તંત્રીસ્થાનેથી - ઋષિ - મુનિઓ અને સાધુ-સંતોથી સનાતન સંસ્કૃતિ ઉજ્જ્વળ છે

    ૨૪-ઓગસ્ટ-૨૦૨૦   
કુલ દૃશ્યો |

sanatan dharm_1 &nbs
 

વાત હિન્દુત્વ, હિન્દુ અને હિન્દુસ્તાનને બચાવનારા શૌર્યવીર વંદનીય લોકોની...

સિન્ધુ નદીના નામ પરથી ઓળખાતી હિન્દુ સંસ્કૃતિ સિન્ધુથી બ્રહ્મપુત્રા અને હિમાલયથી કન્યાકુમારી સુધી આખા દેશમાં ફેલાઈ. ૠગવેદમાં આ ક્ષેત્ર સાત નદીઓના પ્રદેશ - ‘સપ્તસિન્ધવ’ અને જ્યાંથી પરમાત્માએ સૃષ્ટિનો આરંભ કર્યો છે તે પ્રદેશ - ‘બ્રહ્માવર્ત’ તરીકે ઓળખાય છે. સનાતન ધાર્મિક સંસ્કૃતિના આરંભથી જ તેની રક્ષા અને ગૌરવ કરનારા ઋષિ-મુનીઓ, સાધુ-સંતો, ધર્મગુરુઓ અને તેમની પ્રેરણાથી શૌર્ય દાખવનારાઓ થકી જ રાજા-મહારાજાઓના તે પરમ શ્રદ્ધેય અને વંદનીય રહ્યાં.
 
પમી ઓગસ્ટના ઐતિહાસિક દિને અયોધ્યામાં શ્રી રામ મંદિરના નિર્માણનો શુભારંભ થયો. આ વિજય આનંદ પ્રસંગે ૫૦૦ વર્ષથી સંઘર્ષ કરનારા રામભક્તોનાં બલિદાનોનું સ્મરણ આંખ ભીની કરી ગયું. ભગવાન શ્રી રામના પુત્ર કુશે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કર્યું હતું, જેને ઈ.સ. પૂર્વે ૧૫૦માં ગ્રીક આક્રમણકારી મિલિન્દે તોડી પાડ્યું, ત્યારબાદ માત્ર ત્રણ જ માસમાં શૃંગવંશીય રાજા યુમત્સેને તેનું પુન:નિર્માણ કરાવ્યું. ઈ.સ. ૧૦૩૩માં સાલાર મસૂદે ફરી મંદિર પર આક્રમણ કરી તોડ્યુ અને ધર્મવીર રામભક્ત સમ્રાટ વિક્રમાદિત્યે ૮૪ સ્તંભવાળું કલાત્મક મંદિર બનાવ્યું. બાબરના આક્રમણ વખતે રાજા રણવિજયે તેને પડકાર્યો, હુમાયુના આક્રમણ વખતે સ્વામી મહેશાનંદ સાધુ લડ્યા અને રાણી જયરાજકુમારી સ્ત્રીસેના સાથે લડ્યાં. નિરંતર રામ મંદિર પર હુમલા થયા, જેમાં બાબા વૈષ્ણવદાસજી, કુંવર ગોપાલસિંહથી માંડીને કોઠારી બંધુઓ સુધી અનેક ઋષિ-મુનીઓ, સાધુ-સંતો, રાજાઓ, નગરજનોએ રામ મંદિરરૂપી હિન્દુ આસ્થાના ગૌરવ શિખરને ઉન્નત રાખવા બલિદાન આપ્યાં. ૧૯૯૨નો બાબરી ધ્વંસ સંઘર્ષ અને ૨૦૦૨ના કાર સેવકોના બલિદાનથી યે અયોધ્યા આજે ઉજળું છે.
 
