(દિ. ૫ જુલાઈ, ૨૦૨૦ - ગુરૂપૂર્ણિમા નિમિત્તે) બલિહારિ ગુરુ આપ કી...
વેદવ્યાસ, ભારદ્વાજ, અત્રિ, કણ્વ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, સાંદીપનિ, ચાણક્યથી માંડી વલ્લભાચાર્ય, ગોવિંદાચાર્ય, ગજાનન મહારાજ, તુકારામ, જ્ઞાનેશ્વર આપણી સંસ્કૃતિમાં ગુરુઓની એક આખી પરંપરા રહી છે. આ જ ગુરુપરંપરાએ આપણને સમયે સમયે ભગવાન શ્રીરામ, શ્રીકૃષ્ણ, ભીષ્મ, દ્રોણ, અર્જુન, અને સમ્રાટ ચંદ્રગુપ્ત જેવા મહામાનવોની ભેટ આપી છે. જેઓએ પોતાના જ્ઞાન-પ્રકાશથી ભારતવર્ષને નવી રાહ ચીંધી છે તેવા ગુરૂઓ વિશે વિશેષ લેખ પ્રસ્તુત છે.
શાસ્ત્રોમાં ગુનો અર્થ અંધકાર કે મૂળ અજ્ઞાન અને રુનો અર્થ દૂર કરનાર (નિરોધક) કરવામાં આવ્યો છે અને આ બંને અક્ષરો મળીને શબ્દ બન્યો છે ગુરુ. એટલે કે અજ્ઞાનરૂપી અંધકારને જ્ઞાન રૂપી પ્રકાશથી દૂર કરનાર. ગુરુ એટલે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનાર, ગુરુ એટલે અજ્ઞાનનું નિવારણ કરી સાચા ધર્મનો માર્ગ બતાવનાર. આવાં તો કેટકેટલાંય વિશેષણો ગુરુ માટે વપરાયાં છે.
ભારતમાં આજે પણ એવા કેટલાય સંપ્રદાયો છે, જેઓ માત્ર ગુરુવાણીના આધાર પર જ ટકેલા છે. તેઓના ગુરુએ જે નિયમ બનાવ્યા છે તેના પર ચાલવું એ જ આ સંપ્રદાયે પોતાનો ધર્મ ગણ્યો છે. ગુરુની ભૂમિકા આપણે ત્યાં માત્ર આધ્યાત્મિક અને ધાર્મિકતા પૂરતી જ સીમિત નથી રહી. જ્યારે જ્યારે રાજ્ય-દેશમાં આંતરિક કે બાહ્ય રાજનૈતિક સંકટો આવ્યાં છે, ગુરુએ રાજ્ય-દેશને યોગ્ય સલાહ આપી તેમાંથી ઉગાર્યા છે. એટલે કે અનાદિ કાળથી ગુરુએ શિષ્યનું દરેક ક્ષેત્રે વ્યાપક અને સમગ્રતાથી માર્ગદર્શન કર્યું છે. ગુરુના આ જ મહિમાને કારણે આપણે ત્યાં ગુરુને માતા-પિતાથી પણ ઉપર અને ભગવાનની સમકક્ષ સ્થાન અપાયું છે. ગુરુને ગુરુદેવ કહેવામાં આવ્યા છે. એક શ્લોકમાં ગુરુને દેવતા સમકક્ષ મૂકતાં કહેવાયું છે કે, જેવી ભક્તિની જર દેવતા માટે છે, તેવી જ ભક્તિની જરૂર ગુરુ માટે પણ છે. શાળાઓમાં પ્રાર્થના દરમિયાન ગવાતા ગુરુર બ્રહ્મા... ગુરુર વિષ્ણુમાં પણ ગુરુને ઈશ્વરના સાક્ષાત્ સ્વરૂપો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સાથે સરખાવ્યાં છે.
