ઑપરેશન એન્ટેબી - ઇઝરાયલી કમાન્ડોની જવાંમર્દીની અદ્ભુત દાસ્તાન

    ૦૬-જુલાઇ-૨૦૨૦
કુલ દૃશ્યો |

Operation Entebbe_1 
 
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સીસ દ્વારા જે દિલધડક ઑપરેશનો પાર પાડવામાં આવ્યાં છે તેમાં એક ઑપરેશન એન્ટેબી છે. આ ઑપરેશનને ઑપરેશન જોનાથન અથવા તો ઑપરેશન થંડરબોલ્ટ પણ કહેવામાં આવે છે. યુગાન્ડાના એન્ટેબી એરપોર્ટ પર ઇઝરાયલી કમાન્ડોએ 4 જુલાઈ, 1976ના રોજ જે પરાક્રમ કરી બતાવ્યું તેવા પરાક્રમનો જોટો કદાચ ઇતિહાસમાં નહીં જડે. આ ઑપરેશન એર ફ્રાન્સના વિમાનને છોડાવવા માટેનું હતું. આ ઑપરેશનમાં ઇઝરાયલી કમાન્ડોએ માત્ર અપહરણકારોને જ ઠાર નહોતા માર્યા પણ તેમને મદદ કરનારા યુગાન્ડાના ક્રૂર સરમુખત્યાર ઈદી અમીનના પીઠ્ઠુ સૈનિકોને પણ ઠાર માર્યા હતા. આ પરાક્રમ એટલા માટે વધારે મહત્ત્વનું છે કે ઇઝરાયલી કમાન્ડોએ યુગાન્ડામાં ઘૂસીને આ ઑપરેશન પાર પાડ્યું હતું. વિદેશની ધરતી પર જઈને આવું સાહસ કરવા માટે છત્રીસની છાતી જોઈએ અને ઇઝરાયલે ફરી સાબિત કર્યું કે તેના કમાન્ડોની છાતી છત્રીસની છે ને જવાંમર્દીમાં તેમને કોઈ ના પહોંચે.
 

ઑપરેશન એન્ટેબીનાં મૂળ 27 જૂન, 1976ની ઘટનામાં છે. એર ફ્રાન્સની એર બસ અ 300 ઇઝરાયલની રાજધાની તેલ અવીવથી 246 પ્રવાસીઓ અને 12 ક્રુ મેમ્બર્સ સાથે રવાના થઈ. એથેન્સ એરપોર્ટ પરથી બીજા 58 પ્રવાસીઓ તેમાં ચડ્યા. આ પ્રવાસીઓમાં ચાર અપહરણકારો પણ હતા. આ અપહરણકારોમાં બે સભ્યો પોપ્યુલર ફ્રન્ટ ફોર ધ લિબરેશન ઓફ પેલેસ્ટાઈનના હતા અને બે સભ્યો જર્મન રીવોલ્યુશનરી સેલ્સના હતા. તેમનાં નામ હતાં વિલફ્રિડ બોસ અને બ્રિગિટ કુલહામ. આ એર બસ પેરિસ જવાની હતી પણ અપહરણકારોએ તેને લિબિયાના બેંગહાઝીમાં લેવડાવી. એ વખતે લિબિયામાં કર્નલ ગદ્દાફીનું રાજ હતું તેથી તે અપહરણકારોને તમામ મદદ કરવા તૈયાર હોય તે સમજી શકાય તેવી વાત છે. અહીં પ્લેનમાં ફ્યુઅલ ભરવામાં આવ્યું અને સાત કલાકના રોકાણ પછી પ્લેન લિબિયાથી રવાના થયું. લિબિયામાં અપહરણકારોએ એક મહિલાને મુક્ત કરી હતી. તેણે પોતે સગર્ભા છે અને પોતાને કસુવાવડ થઈ છે તેવું નાટક કરીને છૂટી જવામાં સફળતા મેળવી હતી.
 

Operation Entebbe_1  
 
આ પ્લેન 28 જૂનની સવારે 3.15 કલાકે યુગાન્ડાના એન્ટેબી એરપોર્ટ પર પહોંચ્યું. અહીં બીજા ચાર અપહરણકારો તેમની સાથે જોડાવા તૈયાર હતા. ઈદી અમીન ઇઝરાયલના કટ્ટર વિરોધી હતા ને તેમણે અહીં અપહરણકારોને માટે તમામ તૈયારીઓ કરી રાખી હતી. પ્લેન આવ્યું કે તરત જ ઈદી અમીનના સૈનિકોએ આ પ્લેનને ઘેરી લીધું. ઈદી અમીનના સો કરતાં વધારે સૈનિકો પ્લેનની આસપાસ ખડકાઈ ગયા હતા.
 
