મેજર ટેંગો જેમની ટીમને આતંકીઓના મૃતદેહો ગણવામાં સમય બર્બાદ ન કરવાની સૂચના આપાઈ હતી

18 Aug 2020 11:23:09

Major Tango_1   
 

જર ટેંગો | સર્જિકલ સ્ટ્રાઇક - ૨૦૧૬ (ઉરી) ભારતીય સૈનિકો સતત ૫૮ મિનિટ સુધી ઉરીના આતંકીઓ સાથે લડ્યા

 

દુશ્મનો અને ભારતના જાંબાજો વચ્ચે લગભગ ૫૮ મિનિટ સુધી ગોળીઓની રમઝટ જામી. મેજર ટેંગોની ટીમને પહેલેથી જ સૂચના આપી દેવામાં આવી હતી કે, તેમણે આતંકીઓના મૃતદેહો ગણવામાં સમય બર્બાદ કરવાનો નથી. માત્ર પોતાનું કામ પતાવી ત્યાંથી નીકળી જવાનું છે.  

 
ભારતના ઇતિહાસમાં ૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૬ની રાત ભારતના જાંબાઝ કમાંડો દ્વારા છેક પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીરમાં પહોંચી આતંકી કેમ્પોમાં તાંડવ મચાવવાને લઈ હંમેશા યાદ રાખવામાં આવશે. ૧૮ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ પાકિસ્તાનથી આવેલા નાપાક આતંકીઓએ જમ્મુ-કાશ્મીરનાં ઉરી સેક્ટરમાં ભારતીય સૈન્ય કેમ્પો પર કાયરતાપૂર્ણ હુમલો કર્યો હતો, જેમાં ૧૮ જેટલા ભારતીય જવાનો શહીદ થયા હતા. આ ઘટનાથી સમગ્ર દેશમાં રોષ ફાટી નીકો હતો. ભારતીય સેનામાં બદલાની આગ ભભૂકી ઊઠી અને ત્યાર બાદ જે થયું તે જોઈ ન માત્ર પાકિસ્તાન, સમગ્ર દુનિયા મોંમાં આંગળાં નાખી ગઈ હતી.
 
ભારતના વીર જવાનોએ ૨૮-૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીરમાં ચાર જેટલા આતંકવાદી કેમ્પો પર સર્જિકલ સ્ટ્રાઈક કરી નેસ્તોનાબૂદ કરી દીધા હતા અને અત્યંત છૂપા એવા મિશનના નાયક હતા મેજર ટેંગો.
 
ઉરી પરના આતંકી હુમલા બાદ તાબડતોબ અંત્યત ગોપનીય વોર રુમ્સમાં ભારતના સુરક્ષા પ્રબંધનની છૂપી બેઠક યોજાઈ જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ સામેલ થયા હતા, જેમાં નિર્ણય કરવામાં આવ્યો કે આ વખતે ભારતીય સેના આ લડાઈને દુશ્મનના ઘર સુધી લઈ જશે અને આ દુઃસાહસનો એવો તો જડબાતોડ જવાબ આપશે કે જેની નોંધ ઇતિહાસ લેશે અને આ લડાઈની જવાબદારી એલીટ પેરા એસએફના ટુઆઈસી મેજર માઇક ટેંગોને આપવામાં આવી. માઈક ટેંગો તે તેમનું અસલી નામ નથી. સુરક્ષા કારણોસર તેમનું અસલી નામ ક્યાંય પ્રકાશિત કરવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે સ્પેશિયલ ફોર્સના અધિકારીઓને ક્રેમ ડેલા કેમ ઓફ સોલ્જર્સ કહેવામાં આવે છે. આ જવાનો ભારતીય સેનાના સૌથી ફીટ, મજબૂત અને માનસિક રૂપે સૌથી સજાગ સૈનિકો હોય છે. તેમનામાં નિર્ણય લેવાની ક્ષમતા સૌથી ઝડપી હોય છે અને જ્યાં જિંદગી અને મોતનો મામલો હોય ત્યાં તો તેમનું દિમાગ સુપર કોમ્પ્યુટરથી પણ વધારે ઝડપે ચાલે છે. ખતરનાક પરિસ્થિતિઓમાં જીવતા રહેવાની કલા જેટલી આ સૈનિકોને આવડે છે, તેટલી અન્ય કોઈને આવડતી નથી. સામાન્ય રીતે સેનાનો ઉપયોગ રક્ષણ માટે કરવામાં આવે છે, પરંતુ સ્પેશિયલ ફોર્સના આ સૈનિકો એક રીતે શિકારી હોય છે. તેમનો ઉપયોગ દુશ્મનોના શિકાર માટે થતો હોય છે.
 
