સંકટકાળે સરકારની પડખે ઊભો છે ભારતનો સમાજ : શ્રી ભૈયાજી જોશી (મા. સરકાર્યવાહ - રા.સ્વ. સંઘ)

    ૧૮-જુલાઇ-૨૦૨૦
કુલ દૃશ્યો |

bhaiyaji joshi_1 &nb
 
આજે સંપૂર્ણ વિશ્ર્વ કોરોના મહામારીના સંકટ સામે ઝઝૂમી રહ્યું છે. ભારતમાં આ સંકટ સામે લડવામાં સમાજની પણ એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. આપત્તિની કસોટીએ સરકાર અને સમાજ સાથે જોડાએલાં અલગ અલગ પાસાંને સમજવા માટે ઇંડિયા ફાઉન્ડેશન દ્વારા સમાજ અને સરકારમાં વિભિન્ન સ્થાનો પર કામ કરનારા લોકો સાથે ચર્ચાની એક હારમાળા શરૂ કરવામાં આવી છે. ધ્યાન આપવા જેવી વાત એ છે કે આ સંકટકાળે સહયોગ, સમન્વય અને સમાધાનનું એક મોટું ઉદાહરણ પ્રસ્તુત કરતાં કરતાં ભારતીય સમાજની એકતા, ચેતના તથા શક્તિના પ્રતીક રૂપે રાષ્ટીય સ્વયંસેવક સંઘે નેતૃત્વ કર્યું. ચર્ચાના ક્રમમાં સંકટ સમયે રાષ્ટીય સ્વયંસેવક સંઘનું કાર્ય, સમાજની ભૂમિકા, સરકારની નીતિઓ તથા આવનારા સમયની બાબતમાં રાષ્ટીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ શ્રી ભૈયાજી જોશી સાથે વિસ્તારપૂર્વક સંવાદ થયો. અહીં પ્રસ્તુત છે એ ચર્ચાનો કેટલોક સંપાદિત ભાગ.

કોરોના સંક્રમણના સમયગાળામાં રા.સ્વ.સંઘે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ભારતીય સમાજે પણ આ વિષયમાં જુદી પદ્ધતિથી પ્રતિક્રિયા આપી છે. આપ તેને કયા સંદર્ભમાં મૂલવો છો ?

 
વિશ્ર્વના જીવિત મનુષ્યોએ આ પ્રકારનું મહામારીનું સંકટ પહેલી વાર જોયું છે. પરંતુ આપણે બધા જાણીએ છીએ કે સંઘના સ્વયંસેવકોનો પોતાનો એક સ્વભાવ છે કે તેઓ જેવું અને જે પ્રકારનું સંકટ હોય તે સંકટને સમજીને તેમાંથી માર્ગ કાઢતાં કાઢતાં, આવશ્યકતાઓ સમજીને જે કામ કરવાની આવશ્યકતા હોય તે હંમેશાં કરતા આવ્યા છે.
 
કોરોના મહામારીની શરૂઆતમાં પરિસ્થિતિનું નિરીક્ષણ કરતાં કરતાં લોકડાઉન જાહેર કરવાનો નિર્ણય કર્યો એટલે અનેક પ્રકારના પ્રતિબંધો આવ્યા. જેમનું જીવન રોજિંદી આવક પર ચાલે છે એવા ભાઈઓ સામે જીવનમરણનો પ્રશ્ર્ન ઊભો થયો. એ સમસ્યા ધ્યાનમાં લઈને સંઘકાર્યકર્તાઓએ પ્રયત્ન એ શરૂ કર્યો કે સૌપ્રથમ એ બંધુઓને માટે ઓછામાં ઓછું દૈનિક ભોજન તો ઉપલબ્ધ થઈ જ જાય. નિરીક્ષણ કરતાં કરતાં બીજો એ વિષય ધ્યાનમાં આવ્યો કે રોજની કમાણી બંધ થવાને કારણે જે આર્થિક સંકટ ઊભું થયું તેને સમજીને તેના સંદર્ભમાં તેમને થોડા દિવસ માટે રાહત થઈ જાય એ દૃષ્ટિથી ભોજન પેકેટ ઉપરાંત ઓછામાં ઓછું એકાદ મહિનાની ખાદ્યસામગ્રી(અનાજ વગેરે)ની વ્યવસ્થા થઈ જાય. જ્યારે આ વાત સામે આવી ત્યારે દેશભરના બધા જ જિલ્લાઓમાં ભોજનપેકેટ અને જીવનાવશ્યક વસ્તુઓ એકત્ર કરવાની દૃષ્ટિથી સ્વયંસેવકોએ પ્રયત્નો શરૂ કર્યા. હું માનું છું કે લગભગ બે લાખથી પણ વધુ સંખ્યામાં કાર્યકર્તાઓ એમાં સક્રિય થયા અને એકાદ કરોડ પરિવારો સુધી જુદા જુદા પ્રકારની સામગ્રી પહોંચતી કરવાનું કાર્ય શક્ય બન્યું.
 
