જળ, જમીનથી અંતરીક્ષ સુધી `ભારત-રુસની જિગરજાન દોસ્તી' પણ…

    ૦૪-જુલાઇ-૨૦૨૦   
કુલ દૃશ્યો |
 
india Russia china_1 
 
ભારત-ચીન વચ્ચે સરહદો પર તણાવ ગંભીર સ્તરે પહોંચી ચૂક્યો છે. ત્યારે વિશ્વ આખાની નજર ભારત અને ચીનના નજીકના મિત્ર એવા રુસ પર ટકેલી છે. ભારત સાથે રુસના ઐતિહાસિક સંબંધો છે, તો બીજી તરફ રુસના ચીન સાથે વ્યાપારિક અને રણનૈતિક હિતો જોડાયેલાં છે. ત્યારે રખેને ભારત-ચીન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ પેદા થાય તો રુસ કોની પડખે ઊભું રહેશે, સદાબહાર દોસ્ત ભારત સાથે કે પછી પડોશી દોસ્ત દેશ ચીન સાથે. પ્રસ્તુત છે એક વિશેષ અહેવાલ...
 
ભારત અને રશિયાની જુગલબંધી ૭ દાયકાથી પણ વધુ જૂની છે. ૧૩ એપ્રિલ, ૧૯૪૭ના રોજ રુસ (તે વખતનું સોવિયત સંઘ) અને ભારતે અધિકારિક રીતે દિલ્હી અને મોસ્કોમાં મિશન સ્થાપવાનું નક્કી કર્યું. ત્યારથી માંડી આજ દિન સુધી દોસ્તીના આ સંબંધો જળવાઈ રહ્યા છે. પાછલા સાત દાયકામાં આંતરરાષ્ટીય પરિશ્ય બદલાઈ ગયાં છે. જે એક સમયે ગાઢ મિત્રો હતા તે દેશો એકબીજાની સામસામે છે. પરંતુ ભારત અને રશિયા વચ્ચે આજે પણ એ જ ઉષ્માભર્યા સંબંધો જળવાઈ રહ્યા છે. રશિયા ભારતના હરેક મુશ્કેલ સમયમાં ભારતની સાથે ચટ્ટાન બનીને ઊભું રહ્યું છે. એવા અનેક પ્રસંગો આવ્યા છે જ્યારે દુનિયાની ઐસીતૈસી કરી તે ભારતની પડખે રહ્યું છે. સંયુક્ત રાષ્ટ સુરક્ષા પરિષદમાં રુસ ૨૨ જૂન, ૧૯૬૨માં પોતાનો ૧૦૦મો વીટો વાપરી કાશ્મીર મુદ્દે ખુલ્લેઆમ ભારતની તરફેણમાં આવી ગયું હતું. તે વખતે સુરક્ષા પરિષદમાં આયરલેન્ડે કાશ્મીર મુદ્દે ભારત વિરુદ્ધ એક પ્રસ્તાવ મૂક્યો હતો, જેનો અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન અને ચીન જેવા સ્થાયી સદસ્ય સહિત આયરલેન્ડ, ચીલી અને વેનેઝૂલેઆ જેવા અસ્થાયી સદસ્યો પણ ભારતની વિરુદ્ધ એ પ્રસ્તાવના સમર્થનમાં ઊભા થઈ ગયા હતા. આ પ્રસ્તાવ એ કાશ્મીરને ભારતથી અલગ કરી પાકિસ્તાનને સોંપી દેવાનું મોટુ ષડયંત્ર હતું, પરંતુ રશિયાએ ભારત સાથે મિત્રતા નિભાવી અને એકલું ભારતના સમર્થનમાં મહાસત્તાઓ સામે ઊભું થઈ ગયું અને પોતાનો વીટો પાવર વાપરી કાશ્મીરને બચાવી લીધું.
 

૩૭૦ની કલમ - ભારતનું પરોક્ષ સમર્થન

 
આ અગાઉ ૧૯૫૭માં પાકિસ્તાન સંયુક્ત રાષ્ટમાં કાશ્મીર પર પ્રસ્તાવ પારિત કરાવવા માગતું હતું ત્યારે પણ રુસે અમેરિકા અને બ્રિટનના દબાણની પરવાહ કર્યા વગર ભારતના પક્ષના વીટોનો ઉપયોગ કર્યો હતો. ત્યારથી માંડી આજ દિન સુધી કાશ્મીર મુદ્દે રુસ ભારતની પડખે રહ્યું છે. હાલમાં ભારત દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ હટાવી દેવાના નિર્ણયને પણ ભારતનો આંતરિક મામલો હોવાનું કહી ભારતનું પરોક્ષ સમર્થન કર્યું હતું.
 
