જયા પાર્વતી વ્રત | જયા પાર્વતી વ્રતનો મહિમા | જયા પાર્વતી વ્રતકથા

    ૦૪-જુલાઇ-૨૦૨૦
કુલ દૃશ્યો |

jayaparvati_1  
(અષાઢ સુદ ૧૩, શુક્રવાર, તા. ૩-૭-૨૦, જયા પાર્વતી વ્રત નિમિત્તે)
કુમારિકાઓ તથા સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે મનગમતો ભરથાર તથા તંદુરસ્તી માટેની તપશ્ચર્યા
 
આપણી હિન્દુ જીવનપદ્ધતિમાં માતૃશક્તિના સશક્તિકરણ માટે તથા માતૃશક્તિના સુસ્વાસ્થ્ય માટે અનેક ઉપાયો તથા માર્ગદર્શિકાઓ છે, જેમાં વ્રતો ખૂબ જ સરળ તથા સહજ તપશ્ચર્યા સ્વરૂપે છે. આ વ્રતોથી આપણી નારીશક્તિ સહજ ભાવથી આપણી સંસ્કૃતિ તથા સનાતન ધર્મ સાથે જોડાય છે. વ્રતી નારીશક્તિમાં તપ, ત્યાગ, બલિદાન, સ્વરક્ષણ, આત્મદર્શન, પરિવારનાં જીવનમૂલ્યો, સદાચાર, સારા-ખોટાની પરખ (વિવેકબુદ્ધિ), આત્મસંયમ, સહનશક્તિ, સ્વાસ્થ્યસભાનતા, સામાજિક સમરસતા, સ્વધર્મનું ગૌરવ તથા રાષ્ટભક્તિ જેવા અનેક સદગુણો આત્મસાધ થાય છે. આ વ્રતો બાલ્ય અવસ્થાથી માંડી ગૃહસ્થજીવન તથા જીવનસંધ્યા સુધીની જીવનયાત્રામાં શારીરિક તથા માનસિક બળો પૂરાં પાડે છે. આ વ્રતો જીવનમાં આધિભૌતિક, આધિદૈવિક તથા આધ્યાત્મિક સુખોની પ્રાપ્તિ કરાવે છે તથા સંતાપો સામે લડવાની શક્તિ પૂરી પાડે છે.
 
આપણાં પુરાણો તથા ધર્મગ્રંથોમાં વર્ષ દરમિયાન ઋતુ પ્રમાણે ઉજવાતાં વ્રતોનો મહિમા વર્ણવાયો છે. વ્રતની વિધિ તથા વ્રત સાથે સંકળાયેલ દેવી-દેવતા તથા જીવનમૂલ્યો આધારિત વ્રતકથાઓ પણ પ્રચલિત છે. ઈશ્વરભક્તિ તથા વ્રત પરની શ્રદ્ધા આ વ્રતોનો આધાર હોય છે. શ્રદ્ધાપૂર્વક લીધેલાં વ્રત તથા તેની ઉજવણી અવશ્ય ફળે છે તેનાં અનેક ઉદાહરણો છે. વર્ષાઋતુના અષાઢ માસમાં કુમારિકાઓ તથા સૌભાગ્યવતી સ્ત્રીઓ મનગમતો ભરથાર મળે તથા શરીરની તંદુરસ્તી જળવાય તે શ્રદ્ધા-ભક્તિથી જયા પાર્વતીનું વ્રત કરે છે. પુરાણોમાં સૌ પ્રથમ આ વ્રત શિવજીને પ્રાપ્ત કરવા પાર્વતજીએ કર્યું હતું. તેવો ઉલ્લેખ છે ત્યાર બાદ પાર્વતીજીએ કરેલ આ વ્રત, પાર્વતી માતાની પૂજા તથા આશીર્વાદથી સીતાજીએ શ્રી રામને પામવા કર્યું હતું તેવું મનાય છે. યુગો સુધી આ વ્રત ઉજવાતું હતું તેનું પ્રમાણ પણ આ વ્રત સંદર્ભે વર્ણવાયેલી અનેક વ્રતકથાઓમાંથી જાણવા મળે છે. વ્રત ઉજવવાની આ પરંપરા વર્ષો સુધી પ્રચલિત રહી છે. હાલમાં દેશના ગ્રામ્ય વિસ્તારોમાં તથા શહેરમાં પણ શુભ્ર તથા સદાચારી પરિવારોમાં કુમારિકાઓ આ વ્રતની રાહ જુએ છે. આ વ્રતની શરૂઆત તથા તેની ઉજવણી આકર્ષક હોવાથી આ વ્રત કરવા સૌ બહેનો પ્રેરાય છે. જ્યારે પરિવારની દીકરીઓ તથા બહેનો આ વ્રત લે છે ત્યારે પરિવારના સૌ સાથેના લાગણીના સંબંધો તથા સ્નેહ ઉભરાઈ આવે છે. પરિવારના સૌ વ્રતી બહેન-દીકરીને તેના તપમાં મદદરૂપ થાય છે. નિત્ય નવીન વસ્ત્રો પહેરી તથા સૂકો મેવો, ફળાહાર જેમાં મીઠુ હોતું નથી પણ મધુરરસ હોય છે તેની મજા બહેનોની સાથે નાનાં-ભાઈબહેનો પણ માણે છે. જે પરિવારમાં જયા પાર્વતી વ્રત ઉજવાય છે ત્યાં આનંદ તથા ઉલ્લાસ હોય છે. ઘરનું વાતાવરણ વિશેષ પવિત્ર બને છે. જે પરિવારમાં આ વ્રત ઉજવાય છે ત્યાં બહેનો શારીરિક તથા માનસિક રીતે મજબૂત બને છે તથા કોઈ અનિષ્ટો તથા દુષ્કૃત્યોનો ભોગ બનતી નથી.
 
