કહેવત કથા । ગામના મોઢે ગરણું નોં બંધાય

    ૦૮-જુલાઇ-૨૦૨૦
કુલ દૃશ્યો |

gama na modhe garanu_1&nb 
 

ગામના મોઢે ગરણું નોં બંધાય

 
બાવન બાગની ઓઢણીમાં પાતળી કેડ્યવાળી પૂતળી ઓપતી હોય એવું ઉત્તર ગુજરાતનું અલબેલું ગામ પેથાપુર એનું નામ. પેથાપુરમાં આલમની અઢારે વરણ વસે. દરેક વરણના લોકોના દરહણ અને ખાસિયતો ઉપરથી ગામલોકોએ કેટલાકનાં નામ ઠેરવેલાં. આ નામ પણ કેવાં ? કાળુ વાંક, તખો ટીલિયો, મોતી ઢોલક, પોપટ મૂંછ, છગન ભોપો, રામસંગ ભોલ, બળવંત બાંઠી, લાલિયો લંગડ, ગંભુ ગાંઠ્ય, લઘરો લંબટંકો, ચકો ચાંપલો આવાં નામોની જાણે ગાંસડી જ બાંધી લ્યો ને !
 
પેથાપુર ગામની પાંચસો માણસની વસતીમાં સૌથી શિરમોર એવા પસાની મૂળ અટક પરમાર, પણ એ અટકથી એને કોઈ નો ઓળખે. પસો કાછલિયો કહ્યો એટલે ગામનું નાનું છોકરુંય એને ઓળખી જાય. ગામલોકોએ પરમારને બદલે પસાની અટક કાછલિયો ઠેરાવી દીધી એની કથા પણ રસપ્રદ છે. પસાની મા નાનપણમાં મોટા ગામતરે ચાલી નીકળેલી (મૃત્યુ પામેલી). પસાનો બાપ અફીણ ને હોકાનો હરડ બંધાણી. પસો સમજણો થયો ત્યારે તો એના બંધાણી બાપે ઘરનું ખોરડું. વાસણકૂસણ સંધુંય વેચી ખાધેલું. અફીણ ન મળતાં છેલ્લી અવસ્થામાં ધરતીમાથે ટાંટિયા ઘસીને મરણ પામેલો.
પંડ ઉપર પહેરેલા એક જોડી લૂગડાં સિવાય પસા પાસે કાંઈ માયામૂડી ન મળે. પસો પંડોપંડ એકલો એટલે મજૂરી કરે. આ પસાને નાનપણથી નાળિયેર બઉ વહાલાં. હનુમાનદાદાની દેરીએ નિત્ય જાય. કોઈ નાળિયેર લઈને આવે તો :
 
‘લાવો બા નાળિયેર વધેરી આલું’ એમ કહેતો હાથમાં નાળિયેર લઈ દાંતથી છાલોતરાં કાઢી, નાળિયેર ફોડી, મઈથી ગોટો કાઢી કાછલી પોતે લઈ લેતો. આ કાછલી જ એની થાળી, વાટકી અને લોટો બની જતો. ગામમાં કોઈને ત્યાં સારો પ્રસંગ હોય ને ગામધુમાડો બંધ હોય ત્યારે પસો હાથમાં કાછલી લઈને વરામાં જમવા જતો. આથી ગામલોકોએ એનું નામ ‘પસો કાછલિયો’ ઠેરાવી દીધેલું.
 
આ તો ભૂતકાળની વાત બની ગઈ. એ પછી તો પસાએ મજૂરી પડતી મૂકીને શાકબકાલાનો સૂંડલો ફેરવવાનો શરૂ કર્યો ને બે-પાંચ વર્ષે બે પાંદડે થયો. એણે ગામમાં શાકપાંદડાની દુકાન શરૂ કરી. લાઈનધંધે ચડતાં પસો પાસેના ગામમાં પોંખાણો (પરણ્યો). પસાને પત્ની પણ ગુણિયલ અને સમજુ મળી. ગામલોકો પસાને કાછલિયો કહીને બોલાવતાં એ આ બાઈને ગમતું નહીં. એક દિવસ આ બાઈ પસાને કહેવા લાગી : ‘આ કાછલિયા શાખ માટે કાંક કરો ને ?’
 
‘શું કરું ?’
 
