COVID-૧૯ - ચીની વાઇરસ કોરોનાના સમયમાં ચીનથી ભારતના સામુદ્રિક પ્રભુત્વને ચૅલેન્જ

    ૦૪-જુલાઇ-૨૦૨૦
કુલ દૃશ્યો |

india china_1   
 

દરિયાઈ સુરક્ષા અને ભારતીય નૌસેના

આપણે ભારતીયો, પરંપરાગત રીતે એવું માનીએ છીએ કે આપણા પર જમીની માર્ગે જ આક્રમણો થવાનું શક્ય છે. ૧૯૪૭માં પાકિસ્તાનનું આક્રમણ પછી ૧૯૬૨માં ચીનની પેશકદમી, યુદ્ધોએ આપણી માન્યતાઓને વધુ સુદૃઢ કરી દીધી છે. આઝાદીના શરૂઆતના દશકોમાં આપણે દરિયાઈ સુરક્ષા પ્રત્યે દુર્લક્ષ્ય સેવતા રહ્યા. નેવુંના દશકમાં દેશે ખુલ્લી બજારવ્યવસ્થા સ્વીકારી અને મહાસાગરો વૈશ્વિક વ્યાપારનું કેન્દ્રબિંદુ છે તે આપણને અચાનક યાદ આવ્યું.
 
કુદરતી રીતે ભૂમિ, માનવો માટે વ્યુત્પત્તિ અને વિકાસનું કેન્દ્ર હોવાથી રાજકીય, આર્થિક, સામાજિક અને સૈન્યકીય પ્રવૃત્તિઓની મુખ્ય દ્યોતક રહી છે. પરંતુ આપણે ભૂલવું ન જોઈએ કે, છેલ્લી પાંચ સદીઓથી મહાસાગરોએ જમીન પરની ઊથલપાથલમાં સીધી કે આડકતરી રીતે સતત ભાગ ભજવ્યો છે. એક શક્તિશાળી રાષ્ટ્ર માટે સમુદ્રી શક્તિ એક મહત્વનો ઘટક છે જેનાથી રાષ્ટ્રના વિકાસને વેગ મળે છે. વેપાર, અર્થતંત્ર અને જમીન પર શક્તિના પ્રક્ષેપણ માટે પરિવહનના માધ્યમ મનાતા મહાસાગરો આજે, આંતરરાષ્ટ્રીય વેપારના પ્રાથમિક સ્રોત તરીકે ઊભરી આવ્યા છે અને વૈશ્વિક અર્થકારણમાં કેન્દ્રસ્થાને બિરાજે છે.
 

મહત્વનો દરિયાઈ માર્ગ…

 
ક્ષમતા અને તાકાતના મામલામાં ભારત હિન્દ મહાસાગરમાં એક ઊભરતી શક્તિ છે. દ્વીપકલ્પ હોવા છતાં આવશ્યકપણે ભારત એક સામુદ્રિક રાષ્ટ્ર છે. આપણો ૭૫૦૦ કિમી લાંબો દરિયા કિનારો, ૧૩ મુખ્ય અને ૨૦૦થી વધુ નાના બંદરો, નવ તટવર્તી રાજ્યો અને ચાર તટવર્તી કેન્દ્રશાસિત પ્રદેશો અને દરિયા પર નભતા લોકોનું વસતીબાહુલ્ય ભારતની લાક્ષણિકતાઓ છે. ભારતની પૂર્વે આવેલો આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ અને પશ્ચિમે આવેલો લક્ષદ્વીપનો દ્વીપસમૂહ આપણને વ્યૂહાત્મક મહત્વ આપે છે. ભારત ૨૦ લાખ ચોરસ કિમીનો એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન તરીકે ઓળખાતો દરિયાઈ વિસ્તાર ધરાવે છે. આપણો જથ્થા મુજબ, ૯૦% અને કિંમત પ્રમાણે ૭૪% થી વધુ વેપાર દરિયાઈ માર્ગે થાય છે. આપણી ૮૦ ટકાથી વધુ ઊર્જાની જરૂરિયાતનું પોષણ દરિયાઈ માર્ગે થાય છે.
 
