કરી લેવાની જ નીતિ અપ્નાવી પડે તેમ હતી. અમેરિકાએ ઑપરેશન શરૂ થયાના મહિના બાદ ફરી એકવાર જબરદસ્ત હુમલો કર્યો; જેમાં 26 બ્રિજ, રડાર અને સેનાનાં સ્થળોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. અમેરિકાનાં યુદ્ધવિમાનો બિન્ધાસ્ત રીતે ઉત્તરી વિયેતનામ પર બાઁબમારો કરી રહ્યાં હતાં અને તેને અટકાવી શકાય તેવો કોઈ ઉપાય ‘એનએલએફ’ પાસે ન હતો તેવું લાગી રહ્યું હતું. પરંતુ આ બિન્ધાસ્ત બાઁબમારા વખતે જ અમેરિકાને ધક્કો પહોંચે તેવો હુમલો ‘એનએલએફ’ દ્વારા થયો. આ હુમલામાં અમેરિકાના છ એરક્રાફ્ટ ત્ાૂટી પડ્યાં. આ હુમલા બાદ ‘એનએલએફ’ તરફથી અમેરિકાને સંદેશો મળ્યો, જો વાતચીત દ્વારા ઉકેલ લાવવો હોય તો પહેલાં અમેરિકા પ્ાૂર્ણપણે વિયેતનામની ધરતી પરથી વિદાય લે.
 
‘એનએલએફ’ના હુમલાથી અમેરિકન ડિફેન્સ ડિપાર્ટમેન્ટને સ્થિતિ ગંભીર લાગવા માંડી. પ્રેસિડન્ટ લિન્ડન જ્હોન્સનને પણ બધા પાસા ઊલટા પડતા દેખાઈ રહ્યા હતા. અમેરિકાના સૈન્ય અધિકારીઓને પણ ગણતરીઓ ઊંધી વળી ગઈ તેમ લાગી રહ્યું હતું. પરંતુ હવે પ્રતિષ્ઠા માટે ખેલાઈ રહેલા આ યુદ્ધમાં કોઈ પોતાની ભૂલ માનવા તૈયાર નહોતું. એટલે બધાએ પોતાની ભૂલ કબ્ાૂલ કરવા કરતાં લડાઈ ચાલુ રહે તેમાં જ રસ દાખવ્યો. અને આ નીતિને વળગીને જ અમેરિકાએ ઉત્તર વિયેતનામમાં ‘ઑપરેશનરોલિંગ થન્ડર’ જારી રહે તે માટે સેનાને જમીન પર પણ ઉતારી. પરંતુ ઘનઘોર જંગલો અને નદીઓ, પહાડી વિસ્તાર ધરાવતા ઉત્તરી વિયેતનામમાં અમેરિકન લશ્કરને ભુલભુલામણીઓ ખાસ્સી એવી સહેવી પડી. પોતાની આ જ ભૌગોલિક સ્થિતિનો લાભ લઈને વિયેતનામવાસીઓએ ગેરીલા યુદ્ધ પણ છેડી દીધું હતું. યુદ્ધ શરૂ થયાના છ મહિના બાદ - 24 ડિસેમ્બર, 1965ના રોજ અમેરિકાએ પોતાના નુકસાનના આંકડા જોયા ત્યારે તે બહુ મોટા હતા. અંદાજે 85 અરફોર્સના 94 નૌકાદળની સાથે 180 અરક્રાફ્ટ દુશ્મન દેશે તોડી પાડ્યા હતા. જાનહાનિનો આંકડો પણ પાંચસોની પાર થઈ ચૂક્યો હતો. અમેરિકાના અરફોર્સ દ્વારા અત્યાર સુધી ઉત્તર વિયેતનામમાં 32,063 ટન બાંબ ઝીંક્યા હતા જ્યારે નૌકાદળનાં વિમાનો દ્વારા પણ 11,144 ટન જેટલા બાઁબ ઝીંકવામાં આવ્યા હતા !
 