 

જયા પાર્વતી વ્રત 

આ વ્રત અષાઢ સુદ તેરસથી શરૂ થાય છે અને અષાઢ વદ-બીજે પૂર્ણ થાય છે. આમ પાંચ દિવસ સુધી આ વ્રત ઊજવાય છે. પણ કેટલાક પરિવારોમાં સુદ અગિયારશ કે તેથી અગાઉના દિવસોમાં પાંચ કઠોળ તથા અન્ય બીજ જેમાંથી જવારા ઊગે છે. તેની વાવણી કરવામાં આવે છે, જેને ગોર્યો પણ કહે છે. સમગ્ર વ્રતના દિવસો દરમિયાન અબીલ-ગુલાલ-કકુ તથા પૂજાના દ્રવ્યોથી આ જવારાનું દેવી તરીકે પૂજન થાય છે. નિત્ય ગિરીબર રાજ કિશોરીની પ્રાર્થના તથા માતાજીની આરતી પણ થાય છે. વ્રતની શરૂઆતમાં ગણેશની પૂજા થાય છે. શિવ-પાર્વતી તથા રામ-સીતાનું સ્મરણ કરી તેમની પૂજા પણ થાય છે. સમગ્ર વ્રત દરમિયાન સૂકો મેવો કેરી તથા મીઠાઈઓનો પ્રસાદ થાય છે. કુમારિકાઓ તેમની બહેનપણીઓ સાથે બગીચાઓમાં તથા મંદિરોમાં જાય છે. વિવિધ રમતો રમે છે તથા કમરમાં ખોસેલી સૂકા મેવાથી ભરેલી પોટલીઓમાંથી ઉજવણી કરે છે. પાંચ દિવસ પૂર્ણ થતાં વ્રતની ઉજવણી થાય છે અને છેલ્લા દિવસે રાત્રી-જાગરણ હોય છે. આ વ્રત દરમિયાન ગામમાં તથા શહેરની સોસાયટીમાં ઉત્સાહ તથા આનંદનું વાતાવરણ જામે છે. માતા તથા ઘરનાં દાદીઓ આ વ્રતની કથાઓ પણ સંભળાવે છે. આ વ્રતની શરૂઆત કુમારિકાઓ પ્રાથમિક શિક્ષણથી કરે છે ત્યાર બાદ કોલેજ સુધીના શિક્ષણ દરમિયાન પણ આ વ્રત ઉજવાય છે. આ વ્રતનો સમયગાળો, પાંચ, દશ, પંદર કે વીસ વર્ષ સુધીનો પણ હોય છે. આ વ્રતમાં નાની-મોટી કુમારિકાઓ શિવમંદિરોમાં શિવપાર્વતીની પૂજાઅર્ચના કરે છે. વ્રત દરમિયાન પાર્વતીજીની તપશ્ચર્યા વિશે તથા કલ્યાણકારી સદાશિવ ભોળાનાથના આશીર્વાદ માટે ગુણગાન ગવાય છે.