ભારત જેવો વિશાળ દરિયાકિનારો ધરાવતા દેશની સામાજિક અને આર્થિક સધ્ધરતા સમુદ્ર સાથે સીધો નાતો ધરાવે છે. સમુદ્રી વ્યાપારની સુરક્ષાની જાળવણી ઉપરાંત દરિયાઈ રસ્તેથી દેશ પર સતત મંડરાતા રહેતાં સુરક્ષાગત જોખમોના સામના માટે આપણે સતત તૈયાર રહીએ તથા આપણા દરિયાઈ સીમાડાઓ સુરક્ષિત તથા સ્થિર હોય અને આપણા સામર્થ્યમાં વધારો કરતા હોય તો જ આપણે ઐચ્છિક વિકાસનાં લક્ષ્યોની પ્રાપ્તી તરફ આગળ ધપી શકીએ.

ઇન્ડિયન ઓસન રીજીયન – આઈ.ઓ.આર.ની સુરક્ષા અને પડકારો

 
ભારતની દરિયાઈ શક્તિના મૂળત્વ તરીકે, ભારતીય નૌસેનાએ રાષ્ટ્રની પ્રાદેશિક અખંડિતતાનું રક્ષણ અને સમુદ્રી સુરક્ષાનું પડકારજનક કાર્ય પાર પાડવાનું રહે છે. તદુપરાંત, વિશ્વભરમાં ફેલાયેલા ભારતનાં વ્યાપક આર્થિક હિતોના સંરક્ષણ માટે પણ નૌસેના જવાબદાર છે, જેમાં મોટી સંખ્યામાં વિદેશમાં વસતા ભારતીયોની સુરક્ષા અને તેમનાં હિતોનું રક્ષણ પણ સમાવિષ્ટ છે. સમગ્ર ઇન્ડિયન ઓશેન રીજીયનના દરિયાઈ હિતોની સલામતી અને સુરક્ષા ભારતની વિસ્તૃત જવાબદારીનો હિસ્સો છે. પ્રતિવર્ષ હિન્દ મહાસાગરમાંથી પસાર થતાં ૧૦૦,૦૦૦થી વધુ વહાણો તેમની સુરક્ષા કાજે ભારત પર નિર્ભર છે.
 
દરિયાકિનારાની વસ્તી, ઉદ્યોગો, બુનિયાદી માળખું તથા રાજકીય-આર્થિક શક્તિ અને રાષ્ટ્રીય વિકાસ અને સમૃદ્ધિ માટે સમુદ્ર પર સતત વધી રહેલી નિર્ભરતા, રાષ્ટ્રનાં દરિયાઈ હિતો અને વ્યૂહના કેન્દ્રીય નિર્ધારક છે. તેનાથી પ્રેરાઈને આપણી રાષ્ટ્રીય દરિયાઈ વ્યૂહરચના તૈયાર થઈ છે.
 
ભારતીય નૌસેના વર્તમાનમાં જટિલ અનિશ્ચિતતાઓ ધરાવતી પરિસ્થિતિઓનો સતત સામનો કરી રહી છે. એક તરફ મહાસાગરોમાં વ્યાપ્ત પરંપરાગત અને બિન-પરંપરાગત જોખમો વચ્ચેની ભેદરેખાઓ ભૂંસાવા લાગી છે, તો બીજી તરફ દરિયાઈ સુરક્ષાની માગ અચાનક વધી ગઈ છે, જેથી, મહાસાગરોમાં પ્રવર્તમાન સર્વસામાન્ય બિનપરંપરાગત જોખમો જેવાં કે દરિયાઈ આતંકવાદ, અનિયંત્રિત માછીમારી, વૈશ્વિક કોમન્સમાં ગેરકાયદેસર માછીમારી, દરિયાઈ ચાંચિયાગીરી, ડ્રગ અને માનવીય તસ્કરીને લગતા ઓપરેશન્સમાં અચાનક ઉછાળો જોવા મળી રહ્યો છે.
 