ઉત્તર વિયેતનામ પર સતત બાઁબમારો થતો હોવા છતાં તેની સેના ‘એનએલએફ’ વધુ મજબ્ાૂત થતી હોય તેવું લાગી રહ્યું હતું ! 5 એપ્રિલ, 1966માં અમેરિકા સામે જે ચિત્ર આવ્યું તેનાથી અમેરિકી સેનાના અધિકારીઓ ફફડી ગયા હતા. ઇન્ટેલિજન્સને એવી માહિતી મળી કે ‘એનએલએફ’એ સર્ફેસ ટુ એર મિસાઈલ છોડી શકાય તેવું બાંધકામ મોટા પ્રમાણમાં શહેરી વિસ્તારમાં આરંભ્યું છે. સર્ફેસ ટુ એર મિસાઈલથી અમેરિકાના હવાઈ હુમલા આસાનીથી નિષ્ફળ બનાવી શકાય તેમ હતા. અમેરિકન સેનાએ આ સાઈટને તોડી પાડવા વાશિંગ્ટનમાં મંજૂરી માંગી, પરંતુ શહેરી વિસ્તાર હોવાથી વાશિંગ્ટનથી પરવાનગી ન મળી અને તેનું પરિણામ 24 એપ્રિલે અમેરિકાની સામે આવી ગયું. અમેરિકાના સુપર સોનિક ફાઈટર એફ-105 વિમાનને આ સ્થળેથી જ તોડી પડાયું. ત્રણ દિવસ બાદ વાશિંગ્ટનથી આ સ્થળે નિયંત્રિત રીતે હુમલો કરવાની મંજૂરી મળી ગઈ. પરંતુ જ્યારે અમેરિકન પાઇલટ્સે અહીંની તૈયારીઓ જોઈ ત્યારે તેઓ દંગ રહી ગયા, કારણ કે વિયેતનામે અમેરિકાને મ્હાત આપવા માટે જે તૈયારીઓ કરી હતી, તે કોઈ વિશ્ર્વયુદ્ધ જેવી હતી. એક અમેરિકન પાઇલોટે તો કહ્યું પણ હતું કે વિયેતનામે તૈયાર કરેલ એન્ટી એરક્રાફ્ટ મિસાઈલો જોઈને તો એવું લાગતું હતું કે જાણે તેઓ દુનિયાને અંત તરફ લઈ જઈ ન રહ્યા હોય !
 
29 જૂન, 1966ના રોજ અમેરિકાએ ઉત્તર વિયેતનામને કમરતોડ ફટકો આપવા માટે પેટ્રોલિયમ, ઓઈલ અને લુબ્રિકન્ટ્સના સ્રોત પર હુમલો કર્યો. ‘એનએલએફ’ને રોકવાનો આ સૌથી સરળ માર્ગ અમેરિકાને લાગતો હતો, પરંતુ તેમાં તો અમેરિકાના જ 43 જેટલાં એરક્રાફ્ટ દુશ્મન દેશે તોડી પાડ્યાં અને ઉત્તર વિયેતનામનો 70 ટકા જેટલો પેટ્રોલિયમ, ઓઈલ અને લુબ્રિકન્ટસનો જથ્થો નષ્ટ થઈ ચૂકયો હતો, તેમ છતાંય ‘એનએલએફ’નું જોર ઓછું થયું નહોતું. અમેરિકાએ હવે પૂરું જોર લગાવી દીધું હતું. દક્ષિણ એશિયા સ્થિત તેમના તમામ સૈન્ય બેઝ પરથી રોજની હજારો ઉડાન હુમલા માટે થઈ રહી હતી, પરંતુ ‘એનએલએફ’ ઝૂકવા તૈયાર નહોતું.
 