આ પ્લેનનું અપહરણ થયું હોવાના સમાચાર આખી દુનિયામાં ફરી વળ્યા હતા પણ અપહરણકારો ક્યાં છે તે ખબર નહોતી તેથી ઇઝરાયલ ઊંચા જીવે બેઠું હતું. અપહરણકારો તરફથી કોઈ સંદેશો ના આવે ત્યાં સુધી એ કશું કરી શકે તેમ નહોતા. 28 જૂનની સવારે અપહરણકારો તરફથી પહેલો સંદેશો આવ્યો કે જેમાં ઇઝરાયલની જેલોમાં બંધ 40 પેલેસ્ટાઈની આતંકવાદીઓને મુક્ત કરવાની માગણી કરાઈ હતી. આ ઉપરાંત કેન્યા, ફ્રાન્સ, પશ્ર્ચિમ જર્મની અને સ્વિત્ઝરલેન્ડની જેલોમાં બંધ બીજા 13 કેદીઓને મુક્ત કરવાની માગણી પણ મુકાઈ. અપહરણકારોએ ધમકી આપી કે જો આ કેદીઓને મુક્ત નહીં કરાય તો તેઓ 1 જુલાઈથી પ્રવાસીઓને મારવાની શરૂઆત કરશે.
 
અપહરણકારોએ પ્રવાસીઓને બે જૂથમાં વહેંચી દીધા હતા. પહેલા જૂથમાં તેમણે ઇઝરાયલીઓ અને યહૂદીઓને રાખ્યા જ્યારે બીજા જૂથમાં બીજા બધા પ્રવાસીઓને તથા ક્રુ મેમ્બર્સને રાખ્યા. તેમણે એ સાફ કહી દીધું કે તેમને યહૂદીઓ સામે નહીં પણ ઇઝરાયલ સામે દુશ્મનાવટ છે. જો કે તેમણે ઇઝરાયલીઓ-યહૂદીઓને એક જૂથમાં રાખ્યા તેના પરથી સાફ હતું કે તેમનો ઇરાદો તેમને પતાવી દેવાનો હતો.
 

Operation Entebbe_1  
 
અપહરણકારોએ 28 જૂનની બપોરે 47 લોકોને મુક્ત કર્યા. બીજા દિવસે તેમણે વધુ 101 લોકોને છોડી દીધા. અપહરણકારોએ વિમાનના પાઇલટ માઈકલ બેકોસને પણ મુક્ત કર્યો પણ બેકોસે બધા પ્રવાસીઓની સુરક્ષાની જવાબદારી પોતાની છે તેમ કહીને મુક્ત થવાનો ઇન્કાર કરી દીધો. બીજા ક્રુ મેમ્બર્સે પણ એવું જ કર્યું અને તેના કારણે 105 લોકો રહી ગયા.
 
ઇઝરાયલે પહેલાં તો વાટાઘાટો દ્વારા બધાંને છોડાવવા પ્રયાસ કર્યા. બરૂચ બુરકા બાર-લેવ નામના નિવૃત્ત અધિકારીએ પોતે ઈદી અમીન સાથે વાત કરી પણ સફળતા ના મળી. આ દરમિયાન 1 જુલાઈ આવી ગઈ. ઇઝરાયલે અપહરણકારોને 4 જુલાઈ સુધીની મુદત આપવા વિનંતી કરી. ભારે આનાકાની પછી અપહરણકારો તે માટે તૈયાર થયા અને આ ચાર દિવસ જ મહત્ત્વના સાબિત થયા. આ ચાર દિવસમાં તો ઇઝરાયલે એવો ખેલ પાડી દીધો કે દુનિયા આખી દંગ થઈ ગઈ.
મોસાદે પોતાના જાસૂસો અને મુક્ત થયેલા પ્રવાસીઓ પાસેથી મેળવેલી માહિતીના આધારે પ્લેનમાં શું પરિસ્થિતિ છે અને બહાર શું હાલત છે તેનો અંદાજ મેળવી લીધો હતો. તેના આધારે ઑપરેશન થંડરબોલ્ટનું આયોજન કરાયું અને મેજર જનરલ યેકુતીયેલ કુટી આદમને ઑપરેશનના કમાન્ડર બનાવાયા. માતાન વિલાની અને બ્રિગેડિયર જનરલ ડાન શોરમોન કમાન્ડો ઑપરેશનના ચીફ નિમાયા.
 
