સંતાનોને માત્ર જીવવાનું જ નહીં, હારીને જીતવાનું પણ શીખવો

    ૦૧-ઓગસ્ટ-૨૦૨૦
કુલ દૃશ્યો |

runing_1  H x W
પ્રતિકાત્મક તસવીર... 
 
સ્પેનના એક શહેર બર્લાડમાં ક્રોસ કન્ટ્રી રેસનું આયોજન થયું હતું. ક્રોસ કન્ટ્રી રેસમાં ૪ થી ૧૨ કિલોમીટર સુધીની લાંબી દોડ હોય છે. આ દોડ સામાન્ય રસ્તા પર નહીં પરંતુ ટેકરા-ખાડાવાળો રસ્તો, જંગલ, કાદવ, પાણી વગેરેમાંથી પસાર થતા રસ્તા પર આયોજિત થાય છે. દોડનું સમાપન મેદાનમાં થતું હોય છે. બર્લાડમાં આયોજિત આવી ક્રોસ કન્ટ્રી દોડમાં વિશ્ર્વભરના ઘણા દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. કેન્યાનો ખેલાડી અબેલ મુત્તાઈ સૌથી આગળ દોડી રહ્યો હતો. જ્યારે દોડના અંતિમ ભાગમાં રેડ ગ્રાઉન્ડ પૂરું થયું અને ગ્રીન ભાગમાં પ્રવેશ કર્યો ત્યારે લોકોએ તાળીઓનો ગડગડાટ કર્યો એટલે અબેલને એવું લાગ્યું કે પોતે રેસ જીતી ગયો, જ્યારે વાસ્તવિકતા એ હતી કે ફિનિશ લાઇન હજુ ૩૨ ફૂટ (લગભગ ૧૦ મીટર) દૂર હતી.


 
અબેલ મુત્તાઈની પાછળ થોડા અંતરે સ્પેનિશ ખેલાડી ઇવાન ફર્નાન્ડીઝ દોડી રહ્યો હતો. અબેલ મુત્તાઈએ દોડવાનું બંધ કર્યું એટલે પાછળ રહેલા ઇવાનને સમજાઈ ગયું કે અબેલની ભૂલ થઈ છે અને બે ગ્રાઉન્ડ વચ્ચેની લાઇનને જ ફિનિશ લાઇન ગણીને એણે દોડવાનું બંધ કરી દીધું છે. ઇવાન ઇચ્છત તો દોડીને અબેલથી આગળ નીકળી જાત અને વિજેતા બની જાત, કારણ કે અબેલે દોડવાની ગતિ જ ઓછી કરી દીધી હતી. અબેલથી આગળ નીકળી જવાને બદલે ઇવાને પાછળથી જ રાડ પાડીને અબેલને કહ્યું કે વિજય રેખા હજુ થોડી આગળ છે. તું દોડવાનું ચાલુ રાખ. અબેલ સ્પેનિશ ભાષા જાણતો નહોતો એટલે ઇવાન શું રાડો પાડે છે એની ખબર પડતી નહોતી. અબેલને તો એમ જ હતું કે પોતે વિજેતા બની ગયો છે એટલે એણે પાછળ જોયું કે ઇવાન શા માટે રાડો પાડે છે ? અબેલે જેવું પાછળ જોયું એવું ઇવાને એને હાથના ઇશારાથી સમજાવ્યું કે વિજય રેખા આગળ છે, દોડવાનું ચાલુ રાખ અને ત્યાં પહોંચી જા. અબેલ મુત્તાઈ ઇશારો સમજી ગયો અને ઊભા રહેવાના બદલે દોડવાનું ચાલુ રાખ્યું. અબેલ મુત્તાઈ વિજેતા બન્યો જ્યારે ઇવાન ફર્નાન્ડીઝ રનરઅપ બન્યો.
 

બધા લોકોને આશ્ર્ચર્ય થતું હતું કે ઇવાને આવું કેમ કર્યું ? અબેલની ભૂલનો લાભ લઈને પોતે આસાનીથી જીતી શકે તેમ હતો છતાં અબેલને મદદ કરીને જીતવા દીધો ? જ્યારે પત્રકારોએ આ બાબતે ઇવાનને પૂછ્યું ત્યારે એણે કહ્યું, અબેલ મુત્તાઈ દોડવામાં મારાથી આગળ જ હતો. જ્યારે એ ગ્રીન ગ્રાઉન્ડમાં પ્રવેશ્યો ત્યારે અમારા બંને વચ્ચેનું અંતર એટલું હતું કે જો એમણે દોડવાનું ચાલુ જ રાખ્યું હોત તો હું એની આગળ નીકળી શકું તેમ હતો જ નહીં. ગેરસમજને લીધે અબેલે દોડવાનું બંધ કર્યું એનો ગેરલાભ લઈને હું એની આગળ નીકળી જાવું અને વિજેતા બનું તો એ વિજયનો આનંદ મને કેવી રીતે આવે ? એવી રીતે અબેલને ભૂલ સમજાવીને મદદ કરી જે ખરેખર તો મારી નૈતિક ફરજ જ હતી. આ ક્રોસ કન્ટ્રી રેસમાં જીત કોની થઈ ? અબેલ મુત્તાઈની કે ઇવાન ફર્નાન્ડીઝની ? ઇવાન હારીને પણ જીતી ગયો. જીત બંનેની થઈ. એકની રમતમાં જીત થઈ અને બીજાની સંસ્કારોનું જતન કરવામાં જીત થઈ. આપણા સંતાનો અને ભાવી પેઢીને માત્ર જીતવાનું જ નહીં, હારીને જીતવાનું પણ શીખવવું.