પ્રાત:સ્મરણનો એક શ્ર્લોક આજે પણ મને બરાબર યાદ છે કે...
વૈન્યં પૃથું હૈહયમર્જુનશ્ર્ચ ।
શાકુંન્તલેય ભરતં નલં ચ ॥
રામ ચ યો વૈ સ્મરતિ પ્રભાતે
તસ્યાર્થલાભો વિજયશ્ર્ચ હસ્તે ॥
આપણે મનુના વંશજો છીએ. ભગવાન મનુની આડત્રીસમી પેઢીએ અંગ નામે પુત્ર થયો. તેનો પુત્ર હતો વેન. આ વેન તત્કાલીન આર્યોનો આગેવાન હતો. તેને પિતાએ બહુ લાડ પ્યારમાં ઉછેર્યો, પરિણામે તે ઉચ્છ્રંખલ થઈ ગયો. આ જોઈ તેનાં માતા-પિતા દુ:ખી થઈ ગયાં અને વનવાસમાં ચાલ્યાં ગયાં. હવે તો વેન સાવ ઉદ્દંડ થઈ ગયો. આર્ય પુરોહિતોએ તેને ઘણું સમજાવ્યો પણ જેમ જેમ તેને સમજાવે તેમતેમ તે વધારે ને વધારે ઉચ્છ્રંખલ થતો ગયો. છેવટે તેણે સંભળાવી દીધું. હું તમને પાળું છું, પોષું છું. હું જ તમારો ભગવાન છું. ખબરદાર, યજ્ઞ-યાગાદિ બંધ કરો.
છેવટે પ્રજાજનો વીફર્યા અને વેન પર પ્રહાર કર્યો. દુરાચારી વેનના અવસાનથી પ્રજાએ રાહતનો ઊંડો શ્ર્વાસ લીધો અને વેનના સ્થાને તેના પુત્ર પૃથુને રાજા બનાવ્યો. પૃથુનાં દર્શન અને વ્યવહારથી પ્રજા રાજીરાજી થઈ ગઈ. સમય જતાં અર્ચિ સાથે તેમનાં લગ્ન થયાં.
આ પૃથુવૈન્ય એક વિશિષ્ટ રાજવી હતો. તેણે આર્યાવર્તને બહુમૂલ્ય પ્રદાન કર્યું છે, પણ આપણે જાણતા નથી, કારણ કે આપણી આ ઊજળી પરંપરા અને શ્રેષ્ઠ આદર્શોથી આપણને અંધારામાં રાખવામાં આવ્યા છે. અંગ્રેજો આવું કરે એ સમજી શકાય પણ સ્વતંત્ર ભારતના શિક્ષણવિદો પણ એ જ મેકોલેના વારસદાર તરીકે તેના ચીલે ચાલ્યા. ખેર.
પ્રજાએ પૃથુનો રાજ્યાભિષેક કર્યો ત્યારે કુબેરે સોનાનું સિંહાસન આપ્યું. વાયુએ રત્નજડિત છત્ર આપ્યું. ઇન્દ્રે સોનાનો મુગટ, યમરાજાએ દંડ, વિષ્ણુએ ચક્ર, રૂદ્રે ખડ્ગ, વિશ્ર્વકર્માએ રથ અને સમુદ્રે શંખ આપ્યો.
શતપથ બ્રાહ્મણમાં કહેવાયું છે કે પૃથ્વી પર સૌથી પહેલો રાજ્યાભિષેક પૃથુનો થયો. તે પ્રસંગે પૃથુનું સ્તુતિગાન થયું એટલે રાજા પૃથુએ પ્રજાને, સ્તુતિગાયકોને કહ્યું, મારી આપને પ્રાર્થના છે કે જ્યાં સુધી મારા જે સદ્ગુણોની તમે સ્તુતિ કરી છે. તે મારા જીવનમાં પ્રત્યક્ષ આચરણ દ્વારા પ્રગટ ન થાય ત્યાં સુધી મારું સ્તુતિગાન નહીં પણ સર્વશક્તિમાન પરમાત્માનું સ્તુતિગાન કરો.
આવા રાજવી પૃથુને ઋગ્વેદે રામ સાથે સરખાવ્યા છે. એતદ દુ:શીમે પૃથવામે વેને પ્ર રામે વોચમસુરે મઘવસ્તુ (૧૦.૯૩.૧૪) પ્રજા એટલી પ્રસન્ન થઈ કે આ ધરતીને તેમણે પૃથુના નામ પરથી પૃથ્વી નામ આપ્યું. મહાભારતકાર અને પુરાણકાર પણ પૃથુથી ખૂબ પ્રભાવિત થયા.