ગુરુને બ્રહ્મા કહેવામાં આવ્યા છે, કારણ તે શિષ્યનું ઘડતર કરે છે, નવજન્મ આપે છે. ગુરુને વિષ્ણુ પણ કહેવાયા છે, કારણ તે જ્ઞાનના શિક્ષણથકી શિષ્યની રક્ષા કરે છે. ગુરુને સાક્ષાત્ મહેશ્વર કહેવાયા છે, કારણ કે તે શિષ્યના તમામ દોષોનો સંહાર કરે છે અને એટલે જ સંત કબીરે કહ્યું છે કે, હરિ રૂઠે ગુરુ ઠૌર હૈ... ગુરુ રૂઠે નહિ ઠૌર. એટલે કે જો ભગવાન રૂઠે તો ગુરુના શરણમાં જઈ શકાય છે, પરંતુ જો ગુરુ રૂઠે તો ક્યાંય પણ શરણ મળવું અશક્ય છે. વિશ્વવિખ્યાત દાર્શનિક ગુરુ ઓશો કહે છે કે, ગુરુ એટલે ભગવાન શ્રીકૃષ્ણ અને બુદ્ધ જેવી ચેતના. જેઓ દેખીતી રીતે તો તમારી સાથે નથી હોતા પરંતુ હંમેશ તમારી આસપાસ જ હોય છે. ગુરુ એક પેરાડોક્સ છે. એક વિરોધાભાસ છે. તે તમારી વચ્ચોવચ્ચ પણ છે અને જોજનો દૂર પણ, ગુરુ આબેહૂબ તમારા જેવા જ છે અને તમારાથી તદ્દન અલગ પણ. તે બંદીવાન છે અને પરમ સ્વતંત્ર પણ.
ગુરુપૂર્ણિમાને વ્યાસપૂર્ણિમા પણ કહે છે
ગુરુપૂર્ણિમાને વ્યાસપૂર્ણિમા પણ કહેવામાં આવે છે, કારણ કે આ જ દિવસે વ્યાસમુનિનો જન્મ પણ થયો હતો. જે ભગવાન વેદવ્યાસ તરીકે જાણીતા છે. ભગવાન વેદવ્યાસે વેદોનું સંકલન કર્યું હતું અને ૧૮ પુરાણો અને ઉપપુરાણોની રચના કરી હતી. ભગવાન વ્યાસે આપણા ઋષિઓના વિખરાયેલ અનુભવોને સમાજભોગ્ય બનાવી વ્યવસ્થિત કર્યા હતા. પાંચમા વેદનું બહુમાન મેળવનાર મહાભારત ગ્રંથની રચના પણ આ જ દિવસે પૂર્ણ કરી હતી અને વિશ્વના સુપ્રસિદ્ધ આર્ષગ્રંથ બ્રહ્મસૂત્રનું લેખન પણ આ જ દિવસે શરૂ કર્યું હતું. ત્યારે દેવતાઓ દ્વારા વેદવ્યાસજીનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારથી જ વ્યાસપૂર્ણિમા મનાવવાની પરંપરા ચાલી આવી છે.
મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના ગુરુ : ગુરુ વશિષ્ઠ
અયોધ્યાના રાજા દશરથના કુલગુરુ એટલે કે ભગવાન શ્રીરામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નના ગુરુ. તેઓના કહેવાથી જ દશરથે રામ અને લક્ષ્મણને વિશ્વામિત્ર સાથે વનમાં રાક્ષસોનો વધ કરવા માટે મોકલ્યા હતા. કામધેનુ ગાય માટે રાજા વિશ્વામિત્ર સાથે યુદ્ધે ચડી વશિષ્ઠે સરસ્વતી નદીને કિનારે સો સૂક્ત એક સાથે રચી ઇતિહાસ સર્જ્યો હતો. પોતાનામાંની અસાધારણ ક્ષમતાએ ગુરુ વશિષ્ઠને સપ્ત ઋષિઓમાં સ્થાન અપાવ્યું છે.