‘શાખ બદલી નાખો.’
 
‘શી રીતે બદલું ? કૂવાના મોઢે ઢાંકણ દેવાય પણ ગામના મોઢે ગરણું થોડું બંધાય છે ? નાનપણથી મને બધા આ નામે જ ઓળખે છે. લોકોને કાછલિયો બોલવાની ટેવ પડી ઈ કેમ કરીને ટળે ?’
 
‘હું તમને એક ઉપાય બતાવું.’
 
‘શું ?’
 
‘ભગવાને આપણને સોળેય સુખ આલ્યાં છે. પૈસાટકાનો હવે તૂટો નથી. તો આપણે ગામધુમાડો બંધ કરીને ગામ આખાને જમાડીએ અને પછી બે હાથ જોડીને કહીએ કે મહેરબાની કરીને કાલ્યથી સંધાય પસાભાઈ પરમાર તરીકે બોલાવજો.’
 
પસાભાઈને પત્નીની વાત ગળે ઊતરી ગઈ. એમણે ગામ આખાને પૂનમના દિવસે રૂડી રીતે જમાડવાનું નક્કી કર્યું. વાળંદ ઘરોઘર જઈને નોતરાં દઈ આવ્યો. પસાભાઈએ ચોખ્ખા ઘીના ચુરમાના લાડુ બનાવ્યા. ગામલોકો જમવા લાગ્યા ત્યારે પસાભાઈએ પંગત વચાળે ફરી બે હાથ જોડી ગામલોકોને એટલું જ કીધું :
 
‘આજથી હવે તમે મને પસાભાઈ પરમાર તરીકે ઓળખજો. મારું કાછલિયો નામ કેન્સલ કરજો.’
 
ગામલોકો અચ્છી તરહસે જમીને ઊભા થયા એટલે પસાભાઈએ બધાને જર્મન સિલ્વરનો એકુકો થાળી-વાટકો ભેટ આપ્યો. હાથમાં થાળી-વાટકો લઈને માવુભાઈ મુખી પસાભાઈની ખડકીમાંથી બહાર નીકળ્યા. ત્યાં રાંધેજાથી આવેલા એમના વેવાઈ સામા મળ્યા. રામરામ ને શામશામ કરીને પૂછ્યું :
 
‘માવુભાઈ ! થાળી-વાટકો લઈને આમ ક્યાં જઈ આવ્યા ?’
 
‘પસા કાછલિયાએ ધુમાડાબંધ ગામ જમાડ્યું. એને ન્યાં જમવા જીયા’તા.’
 
ત્યારે ત્યાં ઊભેલા વાતડાહ્યા ચારણે કીધું : ‘માનવીની એકવાર છાપ પડી ઈ મરણપર્યંત નથી ભૂંસાતી. ગાયની વાછડી બદુડી કહેવાય. મોટી થાય ત્યારે વોડકી કહેવાય. વિવાય પછી ગાય કહેવાય. વાછરડો નાનો હોય ત્યારે રેલ્લો કહેવાય. ખૂંટિયો કહેવાય. બળદ કે ઢાંઢો કહેવાય. ભેંસનું બચ્ચું નાનું હોય ત્યારે પાડું કહેવાય. મોટું થાય ત્યારે ખડઅલી કહેવાય. પણ પાડો હોય ઈ જન્મે ત્યારે પાડો કહેવાય. મોટો થાય તોય પાડો કહેવાય ને મરે તોય પાડો કહેવાય. ઈમ એવું આ પસા કાછલિયાનું છે. એકવાર એણે કાછલીમાં ખાવાનું શ‚ કર્યું પછી હવે ઈ સોનાની થાળીમાં જમે તોય ઈ કાછલિયો જ કહેવાવાનો. લોકોનું ‘લખણ ન બદલે લાખા’ જેવું છે. જીભ એકવાર જે બાજુ વળી ઈ વળી. કહેવતમાં કીધું ને કે બૂંદકી બગડી હોજથી નો સુધરે, ઈના જેવી આ વાત છે. હવે ગામના મોઢે ગરણું થોડું જ બંધાય છે ?’
 
પસાભાઈના પરાક્રમને લોકો ભૂલી ગયા પણ જગબત્રીસીએ આ કહેવત જીવી ગઈ.