૧૯૬૧માં રશિયાએ પોતાનો ૯૯મા વીટોનો ઉપયોગ કર્યો હતો અને એ પણ સંયુક્ત રાષ્ટમાં ભારતની મદદ કરવા માટે. તે વખતે ગોવા મુદ્દે રશિયાએ ભારતના સમર્થનમાં પોતાના વીટો પાવરનો ઉપયોગ કર્યો હતો.
 



૧૯૭૧ પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ભારતની મદદે આવનાર એક માત્ર દેશ 

 
૧૯૭૧માં ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા ત્રીજા યુદ્ધમાં અમેરિકા બ્રિટન અને ચીન જેવી વૈશ્વિક મહાસત્તાઓ પાકિસ્તાનનું ખુલ્લું સમર્થન કરી રહી હતી. આમાંના અમેરિકા અને બ્રિટને તો ભારત પર દબાણ લાવવાના હેતુસર પોતાની નૌસેનાને ભારતની સરહદ નજીક ખડકી દીધી હતી. ત્યારે રુસે પોતાના પરમાણુ હથિયારોથી લેસ યુદ્ધજહાજો ભારતની મદદે મોકલ્યાં હતાં. પરિણામે બ્રિટન અને અમેરિકાએ સમસમી બેસી રહેવું પડ્યું હતું.
 

ભારતના ઔદ્યોગીકરણમાં મહત્ત્વનું યોગદાન

 
ભારતના અૌદ્યોગીકરણમાં રુસનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. રુસની ટેકનોલોજી અને આર્થિક મદદે ભારતના વિકાસમાં મોટી ભૂમિકા નિભાવી છે. બોકારો, ભિલાઈ અને વિશાખાપટ્ટનમ્‌ સ્થિત કારખાનાં, ભાખરા-નંગલ પનબિજલિ બંધ, દુર્ગાપુર સંપત્ર, નેપવેલીમાં થર્મલ પાવર સ્ટેશન, કોરળીમાં વિદ્યુત ઉપક્રમ, હૃષીકેશમાં એન્ટિબાયોટિક્સ પ્લાંટ ને હૈદરાબાદ ફાર્માસ્યુટિકલ પ્લાંટમાં ભારતની મદદ કરી હતી. મુંબઈ સ્થિત ભારતના વિશ્વપ્રસિદ્ધ આઈઆઈટી બોમ્બે, દેહરાદૂનમાં અને અમદાવાદમાં રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીની સ્થાપનામાં પણ રુસનું મોટુ યોગદાન છે.
 

અંતરિક્ષ અને સૈન્ય સહયોગ

 
રુસે અંતરિક્ષ અને પરમાણુ કાર્યક્રમોમાં પણ પહેલેથી જ મદદ કરતું રહ્યું છે. ભારતે ૧૯૭૫માં પહેલો સેટેલાઈટ આર્યભટ્ટ લોન્ચ કર્યો હતો તે પણ રશિયાની મદદથી બન્યો હતો. ૧૯૮૪માં વિંગ કમાંડર રાકેશ શર્મા રુસના સોયુઝ ટી-૧૧ સ્પેસ શટલથી અંતરિક્ષ પહોંચ્યા હતા. તેની એટલે કે ભારતીયને અંતરિક્ષમાં પહોંચાડવામાં પણ રુસનું મોટુ યોગદાન છે. આ સિવાય બન્ને દેશો વચ્ચે મજબૂત રક્ષા સંબંધનો પણ ઇતિહાસ રહ્યો છે. ભારતે રુસની સહાયતાથી બ્રહ્મોસ જેવી અનેક મિસાઈલ્સ અત્યાધુનિક એવી એસ-૪૦૦ મિસાઈલ પ્રણાલી સુધી પણ ચીનની નારાજગી છતાં ભારતને આપવાની જાહેરાત કરી છે. બન્ને દેશો વચ્ચે રક્ષાસંબંધો કેટલા મજબૂત છે તે વાતનો અંદાજ એ પરથી લગાવી શકાય છે કે આજે પણ ભારત જેટલાં હથિયાર ખરીદે છે તેમાં રશિયા પાસેથી ખરીદેલાં હથિયારોનો હિસ્સો ૫૮ ટકા જેટલો છે. ભારતે રશિયા એયર ડિફેન્સ સિસ્ટમથી માંડી યુદ્ધજહાજ અને પરમાણુ પનડુબ્બી માટે પણ કરાર કર્યા છે.
 

