આદેશ મળતાં જ એક મોટો ધડાકો થયો અને કેપ્ટન ગુરબચન સિંહ સલારિયાની ટીમે દુશ્મનોનાં બખ્તરબંધ વાહનોને ઉડાવી દીધાં.

    ૧૭-ઓગસ્ટ-૨૦૨૦
કુલ દૃશ્યો |

captain gurbachan singh s 
 
વિદેશી ઘૂસણખોરોનો હુમલો - ૧૯૬૧(કાંગો)
 

દુશ્મનો દોઢસો હોય કે દોઢ હજાર, આપણે તો એકે હજારા !

૫મી ડિસેમ્બર,૧૯૬૧નો દિવસ કાંગોની ધરતી માટે ભારે રક્તરંજિત ઇતિહાસ લઈને આવ્યો હતો.
વિદેશી ઘૂસણખોરોએ આજથી જ એમની યોજનાનો પ્રારંભ કરી દીધો હતો. લગભગ ૧૫૦ જેટલા ઘૂસણખોરોએ એલિઝાબ્ોથ વિલે અને એની આસપાસના વિસ્તારને ઘેરી લીધો હતો. રસ્તા પર અનેક અવરોધો ઊભા થયા હતા, જેથી સૈનિકોને અવરજવર કરવામાં અડચણો પેદા થવા લાગી હતી.
 
ગુરખા રેજીમેન્ટે હવે ગોળીઓનો જવાબ ગોળીઓથી આપવાનું નક્કી કર્યું હતું.
 
બપોરના અઢી વાગ્યા હતા. સૈનિકોની બધી જ ટુકડી પોતપોતાના કામે લાગી ગઈ હતી. કેપ્ટન ગુરબચન સિંહની ટુકડી પોતાના સૈનિકો અને બખ્તરબંધ વાહનો સાથે એમના નિશ્ર્ચિત કરેલા સ્થળે પહોંચી ગઈ. ખરેખર દુશ્મનોના ટોળામાં થોડી શાંતિ હતી. લોકો હળવાશથી આંટા મારી રહ્યા હતા. એમની આળસનો લાભ લઈને કેપ્ટને એમની રોકેટ લોંચિંગ ટીમને આદેશ આપ્યો, ‘જવાનો ફાયર ! દુશ્મનોને ફૂંકી મારો...’
 
આદેશ મળતાં જ એક મોટો ધડાકો થયો. કેપ્ટન સલારિયાની ટીમે દુશ્મનોનાં બખ્તરબંધ વાહનોને ઉડાવી દીધાં. કેટલાંય વિદ્રોહીઓ પણ એ ધડાકામાં ધુમાડો થઈ ગયા. કેપ્ટન સલારિયાની ટુકડીમાં માત્ર ૧૬ જવાનો હતા જ્યારે સામે પક્ષે આખી કૌરવસેના હતી.
 
વીફરેલા દુશ્મનોએ એમની ટુકડીને ચારે તરફથી ઘેરી લીધી હતી. ગોળીઓનો વરસાદ એમના પર પણ થઈ રહ્યો હતો. એમની ગોળીઓનો જવાબ આપતાં આપતાં એ એક પછી એક દુશ્મનનાં ઢીમ ઢાળતા આગળ વધી રહ્યા હતા. વધારામાં રસ્તામાં દુશ્મનોએ ઊભા કરેલા અવરોધો પણ દૂર કરવાના હતા.
 
સોળ સામે સોનું યુદ્ધ ક્યાંય સુધી ચાલતું રહ્યું.. કેપ્ટન સલારિયા પોતે લડતા હતા અને એમના જવાનોમાં જુસ્સો પણ ભરતા હતા, ‘જવાનો, આ તો બધા મગતરા છે... એ લોકો ભલે ગમે તેટલા હોય આપણે સૌ એકે હજારા છીએ... તૂટી પડો... જોજો એક પણ દુશ્મન જીવતો ના જાય... એમના આદેશો થતાં જ રોકેટ લોન્ચરોનો મારો થયો, જવાનો ખૂખરી લઈને મેદાને પડતા તો કોઈ ગ્રેનેડનો ધમાકો કરતું.
 
વિદ્રોહીઓએ સપનેય વિચાર્યું નહોતું કે માત્ર સોળ જણની ટુકડી એમની સો જણની કૌરવસેનાને ભારે પડી શકશે. પરંતુ કદાચ આ એકે હજારા જેવો સપૂત ભારત માતાના નસીબમાં નહીં હોય એટલે જ એક કટ્ટર વિદ્રોહીએ ભાગતાં ભાગતાં કેપ્ટનના કપાળનું નિશાન લઈને ગોળી છોડી. એનું નિશાન ચૂકી ગયું પણ ગોળી એનું કામ ના ચૂકી. હવાને ચીરતી આવેલી ગોળી બે જ ક્ષણોમાં કેપ્ટન સલારિયાના કપાળને બદલે ગળાને વીંધીને આરપાર નીકળી ગઈ. કેપ્ટન ગુરબચન સિંહ, ‘જય હિન્દ...’ એટલું બોલીને નીચે ઢળી પડ્યા.
 
કેપ્ટનને ઢળી પડતા જોઈ એમની ટુકડીના જવાનોને છાતી પર બખ્તરબંધ ગાડી ફરી વળી હોય એવી વેદના થઈ અને વીફરેલા ગોરખા સૈનિકો ‘આયો ગોરખાવાલી’ના નારા સાથે હાથમાં ખૂખરી લઈને ભાગતા દુશ્મનો પર તૂટી પડ્યા. જોતજોતામાં વિદ્રોહીઓની લાશોથી આખુંયે કાંગો ભરાઈ ગયું.
 
કાંગો તો વિદ્રોહીઓથી મુક્ત થઈ ગયું હતું પણ એ માટે ભારત માતાએ એના એક વીર સપૂતનું બલિદાન આપવું પડ્યું હતું. કેપ્ટન ગુરબચન સિંહ સલારિયા શહીદ થયા હતા. વિદ્રોહીઓની કૌરવસેના સામે શૂરવીરતા બતાવી કાંગોને મુક્ત કરાવવા બદલ ભારત સરકારે એમને મરણોત્તર પરમવીર ચક્રથી સન્માનિત કર્યા.