જયા પાર્વતી વ્રતકથા

 
કાશીનગરીમાં સદાચારી, સત્વાદી અને સેવાભાવી એક દપતી રહેતું હતું. તેઓ આખો દિવસ પ્રભુભક્તિમાં લીન રહેતાં હતાં. ભૂખ્યાં જનોને તથા અભ્યાગતોને ભોજન કરાવતાં હતાં. નિરાધારોને આશરો પણ આપતાં હતાં. ઈશ્વરકૃપાથી આ દપતી પાસે પરિશ્રમથી પ્રાપ્ત કરેલી અખૂટ સંપત્તિ પણ હતી. તેઓ ગુરુકુળોમાં સખાવત પણ કરતાં હતાં. પતિ-પત્ની બંને એકબીજાના સહકારથી સદાવ્રત તથા સેવાકાર્યો કરતાં હતાં. તેમનામાં સહેજ પણ અભિમાનનો છાંટો ન હતો. કાશીનગરીના સમગ્ર પંથકમાં આ દપતીની પ્રસિદ્ધિ ફેલાવા માંડી. દૂર દૂરથી શ્રેષ્ઠીઓ તથા સંત મહાત્માઓ પણ તેમનાં દર્શને આવવા માંડ્યા.
 
એક વખત મહર્ષિ નારદમુનિ કાશીનગરીમાં આવ્યા. તેમણે આ ગૃહસ્થીનો મહિમા સાંભો. તેમને પણ આ ગૃહસ્થીને ત્યાં જવાની પ્રેરણા થઈ. નારદમુનિ ફરતા ફરતા ત્યાં આવી ચઢ્યા. ગૃહસ્થે તેમને આવકાર આપી ફળફળાદિથી સ્વાગત કર્યું. નારદજી પ્રસન્ન થયા. નારદજીએ પૂછ્યું, કેમ છો ? મજામાં ને ? ગૃહસ્થીએ કહ્યું, `હા, મુનિરાજ! આપની કૃપાથી સર્વ વાતે સુખ છે, પણ...' બોલતાં બોલતાં તે ખચકાઈ ગયા. નારદજીએ કહ્યું, ખચકાવાની જરૂર નથી. તમારા મનમાં જે હોય તે વિના સંકોચે કહો! હે મુનિરાજ! બીજી કોઈ ઇચ્છા નથી પણ એક સંતાનની ખોટ છે. જે મારા આ સદાવ્રતને સંભાળે. આમ કહી ગૃહસ્થે મુનિને પ્રણામ કર્યાં.
 
નારદજી બોલ્યા, અહીંથી તમે દક્ષિણ દિશામાં જાવ, ત્યાં એક અપૂજ શિવલિંગ છે. ઘણાં વર્ષોથી તેની કોઈ પૂજા કરતું નથી. ત્યાં જઈ તમે શંકર - પાર્વતીની શ્રદ્ધાપૂર્વક સેવા-પૂજા કરો, તો સદાશિવ ભોળાનાથ તમારા પર પ્રસન્ન થશે. તમારી મનોકામના પણ પૂર્ણ થશે. આમ આશીર્વાદ આપી નારદજી ચાલતા થયા.
 
બીજા દિવસે નારદમુનિની સલાહ પ્રમાણે પતિ-પત્ની દક્ષિણ દિશા તરફ ચાલી નીકાં ત્યારે ઘોર વનવગડામાં ભૂખ્યા અને તરસ્યાં બંને શિવલિંગની શોધમાં નીકળે છે પણ ક્યાંય આવું મંદિર મળતું નથી. બંને જણ થાકીને એક ઝાડ નીચે આરામ કરવા બેઠાં. એવામાં પત્નીની નજર એક મોટા ડુગરની ટોચ પર પડી. ત્યાં તેને મંદિર હોવાનો અણસાર થયો. તેણીએ કહ્યું, હે નાથ! જુઓ પેલા ડુગરની ટોચ! ત્યાં નારદમુનિના કહ્યા પ્રમાણેનું શિવમંદિર હોઈ શકે!
 