operation rolling thunder 
 
આ દરમિયાન અમેરિકાની થઈ રહેલી પીછેહઠમાં વધુ એક નાલેશી ઉમેરાઈ. થયું એમ કે ઓપરેશનમાં ભાગ લઈ રહેલી સૈન્યટુકડીઓમાં યુદ્ધ અને રણનીતિને લઈને મતભેદો સર્જાવા માંડ્યા હતા અને તેમના આ મતભેદોનો પરોક્ષ ફાયદો ઉત્તર વિયેતનામને પણ મળવા લાગ્યો. માનો કે અમેરિકન સૈન્યનો જુસ્સો રીતસરનો ત્ાૂટી રહ્યો હતો. અમેરિકા હજુ આ મામલો સૂલટાવી શકે એ પહેલાં તો કુદરત પણ વિયેતનામની તરફ જોડાઈ ગઈ હોય એમ વાતાવરણમાં પણ અચાનક પલટો આવી ગયો. ધુમ્મસને કારણે આકાશી ક્ષેત્રે પણ અમેરિકાની પીછેહઠ થવા માંડી અને છેક આંતર્રાષ્ટ્રીય ક્ષેત્રે એવી વાતો ચર્ચાવા લાગી કે ન્યુક્લિયર વાર માટે સક્ષમ ગણાતા અમેરિકન પાઇલટ પરંપરાગત યુદ્ધ માટે કાબેલ નથી. ‘ઑપરેશનરોલિંગ થન્ડર’ લાન્ચ કર્યાના થોડા મહિનાઓમાં જ અમેરિકાને ખાતરી થઈ ગઈ કે તેઓએ ઇતિહાસની ખૂબ મોટી ભૂલ કરી નાંખી છે.
 
ઉત્તરી વિયેતનામ સરકાર અને ‘એનએલએફ’ને પ્રજા પાસેથી પણ મદદ મળી રહી હતી. એક લાખ કરતાં વધુ ઉત્તરી વિયેતનામના લોકો અમેરિકાના બાઁબથી થયેલા નુકસાનનું સમારકામ કરવામાં રાત-દિવસ એક કરી રહ્યા હતા, અને બીજા અંદાજે ચાર લાખ લોકો સમય મળે સેનાના કામે ખડેપગે હતા. ઉત્તરી વિયેતનામના નેતાએ લોકોને દેશ માટે મરી ફીટવાની કરેલી હાકલ સામે દેશનો એક-એક નાગરિક સૈનિક બનીને નીકળી પડ્યો હતો. દરેક ગામ, મહોલ્લો અને શહેરમાં અમેરિકાના પાયદળને રોકવા માટે છૂપા બાઁબની જાળો બિછાવી દેવામાં આવેલી અને આ છૂપી જાળ એટલી ખતરનાક હતી કે અમેરિકન લશ્કરને એક સમયે તો કઈ જગ્યાએ બાઁબ હશે એની ચિંતા અને ડરને કારણે માનસિક અસર પણ થવા માંડી હતી. ટૂંકમાં ગેરીલા યુદ્ધ, મજબૂત હવાઈ મુકાબલો, રશિયા-ચીન જેવા દેશોની અવિરત મદદે અમેરિકાના ખાતામાં નિષ્ફળતા લખાવી દીધી હતી.
 
