(અષાઢ વદ - અમાસ, સોમવાર, તા. ૨૦-૭-૨૦૨૦, એવરતજીવરત તથા દશામા વ્રત પ્રારંભ નિમિત્તે)
પરિવારમાં સુખશાંતિ માટે સોહાગણ સ્ત્રીઓ તથા કુંવારી કન્યાઓ વડે ઊજવાતાં ઉપાસના વ્રત
આદ્યશક્તિ એવરત - જીવરત - જયા - વિજયાનું વ્રત
આ વ્રત નવી પરણેલી કન્યા કે સ્ત્રી લે છે. આ વ્રત પતિના દીઘાર્યુ તથા પરિવારમાં સુખશાંતિ માટે કરવામાં આવે છે. આ વ્રતનો પ્રારંભ અષાઢ વદ તેરસથી થાય છે અને અમાસના દિવસે તેની પૂર્ણાહુતિ થાય છે. આ વ્રત પાંચ વર્ષ સુધી લેવાતું હોય છે. આ વ્રતમાં આદ્યશક્તિના અંશ સ્વરૂપા ચાર દેવીઓ અવિરત, જીવરત, જયા તથા વિજયાના આશીર્વાદ મળે છે. આ ચારે દેવીઓની પૂજા થાય છે. આ દિવસોમાં વ્રતીએ ઉપવાસ કરવાના હોય છે. ફળફળાદિ તથા દૂધ-દહીં-મીસરીનો ઉપભોગ થાય છે. અમાસના દિવસે રાત્રી જાગરણ તથા માતાજીઓનાં ગુણગાન ગવાય છે. ઘરમાં ભજન-કીર્તન પણ હોય છે.
એવરત-જીવરત વ્રતકથા
એક ગામમાં ધર્મરાજ તથા જ્ઞાનવતી નામે સુખી દંપતી રહેતું હતું. તેમણે શિવજીની આરાધનાથી આનંદરાજ નામે પુત્ર મેળવ્યો હતો. કુટુંબ સુખી સંપન્ન તથા ધર્મપરાયણ હતું. પુત્ર આનંદરાજ મોટો થતા તેના લગ્ન થાય તેવી સૌને લાગણી થઈ. આ લગ્ન માટે જ્યોતિષીઓને બોલાવ્યા. બધા જ જ્યોતિષીઓનો એક જ સૂર આવ્યો. જન્મ કુંડળી જોતાં તેમણે ભવિષ્ય ભાખ્યું કે આનંદરાજની કુંડળીમાં લગ્ન યોગ નથી. તે કુંવારો રહેશે ત્યાં સુધી જીવશે અને પરણશે તો મોતને વરશે.
આથી ધર્મરાજ અને જ્ઞાનવતીને ચિંતા થવા લાગી. છતાં સમય જતાં તે જ્યોતિષીઓની ભવિષ્યવાણી વીસરી ગયા. તેમણે વિચાર્યું કે ભાગ્યમાં હશે તેમ થશે. તેમણે પુત્રનાં લગ્ન લીધાં. નજીકના ગામમાં કલાવતી નામની કન્યા સાતે લગ્ન ગોઠવ્યાં. લગ્નના મુર્ત પ્રમાણે જાન જોડી સૌ આનંદને પરણાવવા નીકા. લગ્નવિધિ પતાવી સૌ જાનૈયા તથા જાનનો કાફલો પરત ફરતો હતો ત્યારે રસ્તામાં કડાકા ભડાકા તથા વીજના તાંડવથી મેઘરાજા મંડાણા. ચારેબાજુ પાણી જ પાણી. બધું જ તણાવા લાગ્યું. જાનૈયાઓ જીવ બચાવવા આડાઅવળા થઈ ગયા. આનંદ રાજનો હાથ પકડી કન્યા કલાવતી કેડ-કેડ સમાણા પાણીને વીંધતી એક મંદિરમાં લઈ ગઈ. પરશાળમાં પગ મૂકતાં જ એક ઝેરી સાપે આનંદરાજને દંશ દેતા તે તત્કાળ મરણ પામ્યો. કલાવતી ગભરાઈ ગઈ. છતાં હિંમત રાખી. પતિનું શબ ખોળામાં લીધું અને મંદિરનો દરવાજો બંધ કરી મંદિરમાં પ્રવેશતા પાણીને રોકી દીધું.
આ મંદિર એવરતમા, જીવરતમા, જયામા તથા વિજયામાનું હતું. ચારે દેવીઓ પૃથ્વી પર ફરવા નીકળી હતી. મધરાતે એવરતમાં મંદિરમાં આવ્યા. બારણાં બંધ જોઈ સાદ દીધો મારા મંદિરમાં હોય એ બહાર આવે, નહિતર શ્રાપ આપું છું.
કલાવતીએ પતિનું માથું ખોળામાંથી નીચે મૂકી બારણું ખોલ્યું. બારણાં ખોલતાની સાથે તેની આંખો અંજાઈ ગઈ. તરત એ માના પગમાં ઢળી પડી અને બોલી દયા કરો મા, દયા કરો& એવરતમાએ મંદિરમાં સૂતેલા પુરુષને જોયો. એ બોલ્યાં હે પુત્રી! હું એવરતમા છું. તું કોણ છે અને આ પુરુષ કોણ છે ?
નવોઢા કલાવતીએ કહ્યું, મા ! મારું નામ કલાવતી છે. હું આજે જ પરણી છું અને સર્પદંશથી મારા પતિનું પ્રાણપંખેરું ઊડી ગયું છે. પરિણામે હું આજે જ વિધવા થઈ છું.