શરૂઆતના દિવસોમાં બધી આવશ્યકતાઓ આ પ્રકારની હતી. તે પછી પરિસ્થિતિઓ બદલાતી ગઈ અને કેટલાંક રાજ્યોમાં પ્રવાસી કર્મચારીઓમાં પોતપોતાનાં ગામ(વતનમાં) પહોંચવાની વાત શરૂ થઈ. તે વખતે શાસન પણ વ્યવસ્થાની બાબતમાં વિચાર કરી રહ્યું હતું, પણ વ્યવસ્થા થઈ શકી ન હોવાથી લોકોએ જ્યારે પગપાળા ચાલવાની શરૂઆત કરી ત્યારે એક અત્યંત દુ:ખદ પરિસ્થિતિ આપણા બધાની સામે આવી. પોતાનો સામાન ઉપાડી, બાળકોને સાથે ચલાવી અથવા તેડીને ચાલવાથી માંડી મોટી ઉંમરનાં વૃદ્ધ સ્ત્રી-પુરુષો પણ પોતાને ગામ પહોંચવાના નિર્ધાર સાથે જ્યારે નીકળી પડ્યાં ત્યારે આપણા ધ્યાનમાં આવ્યું કે આ તો બહુ મુશ્કેલ પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે. એટલે વિચાર થયો કે જે જે માર્ગો પરથી એ બધા પરિવારો જઈ રહ્યા હતા તે માર્ગો પર તેમને માટે કાંઈક ને કાંઈક શક્ય એ બધી જ વ્યવસ્થા ઊભી કરવામાં આવે, પ્રવાસી મજૂરોને સ્થાન-સ્થાન પર ભોજન મળે અને તેમની જે જે આવશ્યકતાઓ હતી, ઉદા. તરીકે મધ્યપ્રદેશ, મહારાષ્ટથી નીકળેલા પરિવારોનાં પગરખાં પણ તૂટી ગયાં હતાં. એટલે બહુ મોટા પ્રમાણમાં પગરખાં વિતરણનું કામ પણ એ વખતે સ્વયંસેવકોએ કર્યું. અનેક પ્રવાસીઓ માંદા પડી જતા હતા, ડોક્ટરોની આવશ્યકતા ઊભી થતી, તેમને માટે ડૉક્ટર્સની અને દવાઓની વ્યવસ્થા કરવી, એ પ્રકારનું કામ પણ મોટા પાયા પર ચાલ્યું. હું માનું છું ત્યાં સુધી આ કામ ૩૦-૪૦ દિવસ ચાલ્યું.
 પછી શાસન દ્વારા રેલવે ટ્રેનોની વ્યવસ્થા કરી, તે ઉપરાંત મજૂરોએ પોતપોતાના વિસ્તારોમાં વાહનો દ્વારા જવાની શરૂઆત કરી. તેમાં પણ સ્વયંસેવકો આવશ્યકતાનુસાર મદદરૂપ થયા. એક વધુ જુદા પ્રકારનો એક સહયોગ કરવાની આપણને જે જરૂર લાગી તે એ હતી કે શાસને જે વ્યવસ્થા ઊભી કરવાની શરૂઆત કરી હતી તેમાં પ્રવાસી બંધુઓની નોંધણી (રજિસ્ટ્રેશન) પણ એક બહુ મોટું કામ હતું. અનેક સ્થાનો પર સ્વયંસેવકોએ શાસનના અધિકારીઓ સાથે વાત કરી આ કામમાં સરકારને સહાયક બનવાનું કામ પણ ઉપાડી લીધું. હું માનું છું ત્યાં સુધી આ કામ પણ દેશનાં અનેક રાજ્યોમાં નોંધપાત્ર પ્રમાણમાં થયું છે અને જેમ જેમ દિવસો વધતા ગયા અને જુદા જુદા પ્રકારની સમસ્યાઓનું સ્વરૂપ બદલાતું ગયું તેમ તેમ આપણને લાગ્યું કે આ રીતે તો આપણે ગમે તેટલો પરિશ્રમ કરીશું તો પણ જ્યાં સુધી સંપૂર્ણ સમાજનો સહયોગ નહીં મળે ત્યાં સુધી પ્રભાવશાળી સ્વરૂપે કામ કરવું શાસન માટે પણ અઘરું થતું જશે. આમ વિચારીને સ્થાન-સ્થાન પર થએલી શાસન-વ્યવસ્થામાં જુદાં જુદાં કામો માટે સ્વયંસેવક અર્થાત્ વોલંટિયર્સ ઉપલબ્ધ કરાવવાની ચર્ચા થતી ગઈ અને સ્થાન-સ્થાન પર બધાં પ્રકારનાં આવાં કામો પણ શરૂ થયાં.
 

bhaiyaji_1  H x 
 
આને હું પ્રસન્નતાની(રાજી થવાની) વાત તો નહીં કહું પણ આ અમારા કાર્યકર્તાઓનું સાહસ છે. બધા જ પ્રકારનું જોખમ સ્વીકારીને પણ કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં, જેને બહુ મોટાં સંક્રમણ પ્રભાવિત ક્ષેત્ર ગણાયાં હતાં તેવાં ક્ષેત્રોમાં જઈને ભારતના સ્વાસ્થ્યકર્મી બંધુઓને સંપૂર્ણ સહયક બનવાનું કાર્ય અનેક સ્થાનો પર સ્વયંસેવકોએ શરૂ કર્યું. તેમાં પોતે સંક્રમિત થવાનું અને પરિવાર સુધી સંક્રમણ લઈ જવાનું જોખમ પણ હતું પણ આવો કોઈ પણ વિચાર કર્યા વગર આ જરૂરિયાત ધ્યાનમાં લઈને સ્વયંસેવકો નીકળ્યા અને કોરોના પરીક્ષણના કામમાં તેઓ બધા પણ પીપીઈ કીટ પહેરી, થોડું પ્રશિક્ષણ લઈ ખાસ કરીને દિલ્હી, મુંબઈ, પુણે જેવાં ક્ષેત્રોમાં તો હું કહીશ કે બહુ જ મોટા પ્રમાણમાં આ ક્ષેત્રોમાં કાર્યકર્તાઓએ આ બધાં શહેરોની ગીચ વસ્તીઓ અને ઝૂંપડપટ્ટીઓમાં જઈને કોરોના પરીક્ષણ કાર્યમાં પૂરો સહયોગ કર્યો જે એક બહુ મોટી વાત છે. દિલ્હીમાં જુદા જુદા પ્રકારની હેલ્પલાઇન ઊભી કરવામાં આવી હતી. તેમાં ખાસ કરીને ઈશાન ભારતથી, ઉત્તરપૂર્વ ક્ષેત્રમાંથી જે લોકો મોટી સંખ્યામાં દિલ્હીમાં રહે છે તેમની કેટલીક સમસ્યાઓ હતી. એટલે તેમને માટે પણ એક હેલ્પલાઇન શરૂ કરી હતી. તેનો બહુ મોટો લાભ ઉત્તરપૂર્વના વિદ્યાર્થીઓને દિલ્હીમાં થયો. અન્ય એક હેલ્પલાઇન પણ બનાવવામાં આવી. જેના પર ઘણા લોકોના સંદેશ આવતા. તેમને માટે ભોજન, અન્ય સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવી. તેમની માગણી આવ્યા પછી બહુ જ થોડા સમયમાં તેમને સામગ્રી પહોંચાડવામાં આવતી. આ હેલ્પલાઇનને જ્યારે અન્ય પ્રાંતોમાં લોકો જોતા ત્યારે તેમને એ ખબર ન પડતી કે આ દિલ્હીની વ્યવસ્થા છે, પણ તેઓના ફોન પણ આવતા. કેટલાક અન્ય પ્રાંતોમાં અટવાએલા લોકોની પણ માગણીઓ આવતી હતી. પરંતુ દિલ્હીની આ વ્યવસ્થાએ આવા કિસ્સાઓમાં તત્પરતાથી જે તે પ્રાંત સાથે સંપર્ક કરી તેમને આ બધી જાણકારી મોકલવાની વ્યવસ્થા કરી. આવા અનેક પ્રકારના સંવાદ કર્યા. અમે એક હેલ્પલાઇન સેવા ભારતીને નામે શરૂ કરી હતી કોઈ પણ પ્રકારની સેવાકીય આવશ્યકતા માટે. અમારો અનુભવ એવો રહ્યો છે કે એ સેવાનો લાભ ઘણા લોકોને થયો છે અને તેને લીધે અમે કેટલીક વાતો પહોંચાડી શક્યા. આ એક બહુ જ પીડાદાયક કાલખંડ ગણી શકાય. સ્વયંસેવકોએ પણ અત્યંત સંવેદનાપૂર્વક બધા જ પ્રકારનાં કામો કર્યાં છે.
 
