ચીન આપણા પાડોસીઓને સાથે લઈ ભારત વિરુદ્ધ એક નવું હથિયાર તૈયાર કરી રહ્યું છે! એ હથિયાર છે....?

    ૦૨-જુલાઇ-૨૦૨૦
કુલ દૃશ્યો |

india-china border disput 
 
 

ચીનનું નવું હથિયાર -  ભારતના પડોશીઓને કર્જ આપો ને ભારત વિરુદ્ધ ભડકાવો

 
છેલ્લાં કેટલાંક વર્ષોથી ચીને ભારત વિરુદ્ધ એક નવું હથિયાર ઉગામ્યું છે. ચીન ભારતના પડોશી દેશોને વિકાસના નામે અધધ કર્જ (લોન) આપી તેમને ભડકાવી ભારત વિરુદ્ધ એક હથિયારના રૂપે ઉપયોગ કરવાનું ચાલુ કર્યું છે.
 
વાત પાકિસ્તાનની. તો પાકિસ્તાન પહેલેથી જ ભારતનું ઘોર વિરોધી છે ત્યારે ચીને પાકિસ્તાનને પોતાની સોડમાં ઘાલ્યું છે. પાકિસ્તાનને ચીનના સીપીઈસી પ્રોજેક્ટ અંતર્ગત ૪.૫૬ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે અને તે રકમ પાછી ચીને જ તેને ૭ ટકાના વ્યાજને દરે આપી છે. આ સિવાય ચીન ભારતના અનેક વિરોધ છતાં પાક અધિકૃત ગુલામ જમ્મુ-કાશ્મીરમાં પણ મોટા પાયે રોકાણ કરી રહ્યું છે. ચીન અહીં એક સમજૂતી અંતર્ગત ગિલગિટ બાલિસ્ટાનમાં એક ડેમ (બાંધ) બાંધી રહ્યું છે. જે અંતર્ગત પાકિસ્તાન સાથે ૫.૮ બિલિયન ડોલરનો સોદો થયો છે. ઉલ્લેખનીય છે કે ચીન પાક અધિકૃત જમ્મુ-કાશ્મીરના મોટા ભાગ પર ધીરે ધીરે કબજો કરી રહ્યું છે. ભારત જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી ધારા ૩૭૦ હટાવી હતી ત્યારે વિશ્ર્વના તમામ દેશે તેને ભારતનો આંતરિક મામલો ગણાવ્યો હતો માત્રે ચીને જ તેને અસ્વીકાર્ય કહ્યું હતું.
 
માલદીવ :  માલદીવે ૨૦૧૬માં પોતાના ૧૬ ટાપુઓને ચીની કંપનીઓને ભાડાપટ્ટે (લીઝ) પર આપ્યા હતા. હવે ચીન આ ટાપુઓ પર નિર્માણ કાર્ય કરી રહ્યું છે. જેથી કરી હિંદ મહાસાગર, અરબ સાગર અને બંગાળની ખાડીની આસપાસ થતા આંતરરાષ્ટીય વ્યાપાર અને ભારત પર નજર રાખી શકે.
 
નેપાળ : હમણાં હમણાં ભારતનું સૌથી નજીકનું મિત્ર ગણાતું નેપાળ પણ ચીનની ભાષા બોલવા લાગ્યું છે. તેણે તાજેતરમાં ભારતના સરહદી વિસ્તારોને પોતાના ગણાવી નવો નકશો પણ સંસદમાં પાસ કરાવી દીધો છે અને ભારત સાથેની સરહદે પાકિસ્તાન જેવી આક્રમકતા બતાવી રહ્યું છે. તેનું મુખ્ય કારણ ચીને નેપાળમાં રસુવામાં પનબિજલી પ્રોજેક્ટ શરૂ કરવાના નામે ૯૫૦ કરોડનું રોકાણ કર્યું છે. આ સિવાય પણ તે નેપાળને મોટી આર્થિક મદદ કરી રહ્યું છે.
 