વ્યાપારિક સંબંધો

 
ભારત અને રુસ પોતાના સંબંધોને લઈ કેટલા ગંભીર છે. વિશેષ કરીને ભારતની વર્તમાન સરકારે વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અમેરિકા અને રશિયા વચ્ચેના સંબંધોમાં અભૂતપૂર્વ સંતુલન જાળવ્યું છે. ૨૦૧૪થી ૨૦૧૯ દરમિયાન વડાપ્રધાન મોદી અને રાષ્ટપતિ પુતિન વચ્ચે ૧૪ જેટલી દ્વિપક્ષીય મુલાકાતો યોજાઈ છે. એટલું જ નહીં બન્ને નેતાઓ વચ્ચે આ સમયગાળા દરમિયાન અલગ અલગ મંચો પર ૧૭ જેટલી બપક્ષીય મુલાકાતો પણ થઈ છે. બન્ને દેશો વચ્ચેના વેપારની વાત કરીએ તો આ વ્યાપારિક સંબંધોમાં રુસ ચીન સાથે ભારતથી વધુ નજીક છે એમ કહેવું જ પડે. ૨૦૧૮-૧૯માં બન્ને દેશો વચ્ચે ૫૮ હજાર કરોડ રૂપિયાનો વેપાર થયો હતો. જેમાં ભારતે ૧૬૮૨૬ કરોડ રૂપિયાના સામાનની નિકાસની સામે ૪૦૮૧૬ કરોડ રૂપિયા સામાનની આયાત કરી હતી. જો કે બન્ને દેશો આ પારસ્પરિક વ્યાપારને ૨૦૨૫ સુધી ૨ લાખ ૧૦,૦૦૦ કરોડ સુધી પહોંચાડવાની ઘોષણા કરી ચૂક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત રુસ મળીને રુસના વ્લાદિર્વાત્સોકથી મદ્રાસ વચ્ચે એક સમુદ્રીમાર્ગ બનાવી રહ્યા છે. આ માર્ગના નિર્માણ બાદ બન્ને દેશો વચ્ચેનો વેપાર ખૂબ જ સરળ બની જશે અને ભારતની મોટા ભાગના તેલ-ગેસની આપૂર્તિ આ માર્ગેથી જ થઈ જશે.
 

india Russia china_1  
 

ભારત ચીન વચ્ચે યુદ્ધ થાય તો રુસ કોની સાથે રહેશે ?

 
એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી કે ભારત અને રુસ વચ્ચેના સંબંધો ઐતિહાસિક અને ચટ્ટાન જેવા મજબૂત છે. ભૂતકાળમાં જ્યારે પણ કોઈ બાહ્ય સંકટ આવ્યું છે ત્યારે રશિયા ખૂલીને ભારતના પક્ષે ઊભું રહ્યું છે ત્યારે ભારત-ચીન વચ્ચેની વર્તમાન કટોકટીને જોઈ એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે રખે ભારત ચીન વચ્ચે યુદ્ધ ફાટી નીકળે તો રુસ કોના પક્ષે ઊભું રહે ? આનો જવાબ આપવો અઘરો છે કારણ કે હાલ વિશ્વની રાજનીતિ પહેલાં જેવી નથી રહી અને રુસનું કદ પહેલાં જેવું નથી રહ્યું. રુસની અર્થવ્યવસ્થા ઘણેખરે અંશે ચીન પર નિર્ભર છે. ભારત ભલે રુસ પાસેથી સૌથી વધુ હથિયાર ખરીદતો દેશ હોય, પરંતુ વ્યાપારની વાત આવે ત્યારે ચીનનું પલડુ ભારે થઈ જાય છે. ભારત રુસ વચ્ચે જ્યાં ૫૮ હજાર કરોડનો વાર્ષિક વેપાર થાય છે તેની સામે રુસ અને ચીન વચ્ચે દર વર્ષે ૮ લાખ કરોડ રૂપિયાથી પણ વધારે વેપાર થાય છે. એટલે કે ભારત-રુસ વચ્ચે ચીન-રુસની વચ્ચેના વેપારની સરખામણીએ ૧૦ ટકા પણ નથી. આ સિવાય ચીન સાથે રુસની ૪ હજાર કિલોમીટર લાંબી સરહદ છે તેથી રુસ ક્યારેય નહીં ઇચ્છે છે કે તેના કોઈ કદમથી તેની સરહદો પર કોઈ સમસ્યા ઊભી થાય. રુસ આકારની ષ્ટિએ વિશ્વનો સૌથી મોટો દેશ છે. પરંતુ જનસંખ્યા માંડ ૧૪ કરોડ જ છે અને રુસ જાણે છે કે આટલી ઓછી જનસંખ્યાના સહારે તે ચીન જેવા સૌથી વધુ જનસંખ્યા ધરાવતા દેશનો મુકાબલો કરી શકે નહીં. વળી ભારત-ચીન વચ્ચેના વિવાદમાં રુસે અત્યાર સુધી એક કૂટનૈતિક સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખ્યું છે. પરંતુ આવનારા સમયમાં રુસ સાથેનો ચીનનો વેપાર જીતે છે કે ભારત સાથેના તેના ઐતિહાસિક સંબંધો એ કહેવું મુશ્કેલ છે.