આ મહામારીનું એક બીજું વિશેષ પાસું એ છે કે અત્યારે સામે કોઈ શત્રુ નથી. શત્રુ અદૃશ્ય છે એટલે તેનું કોઈ પૂર્વાનુમાન આપણે કરી શકતા નથી. પૂર્વાનુમાન ન હોવાથી જે જે ઘટનાઓ ઘટી રહી છે તેને જોઈ સમજીને જ નીતિઓ અને વ્યવસ્થાઓમાં નવાં નવાં પરિવર્તનો કરવાં પડે છે. હું એક વધુ વાત ઉમેરવા ઇચ્છીશ કે સમાજની જુદા જુદા પ્રકારની જે ધાર્મિક સંસ્થાઓ છે તેમનો પણ અમને બહુ મોટો સહકાર મળ્યો છે. ગુરુદ્વારાઓ, જૈનસમાજની સંસ્થાઓ, લાયન્સ ક્લબ, રોટરી ક્લબ જેવી સંસ્થાઓએ વ્યવસ્થામાં પૂરો સહકાર આપ્યો છે. આ તો મેં મોટાં નામો લીધાં પરંતુ અસંખ્ય જુદાં જુદાં સ્થાનો પર નાની નાની સંસ્થાઓએ પણ અમારી સાથે મળી આ પ્રકારનાં કામ માટે સામગ્રી ભેગી કરવામાં બહુ મોટી ભૂમિકા નિભાવી છે. મનુષ્યશક્તિ દ્વારા જે જે કરવા યોગ્ય હતું તેમાં સ્વયંસેવકોએ એક ચોક્કસ ભૂમિકા નિભાવી છે.

સંઘ એવું શું પ્રશિક્ષણ આપે છે કે સ્વયંસેવક સ્વયંસ્ફૂર્તિથી મદદરૂપ થવા માટે ઊભો થઈ જાય છે ? ઉદા. તરીકે, ઘણા કિસ્સાઓમાં પરિજનો પણ મૃતદેહના અંતિમસંસ્કાર માટે ન પહોંચ્યા પણ સ્વયંસેવકોએ શાસન સાથે સહકાર કરીને, સિવિલ હોસ્પિટલો સાથે સહયોગ કરીને એવાં બધાં કામો પણ કર્યાં. તેમને કેવું પ્રશિક્ષણ અપાય છે ?

 
અમે આપદા વ્યવસ્થાના વિશેષજ્ઞો નથી. આ પ્રકારનું કોઈ પ્રશિક્ષણ અમે આપ્યું નથી. પરંતુ સંઘમાં એક સંસ્કાર મળે છે. જ્યારે પણ આવાં સંકટો આવે છે ત્યારે તે આપત્તિ અમારી ઉપર આવી છે એમ સમજી તેના નિવારણ માટે બધી શક્તિ લગાવી દેવાનો સંસ્કાર. સંઘમાં હંમેશાં એવો જ વિચાર થતો આવ્યો છે અને તેનું પરિણામ એ છે કે સ્વયંસેવક પરિસ્થિતિ સમજીને સામયિક આવશ્યકતા અનુસાર પોતાને તૈયાર કરતો જાય છે. અમે કોઈ પ્રશિક્ષણ આપતા નથી. ક્યારેક તો અમે સાધનો પણ નથી આપી શકતા, સાધનો ભેગાં કરવાનું કામ પણ તે કરે છે, તેને માટે સમાજ પાસે જાય છે. અમારી કોઈ કેંદ્રીય વ્યવસ્થા નથી કે જ્યાંથી કોઈ આદેશ આપશે, કોઈ વ્યવસ્થાઓ બનાવશે. પરંતુ દૃષ્ટિકોણ એ છે કે આપણે સંકટના માત્ર મૂક સાક્ષી બનીને બેસી નહીં રહીએ. જો આપણે એમ કહીએ છીએ કે આખો સમાજ આપણો છે તો સ્વાભાવિક જ આ ક્રિયા કોઈ સૂચના વગર, કોઈ આદેશ વગર જ થાય છે. હું આટલાં વર્ષોના અનુભવને આધારે કહી શકું છું કે કોઈ પણ પ્રશિક્ષણ વગર પણ અમારા સ્વયંસેવકો પ્રશિક્ષિત લોકોની જેમ જ કાર્ય કરે છે.

સંઘવિચારથી પ્રેરિત અનેક સંગઠનો અને ઉદ્યોગો છે. આર્થિક ક્ષેત્રમાં પણ અનેક સંગઠનો કામ કરે છે, તેમણે પણ કેટલીક પહેલ કરી છે. આ આર્થિક સંકટને સંઘ કઈ દૃષ્ટિથી જુએ છે ?