શ્રીરામને દિવ્ય શસ્ત્રો આપનાર : વિશ્વામિત્ર
ઋષિ બન્યા અગાઉ વિશ્વામિત્ર એક શક્તિશાળી રાજા હતા, પરંતુ વશિષ્ઠ ઋષિની કામધેનુ હડપવાને લઈને તેમની સામે યુદ્ધે ચડ્યા અને ભૂંડી રીતે હાર્યા. આ હારે તેઓને ઘોર તપસ્યા કરવા પ્રેર્યા. વિશ્વામિત્રની તપસ્યા અને મેનકા દ્વારા તેમના તપસ્યાભંગની વાત જગપ્રસિદ્ધ છે. પુરાણોમાં વિશ્વામિત્રે પોતાના તપોબળથી ત્રિશંકુને સશરીર સ્વર્ગમાં મોકલવાનો પ્રસંગ આવે છે, પરંતુ ઇન્દ્રે સ્વર્ગમાં તેને જગ્યા ન આપતાં વિશ્વામિત્રે આખેઆખું નવું સ્વર્ગ ઊભું કરી દીધું હતું. ભગવાન શ્રીરામને કુશળ યોદ્ધા બનાવવાનું શ્રેય પણ વિશ્વામિત્રને જ જાય છે. ભગવાન શ્રીરામ પાસે જેટલાં પણ દિવ્યાસ્ત્રો હતાં તે તમામ વિશ્વામિત્રે આપ્યાં હોવાનું કહેવાય છે. વિશ્વામિત્રને તે જમાનાના સૌથી મોટા શસ્ત્રશોધક માનવામાં આવ્યા છે. તેઓએ બ્રહ્માની માફક એક આખી સૃષ્ટિની રચના કરી દીધી હોવાનો પ્રસંગ પણ પુરાણોમાં આવે છે. આજના હરિદ્વારનું જે શાંતિકુંજ છે ત્યાં જ વિશ્વામિત્રે ઘોર તપસ્યા કરી ઇન્દ્રના સ્વર્ગ સમાન જ અન્ય એક સ્વર્ગની રચના કરી હતી. વિશ્વામિત્રે ભારતને ઋચા બનાવતાં શીખવ્યું છે અને ગાયત્રી મંત્રની રચના કરી હતી. એ ઋચાઓ અને ગાયત્રી મંત્ર આજે હજારો વર્ષો બાદ કલિયુગમાં વિશ્વનું કલ્યાણ કરી રહ્યાં છે.
વિશ્વના સૌપ્રથમ કુલપતિ : શૌનક મુનિ
૧૦,૦૦૦ વિદ્યાર્થીઓનું ગુરુકુળ ચલાવી તેઓએ કુલપતિનું સન્માન મેળવ્યું હતું. શાસ્ત્રોમાં આ પ્રકારનું સન્માન મેળવનાર તેઓ સૌપ્રથમ હતા. તેઓ વૈદિક આચાર્ય અને શુનક ઋષિના પુત્ર હતા. શાસ્ત્રોમાં વશિષ્ઠ, વિશ્વામિત્ર, કણ્વ, ભારદ્વાજ, અત્રિ, વામદેવ બાદ શૌનકનુ નામ ખૂબ જ આદરપૂર્વક લેવામાં આવ્યું છે, માટે જ તેઓને સપ્તર્ષિ તરીકે તારામંડળમાં સ્થાન અપાયું છે.
ગુરુ દ્રોણને ધનુર્વિદ્યા શીખવનાર : પરશુરામ
બાળ શ્રીગણેશ દ્વારા ભગવાન શિવનાં દર્શન કરતા રોકવાના દુ:સાહસથી ક્રોધિત થઈ તપસ્વી પરશુરામ દ્વારા પોતાની પરશુના પ્રહારથી ગણેશજીનો એક દાંત કાપી નાખ્યો હોવાનો પ્રસંગ પણ ખૂબ જાણીતો છે. પરશુરામને રામાયણકાળમાં જનક, દશરથ જેવા મહાબલી રાજાઓના રાજ્યમાં કુલગુરુ સમાન સન્માન મળ્યું છે. તેઓ સીતા સ્વયંવરમાં શ્રીરામનું અભિનંદન કરે છે તો બીજી તરફ કૌરવસભામાં વિના ડરે શ્રીકૃષ્ણનું સન્માન કરે છે. જૂઠું બોલી પોતાની પાસેથી ધનુર્વિદ્યા શીખનાર કર્ણને અણીના સમયે જ તે તમામ વિદ્યા ભૂલી જશેનો શ્રાપ આપ્યો હતો. તેમણે માત્ર કર્ણને જ નહીં ભીષ્મ અને પાંડવોના ગુરુ દ્રોણને પણ ધનુર્વિદ્યા શીખવી ધનુર્ધર બનાવ્યા હતા.