છેલ્લા દશકના અનુભવની વાત કરીએ તો ભારતીય નૌસેના ઇન્ડિયન ઓશેન રીજીયનના તટીય દેશોને સુનામી અને વાવાઝોડા જેવી કુદરતી આપત્તિઓ અને યમન તથા લીબિયામાં સૈન્યવિદ્રોહ અને સિવિલ વોર જેવી પરિસ્થિતિઓ સમયે સહાય અને માનવીય મદદ પૂરી પાડવામાં સર્વપ્રથમ અને અગ્રેસર રહી છે. ભવિષ્યમાં આવી વધુ પરિસ્થિતિઓનું નિર્માણ થઈ શકે તેમ છે, ત્યારે નૌસેનાએ અન્ય સાથી તટીય દેશો જેવા કે માલદીવ્સ, સેશલ્સ, મોરિશિયસ અને શ્રીલંકાને પણ સુસજ્જ કરવામાં વધુ ને વધુ ભાગ ભજવવો પડશે.
 

india china_1   
 

હિન્દ મહાસાગરમાં ચીની સબમરીનોની ઉપસ્થિતિ ભારતને ચિંતાગ્રસ્ત કરી રહી છે

 
આપણું પાડોશી ચીન, ટાપુઓ અને જળમાર્ગો પર પોતાના ઐતિહાસિક હકની નવી નવી કહાણીઓ ઉપજાવી કાઢે છે ત્યારે ઇન્ડિયન ઓશેન રીજીયનના કિનારાના પ્રદેશો અને ટાપુઓ પર ભારતનો સતત ઓછાયો અત્યંત આવશ્યક છે. ‘ઇન્ડિયન ઓશેન રીજીયન – આઈઓઆર’ (હિન્દ મહાસાગર)માં ચીની સબમરીનોની ઉપસ્થિતિ ભારતને ચિંતાગ્રસ્ત કરી રહી છે. મહાસાગરોની ઊંડાઈ પર પ્રભુત્વ અને છદ્માવરણ સબમરીનોને એક અલગ જ લીગમાં મૂકે છે. આણ્વક સબમરીન આઈએનએસ અરિહંત જ્યાં ભારતને સેકંડ સ્ટ્રાઈક કેપેબિલિટી આપે છે ત્યાં બીજી તરફ અન્ડરવોટર સશસ્ત્ર ડ્રોન સબમરીનોનું આપણા ભાથામાં ન હોવું, આપણે માટે પડકારરૂપ બની રહ્યું છે.
 
ભારતના મિત્ર દેશો અમેરિકા, જાપાન, ભારત, ઓસ્ટ્રેલિયા, મ્યાનમાર, વિયેતનામ મળીને અલગ અલગ સમુદ્રીય સૈન્ય અભ્યાસો કરીને ઇન્ડિયન ઓશેન રીજીયનમાં સતત હાજરી નોંધાવી રહ્યા છે. આઈઓઆરમાં ચીનની દાખલને પહોંચી વળવા ભારતે મિશન બેઝ્ડ ડિપ્લોયમેન્ટ (એમબીડી)નો પ્રારંભ કર્યો છે. એમબીડી અંતર્ગત એક ભારતીય યુદ્ધજહાજ અથવા યુદ્ધવિમાન આઈઓઆરના ચોક પોઈન્ટ્સ અને ભારતના એરીયાઝ ઓફ ઇન્ટરેસ્ટ પર સતત ડિપ્લોય રહી નિગરાની કરશે.
 
એમબીડીના શરૂઆતી તબક્કામાં ભારતીય નૌસેનાએ આંદામાન સમુદ્ર અને મલાક્કાની જલગ્રીવા ખાતે એક જહાજની કાયમી તૈનાતી સુનિશ્ચિત કરી. ત્યારબાદ, ઉત્તરી અરબ સાગર, ઓમાનની ખાડી અને ફારસની ખાડી અને બંગાળના અખાતની ઉત્તરે મિશન બેઝ્ડ ડિપ્લોયમેન્ટને કાયમી કરવામાં આવ્યું. આઈઓઆરમાં પ્રવેશ અને નિકાસીના પ્રત્યેક માર્ગ પર ભારતીય નૌસેના સતત પૈની નજર રાખી રહી છે. ભારતીય નૌસેના તેના મિશન બેઝ્ડ ડિપ્લોયમેન્ટ વડે ચીનને ગૂઢ ઇશારો પણ કરી રહી છે. ચીનની નબળાઈ છે કે રોજના ૧૩૦ લાખ બેરલ બળતણની ખપત કરતું ચીન ૭૦ ટકા ફ્યુઅલ પશ્ચિમ એશિયાથી દરિયાઈ માર્ગે આયાત કરે છે.