એકવાર રાજા પૃથુ નગરચર્યા માટે નીકળ્યા. તેમણે પ્રજાજનોને દુર્બળ ર્જીણશીર્ણ જોયા. રાજાએ દુર્બળતાનું કારણ પૂછ્યું. પ્રજાએ ખાદ્યાન્નના અભાવનું કારણ આપ્યું. લોકો તૃણધાન્ય (ઘાસ), ફળ પર નિર્વાહ કરતા. વસ્તી વધવા સાથે ખાદ્યાન્ન ઓછું પડવા માંડ્યું. એટલે લોકો ભૂખે રહેતા.
પ્રજાની પીડાથી દુ:ખી થયેલા રાજાએ પૃથ્વીને દંડ દેવા પોતાના આજગણ ધનુષ્યનો ટંકાર કર્યો. એટલે ગભરાયેલી પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરીને રાજા પાસે આવી અને વિનંતી કરતાં બોલી, એક ધર્મનિષ્ઠ રાજા થઈને મારો વધ કરશો?
તારા વધ થકી મારી પ્રજાની ભૂખ સંતોષાતી હોય તો મને તેમાં વાંધો નથી.
પણ મારો શો વાંક?
વાંક કેમ નહીં ?
સાંભળો રાજન, ધરતી બોલી, તમારા પહેલાંના અગ્રણીઓએ અધર્મ આચર્યો, અન્ન સાથે દુર્વ્યવહાર કર્યો. એટલે મેં અન્ન ઉત્પાદન બંધ કર્યું. તમે - પ્રજા મારું દૂધ પીઓ. મને દોહો. ગાય પાસેથી પૂરતું દૂધ મળી રહેશે. પ્રજા ભૂખના દુ:ખે પીડાતી મટશે.
રાજા પૃથુએ પુરોહિતો સાથે ચર્ચા કરી. ધરતી તો આપણી માતા છે. તેના પર દમન ન કરાય. આમ પોતાની ભોમકા માટે આર્યોમાં માતા-માતૃભૂમિ તરીકેનો ભાવ પેદા થયો.
હવે રાજા પૃથુએ ધરતીને દોહવાની શરૂઆત કરી. પોચી ધરતીમાં કઠણ દંડથી લીટા તાણ્યા અને તેમાં ફળ, અને અનાજનાં બી વાવ્યાં. વરસાદને લીધે છોડવા ઊગ્યા. અનાજનાં ડૂંડામાંથી દાણા કાઢી પ્રજા દાંતે ચાવીને ખાતી. પછી એ દાણા પથ્થર પર લસોટીને ભૂકો કરીને ખાવાની શરૂઆત થઈ. ફળ પણ ખાવા માંડ્યાં પણ સંખ્યાના પ્રમાણમાં જમીન ઓછી હતી એટલે નાના નાના ટેકરાઓ તોડી ઊંડા ખાડાઓ પૂરી જમીન સમથળ બનાવી. હવે પ્રજાએ આ કામ ઉપાડી લીધું. રાજા પૃથુએ બુદ્ધિપૂર્વક હળ બનાવ્યું. એને ખેંચવા માટે ગોમાતાના સંતાન બળદનો ઉપયોગ કર્યો. હવે અનાજનું ઉત્પાદન વધ્યું. પ્રજાએ રાજા પૃથુનો જયજયકાર કર્યો. રાજા પૃથુ સૃષ્ટિનો સર્વ પ્રથમ ખેડૂત ગણાયો.
વિશ્ર્વના પહેલા ખેડૂત પૃથુવૈન્ય
ગંગા - યમુનાના પ્રયાગ વિસ્તારની લગભગ દસ-બાર હજાર વર્ષ પહેલાંની આ વાત છે. હવે રાજા પૃથુએ ખેતીના પ્રયોગો શરૂ કર્યા. એમાંથી શાલિ (જુવાર), તાંદુલ (ચોખા), આયુ (જવ), ગૌધૂમ (ઘઉં) તથા તલ, એરંડા અને સરસવની ખેતી શરૂ કરી.