આ ઑપરેશન માટે આફ્રિકાની કોઈ સરકારની મદદ જરૂરી હતી. કેન્યામાં બ્લોક હોટલની મોટી ચેઈન છે. તેના માલિક તરીકે યહૂદી છે. તેમણે કેન્યાના પ્રમુખ ઝી જોમો કેન્યાત્તાને ઇઝરાયલને મદદ કરવા સમજાવ્યા. એન્ટેબી ટર્મિનલ સોલેલ બોનેહ નામની ઇઝરાયલી કંપ્નીએ બાંધેલું. તેના કારણે આ ટર્મિનલનો આખો નકશો ઇઝરાયલી કમાન્ડો પાસે હતો. મોસાદના મુકી બેતઝેરે એક પ્રવાસી પાસેથી અપહરણકારો પાસે કેટલાં શસ્ત્રો છે તેની માહિતી મેળવી. આ બધી તૈયારી પછી 100 કમાન્ડોની ટાસ્ક ફોર્સ તૈયાર કરાઈ. આ ટાસ્ક ફોર્સ ખાસ વિમાનમાં કેન્યાના નૈરોબી પહોંચી. બે બોઈંગ વિમાનમાં હથિયારો અને મેડિકલ સવલતો પહોંચાડવામાં આવી.


ઈદી અમીન પાસે કાળી મર્સીડીઝ કાર હતી અને તેની સાથે હંમેશાં લેન્ડ રોવર્સ કાર રહેતી. ઇઝરાયલે આવી જ બે કાર ખરીદી. આ કાર કાર્ગો વિમાનમાં લઈને ઇઝરાયલી કમાન્ડો 3 જુલાઈની રાત્રે એન્ટેબી પહોંચ્યા. આ કાર્ગો વિમાન કેન્યાનું હતું તેથી તે આસાનીથી એન્ટેબી એરપોર્ટ પર ઊતર્યું. એરપોર્ટ પર ઊતરતાં જ ઈદી જેવી મર્સીડીઝ અને લેન્ડ રોવર્સમાં કમાન્ડો જ્યાં અપહૃતોને રખાયા હતા તે ટર્મિનલના મુખ્ય બિલ્ડિંગ તરફ આગળ વધ્યા. ઈદી અમીને થોડાક દિવસ પહેલાં સફેદ મર્સીડીઝ કાર ખરીદી હતી તેથી સંત્રીઓને શંકા ગઈ. તેમણે કાર રોકવાનો પ્રયાસ કર્યો પણ કમાન્ડોએ સાયલેન્સર ચડાવેલી પિસ્તોલોનો ઉપયોગ કરીને તેમને ખામોશ કરી દીધા.
 
અપહરણકારોને કોઈ ચેતવી ના દે એટલા માટે કમાન્ડોએ મર્સીડીઝ અને લેન્ડ રોવર્સ સીધી વિમાન તરફ જ લીધી. અપહરણરકારો કંઈ સમજે તે પહેલાં તો કમાન્ડો ત્રાટક્યા અને સપાટો બોલાવી દીધો. સાત અપહરણકારો મુખ્ય હોલમાં હતા. કમાન્ડોએ તેમને ખતમ કરી નાંખ્યા અને તમામ અપહૃતોને મુક્ત કરાવ્યા. બધાંને લેન્ડ રોવર્સમાં ભરવામાં આવ્યા. માત્ર 23 મિનિટમાં તો આ ઑપરેશન ખતમ થઈ ગયું હતું. એ દરમિયાન યુગાન્ડાના સૈનિકો આવી પહોંચ્યા હતા. તેમણે ઇઝરાયલી સૈનિકો પર ગોળીબાર શરૂ કર્યો. ઇઝરાયલી સૈનિકો તેને માટે તૈયાર જ હતા. તેમણે વળતો જવાબ આપ્યો. આ લડાઈ 30 મિનિટ ચાલી અને તેમાં ઇઝરાયલનો એક કમાન્ડો માર્યો ગયો. બીજી તરફ યુગાન્ડાના 45 સૈનિકોનાં મોત નીપજ્યાં. આ દરમિયાન કમાન્ડોએ બધા અપહૃતોને વિમાનમાં ચડાવી દીધા હતા. યુગાન્ડાના સૈનિકો વધુ કંઈ કરે એ પહેલાં તો આ વિમાન એન્ટેબીથી ઊપડીને નૈરોબી પહોંચી ગયું હતું.
 
માત્ર 53 મિનિટના ઑપરેશન દ્વારા ઇઝરાયલે સાબિત કરી દીધું કે દુનિયામાં કોઈ તેમને ઝૂકવાની ફરજ પાડી શકે તેમ નથી.
 
- જય પંડિત