વિયેતનામના એન્ટી એરક્રાફ્ટ મિસાઈલથી બચવા માટે અમેરિકા પાસે હવે માત્ર એક જ વિકલ્પ બચ્યો હતો, કોઈ પણ રીતે વિયેતનામની એ એન્ટી અરક્રાફ્ટ મિસાઈલોને તોડી પાડવી. પરંતુ આ માત્ર બે જ રીતે તેઓ કરી શકે તેમ હતા - કાં સાહસ ખેડીને વિયેતનામની મિસાઈલની રેન્જથી વધુ ઊંચે જઈને હુમલા કરવા અથવા તો જાન જોખમમાં નાખીને પણ પેલી એન્ટી એરક્રાફ્ટ મિસાઈલને તોડી પાડવી. આખરે અમેરિકાએ પહેલો વિકલ્પ પસંદ કર્યો. અમેરિકન સૈન્યએ લીધેલા આ નિર્ણયમાં તેઓને સફળતા મળવાની શરૂ પણ થઈ ગયેલી, પરંતુ અમેરિકાની આ સફળતા ખાસ લાંબો સમય ન ચાલી, કારણ કે અમેરિકાને ઉત્તરી વિયેતનામ પર હાવી થતું જોઈને હવે રશિયા પણ આ લડાઈમાં ઝંપલાવી ચૂકયું હતું. રશિયાની મદદ લઈને વિયતનામે 25 સેમ બટાલિયન ઊભી કરી દીધી જેમાં એક જ લાન્ચિંગ દ્વારા છ મિસાઈલ છૂટતી હતી. પ્ાૂરા દેશમાં 150 સ્થળે આવી વ્યવસ્થા ઊભી કરી હતી. 200 સ્થળોએ વાર્નિંગ રડાર સિસ્ટમ લગાવીને કોઈ પણ હુમલાની આગોતરી ચેતવણી મળે તેવી વ્યવસ્થા ગોઠવી હતી. ઉત્તર વિયેતનામની આવી ગજબનાક તૈયારીની તો અમેરિકાએ કદી કલ્પ્ના પણ નહોતી કરી. 1967માં અમેરિકાએ તેના 362 એરક્રાફ્ટ અને તેટલા જ પાઇલટ ગુમાવ્યા. આખા ઑપરેશનદરમિયાન અમેરિકાના પક્ષે નુકસાનીનો આંકડો મોટો થતો જતો હતો, એમ અમેરિકી પ્રજા દ્વારા આ નિર્ણયની ટીકાઓ પણ વધતી જઈ રહી હતી.
 
અંતે 1968ના નવેંબરમાં અમેરિકા ઉત્તર વિયેતનામને શાંતિમંત્રણા તરફ વાળવા પ્રયાસ કરવા લાગ્યું હતું. માત્ર ઉત્તર વિયેતનામમાં ડર પેસાડવા માટે લોન્ચ કરાયેલા ‘રાલિંગ થન્ડર ઓપરેશન’ને કારણે અમેરિકાએ હવે તો પ્ાૂર્ણ યુદ્ધમાં ખૂંપી જવું પડ્યું હતું. અમેરિકા તરફથી સમજાવટનો દોર ચાલ્યો તેમ છતાં ઉત્તર વિયેતનામની સેના શાંતિમંત્રણા માટે તૈયાર નહોતી. તેઓની શરત હતી કે પહેલાં અમેરિકન સેના વિયેતનામમાંથી વિદાય લે ત્યાર બાદ જ મંત્રણા થઈ શકે. અંતે અમેરિકાએ 1 નવેંબર, 1968 ના રોજ ઉત્તર વિયેતનામ પર થતા તમામ હુમલા અટકાવી દીધા અને પેરિસ ખાતે સમાધાન મંત્રણા શરૂ થઈ. જો કે મંત્રણા શરૂ થઈ ત્યારે જ અમેરિકાના જોઇન્ટ ચીફ સ્ટાફે કોઈ પણ સમયે ફરી હુમલો થવાની ચેતવણી આપી હતી. અને આ ચેતવણી થોડા સમયમાં સાચી પડી અને સાથે વિયેતનામ યુદ્ધમાં અમેરિકાનું એક અન્ય ઑપરેશનશરૂ થયું. જો કે પ્ાૂરા અડધા દાયકાથી વધુ સમય સુધી ચાલેલા આ યુદ્ધમાં અમેરિકાની હાર થઈ હતી, કહો કે અમેરિકા વિયેતનામ પર કબજો જમાવવા જતાં પોતાની પાસે હતું એ પણ ખોઈ નાંખ્યું હોય તેવી સ્થિતિ ઊભી થઈ હતી.
 
- કિરણ કાપૂરે