રાજા પૃથુએ ખેતીના સંશોધન માટે આ વિષયમાં રસ ધરાવતા સમાજના બુદ્ધિજીવીઓને પણ સાથે લીધા, પરિણામે બળદ દ્વારા ખેંચાતું હળ શોધાયું. ગાયના છાણનો ખાતર તરીકે પ્રયોગ શરૂ થયો. પાણી માટે વીરડા ખોદાયા. ઉપરવાસમાં મોટાં જળાશયો ખોદાયાં. નીચાણમાં નાંનાં જળાશયો બન્યાં વરસાદી પાણીથી છલકાયેલાં મોટાં જળાશયોનું પાણી નીચાણવાળાં નાનાં જળાશયોમાં ભેગું થાય અને એ નાનાં જળાશયોમાંથી નીકો દ્વારા ખેતરમાં પાણી પહોંચાડવાની વ્યવસ્થા થઈ.
પ્રભાતના પહોરમાં વન-ઉપવનોમાં રહેતા ઋષિ-મુનિઓ પ્રાર્થનાના મંત્રો ઉચ્ચારતા અને ગાતા, બળદો આનંદથી હળ ખેંચશે. બળદને હળ સાથે પાકી દોરીથી બાંધી હળ ચલાવાશે. હે કૃષિદેવતા, અમારી સ્તુતિનો સ્વીકાર કરો. આકાશ પાણી ભરેલાં વાદળોથી છવાયું છે તે પાણી વડે અમારાં ખેતરો ભીંજવો. હે ભાગ્યશાળી સીતે (ધરતી), અમે આપને વંદન કરીએ છીએ. તમે અમારી માતા છો. તમે સુજલામ્ બનો, સુફલામ્ બનો.
સૃષ્ટિનું સર્વપ્રથમ હળ રાજા પૃથુએ ચલાવ્યું. બી વાવ્યાં. કેટલાક સમય પછી પાક ઊતર્યો. આ ક્રિયાને નામ અપાયું કૃષિ. આ રીતે રાજા પૃથુ સૃષ્ટિના પ્રથમ ખેડૂત બન્યા. આપણા માટે ગૌરવ છે કે એક ભારતીય સૃષ્ટિનો પ્રથમ ખેડૂત બન્યો. ખેતીવિષયક નિષ્ણાતો કૃષ્યાચાર્ય કહેવાયા. જમીન બે ભાગમાં વહેંચાઈ - ફળદ્રુપ, પડતર. ખેતરોમાં કૂવા ગાળવામાં આવ્યા. તેમાંથી રહેંટનાં ડબલાંઓ દ્વારા પાણી સીંચાતું અને નીકો દ્વારા ખેતરમાં પહોંચતું.
ગ્રામ-નગરરચના
પહેલાં લોકો છૂટાછવાયા રહેતા હતા. રાજા પૃથુએ સમથળ જમીનમાં રહેણાકની વ્યવસ્થા ઊભી કરી. મકાનો માટીનાં કે પથરા ગોઠવી બનાવાતાં અને લીંપણ થતું. સામાન્ય ઘરને શર્મ્ય અને ધનવાનના ઘરને હર્મ્ય કહેવામાં આવતું. દરેકને ઘેર મોટાભાગે ગાય રહેતી. ખેડૂતોના ઘેર બળદ બાંધવાનો વાડો બનાવાતો, મકાન બાંધનાર ત્વષ્ટા કે વાસ્તુપતિ (આર્કિટેક) કહેવાતો. માટી, ગાર અને લીંપણને લીધે આ મકાનોમાં ઉનાળામાં તાપ ન લાગે અને શિયાળામાં ઠંડી પણ ન લાગે.
ગોપાલન
રાજા પૃથુએ ગાય અને ગૌવંશના ઉછેર તરફ પણ પૂરતું ધ્યાન આપ્યું. એક કરતાં વધારે ગાયો રાખનાર ગોપાલક કહેવાતો. રાજાનો આગ્રહ રહેતો કે ગાયને મારવી નહીં. તેમણે ગાય અંગેના વિશદ અધ્યયન પછી તારવ્યું કે ગાયને પ્રેમથી પાળશો - દુલારશો તો તે વધુ દૂધ આપશે. તેના છાણનું ખાતર બન્યું. છાણનાં છાણાં ચૂલામાં સળગાવવા માટેનું બળતણ બન્યાં. તેનું ગૌમૂત્ર અનેક રોગોનું ઔષધ બન્યું. તેનાં સંતાન બળદ હળ ચલાવવામાં અને ગાડાં ચલાવવામાં ઉપયોગી બન્યા. આમ ગાયનું સર્વાંગ આર્યજાતિ માટે ઉપયોગી સિદ્ધ થયું.
