તંત્રીસ્થાનેથી... યે દેશ હૈ વીર જવાનોં કા...આ વિશેષાંક ભારતના ગૌરવ સમાન વીર જવાનોને સમપર્તિ છે

    ૧૮-ઓગસ્ટ-૨૦૨૦   
કુલ દૃશ્યો |

indian army_1   
 
 

આ વિશેષાંક ભારતના ગૌરવ સમાન વીર જવાનોને સમપર્તિ છે

દેશ માટે શહીદી વહોરનારાને સલામી આપવા માટે રાષ્ટ્રીય શાયર મેઘાણીની વાણી - ‘કસુંબીનો રંગ’ ફરીથી રોમે રોમમાં જીવંત થાય છે અને કંઠ ગાય છે કે, ‘રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે.. કેસર વરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે.’

 
સમગ્ર ભારતવર્ષમાં ૧૫મી ઓગસ્ટનું - ૭૪મું આઝાદી પર્વ ખૂબ ઉત્સાહથી ઊજવાઈ રહ્યું છે. ઉજવણીમાં આ વખતે શ્રીરામ મંદિર નિર્માણનો ઉત્સાહ પણ ઉમેરાયો છે. સ્વાતંત્ર્યદિન દેશ માટે સંઘર્ષ કરનારા, શહીદી વહોરનારા નામી-અનામી અનેક યોદ્ધાઓની યાદ પણ અપાવે છે. જેમણે આ દેશના સ્વાતંત્ર્યબાગને પોતાનું રક્ત સીંચ્યું છે એવા બલિદાનીઓને આજના સ્વાતંત્ર્ય દિને સો સો સલામ કરીએ છીએ.
 
આજે આપણે આઝાદીની ખુલ્લી આબોહવામાં શ્ર્વાસ લઈ શકીએ છીએ, પર્વો ધૂમધામથી ઊજવી શકીએ છીએ એમાં આઝાદીના લડવૈયાઓ ઉપરાંત સતત આજ સુધીના સંઘર્ષોમાં વીરતા દાખવનારાઓનો સિંહફાળો છે. પાકિસ્તાન અને ચીન જેવા આતંકવાદી અને વિસ્તારવાદી મનોવૃત્તિ ધરાવતા ઘણા દેશો સાથે આજ દિન સુધી ભારતનો સંઘર્ષ ચાલુ જ છે. તેમાં ભારતની ત્રણેય પાંખના લડવૈયાઓએ બતાવેલ શૌર્યને ભુલાય તેમ નથી.
 
રાષ્ટ્રપ્રેમની ભાવના ઉજાગર કરતાં અનોખા વિશેષાંકો પ્રકાશિત કરવાની ‘સાધના’ સાપ્તાહિકની પરંપરા છે. તે પરંપરાને આગળ ધપાવતા આ સ્વાતંત્ર્યદિને આઝાદી બાદ થયેલાં યુદ્ધો-સંઘર્ષોમાં શૌર્ય દાખવનારા વીરોની વિજયગાથાઓ પ્રકાશિત કરી છે.
 
૧૯૬૧માં વિદેશી ઘૂસણખોરો સામે લડનારા કેપ્ટન ગુરબચનસિંહ સલારિયા, ૧૯૬૨માં ચીન સામેના યુદ્ધના જાંબાજ સૂબેદાર જોગિંદરસિંહ, મેજર ધનસિંહ થાપા, ૧૯૬૫માં પાકિસ્તાનીઓને છઠ્ઠીનું દૂધ યાદ કરાવનારા મેજર દયાલ, હવાલદાર અબ્દુલ હમીદ, ૧૯૭૧માં પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી બાંગ્લાદેશને પાકિસ્તાનમાંથી છોડાવનારા વીર ફિલ્ડ માણેક શા, લેફ. જનરલ જગજિતસિંહ અરોરા, ૧૯૮૭માં શ્રીલંકાના આતંકીઓને ખતમ કરી દેનારા મેજર રામાસ્વામી પરમેશ્ર્વરન, ૧૯૯૯ના કારગીલ યુદ્ધમાં ‘ઓપરેશન વિજય’ના ખરા વિજેતાઓ - કેપ્ટન વિક્રમ બત્રા, લેફ. મનોજકુમાર પાંડે અને ત્યાર બાદ ૨૦૦૮માં મુંબઈના આતંકી હુમલાનો જડબાતોડ જવાબ આપનારા સંદીપ ઉન્નિ કૃષ્ણન, ૨૦૦૯માં જમ્મુ-કાશ્મીરમાં દુશ્મનો પર ભારે પડી છાતી પર ગોળી ઝીલનારા મેજર ઋષિકેશ રામાણી, ૨૦૧૪માં જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓને ખો ભૂલાવી દેનારા કેપ્ટન જયદેવ ડાંગી, ૨૦૧૫માં ખૂબ ચકચાર જગાડનારા મ્યાનમાર સર્જિકલ સ્ટ્રાઈકના વીર કર્નલ ડેલ્ટા, ૨૦૧૬ના ઉરી હુમલા બાદની સૌથી મોટી સર્જિકલ સ્ટ્રાઈકના જાંબાઝ મેજર ટેંગો, ૨૦૧૯માં પુલવામાં હુમલા બાદની સર્જિકલ સ્ટ્રાઈકમાં છેક પાકિસ્તાનની જમીન પર જઈ સહી સલામત પાછા ફરનારા વીર અભિનંદન અને બે મહિના પહેલાં ભારત-ચીનની ગલવાન સરહદ પર વીરતા દાખવીને શહીદ થનારા કર્નલ સંતોષ બાબુ સહિતના અન્ય ૧૯ ભારતીય સૈનિકો ઉપરાંત અનેક વીરોની વિજયગાથાઓ અહીં રજૂ કરી છે. આ સૈનિકોમાં કોઈ લેફટનન્ટ હતા તો કોઈ હવાલદાર, તેમના હોદ્દા અલગ અલગ હતા, પરંતુ બધામાં લઘુતમ સામાન્ય અવયવ હતો - દેશદાઝ અને સાહસ. જેના કારણે તેમણે માતૃભૂમિ ભારતમાતાના ભાલે વિજયતિલક કર્યું. કેટલાયે સૈનિકો સાવજની જેમ દુશ્મનોના ખેમામાંથી વિજયધ્વજ લઈને પાછા ફર્યા તો કેટલાયે સૈનિકોએ યુદ્ધભૂમિ પર અપ્રતિમ પરાક્રમ બતાવીને માતૃભૂમિ માટે માથાં વધેર્યા.
 