મંદિરનો અણસાર મળતાંની સાથે દપતીનો થાક તથા ભૂખ-તરસ મટી ગયાં. બંને જણ ચાલતાં ચાલતા ડુગરની ટોચ પર પહોંચ્યાં. ત્યાં એક શિવમંદિર હતું. બંનેના હૃદયમાં હરખ માતો નથી. તેમણે મંદિરમાં સફાઈ શરૂ કરી. શિવલિંગ પરથી પાંદડાં તથા ધૂળ સાફ કર્યાં. પાસેની નદીમાંથી પાણી લાવી શિવલિંગ તથા તેની સમક્ષ રહેલી પાર્વતીની મૂર્તિને પણ સ્નાન કરાવ્યું.
 
મંદિર પાસે બીલીપત્રનું ઝાડ હતું. ત્યાંથી બીલીપત્રો લાવી શિવલિંગ પર ચડાવ્યાં. શિવમહિમ્ન સ્તોત્રનો પાઠ કર્યો તળેટીના જંગલમાં જઈ ફળફૂલ લાવી શિવજીને અર્પણ કર્યાં.
 
દપતીએ સતત પાંચ વર્ષ શંકર-પાર્વતીની પૂજા કરી. પણ ભગવાન શંકર પ્રસન્ન થયા નહીં.
 
એક દિવસ નિત્યક્રમ પ્રમાણે પતિ વનમાં ફળ-ફૂલ લેવા ગયો. પણ સાંજ પડવા આવી છતાં ય તે પાછો ફર્યો નહીં. એટલે પત્નીને અનેક પ્રકારની શંકા થવા લાગી. પતિની વાટ જોતાં પત્ની થાકી ગઈ. ન છૂટકે તે પતિની શોધ કરવા નીકળી પડી. આ વન ખૂબ જ બિહામણુ હતું. ઠેર ઠેર જંગલી પ્રાણીઓ વાઘ, સિંહ અને રીંછોના ભયંકર ઘુઘવાટા સંભળાતા હતા. શિયાળ પણ કરુણ રુદન કરતાં હતાં. ઘુવડ જેવા નિશાચરો આમથી તેમ ફરતા જોવાં માં. તેને કશુંક અમંગળ થયું હોવાનો ભય થવા લાગ્યો. છતાં હિંમત રાખી શિવ-પાર્વતીનું રટણ કરતી તે ચાલવા લાગી. અચાનક તેની નજર એક ઝાડ નીચે પડી. જોયું તો તેનો પતિ બેભાન દશામાં પડ્યો હતો. તેના પગના અંગૂઠામાંથી લોહી નીકળતું હતું. તેણે જોયું તો પતિની પડખામાં એક કાળો નાગ ફૂંફાડા મારતો જતો હતો. થોડીક ક્ષણો પછી તેણે આંખો ઉઘાડી, ત્યાં તો તેની સક્ષમ સોળે શણગાર સજીને ઊભેલાં માતા પાર્વતીજી પ્રગટ થયેલ જણાયાં. માતા પાર્વતીનાં દર્શનથી તેનામાં નવીન ચેતના આવી.
 
માતા પાર્વતીને જોતાં જ પત્ની તેમના ચરણોમાં પડી ગઈ. માતા પાર્વતીએ તેના મૃત પતિના શરીર પર હાથ ફેરવ્યો. તુરત જ પતિએ આંખો ઉઘાડી અને ભાનમાં આવી ગયો. તે આળસ મરડીને ઊભો થયો. તેણે પણ માતા પાર્વતીજીનાં દર્શન કર્યાં. બંને જણ ધન્ય થયા.
 