 
સંકટ જુદા જુદા પ્રકારનાં છે. આ જે મજૂરોનું સ્થાનાંતરણ થયું છે તે એક ખાસ પરિસ્થિતિમાં થયું છે. તેમને સ્થળાંતરણ કરવાની આવશ્યકતા ન રહે તે દૃષ્ટિથી દૂરગામી વિચાર થવાની આવશ્યકતા છે. પરંતુ આજે ઉતાવળે કોઈ દૂરગામી ઉકેલ નહીં શોધી શકાય. પરંતુ આનું નિશ્ર્ચિત સમાધાન તો એમાં જ છે કે મજૂરોને ઓછામાં ઓછું રોજગાર માટે આટલું મોટું સ્થળાંતર કરવું પડે તે કોઈ પણ દેશ માટે યોગ્ય નથી. પરંતુ આજે એ સિદ્ધાંત માત્ર રહ્યો છે. આજે વ્યાવહારિક સપાટી પર જોઈએ તો લોકોને નોકરીની અને ઉદ્યોજકોને મજૂરોની એમ બંનેને આવશ્યકતા છે. એટલે આ થયેલા સ્થળાંતરણને હું અસ્થાયી (કામચલાઉ)માનું છું. બહુ મોટી શક્યતાઓ છે કે પરિસ્થિતિ સાધારણ રીતે પૂર્ણ સામાન્ય થતાં જ મોટી સંખ્યામાં લોકો વ્યવસાયનાં સ્થાનો પર પાછા જશે. પરંતુ સાથે સાથે કેટલોક વર્ગ એવો હશે કે જે પોતાના ગામમાં(વતનમાં) જ રોકાશે. એ સ્વાભાવિક પણ છે. રાજ્યોમાં જેનો વિચાર કરવો પડશે તેવી એક આવશ્યકતા ધ્યાનમાં આવે છે કે પોતાના ગામમાં પાછા આવી ગયેલા લોકોનું પુનર્વસન કેવી રીતે થાય ? તેમને ત્યાં જ વ્યવસાય કેવી રીતે મળી રહે ? તેનો વિચાર રાજ્યસરકારોએ શરૂ કરવો જોઈએ અને અનેક રાજ્યસરકારોએ શરૂ કર્યો પણ છે. મારી માહિતી પ્રમાણે કેટલીક રાજ્યસરકારોએ આ દિશામાં સારી પહેલ પણ કરી છે. કૌશલવિકાસનો જે પ્રશ્ર્ન આવે છે તો એની પણ યોજનાઓ છે. એ યોજનાઓ જેટલી વધુ બનશે અને જેટલી સારી બનશે તેને આધારે મજૂર પોતાના વિસ્તારમાં પણ આ પ્રકારની કુશળતા પ્રાપ્ત કરી શકશે. એમ શક્ય બનશે તો તેને બહાર જવાની આવશ્યકતા નહીં રહે. એટલે આ સંકટમાં પણ એક મોકો છે કે સમસ્યાના સમાધાનની દિશામાં સારા પ્રયોગો કરી શકાય. મને લાગે છે કે એ ઘણી મહત્ત્વની આવશ્યક વાત હશે.
 

bhaiyaji joshi_1 &nb 
 
આ સંકટે એક તક પણ આપી છે. આ તકને સારાં પરિણામની દિશામાં પરિવર્તિત કરવામાં સરકાર અને સ્વયંસેવી સંસ્થાઓ આગળ આવે. કૌશલવિકાસ માટે સારી યોજનાઓ બને, તેને માટે થોડી પોતાની સીમાઓ છોડવી પડશે. આવા સંકટકાળમાં કોઈ એક માનક પ્રારૂપ ફોરમેટ બનવું મુશ્કેલ છે. એટલે તેની આવશ્યકતા નથી. સ્થાન-સ્થાન પરનો સર્વે કરતાં કરતાં આ યોજનાઓ બનાવવાની આવશ્યકતા રહેશે. કેટલાંક રાજ્યોએ આ દિશામાં સારી પહેલ કરી છે. પરંતુ બહુ મોટા પ્રમાણમાં મજૂરો પાછા શહેરોમાં જશે. ઉદ્યોગો ચલાવવા માટે તરત જ પૂરતી સંખ્યામાં મજૂરો મળશે જ એમ નહીં કહી શકાય.એટલે હું હમણાં જે અનુભવું છું તે અનુસાર લાગે છે કે પાછા ફરવાની પ્રક્રિયા પણ ધીરે ધીરે શરૂ થઈ છે. લોકો જવા ઇચ્છે છે અને ઉદ્યોજકો પણ ઇચ્છે કે મજૂરો મળે તો આ એક સારી પહેલ થશે. અન્ય એક વાત ધ્યાનમાં આવે છે કે આ વ્યવસ્થાઓને જેટલી વિકેંદ્રિત કરતા જઈશું એટલું સારું થશે. કેટલાંક રાજ્યો એવાં છે જ્યાંથી મજૂરો મોટી સંખ્યામાં સ્થળાંતરણ કરે છે. અને કેટલાંક રાજ્યો એવાં છે જ્યાં મોટી સંખ્યામાં સ્થળાંતરિત મજૂરો આવે છે. જ્યાં ઉદ્યોગો વધુ છે ત્યાં જ બહારના મજૂરો આવે છે એટલે ઉદ્યોગોનું કેંદ્રીકરણ સ્વાભાવિક છે. પરંતુ મેં કહ્યું તે પ્રમાણે કેટલીક દીર્ઘકાલીન વાતો છે. ઉદ્યોગોના વિકેંદ્રીકરણને સમય લાગશે. અત્યારે તો મજૂરો પાછા જશે, ઉદ્યોગો શરૂ થશે અને ઉદ્યોગો શરૂ થશે એટલે નોકરીઓ પણ શરૂ થઈ જશે.
બીજું સૌથી મોટું નુકસાન થયું છે તે વ્યક્તિગત વ્યવસાય કરનારા લોકોને. જેમનું રોજનું કામ છે એટલે જેઓ રિક્ષા ચલાવે છે, શાકની લારી ચલાવે છે, નાની મોટી ચાની કીટલી પર જેનું ગુજરાન ચાલે છે, તેમના જીવનમાં અનેક પ્રશ્ર્નો ઊભા થયા છે. જીવન કેવી રીતે પૂર્વવત્ થશે ? આ લોકડાઉન અને તેને કારણે જે સમસ્યા નિર્માણ થઈ છે તે જ્યાં સુધી ઊકલશે નહીં ત્યાં સુધી તેમનું દૈનિક સામાન્ય જીવન ચાલુ નહીં થાય. એટલે તેમની બાબતમાં શાસનની પહેલનું અમે સ્વાગત કરીએ છીએ. જેમણે અનલોક પદ્ધતિ શરૂ કરી છે. હવે લોકડાઉન નથી, અનલોક છે. તાલા લગાયા હુઆ અબ ખોલના હૈ । તાલા ખોલને કી ભી એક પ્રક્રિયા રહેગી । મને લાગે છે કે આ દૃષ્ટિકોણ સરકાર દ્વારા સામે મૂકવાથી બહુ થોડા જ સમયમાં બધું એક વાર શરૂ થઈ જશે. સંકટ ઓછું થતું જશે તેમ આ બધી વાતો પણ સામાન્ય થતી જશે. એટલે ભારતની સામાજિક રચનામાં સ્વયંરોજગાર અને વિકેંદ્રીકરણ જેટલું વધુ થશે એટલું વધુ લાભકારક હશે. અત્યારે તો આજની વ્યવસ્થાઓ શક્ય એટલી જલદી શરૂ થવી જોઈએ, અને મને લાગે છે કે તે થોડા જ સમયમાં શરૂ થઈ જશે.