આતંકવાદ અને તટીય સુરક્ષા

 
૨૬ નવેમ્બર ૨૦૦૮નો મુંબઈ આતંકી હુમલો ભારતના સાર્વભૌમત્વ પર કુઠારાઘાત હતો. આ હુમલાએ ભારતીય તટીય સુરક્ષા એજન્સીઓની નબળાઈઓને છતી કરી દીધી હતી. ૨૬/૧૧ ના આતંકી હુમલાનાં દસ વર્ષ બાદ ભારત સમુદ્રી માર્ગે આતંકને પહોંચી વળવા વધુ સક્ષમ અને તૈયાર જણાય છે.
 

india china_1   
 
એકવીસમી સદીમાં નૌસેનાએ ઉચ્ચતમ તકનિકી, અમાનવ યાનો, અદ્યતન સંચારક્ષમતા, ડેટા એનાલિસિસ અને માઈનીંગની ક્ષમતા વિકસાવવાની આવશ્યકતા ઊભી થવાથી તટવર્તી સલામતી માટે આપણે બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા વિકસાવી છે, જેની અંતર્ગત તટરક્ષક દળ, નૌસેના અને અન્ય એજન્સીઓ કારગર રીતે અને સંકલનથી કાર્ય કરી રહી છે. છેલ્લાં થોડા વર્ષોમાં કોસ્ટલ ડિફેન્સ ઉપકરણોને અત્યાધુનિક કરવામાં આવ્યાં છે. રડાર સ્ટેશનોમાં ૧૦ નોટિકલ માઇલની દૂરી પર નજર રાખી શકે તેવા હાઈ રિઝોલ્યુશન કેમેરા પણ ફીટ કરવામાં આવ્યા છે. ભારતના ૭,૫૦૦ કિ.મી.ના દરિયાકાંઠાની ગતિવિધિઓ પર બાજનજર રાખવા માટે ૩૮ રડાર સ્ટેશનોની બીજી બેચની સ્થાપના કરવામાં આવી રહી છે.


ભારતીય માછીમારોની બોટોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન તથા કલર કોડીંગ અને માછીમારોને બાયોમેટ્રિક આઈડી ઈશ્યુ થવાથી દરિયાકિનારાને વધુ સુરક્ષિત કરી શકાયા છે. દિલ્હી નજીક ગુડગાંવમાં ઇન્ફર્મેશન મેનેજમેન્ટ એન્ડ એનાલિસિસ સેન્ટર (આઇ.એમ.એ.સી.)ની સ્થાપના કરવામાં આવી છે, જે કોસ્ટ ગાર્ડ અને નૌસેના વચ્ચે રાષ્ટ્રીય કમાન્ડ કંટ્રોલ અને ઇન્ટેલિજન્સ શેરિંગ માટે નોડલ એજન્સી તરીકે કાર્ય કરે છે.
 
હજારો ફિશિંગ ટ્રોલર, મોટા કાર્ગો શિપ્સ અને મધ્યમ કદના કાર્ગો જહાજો આ બધા પર ચોવીસે કલાકની નિગરાની ખૂબ મોટો પડકાર હતો પરંતુ આઈ.એમ.એ.સી.નું તકનિકી વ્યવસ્થાતંત્ર આ કાર્ય બખૂબી નિભાવી રહ્યું છે. માછીમારો લાંગરી શકે તેવી ૧૫૦૦ જેટલી નાની મોટી જેટ્ટીઓની અને બંદરોની સતત નિગરાની રાખવામાં આવી રહી છે. ઉપરાંત, એ.આઈ.એસ. (ઓટોમેટિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ) ટ્રાન્સપોન્ડર્સને ૩૦૦ મેટ્રિક ટનથી વધુ વજનનાં વહાણો માટે ફરજિયાત કરી દેવામાં આવ્યા છે જેથી તેમની નિગરાની કરી શકાય. આપણા તટીય સુરક્ષાતંત્રની મજબૂતીનો આધાર જમીની કક્ષાએ જાસૂસી અને ગુપ્ત માહિતીઓ એકત્ર કરી શકવાની આપણી ક્ષમતા છે, જેમાં સુધારની આવશ્યકતા રહેલી છે.
 