ઘણીવાર ખોદકામ કરતી વખતે લોઢું, ત્રાંબું વગેરે જેવી ધાતુઓ મળી આવી, તો ક્યારેક સોનું અને ચાંદી પણ મળી આવતાં. જોકે તે વખતે પ્રજાને સોના અને પિત્તળમાં તફાવત ન લાગતો.
ત્રાંબા-પિત્તળનાં વાસણો બન્યાં અને થોડા પ્રમાણમાં જ મળેલ સોના-ચાંદીના અલંકારો બન્યા. આમ ધરતીના પેટાળને ફોડીને નીતનવીન રચના કરનારો રાજા પૃથુ પ્રજાના હૈયાનો હાર બની રહ્યો.
રાજા પૃથુએ ક્યારેય મદ્યપાન નથી કર્યું, જુગટું નથી રમ્યા કે કદીય અબોલ પ્રાણીઓનો શિકાર નથી કર્યો. તે સદાય સત્યની પડખે ઊભા રહ્યા અને અસત્યને આકરો દંડ દીધો. અધિકારીઓ દ્વારા રાજ્ય-વહીવટ ચલાવતા. પ્રજાના જાનમાલના રક્ષણ અને વ્યવસ્થા માટેના અધિકાર ઉગ્ર કહેવાતા. તેમણે આંકેલી સરહદના રક્ષકો ક્ષત્ર (સૈનિક) કહેવાતા.
ન્યાયપ્રણાલી
લોકોના કલહના નિવારણ માટેના અધિકારી ગ્રામવાદી કહેવાતા. મોટા ઝઘડાનો નિકાલ કરનારા અર્યના કહેવાતા. આ બંનેના મદદનીશો સમાચીન કહેવાતા. પ્રજાનાં સુખદુ:ખ જાણવા માટે પૃથુ અવારનવાર નગરચર્યાએ નીકળતા.
તેમણે સો અશ્ર્વમેધ યજ્ઞો કર્યા એટલે ઇન્દ્રને પોતાનું ઇન્દ્રાસન જવાનો ભય લાગ્યો. તેણે યજ્ઞમાં વિઘ્નો નાખવા માંડ્યાં. છેવટે બ્રહ્મદેવે બંને વચ્ચે સમાધાન કરાવ્યું અને રાજા પૃથુને કહ્યું, રાજન, તમે જે જનસેવા કરી છે એ ઈશ્ર્વરની ઉપાસના બરોબર છે. તેમને ઇન્દ્રપદનો મોહ હતો નહીં. એકવાર ઇન્દ્ર ભગવાન વિષ્ણુ સાથે રાજા પૃથુ પાસે આવ્યા અને પોતાની ભૂલો માટે માફી માગી. રાજા પૃથુએ બંનેનું પૂજન કર્યું. ભગવાન વિષ્ણુએ આશિષો આપી.
અંતિમ ક્ષણો
ધીરે ધીરે રાજા પૃથુને સંસાર પરથી મન ઊઠી ગયું એટલે રાજવી પોશાક ઉતારી મૃગચર્મ ધારણ કર્યું. પ્રજાને સંબોધન કરતાં તેમણે કહ્યું, રાજ્યમાં શિક્ષણ, ધર્માચરણ પ્રસરે, જીવનનિર્વાહ અને વ્યવહારનાં સાધનો ઉપલબ્ધ થાય, તથા પ્રજા અને અબોલ પશુ-પક્ષીઓનું રક્ષણ થાય તે માટે અને નવાં નવાં ઉપકરણો માટે તમે મને રાજસિંહાસન પર બેસાડ્યો. એ કાર્ય મેં યથાશક્તિ નિભાવ્યું. હવે હું જાઉં છું પણ તમે તમારું આચરણ એવું રાખજો કે હું જ્યાં પણ હોઉં ત્યાં કૃતકૃત્ય થાઉં.
રાજા પૃથુએ પોતાનું ચિત્ત ઈશ્ર્વરમાં પરોવ્યું - પરમેશ્ર્વર સ્વરૂપને પામ્યા. અગ્નિજ્વાળા સમાન તેજસ્વી એવાં તેમનાં ધર્મપત્ની અર્ચિ પણ પૃથુમાં વિલીન થઈ ગયાં.