શ્રીકૃષ્ણ - સુદામાના ગુરુ : સાંદીપનિ
મહર્ષિ સાંદીપનિ એટલે ભગવાન શ્રીકૃષ્ણ, બલરામ અને સુદામાના ગુરુ. આજે પણ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં તેમનો આશ્રમ હયાત છે. તેઓના ગુરુકુળમાં અનેક મહાન રાજાઓના રાજકુમારો ભણતા હતા. શ્રીકૃષ્ણ ૧૮ વર્ષ સુધી તેમની પાસેથી અનેક કલાઓ શીખ્યા હતા. કહેવાય છે કે, ભગવાન શ્રીકૃષ્ણે તેમની પાસેથી ૬૪ કળાઓ શીખી હતી.
ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં વિષ્ણુના અવતાર હોવા છતાં સાંદીપનિ ઋષિ પાસેથી શિક્ષણ મેળવી સાબિત કરી દીધું કે કોઈપણ વ્યક્તિ ગમે તેટલો મહાન પ્રતિભાશાળી કેમ ન હોય પરંતુ તેને પણ જીવનમાં ગુરુની જરૂર પડે ને પડે જ છે.
અર્જુનને વિશ્વનો સર્વશ્રેષ્ઠ ધનુર્ધર બનાવનાર : દ્રોણાચાર્ય
દ્વાપર યુગમાં કૌરવો અને પાંડવોના કુલગુરુ દ્રોણાચાર્યની ગણના પણ શ્રેષ્ઠતમ ગુરુઓમાં થાય છે. તેઓ ભારદ્વાજ મુનિના પુત્ર હતા અને સંસારના શ્રેષ્ઠ ધનુર્ધર હતા. તેઓનો જન્મ વર્તમાન ઉત્તરાંચલની રાજધાની દેહરાદૂનમાં થયો હોવાનું મનાય છે. આજે પણ તે સ્થળ દેહરાદ્રોણ (માટીનું વાડકું)ના નામે ઓળખાય છે. તેઓનાં કૃપાચાર્યની બહેન કૃપી સાથે લગ્ન થયાં હતાં જેમના થકી તેઓને અશ્વત્થામા નામનો પુત્ર થયો હતો. તેઓએ પાંડવો અને કૌરવોની સાથે સાથે હજારો ક્ષત્રિયોને ધનુર્વિદ્યા શીખવી હતી. આ તમામમાં તેઓએ અર્જુનને વિશ્વના સર્વશ્રેષ્ઠ ધનુર્ધરનું વરદાન આપ્યું હતું. આ વરદાનની રક્ષા માટે તેઓએ પોતાના ભીલ શિષ્ય એકલવ્યનો અંગૂઠો ગુરુદક્ષિણામાં માગી લીધો હતો.
કાલિકાલના સર્વશ્રેષ્ઠ ગુરુ : ચાણક્ય
આચાર્ય વિષ્ણુગુપ્ત, ચણક એટલે કે ચાણક્ય. કલિકાલના સર્વશ્રેષ્ઠ ગુરુ જેઓએ સમગ્ર ભારતવર્ષને એક સૂત્રમાં બાંધી દીધું હતું. થોડા કઠોર શબ્દોમાં કહીએ તો વિશ્વના સૌપ્રથમ રાજનૈતિક મુત્સદ્દીકાર. આચાર્ય ચાણક્યે ચન્દ્રગુપ્ત મૌર્ય સરીખા સાધારણ ભારતીય યુવકને સિકંદર અને ધનનંદ જેવા અતિશક્તિશાળી સમ્રાટો સામે ઊભો કરી કૂટનૈતિક યુદ્ધો કરાવ્યાં, જીતાવ્યાં અને ચન્દ્રગુપ્ત મૌર્યને અખંડ ભારતનો સમ્રાટ બનાવ્યો. ઇતિહાસમાં સૌપ્રથમ વખત નાના નાના ટુકડાઓમાં વિભાજિત ભારતને એક સૂત્રમાં પરોવી અખંડ ભારત નામની સુંદર માળા તૈયાર કરવાનું કામ આચાર્ય ચાણક્યે કર્યું હતું. તેઓ મૂળ રૂપે અર્થશાસ્ત્રના શિક્ષક હતા, પરંતુ તેઓની અસાધારણ રાજનૈતિક કોઠાસૂઝે તેઓને ઇતિહાસના સર્વશ્રેષ્ઠ રણનીતિકાર બનાવી દીધા હતા.