આર્થિક વિષયમાં એક વધુ મુદ્દો ચર્ચામાં આવ્યો. પ્રધાનમંત્રીએ પણ તે બાબતે આહ્વાન કર્યું છે. સ્વયંસેવી સંગઠનો પણ તે બાબતે કેટલીક પહેલ કરી રહ્યાં છે. એ છે સ્વદેશી અને આત્મનિર્ભરતાનો વિષય. એટલે આત્મનિર્ભર કેવી રીતે થવાય? કારણ આજે તો વૈશ્ર્વીકરણનો યુગ છે. પરસ્પર નિર્ભરતા મોટા પ્રમાણમાં છે. એ સ્થિતિમાં આર્થિક વિષયોના નિષ્ણાતો પ્રશ્ર્ન કરે છે કે ભારત કેવી રીતે આત્મનિર્ભર થશે ? શું માત્ર કોઈ એક દેશનો બહિષ્કાર કરવાથી તે શક્ય બનશે ?

 
આ વિષયમાં જો થોડો વિચાર કરીએ તો ધ્યાનમાં આવશે કે અનેક જિલ્લાઓમાં અનેક પ્રકારનાં ઉત્પાદનો થાય છે. પ્રધાનમંત્રીએ ઘણો સારો એક શબ્દપ્રયોગ કર્યો છે કે લોકલ કે લિયે વોકલ અર્થાત્ સ્થાનિક કે લિયે અધિક મુખરિત બનને કી આવશ્યકતા હૈ. જો એને વધુ વેગ મળશે તો ઘણું સારું થશે. હું માનું છું કે કેટલીક વસ્તુઓ જે નાના ઉદ્યોગોમાં બનવી શક્ય નથી તે તો મોટા ઉદ્યોગોમાં જ બનશે. આવા નાના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવાનું કાર્ય દરેક જિલ્લાને તેનું કેંદ્ર માનીએ અને થોડા મોટા ઉદ્યોગ માટે રાજ્યને કેંદ્ર માનીએ તો તેનાથી આગળ જઈને વૈશ્ર્વિક સ્તરે વિચાર કરવો છે. એ ઠીક છે કે આજે પરસ્પરાવલંબનનું જીવન શરૂ થયું છે. પરંતુ આ મોકો છે કે આપણે આપણા દેશની આવશ્યકતાઓ દેશમાં પૂરી કરીએ. તેનાથી નીચે ઊતરીએ તો રાજ્યની આવશ્યકતાઓ રાજ્યમાં અને જિલ્લાઓની આવશ્યકતાઓ જિલ્લાઓમાં પૂરી કરીએ. જિલ્લા એકમને જો આત્મનિર્ભર ભારતની દિશામાં આગળ જવું હોય તો આપણે જિલ્લા કેંદ્ર, તેને એકમ માની વધુ વિકસિત કરવાની આવશ્યકતા રહેશે. હવે એ જરૂર છે કે કેટલાક મોટા ઉદ્યોગો માટે રાજ્ય પણ કેંદ્ર ન બની શકે તો એવા ઉદ્યોગો માટે દેશ કેંદ્ર બને. એટલે પ્રાંતને બહુ મોટા ઉદ્યોગકેંદ્ર તરીકે વિકસિત કરી શકાય છે. જે તે પ્રાંત અને જે તે જિલ્લાની આવશ્યકતાઓ ત્યાં જ પૂરી થાય તે દિશામાં આપણે પહેલ કરવી પડશે.
 
બીજું એટલે આ ઘટનાને કારણે એક સ્વદેશીનો ભાવ વિકસિત થયો છે. એક વિચાર પણ ધીમે ધીમે વિકસી રહ્યો છે કે જો દેશ આત્મનિર્ભર બનશે તો આપણી આવશ્યકતાઓ અહીં જ પૂરી થશે. અમારી આવશ્યકતાઓ કદાચ થોડી ઓછી વધુ ગુણવત્તાની હશે તો અમે એનો સ્વીકાર કરીશું. આ પ્રકારનું માનસ બની રહ્યું છે. આને વધુ પ્રોત્સાહિત કરવાની આવશ્યકતા રહેશે. ઘણી વાર ગાડી ગુણવત્તા પર આવીને રોકાઈ જાય છે. પરંતુ જો કોટ્યાવધિ સમાજ એ સ્વીકારી લે કે વસ્તુ ભલે થોડી ઓછી ગુણવત્તાની હોય તો પણ તેને જ અપનાવવાની છે તો પછી આત્મનિર્ભર ભારતની દિશામાં ઘણી સારી વાતો આવી શકે છે. એટલે એ વાત પોતે જ એટલી મોટી હશે કે આપણા દેશના મહાપુરુષોએ સેવેલું સ્વપ્ન પૂર્ણ થશે. એ સ્વપ્ન એ જ રહ્યું છે કે દેશ પોતાના પગ પર ઊભો રહે, બીજાનું ગુણગાન કરવાથી આપણે ક્યારેય મોટા થયા નથી. કોઈની નકલ કરવાથી પણ મોટા નથી થયા. આપણે ત્યાં પ્રતિભાઓ અને પુરુષાર્થ છે. જે પણ મદદ જોઈએ તેની જો વ્યવસ્થા સારી રીતે થઈ જાય તો હું માનું છું કે આત્મનિર્ભર ભારત માત્ર નારો જ નહીં રહે, આપણે તેને સાકાર થતાં સ્વપ્ન સમાન પ્રત્યક્ષ જોઈ શકીશું. તેને માટે આવશ્યક નિયોજન થઈ જાય એટલી જ અપેક્ષા રાખું છું.