પાર્વતીજી બોલ્યાં, તમારા બંનેની અનન્ય ભક્તિ તથા શ્રદ્ધા જોઈને હું ખૂબ જ પ્રસન્ન થઈ છું. તમારે જે જોઈએ તે માગી લો ! દપતીએ કહ્યું, હે ભગવતી ! અમારે બીજું કઈ જોઈતું નથી, પણ એક શેર-માટીની ખોટ છે, તો તેનો ઉપાય બતાવો.
પાર્વતીજી બોલ્યાં, તમે જયા પાર્વતીનું વ્રત કરો તો તમને અવશ્ય સંતાનપ્રાપ્તિ થશે.
 
પત્નીએ કહ્યું, માતાજી ! આ વ્રત કેવી રીતે કરાય ? પાર્વતીજી બોલ્યાં, આ વ્રત અષાઢ સુદ તેરસને દિવસે કરવામાં આવે છે અને વદ બીજે પૂર્ણ થાય છે. આ વ્રત કરવાથી સંતાનપ્રાપ્તિ ઉપરાંત મને જેમ આ વ્રતથી શિવજી મા છે તેમ કુમારિકાઓને મનગમતો ભરથાર મળે છે. તે ઉપરાંત સ્ત્રીઓને સૌભાગ્ય પણ પ્રાપ્ત થાય છે. આ વ્રત પાંચ, દસ, પંદર કે વીસ વર્ષે અનુકૂળતા પ્રમાણે ઉજવવું. તે દિવસે કુવારી કન્યાઓ ગોયમીઓ, સૌભાગ્યવતી સ્ત્રીઓને ભોજન કરાવવું. બ્રાહ્મણો પાસે આ વ્રતની ઉજવણીની પૂજા કરાવી દાન-દક્ષિણા આપવી. કુટુબના સૌ પરિવારજન તથા સગાં-સંબંધીઓએ ભોજન કારવવું. ગોરમાની પૂજા કરવી. વ્રતમાં ઉગાડેલા જવારા નદીમાં કે પીપળાના ઝાડ નીચે અથવા માતાજીની ડેરીએ નિયત સ્થળે પધરાવવાં. વ્રતી બહેનોએ ભોજનમાં મીઠુ લેવું નહીં. મોળું-એકટાણું કરવું. વ્રતની કથા સાંભળવી તથા ઘરમાં દાદા-દાદી તથા વડીલોને પ્રણામ કરી આશીર્વાદ મેળવવા. આ વ્રતથી સૌનું કલ્યાણ થાય તેવા આશિષ મળે છે. આમ વ્રતનો મહિમા સંભળાવી માતા પાર્વતી અંતર્ધાન થઈ ગયાં. માતા પાર્વતીના આશીર્વાદ મેળવી દપતી આ જયા - પાર્વતીજી વ્રત કરે છે. તેમને ત્યાં પારણું બંધાય છે. પુનઃ કાશીનગરીમાં સૌ કોઈ આ દપતીનાં દર્શને આવે છે અને જયા - પાર્વતી વ્રતનો મહિમા જાણે છે. કાશીનગરીમાં પણ કુમારિકાઓ આ વ્રત લે છે. જયા - પાર્વતીનું વ્રત જેવી રીતે આ દપતીને ફું તેવી રીતે સૌને પણ ફળે છે. આ વ્રતની કથા સંભળાવનાર તથા સાંભળનારને પણ વ્રત કર્યાનું ફળ મળે છે. શ્રદ્ધાથી કરેલું વ્રત કે કોઈ સેવાકાર્ય વ્યર્થ નથી. તેમનું ફળ અવશ્ય મળે છે.
 
તા. ૧ જુલાઈ, દેવશયની એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે, જેમાં અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો મહિનો હોય છે. આ વર્ષે અધિક આસો હોવાથી તેનો પણ ચાતુર્માસમાં સમાવેશ થશે. આ દરમિયાન ઉપર પ્રમાણેનાં જયા - પાર્વતી જેવાં અનેક વ્રતો હોય છે. આ વ્રતોના પાલનથી સર્વે વ્રતીઓની મનોકામનાઓ પૂર્ણ થાય છે. આત્મબળ વધે છે. ભગવાનના આશીર્વાદ મળે છે. જીવનું કલ્યાણ થાય છે.