ભારતની સંતપરંપરાને એકજૂટ કરનાર : આદિ શંકરાચાર્ય
આદિ શંકરાચાર્યજીએ વિદેશી આક્રમણોને કારણે વેરવિખેર થઈ ગયેલી સંતપરંપરાને એકજૂટ કરી દશનામી સંપ્રદાયની સ્થાપના કરી અને સમગ્ર ભારતભ્રમણ કરી ચારેય ખૂણે ચાર મઠોની સ્થાપના કરી. તેઓએ જ હિન્દુઓનાં ચાર ધામોનું પુન:નિર્માણ કરાવી તે તમામ તીર્થસ્થાનોને પુન:જીવિત કર્યાં હતાં. માટે જ તેઓને જગદ્ગુરુની ઉપાધિ મળી છે. જગદ્ગુરુ શ્રી શંકરાચાર્ય હિન્દુઓના મહાન ધર્મગુરુ છે. તેઓના હજારો શિષ્ય હતા, જેઓએ દેશ-વિદેશમાં ફરી હિન્દુધર્મ અને સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કર્યો હતો.
શિવાજીને ધર્મરક્ષાનું પ્રેરકબળ આપનાર : સમર્થ રામદાસ
સમર્થ રામદાસનું નામ સાંભળતાં જ હિન્દુ હૃદયસમ્રાટ છત્રપતિ શિવાજીની છબી આંખો સમક્ષ તરી આવે, કારણ તેઓ શિવાજીના ગુરુ હતા. તેઓએ ભારતભરમાં અખાડાઓનું નિર્માણ કર્યું હતું. મહારાષ્ટ્રમાં તેઓએ રામભક્તિની સાથે હનુમાનભક્તિનો પણ જબરજસ્ત પ્રચાર કર્યો. હનુમાન મંદિરો સાથે સાથે અખાડા બનાવી તેઓએ સમગ્ર મહારાષ્ટ્રનું જાણે કે સૈનિકીકરણ કરી નાખ્યું હતું. જે પાછળથી હિન્દવી રાજ્ય સ્થાપનામાં રૂપાંતરિત થયું હતું. શિવાજીના પ્રથમ ગુરુએ શિવાજીને સમર્થ રામદાસના શરણમાં જવાની સલાહ આપી હતી અને તેમના નિધન બાદ શિવાજીએ સમર્થ રામદાસનું શિષ્યત્વ ગ્રહણ કર્યું હતું.
સ્વામી વિવેકાનંદના ગુરુ : રામકૃષ્ણ પરમહંસ
સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ ધ્યાત્મજ્ઞાનની શ્રેણીમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેઓ કાલીના અનન્ય ઉપાસક હતા. તેઓ સાક્ષાત્ મા કાલી સાથે વાતચીત કરી શકતા હતા. તેમના જ શિક્ષણ અને કૃપાથી સ્વામી વિવેકાનંદે સમગ્ર વિશ્વમાં હિન્દુ ધર્મની પતાકા લહેરાવી દિગ્વિજયનો ડંકો વગાડ્યો હતો !