એવરતમા બોલ્યાં, હું કહું એમ કર તો તારો પતિ સજીવન થશે. કલાવતીએ કહ્યું, હે મા ! મારો પતિ સજીવન થતો હોય તો ગમે તે ભોગ આપવા તૈયાર છું. એવરતમાએ કહ્યું, તને જે પુત્ર થાય તે મને આપવો પડશે. પહેલું બાળક મારું. બોલ છે તૈયાર ?
વહુએ કહ્યું, હા મા ! આ શરત મને મંજૂર છે પણ હે માતા, મારા પતિને જીવનદાન આપો. એવરતમાએ મૃત અવસ્થામાં પડેલ આનંદરાજ પર દૃષ્ટિ કરી કે તેનામાં ચેતના આવી. તેણે એક પગ હલાવ્યો. પહેલા પ્રહરમાં એવરતમા અદૃશ્ય થઈ ગયાં.
બીજા પ્રહરમાં જીવરતમા, ત્રીજા પ્રહરમાં જયા મા તથા ચોથા પ્રહરમાં વિજયામા આવ્યાં. તેમણે પણ એ જ શરત મૂકી ચારે દેવીઓના આશીર્વાદથી પતિ આનંદરાજ જીવતો થયો. કલાવતીના આનંદનો પાર ન હતો. સવાર થતાં મંદિરના પૂજારીએ દ્વાર ખોલ્યાં, તેણે જોયું તો નવદંપતી મંદિરમાં હતા. આ બાજુ ગામના સૌ તથા ધર્મરાજ અને જ્ઞાનવતી પણ પુત્ર અને પુત્રવધૂની શોધ કરતાં હતાં. મંદિરના પૂજારીએ આ વાત ગામમાં કરી. સૌ આનંદ અને ઉત્સાહથી વરઘોડિયાને વાજતે-ગાજતે ઘરે લાવ્યા. જ્યોતિષીઓની ભવિષ્યવાણી દેવીઓના આશીર્વાદથી ઊંધી પડી.
સમય જતાં આનંદરાજ અને કલાવતીને ત્યાં પારણું બંધાણું. કલાવતીએ તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. પણ પુત્રજન્મની એ રાત્રે શરત પ્રમાણે એવરતમા એ પુત્રને લઈ અદૃશ્ય થઈ ગયાં. સાસુએ વહુને પૂું બાળક ક્યાં છે ? પણ કલાવતીએ કંઈ જવાબ ન આપ્યો. બાળકનું શું થયું ? તેની ચિંતા થવા માંડી. આ પ્રમાણે ચાર વાર પુત્રજન્મની સાથે ગાયબ થવા માંડ્યા. સાસુને વહેમ પડ્યો કે ચોક્કસ કોઈ ડાકણો વહુના પુત્રને ભરખી જાય છે.
હવે વહુને પાંચમો પ્રસવ આવ્યો. તેણે આ પ્રસવમાં દીકરીને જન્મ આપ્યો. સાસુએ સવારે જોયું તો વહુ અને દીકરી સલામત છે. સમય જતાં અષાઢ વદ અમાસ આવી. વહુએ સાસુને કહ્યું, બા ! હું એવરત જીવરત વ્રત છેલ્લાં ચાર વર્ષથી કરું છું. આ પાંચમું વર્ષ છે. તેથી પાંચમા વર્ષે આ વ્રતની ઉજવણી કરવી છે. મારે ગોપણીઓ જમાડવી છે. સહુ રાજીખુશીથી સહમત થયાં. પરિવારમાં એવરત જીવરત વ્રતની ઉજવણી થઈ. વહુએ આ વ્રતમાં એવરતમા -જીવરતમા - જયામા - વિજયમા ચારે દેવીઓને ગોપણીએ માટે જમવાનું આમંત્રણ આપ્યું તેણે મનોમન પ્રાર્થના કરી કે, હે માતાઓ, તમે ચારે મારે ત્યાં ગોપણીઓ તરીકે પધારો.
ચારે માતાજીઓ ગોપણી સ્વરૂપે જમવા આવે છે. એવામાં વહુની દીકરી ઘોડિયામાં ખૂબ રડે છે. વહુએ કહ્યું, હે મા ! ઘરમાં ઘોડિયું નાખનાર કોઈ નથી. જો તેને ભાઈ હોય તો હીંચકો નાખે ! ત્યાં તો ચારે માતાજીઓ બોલ્યાં, ભાઈ કેમ નથી ? એને તો ચાર ભાઈઓ છે. લે આ તારા ચારેય દીકરા. માતાજી ગોપણી જમીને આશીર્વાદ આપી અંતર્ધાન થઈ ગયાં. આ વ્રતની ઉજવણીથી પરિવારમાં આનંદ છવાઈ ગયો. સાચી વાત જાણી સર્વત્ર એવરતમા, જીવરતમા, જયામા તથા વિજયામાનો જય જયકાર થયો. સૌ નવોઢા સ્ત્રીઓ આ વ્રત કરવા લાગી. કલાવતીને આ વ્રત ફું તેમ સૌને ફળવા લાગ્યું. આદ્યશક્તિની ઉપાસનાનું ફળ સૌને ફળે છે.
એવરત, જીવરત માની આરતી,
જયા વિજયામાની સેવા. એવરત...
ધૂપ દીપ નૈવેદ્ય જવારા, ફૂલ-ફળ-પાનને સેવા. એવરત...
પહેલો દીવડો એવરત માનો (૨) દૂર કરો અંધારા
આશિષ આપજો રહે નીરોગી (૨) દીર્ઘાયુષ ભરથાર. એવરત...
વંદન તમને માતા ભવાની (૨) ભક્તિના દેનારા. એવરત...