તમે એક સકારાત્મક પાસું રજૂ કર્યું પરંતુ સામાન્યત: સમાજમાં જ્યારે ચર્ચા થાય છે, ખાસ કરીને સોશ્યલ મીડિયામાં ત્યારે તેનું નકારાત્મક પાસું સામે આવે છે. આજ-કાલ સીમા પર જેવું વાતાવરણ છે તેને કેંદ્રમાં રાખીને બૉયકૉટ ચાઇનિઝ પ્રોડક્ટ્સની રેખા પર જ બધી ચર્ચા થાય છે. આપ આને કેવી રીતે મૂલવો છો ?
 

આ તો સ્વાભાવિક જ છે. કોઈ એક દેશના સંદર્ભમાં જ્યારે આટલી બધી ચર્ચા આખા જગતમાં ચાલતી હોય ત્યારે ભારતમાં પણ ચાલવાની જ. આજે ચીન તેનો પ્રતિનિધિ દેશ બની ગયો છે. એટલે સ્વાભાવિક રીતે જ સામાન્ય વ્યક્તિ કહી રહી છે કે અમે આ નહીં લઈએ, તેને સહકાર નહીં આપીએ. મને લાગે છે કે આ અઘોષિત શત્રુ સામેની મનની સ્વાભાવિક ભાવનાઓ પ્રકટ થઈ રહી છે. હું માનું છું કે આ ભાવનાઓ માત્ર કોઈ એક દેશ સુધી સીમિત નહીં રહે. આગળ વધીને ધીમે ધીમે સ્વાભાવિક આત્મનિર્ભરતા સુધી જશે. શરૂઆતમાં તે નકારાત્મક લાગી શકે છે કે કોઈ દેશની વસ્તુઓનો બહિષ્કાર કરો, પરંતુ સમાજજીવનની જે આવશ્યકતાઓ છે એ જો પૂરી નહીં થાય તો માત્ર બહિષ્કાર કરીને કેવી રીતે ચાલશે ? એટલે તેની પૂરી વ્યવસ્થા જોઈએ. આજે પ્રારંભ ત્યાંથી થયો કે અમે ચીનની વસ્તુઓ નહીં લઈએ. એ સ્વાભાવિક જ જન્મેલી વાત છે. કોઈએ તેને જનાંદોલન નથી બનાવ્યું. આજે સામાન્ય માણસ પણ કહે છે કે જો અમુક વસ્તુ ચીનની હોય તો અમારે નથી જોઈતી. હવે આ બાબતમાં તો ચીને જ વિચારવું પડશે કે હવે શું કરવું ? પરંતુ આપણે માટે આ અવસર ચોક્કસ છે. આ માત્ર ભારત માટે નહીં, દુનિયા માટે પણ સારો સંદેશ છે કે દરેક દેશ પોતપોતાની આવશ્યકતાઓ પોતાની શક્તિને આધારે પૂર્ણ કરે. તે ન તો બીજાનું શોષણ કરે કે ન તો બીજા પર નિર્ભર રહે.

આની સાથે જો જોડાએલો એક બીજો મુદ્દો ચર્ચામાં છે. સીમા પર સંકટનો સામનો આપણી સેના અને સરકારે કર્યો છે. એ વિષય વારંવાર નીકળે છે. આ વખતે આપ તેમાં શું પરિવર્તન જુઓ છો ? રાષ્ટીય સુરક્ષા અને સીમાસુરક્ષા, સીમા પર આધારભૂત માળખાનું નિર્માણ વગેરે બાબતે આપ શું કહેશો ?

 
ખરેખર તો આ વિષય અમારા વિચારપરીઘની બહારનો વિષય છે. કારણ તેમાં સુરક્ષાબળો અને સરકારની નીતિઓ બને છે, આ વિષય તેને આધારે ચાલનારો છે, પરંતુ કોઈ પણ દેશ પોતાના દેશની સીમાઓ પરનું આક્રમણ કેવી રીતે સહન કરી શકે ? કોઈ પણ દેશ પોતાના સીમાવર્તી દેશો સાથે ખેંચતાણભર્યા સંબંધો ઇચ્છતો નથી. પરંતુ એ વિચાર બંને બાજુથી થવાની આવશ્યકતા હોય છે. એટલે આજની પરિસ્થિતિમાં મને લાગે છે કે, આનું સમાધાન દેશની સેનાઓ, આપણા રક્ષામંત્રી, પ્રધાનમંત્રી વગેરે મહાનુભાવોએ સાથે મળીને કરવાનો છે કે આ સંકટમાંથી ભારતની સુરક્ષા કેવી રીતે થશે ? આ સામાન્ય જનતાનો નહીં સરકાર અને સેનાનો વિષય છે. આપણે સામાન્ય લોકો સેના પર વિશ્ર્વાસ ધરાવીએ છીએ. આપણી સેનાનું સામર્થ્ય સારું છે એ ધ્યાનમાં રાખી સરકાર પોતાની નીતિઓ અને યોગ્ય લાગે તેવી યોજનાઓ બનાવે. હું વિશ્ર્વાસપૂર્વક એટલું કહી શકું છું કે અત્યારે સરકાર જે પહેલ કરશે તેની પાછળ સમાજ પણ ચોક્કસ ઊભો જ રહેશે.

આજે ડિજિટલ શિક્ષણની વાત ચાલે છે, પરંતુ સમાજના બધા વર્ગો પાસે આવું શિક્ષણ પહોંચે તે એટલું સહેલું પણ નથી. આવામાં આવનારા સમયમાં શિક્ષણમાં પરિવર્તન થશે. સમાજકેંદ્રિત શિક્ષણની વાત સંઘ કરતો જ રહ્યો છે એટલે શિક્ષણક્ષેત્રની બાબતમાં સામે આવેલા પડકારો બાબતે સંઘ સાથે સંબંધિત અન્ય સંગઠનો શું કોઈ પહેલ કરી રહ્યાં છે ?