માતા મિરાંબિકાના ગુરુવર્ય શ્રી અરવિંદ
એવી જ એ જ બંગાળમાંથી પ્રગટેલ અધ્યાત્મ જ્યોતના જ્યોતિર્ધર શ્રી અરવિંદ ઘોષ - મહર્ષિ અરવિંદ માટે પણ કહી શકાય. ભારતીય સ્વાધીનતા સંગ્રામના મહાનાયક શ્રી અરવિંદ બંગભંગ વિરોધી ચળવળમાં સામેલ થવા વડોદરા રાજ્યના માન-મરતબાનો પદત્યાગ કરી, માતની હાકલ પર બંગાળમાં આવ્યા. વંદે માતરમ્ જેવા ક્રાંતિકારી સામયિકના પ્રકાશન દ્વારા શ્રી અરવિંદના ભારતભક્તિના વિચારો જ્વાળા બનીને સમસ્ત બંગાળમાં પ્રસરી ગયા. અલીપોર બોમ્બ કેસમાં શ્રી અરવિંદને ક્રાંતિકારી ચળવળના પ્રેરણામૂર્તિ ઠરાવી, કારાવાસમાં ધકેલવામાં આવ્યા. દેશબંધુ ચિત્તરંજનદાસ વકીલ બનીને શ્રી અરવિંદને જેલમાંથી છોડાવવા ઉપસ્થિત થયા. જેલમાં જ શ્રી અરવિંદને યત્ર-તત્ર-સર્વત્ર શ્રીકૃષ્ણનાં દર્શન થયાં. જેલના એકાંતવાસમાં જ શ્રી અરવિંદને સ્વામી વિવેકાનંદની સૂક્ષ્મ ચેતનાની ઊંડી અનુભૂતિ થઈ. જેલમાંથી બહાર આવ્યા પછી, ભગિની નિવેદિતાની સલાહથી શ્રી અરવિંદ અંગ્રેજોને હાથતાળી આપી, ફ્રેંચ કોલોની પોંડિચેરી પહોંચ્યા. ત્યાં આશ્રમ સ્થાપી, દાયકાઓ સુધી ઉચ્ચ આધ્યાત્મિક તપશ્ચર્યા આદરી. અહીં જ શ્રી અરવિંદને તેમના શ્રેષ્ઠ શિષ્યોત્તમા-મૂળ ફ્રેંચ - જેઓ માતા મિરાંબિકા તરીકે પ્રસિદ્ધ થયાં એ શ્રીમાતાજી મળ્યાં, જેમણે શ્રી અરવિંદની આધ્યાત્મિક જ્યોતને વિશેષ રૂપે પ્રજ્વલિત રાખી...

ગુરુ ગોવિંદસિંહના સદગુરુ નાનકદેવ
જ્યારે એક તરફ વિદેશી-વિધર્મી આક્રમણોથી ભારતીય જનજીવન આતંકિત અને સંત્રસ્ત હતું ત્યારે ભારતવર્ષની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક-જ્યોતને વિશેષરૂપથી પ્રજ્જ્વલિત કરનાર અવતારપુરુષોનું અવતરણ થયું. તેમાં ગુરુ નાનકદેવ પણ અત્યંત પ્રબળ પ્રેરણાપુરુષ હતા. ગુરુ નાનકદેવના ઉપદેશો સમન્વય અને સંવાદિતાના ઉચ્ચ આદર્શોથી પ્રેરિત હતા. પરંતુ જ્યારે આતતાયી આક્રમકોનાં ઘોડાપૂર ફરી વળ્યાં ત્યારે દેશજનતા અને સ્વધર્મની સુરક્ષા-સંવર્ધન માટે ગુરુ નાનકદેવના સમર્થ શિષ્ય ગોવિંદસિંહ પ્રગટ્યા. તેમણે શીખપંથની ઉપાસના પદ્ધતિ માટે ખાલસા પંથની સંસ્થાપના કરી. ગુરુ ગોવિંદસિંહની ગુરુપરંપરામાં અનેક શ્રેષ્ઠ ગુરુ આવ્યા... તેમાં ગુરુ તેગબહાદુરની સ્વધર્મ રક્ષા માટેની શહાદત ચિરસ્મરણીય છે... આજે પણ દિલ્હીમાં આવેલ શિશંગજ ગુરુદ્વારા એ ગુરુ તેગબહાદુરની વીરતા, સર્વસમર્પણ અને બલિદાનનું પ્રેરક તીર્થધામ બન્યું છે!