ભારતીય નૌસેનાની યુદ્ધક્ષમતા

 
લેખના અંતમાં ‘ટુ-ફ્રન્ટ વોર’ એટલે કે ચીન અને પાકિસ્તાન બંને આપણા પર આક્રમણ કરે તે સંજોગોમાં આપણે કેટલા તૈયાર છીએ તે ચકાસવું રહ્યું. પાકિસ્તાન અને ચીન બંનેમાંથી કોઇપણ એક દેશ સાથે સંભવિત યુદ્ધ કે અથડામણની પરિસ્થિતિ ભારતીય નૌસેના માટે પડકારજનક બની જાય તેમ છે.
 

india china_1   
 
વાચકોએ સમજવું જરૂરી છે કે યુદ્ધ કંઈ બે દેશોના સૈનિકો વચ્ચે, બે સેનાઓ વચ્ચે, બે નૌસેનાઓ અથવા વાયુસેનાઓ વચ્ચે નહીં પરંતુ બે અથવા વધુ રાષ્ટ્રો દ્વારા એકબીજા વિરુદ્ધ લડવામાં આવે છે. પાકિસ્તાને તેની સંપ્રભુતાનો સોદો કરી ચીનની ક્ષમતાઓને અસીમિત બનાવવામાં ફાળો આપ્યો છે. જ્યારે ચીન દ્વારા પાકિસ્તાનના જેહાદ, આતંકવાદ અને અરાજકતાને સમર્થન આપવામાં આવ્યું છે.
 
આ બંને દેશોની વ્યૂહાત્મક જુગલબંદી ભારત માટે વૈચારિક અને તર્કશીલ પરિસ્થિતિઓથી વિપરીત અથડામણની અસીમિત સંભાવનાઓ ઊભી કરે છે. ત્યારે, ચીન અને પાકિસ્તાન આ બંને દેશો સાથે દ્વિપક્ષીય યુદ્ધ હવે કેવળ વ્યૂહરચનાકારની પરિકલ્પના માત્ર નથી રહ્યું પરંતુ દેશની સરકાર પણ આ પરિસ્થતિ માટે તૈયાર જણાય છે. માટે, દેશના સરંક્ષણની પૂર્વતૈયારીઓ તેને પહોંચી વળવા માટે પૂરતી હોવી આવશ્યક છે.
 
૨૦૧૪ પછી ચીન દર વર્ષે ૧૨-૧૮ યુદ્ધજહાજોને સૈન્ય સેવામાં લઈ રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષોમાં ચીન ૮૦ નવા યુદ્ધ જહાજો અને સબમરીનોને કમિશન કરી ચૂક્યું છે. બે વિશ્વયુદ્ધોને અવગણીએ તો છેલ્લા એક-સો વર્ષોમાં કોઈ પણ નૌસેનાએ આટલી ઝડપથી પ્રગતિ નોંધાવી નથી. ભારત કરતાં ચીનની અર્થવ્યવસ્થા છ ગણી વધુ વિશાળ છે અને તેનું સૈન્ય બજેટ આપણા કરતાં પાંચગણું. ચીન તેની સમુદ્રી તાકાતને વિશાળકાય બનાવવા તરફ સિંહફાળ ભરી રહ્યું છે. ભારતીય નૌસેના હજી એક દશક સુધી ઇન્ડિયન ઓશેન રીજીયનમાં ચીન સમક્ષ ચુનૌતી પેશ કરી શકે તેમ છે, જ્યારે દક્ષિણી ચીન સમુદ્રમાં ચીનનું પલડું ભારે છે.
 
હિન્દ મહાસાગર ક્ષેત્રની સુરક્ષામાં ભારતીય નૌસેનાનું પ્રદર્શન અને ચીનના પ્રભુત્વ પર રોક રાખી શકવાની ક્ષમતા આવતા થોડા જ દશકોમાં પુરવાર કરશે કે ભારત એક વૈશ્વિક શક્તિ તરીકે ઊભરી આવશે આથવા તો નિષ્ફળ જશે.
 
- લેખક : પેટ્ટી ઓફિસર મનન ભટ્ટ