મેજર ટેંગોની ટીમે પાકિસ્તાનમાં બેઠેલા પોતાનાં ચાર સૂત્રોનો સંપર્ક કર્યો. આમાંના બે પાકિસ્તાન અધિકૃત ગુલામ જમ્મુ-કાશ્મીરનો હતો અને બે જૈશ-એ-મોહમ્મદમાં ભારત માટે કામ કરી રહેલા જાસૂસો હતા. ચારેય સ્રોતો પાસેથી અલગ-અલગ રીતે જાણકારી મેળવી પાકું કરવામાં આવ્યું કે આતંકવાદીઓના લોન્ચિંગ પેડમાં અનેક આતંકીઓ ભારતમાં હુમલો કરવા તૈયાર બેઠા છે.
 
માઇક ટેંગોના નેતૃત્વમાં ૧૯ ભારતીય જવાનોએ ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૬ની રાત્રે સાડા આઠ વાગ્યે પોતાના સ્થાનેથી મિશન માટે પગપાળા જ ચાલવાનું શરૂ કર્યું અને ૨૫ મિનિટમાં જ તેઓએ એલઓસી પાર કરી લીધી. ટેંગો પાસે તેમની એમ૪એ૧ ૫.૫ એમએમની કારબાઈન હતી. તો તેમની ટીમના અન્ય જાંબાજો એમ૪એ૧ સિવાય ઇઝરાયેલ બનાવટની ટેવર ટાર-૨૧ અસોલ્ટ રાયફલોથી સજ્જ હતા. માઈક ટેંગો જાણતા હતા કે, આ પ્રકારનાં અભિયાનોમાં સૈનિકો પર જીવનું જોખમ ૯૯.૯૯૯૯ ટકા રહે છે. પરંતુ તે અને તેમની ટીમ આ કુર્બાની માટે માનસિક રૂપે તૈયાર હતી. મેજર ટેંગો એ પણ જાણતા હતા કે આ અભિયાનનું સૌથી મુશ્કેલ ચરણ પરત ફરતી વખતે શરૂ થવાનું હતું. કારણ કે ત્યારે પાકિસ્તાનીઓને ભારતીય સૈનિકો પીઓકેમાં હોવાની પૂરેપૂરી જાણકારી મળી ચૂકી હશે.
 
ચાર કલાક સુધી ચાલ્યા બાદ ટેંગો અને તેમની ટીમ લક્ષ્યની બિલકુલ નજીક પહોંચી ગઈ. તે આતંકવાદીઓના લોન્ચિંગ પેડથી મત્ર ૨૦૦ મીટર જ દૂર હતા કે અચાનક જ તે તરફથી ફાયરિંગ શરૂ થઈ ગયું. એક સેંકડ માટે તો તેમને લાગ્યું કે પાકિસ્તાનીઓને તેમના મિશન અંગે ભનક લાગી ગઈ છે. તમામ જવાનો એક સેંકડથી પણ ઓછા સમયમાં જમીન પર સૂઈ ગયા. મેજર ટેંગોના અનુભવી કાનોએ પળ વારમાં જ જાણી લીધું કે, આ માત્ર અંદાજ લગાવવા માટે કરવામાં આવેલ ફાયરિંગ છે માટે તેમની ટીમને આનાથી કોઈ જ ખતરો નથી. પરંતુ આ સાથે સાથે ખરાબ સમાચાર એ હતા કે આનાથી એ સાબિત થતું હતું કે આતંકી કેમ્પોમાં રહેલા આતંકીઓ સાવધાન હતા. છેવટે તેઓએ નક્કી કર્યું કે તેઓ હાલ હુમલો નહીં કરે અને ક્યાંક છુપાઈ જશે. અને ૨૪ કલાક બાદ બીજી રાત્રે દુશ્મનો પર હુમલો કરશે. રાતના અંધારામાં દુશ્મનના વિસ્તારમાં છુપાઈ રહેવું મુશ્કેલ ન હતું. પરંતુ સવાર પડતાં જ દુશ્મનની નજરથી આટલા બધા સૈનિકોનું બચી રહેવું એ ખૂબ મોટો પડકાર હતો. પરિસ્થિતિ એટલી પડકારજનક હતી કે જવાનોને પોતાનો હાથ કે ગરદન હલાવવાની પણ છૂટ ન હતી. પરંતુ આનાથી એક ફાયદો જરૂર થવાનો હતો કે તેઓને આ વિસ્તારને સમજવા અને રણનીતિ બનાવવા ૨૪ કલાક મળવાના હતા. ટેંગોએ છેલ્લી વાર સેટેલાઈટ ફોનથી પોતાના સીઓ સાથે સંપર્ક કર્યો ત્યાર બાદ તેને બંધ કરી દીધો.
 
