દુનિયાનાં લશ્કરી ઓપરેશન । વાંચો - દુનિયાના અનેકવિધ અવિસ્મરણીય મિલીટરી ઑપરેશનની રોમાંચક કહાણી

    ૦૩-જુલાઇ-૨૦૨૦
કુલ દૃશ્યો |

army opration sadhana_1&n
 
આ શ્રેણીમાં અહીં દુનિયાના અનેકવિધ અવિસ્મરણીય મિલીટરી ઑપરેશનની રોમાંચક કહાણી પ્રસ્તુત થશે, જેમાં સુજ્ઞ વાચકોને સમજાશે કે, આ પ્રકારના અતિ વિલક્ષણ પ્રત્યેક મિલીટરી ઑપરેશન્સમાં કેન્દ્રસ્થ હોય છે : દ્ષ્ટિવંત, કાર્યક્ષમ, વ્યૂહાત્મક આગોતરું આયોજન !
 
વિશેષ કરીને જ્યારે આતંકવાદીઓ વિરુદ્ધના ઑપરેશન હાથ ધરાય છે ત્યારે તેમાં હાઈસ્કીલ્ડ - સર્વોચ્ચ કૌશલ્ય ધરાવતા પ્રાફેશનલ્સ - વિશિષ્ટ વ્યવસાયિક ગુણવત્તા ધરાવનારાઓનો તેમાં સમાવેશ કરવામાં આવે છે, તેમાં સ્થળ, સમયનું સંકલન કરવા સાથે સમગ્ર ઑપરેશનમાં ઝડપ પણ બહુ મહત્ત્વનું પરિમાણ ધરાવે છે; તેમાં ક્યારેક તો મિનિટો કરતાં સેકન્ડનું મહત્ત્વ ઉજાગર થાય છે.....
 
આવા કેટલાક ઑપરેશન વેળાએ સામા પક્ષ - હાઈજેક કરનાર આતંકવાદીઓ સાથે વાટાઘાટો કરવાની કળા પણ અનિવાર્ય. તેમાં ક્યારેક અજાણી ભાષા માટે ટ્રાંસલેટર - તરજુમાકારની પણ જરૂર ઊભી થાય છે; તેમાં માનસશાસ્ત્રીય અનુભવો આવડત પણ જરૂરી બને છે. બિન લાદેન જેવા પ્રસંગે સમગ્ર ઑપરેશન અંગે ભારે રહસ્ય છુપાવવામાં આવે છે.
 
બીજા વિશ્ર્વયુદ્ધ વેળાએ એકથી વધુ - ડઝનબંધ દેશોએ સાથે મળીને - સંકલનપૂર્વક પણ મિલીટરી ઑપરેશન પાર પાડ્યા છે. નેતાજી સુભાષચંદ્ર બોઝનું આઝાદ હિન્દ ફોજનું મિલીટરી ઑપરેશન, હૈદરાબાદ માટેનું સરદાર પટેલે હાથ ધરેલ; જેનું ‘‘પોલો’’ નામ અપાયેલ એ સફળ મિલીટરી ઑપરેશન, કાશ્મીર પરના પાકિસ્તાની આક્રમણને મારી હટાવવામાં સરદાર પટેલે હાથ ધરેલ મિલીટરી ઑપરેશન, બાંગ્લાદેશની મુક્તિ માટેનું 1971નું સફળ મિલીટરી ઑપરેશન, ઈઝરાયલ દ્વારા યુગાન્ડાના એન્ટેબમાં હાથ ધરાયેલું વીજળીવેગી ઑપરેશન, બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન અમેરિકા, બ્રિટન, રશિયા, જર્મની દ્વારા હાથ ધરાયેલા અનેકવિધ અવિસ્મરણીય મિલીટરી ઑપરેશનથી વ્યૂહાત્મક લશ્કરી કાર્યવાહીના ઇતિહાસમાં જાંબાજ વીર નાયકોના પ્રેરક ચરિત્રો આપણા માટે દિલધડક દાસ્તાન બની રહે છે !
 
ક્યારેક મઝહબ, જાતી, ભાષા કે સંસ્કૃતિને નામે કોઈ જનસમુદાય પોતાના જ દેશ વિરુદ્ધ સશસ્ત્ર બળવો કરે; ત્યારે જે તે દેશના મિલીટરી ઑપરેશનમાં ઘણી કાળજી, ઠંડી તાકાત, સમજ અને દીર્ઘદ્ષ્ટિની જરૂર પડે છે. નક્સલવાદી, કાશ્મીર ખીણના અલગાવવાદી, પંજાબના ખાલીસ્તાની, આસામના ઉલ્ફા પ્રકારના પૃથક્તાવાદી હિંસક આંદોલનો કાબુ કરવા માટે મુત્સદ્દીગીરી અને સંકલ્પશક્તિનો સુમેળ અનિવાર્ય બની રહે છે. ઑપરેશન બ્લ્યૂ સ્ટાર, કારગીલનું ઑપરેશન વિજય, 26/11નું પાકિસ્તાની આતંકીઓ વિરુદ્ધનું મુંબઈ ઑપરેશન પણ દિલધડક કહાણીરૂપ છે ! તો ચંબલના ડાકુઓ સામેનું મિલીટરી ઑપરેશન અને પાછળથી આરંભાયેલું જયપ્રકાશ નારાયણનું શાંતિ-સદ્ભાવના ઑપરેશન પણ કાબીલેદાદ બની રહે તેમ છે ! દેશના લાંબાગાળાના હિતો માટે શાસકોએ ક્યારેક મુત્સદ્દીગીરીપૂર્વકની સમજાવટ કે પછી અનિવાર્ય જણાય ત્યાં મક્કમતાપૂર્વક ઘાતકી મિલીટરી ઑપરેશન પણ પાર પાડવા પડે છે. તેની પાછળ દેશ જનતાના હિતોની હિફાજત અને સુરક્ષા જ સર્વોપરી હોય છે.