india-china border disput 
 
શ્રીલંકા : ચીને શ્રીલંકામાં ૩૬૪૮૦ કરોડનું રોકાણ કર્યું હતું, જે વ્યાજ સહિત ૨૦૧૬માં ૪૫,૬૦૦ કરોડ રૂપિયા થઈ ગયું. શ્રીલંકા માટે આ વ્યાજ ચૂકવવું અશક્ય હતું. તેનો ફાયદો ઉઠાવી તેના હંબનટોટા બંદરગાહને ચીને ૯૯ વર્ષ સુધી ભાડા પેટે (પ્લીઝ) પર લખાવી દીધું. એટલું જ નહીં. શ્રીલંકાને તેની ૧૫ હજાર એકર જમીન પણ ચીનને સોંપવી પડી હતી અને આ જમીન ભારતથી માત્ર ૧૫૦ કિ.મી. જ દૂર છે.
 
બાંગ્લાદેશ : ચીને બાંગ્લાદેશ દેશ બીઆરઆઈ પ્રોજેક્ટ અંગે કરાર કર્યા છે અને બાંગ્લાદેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના નામે ૨.૮૯ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ચીન બાંગ્લાદેશને હથિયાર સહિત આર્થિક મદદ પણ કરી રહ્યું છે. આ જ કારણે ભારતમાં સીએએ વિરોધી પ્રદર્શનો ચાલી રહ્યાં હતાં. ત્યારે બાંગ્લાદેશે ચીન અને પાકિસ્તાનના સૂરમાં સૂર પુરાવી ભારતના લઘુમતીઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
 

india-china border disput 
 
ભારતના પડોશીઓને અધધ લોનના નામે ચીનના દેવામાં ડુબાડી તેમનો ભારત વિરુદ્ધ ઉપયોગ કરવાની રણનીતિથી ભારતે સચેત રહેવાની જરૂર છે. હાલ જ્યારે સરહદ પર ભારત-ચીન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ છે ત્યારે ચીન નેપાળને ભારત વિરુદ્ધ પગલાં લેવા ઉશ્કેરી રહ્યું છે. ચીન સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સની બે ધમકી કે જેમાં ભારતને સંઘર્ષની સ્થિતિમાં સરહદ પર ત્રણ મોર્ચે ચીન-પાક. અને નેપાલ સામે લડવું પડશે, આ જ બાબત તરફ ઇશારો કરે છે. તો પાકિસ્તાને પણ આ સમગ્ર વિવાદમાં ફૂદી પડી અને ભારત સરહદી દેશો સાથે નાહકનો સીમા વિવાદ વકરાવી રહ્યું છે ના નિવેદનને પણ ગંભીરતાપૂર્વક લેવું રહ્યું. કારણ કે ભારતની છાપ વિશ્ર્વભરમાં એક શાંત અને આંતરરાષ્ટીય નિયમોને માનવાવાળા દેશ તરીકેની છે અને ભારત-ચીન વચ્ચે જ્યારે પણ સંઘર્ષની સ્થિતિ ઊભી થઈ છે ત્યારે આંતરરાષ્ટીય જગતની સહાનુભૂતિ હંમેશા ભારત સાથે રહી છે. ચીનને આ જ વાત ખૂંચે છે અને માટે તે ભારતના પડોશી એવા નાના દેશોને ભારત વિરુદ્ધ એલ-ફેલ નિવેદનો કરાવડાવી ભારતની એ આંતરરાષ્ટીય છબીને દૂષિત કરવવાના પ્રયત્નો કરી રહ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ભારત કેવી રીતે ચીનની આ ડેબ્ટ ટ્રેપ ડિપ્લોમસીનો જવાબ આપે છે. અને છેલ્લે વાત ગલવાન ઘાટીના સંઘર્ષ અને તણાવભરી પરિસ્થિતિ બાદ ભારત દ્વારા ચીનને પાઠ ભણાવવા માટે લીધેલા પગલાંની.