 
આજકાલ ઊભું થયેલું સંકટ જુદી જાતનું છે. તેનાં બે પાસાં છે. ભારતમાં શાસકીયની સાથે જ ગેરસરકારી શિક્ષણસંસ્થાનો પણ મોટી સંખ્યામાં છે, જે સમાજના સહકારના આધારે ચાલે છે. હવે આ આર્થિક સંકટમાં તે કેવી રીતે તેમનો નિર્વાહ કરશે એ પ્રશ્ર્ન તેમની સામે છે, કારણ તેઓ પોતે પોતાની જ શક્તિ પર ઊભા છે. તેમનો બહુ મોટો હિસ્સો છે, તે સમાજ ઉપાડે છે, શિક્ષણ શુલ્ક સ્વરૂપે તેના પર થોડી અસર તો કાલખંડમાં થવાની જ છે. જે સંસ્થાઓ પર આર્થિક સંકટ છે તેમનામાં આ પ્રકારનું કેટલું શિક્ષણ ઉપલબ્ધ હશે તેનો જુદા જુદા લોકોએ મળીને વિચાર કરવાની આવશ્યકતા છે. આ સંકટ ઓછામાં ઓછા એક વર્ષ સુધી તો રહેવાનું જ છે. જુદા જુદા પ્રકારનાં આધુનિક માધ્યમોનો સહયોગ લઈને શિક્ષણ અપાય તેની પણ મર્યાદા ક્યાંક ને ક્યાંક તો આવવાની જ છે. જો આપણે માનીએ કે આઠ ટકા જનજાતિ ક્ષેત્ર છે જ્યાં દૂર દૂર અંદર સુધી આ શિક્ષણ પહોંચ્યું નથી. તેમનું શું થશે ? એક બહુ મોટો વર્ગ ગરીબી રેખાની નીચે છે તેમની પાસે પણ આ આધુનિક સાધનો નથી. તેમનાં બાળકોનાં શિક્ષણનું શું ? અર્થાત્ આધુનિક સાધનોનો ઉપયોગ કરીને શિક્ષણ પહોંચાડવાની જે વાત થઈ રહી છે તેની પોતાની પણ એક સીમા છે. એમાંથી જ કોઈ રસ્તો કાઢવો પડશે. સ્વયંસેવી સંસ્થાઓ આની કોઈ જવાબદારી ઉપાડી શકે છે. તેઓ બાળકોનું કોચિંગ કરે, તેમને ભણાવે. પોતાના ઘરમાં કોચિંગ ક્લાસ જેવું શિક્ષણ ચલાવે. આ એક વર્ષ આપણે આપણી યોજનાઓ બનાવી તેને આધારે પાર કરી લઈએ. પછી આવતે વર્ષે કેટલીક વસ્તુઓ સુલભ બની શકે છે. અમે તો એમ ઇચ્છીએ છીએ કે સમાજની બધા પ્રકારની આવી વ્યવસ્થાઓ મળીને હમણાં માત્ર એક વર્ષનો વિચાર કરવો જોઈએ. એફોર્ડેંબલ એજ્યુકેશન અને ક્વોલિટી એજ્યુકેશન અમારો કાયમી સિદ્ધાંત રહ્યો છે. તેની વ્યવસ્થાનું પાસું આ કાલખંડમાં કેવું હશે તેનો વ્યાવહારિક વિચાર કરવો પડશે. તેને માટે તરત જ આવશ્યકતા છે કે શૈક્ષિક વર્ષમાં કોઈ પણ વિદ્યાર્થીને નુકસાન ન થાય, તેને સામે રાખીને વિચાર કરવો પડશે. નહીં તો શિક્ષણ એક વર્ષ સ્થગિત થઈ જશે. ભારતના આખા સમાજજીવનમાં એક વર્ષનું અંતર આવી જશે. આ વાત કોઈ પણ દેશ માટે સહન કરી શકાય તેવી વાત નથી. મને વિશ્ર્વાસ છે કે સમાજની સર્વપ્રકારની શક્તિનું યોગ્ય નિયોજન થઈ જશે. યોગ્ય યોજનાથી વર્તમાન કાલખંડમાં થએલી હાનિમાંથી દેશ-સમાજને બહાર લાવી શકીશું.

ભારતની પરંપરામાં મેળા છે, યાત્રાઓ છે. તેમાં લોકો એકત્ર થાય છે, કોરોના સંકટમાં તેના પર પ્રતિબંધ છે. ન્યાયાલયની આજ્ઞા અનુસાર જગન્નાથયાત્રા પૂરી થઈ. આ પરંપરાઓ સમાજને જોડી રાખે છે. છતાં પણ જ્યાં સુધી ઉકેલ ન મળે ત્યાં સુધી પ્રશ્ર્નો ચાલુ રહેશે. સમાજે આ વસ્તુઓને કેવી રીતે જોવી જોઈએ ?

 
હું અહીં ફરી આપણા સમાજને સાધુવાદ આપવા ઇચ્છીશ. આ બધી આપણી હજારો વર્ષની પરંપરાઓ સાથે જોડાએલી વસ્તુઓ છે, ભાવાત્મક છે. પરંતુ આવા સંકટ વખતે આપણે આ બધી વાતો સાથે થોડું સમાધાન કરી લેવું જોઈએ એ વાત સમાજે સ્વીકારી લીધી છે. આ શાસનના નિયંત્રણ બહારની વાત હતી. પરંતુ સમાજનો વિચારવાનો સ્તર દર્શાવે છે કે આપણે કેટલી લવચીકતા લાવી શકીએ છીએ. એટલે જગન્નાથની રથયાત્રામાં લોકોએ મન મનાવી લીધું કે ઠીક છે, આ વર્ષે રથયાત્રા એ સ્વરૂપમાં નહીં થાય. હમણાં સૂર્યગ્રહણ થયું, કુરુક્ષેત્રમાં દર વર્ષે સૂર્યગ્રહણ વખતે લાખો લોકો આવે છે. આ વખતે કોઈ ન આવ્યા. લોકોએ માનસિક સ્તરે પોતાના ઈશ્ર્વરને આંખ સામે લાવી પોતપોતાના ઘરમાં જ પૂજાપાઠ પતાવી લીધાં.
આ ભારતની વિશેષતા છે કે પરંપરાઓની સાથે સાથે આપણે આવશ્યકતા ઊભી થાય ત્યારે થોડી લવચીક્તાથી સ્થિતિને સ્વીકારી લઈશું. પંઢરપુરનો પ્રશ્ર્ન ઊકલી ગયો, જગન્નાથની રથયાત્રાનો પ્રશ્ર્ન હલ થયો. મંદિર બંધ હતાં. લોકોએ પોતપોતાના ઘરમાં જ પૂજા પ્રારંભ કરી. કોઈએ ગમ્મતમાં કહ્યું, પહેલાં કેટલાંક મંદિર હતાં હવે તો પ્રત્યેક ઘર મંદિર બની ગયું. એ મોટી વાત છે કે ઘેર ઘેર લોકોએ પૂજાપાઠ શરૂ કરી દીધાં. એ વાત ઠીક છે કે આપણાં મંદિરો પ્રતીકાત્મક છે, આપણે તેમાં જવું જ જોઈએ. પણ આ સમયગાળામાં ત્યાં જઈ શકાય તેમ નથી તો નહીં જઈએ. આ જે લવચીક્તા છે તેનો, દુનિયાની સામે ફરી વાર આ સંદર્ભમાં ભારતનો પરિચય થયો. એ વાત નિશ્ર્ચિત છે કે મંદિર શક્તિકેંદ્રો છે, પ્રેરણાકેંદ્ર અને શ્રદ્ધાકેંદ્ર પણ છે. આપણા મેળા જીવનને દિશા આપનારા છે. તે શીઘ્રતાથી ફરી પૂર્વવત્ થવા જોઈએ એવી આપણી બધાની ઇચ્છા છે, પરંતુ જો સમાજજીવનના સ્વાસ્થ્ય પર ધ્યાન આપીને જ નિયમોનું પાલન કરવાનું હોય તો પાલન કરનારો સમાજ પણ આપણે જોયો. એ અદ્ભુત છે.