આ કથાઓને હૃદયમાં ઉતારતાં ખ્યાલ આવશે કે આ યોદ્ધાઓની ખુમારી એ જ ભારતીય ત્રિરંગાનો ‘રુઆબ’ છે. લીલાં બલિદાનોનાં ખ્વાબ છે. હૃદય હચમચાવી દેતી શૂરવીરોની આ ગાથાઓ આપણને માત્ર જગાડતી નથી, આપણા જડ તંત્રને જડબેસલાક બેઠું કરે છે, ચેતનવંતું કરે છે. આ વીરોના શ્ર્વાસ એ જ આપણા દેશનું ખરું ‘પ્રાણતત્વ’ છે. આઝાદીના યોદ્ધાની વાતો તો આપણા સૌ માટે પ્રેરક છે જ, પણ હજુ આજે પણ જેઓ સરહદ પર રહીને છેલ્લી ગોળી અને છેલ્લા સિપાહી સુધી લડીને દેશનું રક્ષણ કરી રહ્યા છે તેવા વીરોની આ વિજયગાથાઓ પણ સૌને ખૂબ પ્રેરણા અને ગૌરવ અર્પે તેવી છે. શાળામાં પ્રાર્થના સમયે કે સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં આ કથાઓના વાંચન-કથનના પ્રયોગ દ્વારા વિદ્યાર્થીમાં દેશપ્રેમ અને સાહસ જગાડવામાં આ વિશેષાંક ઉપયોગી બનશે, યુવાનો આ વિશેષાંકમાંથી પોતાના અસલી રોલ મોડેલ કે હીરોને ઓળખી શકશે! એટલું જ નહીં સમાજના એક એક નાગરિકની છાતી આ કથાઓ વાંચીને ગજ ગજ ફૂલે એ જ આ વિશેષાંકના પ્રકાશનની સાર્થકતા બની રહેશે. આ ગૌરવવંતા વિશેષાંકના પ્રકાશનમાં અનેક લોકોનો ય સહયોગ પ્રાપ્ત થયો છે. આમાં સહયોગ કરનારા લેખકો, શુભેચ્છકો, વિજ્ઞાપનદાતાઓ અને કાર્યકર્તાઓનો આભાર તથા સૌને સ્વાતંત્ર્યદિનની શુભેચ્છાઓ.
 
દેશ માટે શહીદી વહોરનારાને સલામી આપવા માટે રાષ્ટ્રીય શાયર મેઘાણીની વાણી - ‘કસુંબીનો રંગ’ ફરીથી રોમે રોમમાં જીવંત થાય છે અને કંઠ ગાય છે કે, ‘રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે.. કેસર વરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે.’ અને દેશના દુશ્મનોને ઘમરોળીને, ચોડી છાતી કરીને કોઈ વીર સૈનિક જ્યારે ત્રિરંગો લહેરાવતો દેખાય છે ત્યારે સાહિર લુધિયાનવીનું ગીત, ‘યે દેશ હૈ વીર જવાનોં કા... અલબેલોં કા મસ્તાનો કા...’ ગાતાં ગાતાં એને લાખો સલામો કરવાનું મન થાય છે. આ વિશેષાંક ભારતના ગૌરવ સમાન વીર જવાનોને સમપર્તિ છે, એમને ‘સાધના’ સાપ્તાહિક શબ્દના કંકુ અને ચોખાથી પોંખે છે અને દેશની સુરક્ષા કરવા બદલ સમગ્ર દેશ વતી આભાર માને છે. દેશપ્રેમ - સ્વતંત્રતાનો ઉત્સવ જેની નસેનસમાં વહેતો હશે એના માટે આ વિશેષાંક ગર્વથી છાતી ફુલાવીને ભારતના ઝંડાને અને વીરોને સલામી આપવાનો અવસર બની રહેશે. જય હિન્દ... વંદે માતરમ્ !