૨૮ સપ્ટેમ્બર, મધરાતે દિલ્હીથી ૧૦૦૦ કિ.મી. દૂર ટેંગો અને તેમની ટીમ જ્યાં છુપાઈ હતી ત્યાંથી મિશનને અંતિમ રૂપ આપવા નીકા અને ધીરે ધીરે આતંકવાદીઓના લોંચ પેડ તરફ વધવા લાગ્યા. લોંચ પેડથી ૫૦ ગજ પહેલાં તેઓએ પોતાના નાઈટ વિઝન ડિવાઈસ મારફતે જોયું કે, બે લોકો આતંકવાદી કેમ્પોનો પહેરો ભરી રહ્યા છે. મેજર ટેંગોએ ૫૦ ગજના અંતરેથી જ નિશાન તાક્યું અને એક જ બર્સ્ટમાં બન્ને આતંકીઓને જહન્નુમમાં પહોંચાડી દીધા. ત્યાર બાદ ગોળીઓના ધણધણાટ કરતી મેજર ટેંગોની ટીમ આતંકવાદી કેમ્પો તરફ દોડી. અચાનક મેજર ટેંગોની નજર જંગલ તરફ ભાગી રહેલા બે આતંકીઓ પર પડી. તેઓ ભારતીય જવાનોને પાછળથી ઘેરી તેમના પર હુમલો કરવા માંગતા હતા. મેજર ટેંગો પણ તેમની પાછળ ભાગ્યા, પરંતુ આતંકીઓની નજર તેમના પર પડી ગઈ અને તેઓ એક ઝાડ પાછળ સુરક્ષિત પોઝિશન લેવામાં સફળ રહ્યા.
 
આતંકીઓ એવી પોઝીશનમાં હતા કે તેઓ મેજર ટેંગોને રસ્તામાં જ મારી શકતા હતા, પરંતુ આતંકીઓ પોતાની એ.કે. ૪૭ રાઇફલોથી નિશાન લે તે પહેલાં જ મેજર ટેંગો તેમના પર તૂટી પડ્યા અને આખું ચિત્ર એટલું ઝડપથી બદલાઈ ગયું કે તેઓએ પોતાની બરેટા-૯ એમએમ સેમી ઓટોમેટિક પિસ્તોલથી બન્ને આતંકીઓનું કામ તમામ કરી નાખ્યું.
 
દુશ્મનો અને ભારતના જાંબાજો વચ્ચે લગભગ ૫૮ મિનિટ સુધી ગોળીઓની રમઝટ જામી. મેજર ટેંગોની ટીમને પહેલેથી જ સૂચના આપી દેવામાં આવી હતી કે, તેમણે આતંકીઓના મૃતદેહો ગણવામાં સમય બર્બાદ કરવાનો નથી. માત્ર પોતાનું કામ પતાવી ત્યાંથી નીકળી જવાનું છે. પરંતુ એક અનુમાન મુજબ હુમલામાં મેજર ટેંગોની જાંબાઝ ટીમે ૩૮થી ૪૦ આતંકવાદીઓ અને પાકિસ્તાની સેનાના બે જવાનોને જહન્નમ પહોંચાડી દીધા હતા.
 
હવે મેજર ટેંગો સામે અસલી પડકાર હતો કે તે તેમની ટીમને સુરક્ષિત રીતે ભારતની સરહદ સુધી લઈ આવે, કારણ કે હવે પાકિસ્તાનને તેમની હાજરીની ખબર થઈ ચૂકી હતી. ભારતની આ અપ્રત્યાશિત કાર્યવાહી અને તેના દ્વારા પાકિસ્તાનને વેઠવી પડેલી જાનમાલની ભારે ખુવારીને કારણે ગુસ્સે થયેલા પાકિસ્તાની સૈન્યને જંગલના પાંદડામાં પણ જાણે કે ભારતના સૈનિકો દેખાઈ રહ્યા હતા. આડેધડ ગોળીબારીથી જાણે કે કાનના પડદા ચીરી રહી હતી. પાકિસ્તાનીઓની ગોળીઓ ભારતીય જાંબાજોના કાનોની બરોબર પાસેથી પસાર થઈ રહી હતી. મેજર ટેંગોએ પોતાની ટીમ માટે જાણી જોઈને ભારત પરત ફરવા અલગ રસ્તો પસંદ કર્યો તે રસ્તો લાંબો હતો. આ દરમિયાન ૬૦ મીટરનો એક વિસ્તાર એવો પણ આવ્યો જ્યાં છુપાવા માટે કંઈ જ ન હતું. તમામ જાંબાજોએ પેટના બળે સરકી આખો રસ્તો પાર કર્યો.
 
સવારના સાડા ચાર વાગ્યે મેજર ટેંગો અને તેમની ટીમે ભારતની સરહદમાં પગ મૂક્યો. પરંતુ ખતરો હજુ પણ ટો ન હતો. ત્યાં સુધી ત્યાં પહેલેથી હાજર ભારતીય સૈનિકો દ્વારા તેઓને કવર ફાયરિંગ આપવાનું શરૂ કરી દીધું હતું અને સૌથી મોટી વાત એ હતી કે આ સમગ્ર અભિયાનમાં મેજર ટેંગોની ટીમના એક પણ સદસ્યનો વાળ પણ વાંકો નહોતો થયો.
Powered By Sangraha 9.0