એવી સ્થિતિમાં પણ કેટલાંક તત્ત્વો એવાં જોવા મળે છે જે સમાજમાં ભેદ ઉત્પન્ન કરે છે. અમેરિકામાં વર્ણભેદને કારણે કેટલીક સમસ્યાઓ થઈ. તેને આધારે ભારતમાં પણ એવું કેમ નથી થઈ રહ્યું એ બાબતે ચર્ચા ઊભી કરવાનો પ્રયાસ થયો. પ્રવાસી શ્રમિકોના મામલામાં પણ જોવા મળ્યું કે લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ થયો. જાતિ, સંપ્રદાય વગેરેને આધારે ભેદ ઉત્પન્ન કરવાના પણ પ્રયાસો થયા. આવતા સમયમાં આને એક સંકટ મનાય છે. સમાજે આને કેવી રીતે જોવું જોઈએ. ? શું સંઘ આ તત્ત્વોને રોકવા માટે કશું કરી રહ્યો છે ?

 
આટલાં વર્ષનો આપણો અનુભવ છે કે કેટલીક અસામાજિક, અરાષ્ટીય શક્તિઓ આવા પ્રસંગોનો લાભ ઉઠાવી સમાજવ્યવસ્થા અને દેશને નબળો પાડવાનાં કાવત્રાં કરતી જ આવી છે. આ કાલખંડમાં પણ આમ થવું સાવ અશક્ય તો નથી જ, પરંતુ હવે સંઘ પણ એટલો મોટો થયો છે. સંઘની શક્તિ પણ વધી છે. તેને આધારે આવી શક્તિઓના સંદર્ભમાં સમાજ જાગરણના પ્રયાસો કરી શકીએ છીએ અને કરીશું. મને વિશ્ર્વાસ છે કે આપણે ત્યાં સામાજિક જાતિ-બિરાદરીની જે વ્યવસ્થા છે, સાધુ-સંતોની વ્યવસ્થા છે, સંઘનું આટલાં વર્ષનું તપ પણ છે. આ બધાંનો પૂરો ઉપયોગ કરીને આ ષડયંત્રોને અમે જેટલાં નિષ્પ્રભાવી કરી શકીએ છીએ તે કરવાના પ્રયાસો થશે. હું સમજું છું કે આ તત્ત્વો ભારતમાં એટલી સહેલાઈથી સફળ નહીં થાય. કારણ ભારતનું માનસ ઉત્તેજિત થાય છે. ભારતનો દુર્બળ વર્ગ પીડિત હોય છે, તેને સમજવું પડશે. પીડા દૂર કરવાના પ્રયાસો કરવા પડશે. આ સંકટનો લાભ લઈને જો કોઈ દેશને દુર્બળ કરવાના પ્રયાસો કરશે તો હું સમજું છું કે સંઘ જેવાં સંગઠનો પોતાની સમાજજાગરણની ભૂમિકા પ્રભાવી રૂપે ભજવશે. આ સંકટથી સમાજને સુરક્ષિત કરી શકાય છે. આ બધાંમાં સહુના સામૂહિક પ્રયાસની આવશ્યકતા છે. સંઘ આમાં જરૂર પોતાના સ્વયંસેવકોની શક્તિને આધારે પહેલ કરશે.

સંઘનો એ મત રહ્યો છે કે ભારતની સમસ્યા ભારતની પદ્ધતિથી ઊકલવી જોઈએ. કેટલાક ભેદ હોઈ શકે છે, સમાજમાં કેટલાક મતભેદો પણ હોઈ શકે છે પણ તે ખેંચ દૂર કરવાની ભારતની પોતાની પદ્ધતિઓ છે. શું તે આજના સંદર્ભમાં વધુ મહત્ત્વપૂર્ણ નથી ?

 
ચોક્કસ છે. દરેક દેશની સમાજરચના અને સમાજનું માનસ ભિન્ન પ્રકારનું છે. એટલે આપણે ત્યાંની સમસ્યાઓનો જવાબ આપણે અન્ય દેશો તરફ જોઈને નહીં શોધી શકીએ. આપણે પ્રશ્ર્નોને સમજીએ છીએ, તેનાં મૂળિયાં સમજીએ છીએ. તેનું સમાધાન પણ સમજીએ છીએ. એટલે ભારતની જે સમસ્યાઓ છે તેને બીજાના ચશ્માથી અને બીજાનાં સાધનોથી ઉકલી શકાતી નથી. અહીંની મૂળ વાતને સમજીને તેનું સમાધાન શોધવું પડે છે અને સંઘે તેવો પ્રયાસ પણ કર્યો છે. અહીંની સમસ્યાઓ હશે તો તેનો ઉકેલ પણ અહીંના માર્ગે જ નીકળશે. આપણે ત્યાંના સમાજમનને એક ચોક્કસ સીમા કરતાં વધુ વિકૃત કરવાના કોઈના પણ પ્રયાસો સફળ નહીં થાય. એ વાત ચોક્કસ છે કે આવું વિચારવાવાળી સકારાત્મક શક્તિઓએ વધુ પ્રભાવી પહેલ કરવી પડશે. એ નિશ્ર્ચિત છે કે આપણે એ કરવાના પ્રયત્નો ચોક્કસ જ કરીશું.
 
 
(અનુવાદ : શ્રીકાંત કાટદરે)