સર્ગ - વિસર્ગ લીલાથી શ્રી કૃષ્ણ સુધીના અવતારો ધર્મ, સંસ્કૃતિ, મર્યાદાના ઉજાગર અર્થે જ છે. ઈશ્ર્વરે સ્વયં ધર્મની રક્ષા કરવા પૃથ્વી પર જન્મ લીધો. ભગવાન શ્રી રામ મર્યાદા, વચનપાલન અને ધર્મ માટે કોઈ પણ સ્થિતિમાં સંઘર્ષની પ્રેરણા આપે છે. વાલી જેવો યોદ્ધો ય જ્યારે અવિવેક કરે ત્યારે તેનો વધ કરાવીને શ્રી રામે હિન્દુ સંસ્કૃતિના સંસાર-ધર્મના રક્ષણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ધર્મનો લોપ કરનારાઓને નરસિંહ અવતાર દંડિત કરે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા થકી શ્રીકૃષ્ણનો એ જ બોધ કે ધર્મ સંસ્થાપના અર્થે જન્મ, અધર્મી કોઈ પણ હોય, તેને હણવો એ ધર્મરક્ષાનું કાર્ય છે.
 
અવતારોથી શરૂ થયેલી ધર્મરક્ષાની પરંપરા આપણા ૠષિમુનિઓ-સાધુ સંતોએ અવિરત રૂપે આગળ ધપાવી. વિશ્ર્વકલ્યાણની ભાવના સાથે આપણા ૠષિ-મુનિઓ પ્રાચીન સમયમાં વિશ્ર્વપ્રવાસે નીકળેલા. ૠષિ પુલત્સ્ય ઓસ્ટ્રેલિયા ગયા તો કણ્વ ૠષિ મિશ્ર ગયા. અગત્સ્ય દૃશ્યા દેશ (આજનું થાઈલેન્ડ) તથા મલેશિયા ગયા તો ૠષી કમ્બે કમ્બોડિયામાં હિન્દુત્વનો જય જયકાર કર્યો. હિન્દુ સંસ્કૃતિનું અજવાળું સમગ્ર દુનિયામાં પ્રસર્યું. હિન્દુસ્થાનની ભવ્ય સંસ્કૃતિ, જાહોજલાલી અને ઊગતા સૂરજ જેવી ખ્યાતિથી આકર્ષાઈ તેને હસ્તગત કરવા આતતાયીઓએ આક્રમણો શરૂ કર્યાં ત્યારે ભારતવર્ષના પૂજ્ય સંન્યાસીઓ પણ શાસ્ત્ર સાથે શસ્ત્રો ઉપાડી ધર્મરક્ષા માટે આગળ આવ્યા. સંન્યાસીઓના અખાડા એટલે - એક હાથમાં દીપક અને બીજા હાથમાં તલવાર ! આ અખાડાઓ સનાતન ધર્મની વિજયપતાકાના વાહક છે. ઈ.સ. પૂર્વે પાંચમી સદીમાં કેરળમાં આક્રાંતાઓએ હિન્દુઓ પર અત્યાચારો શરૂ કર્યા ત્યારે પૂજ્ય શંકરાચાર્યે સમગ્ર દેશમાં ભ્રમણ કરીને ચાર પીઠો અને અખાડાઓ સ્થાપી હિન્દુ ધર્મની રક્ષાની મશાલ પ્રગટાવી. જ્યારે રાજાઓને જરૂર પડતી ત્યારે તેઓ સનાતન ધર્મની રક્ષા માટે અખાડાના સંન્યાસીઓની મદદ લેતા. ઓરંગઝેબે કુંભસ્નાન પર પ્રતિબંધ લાદ્યો ત્યારે મહાનિર્વાણી અખાડાના રાજેન્દ્રપુરી સાધુએ ૨૩ હજાર નાગાઓ સાથે ત્યાં ડેરો નાંખી ઓરંગઝેબને ખુલ્લો પડકાર ફેંકી કુંભસ્નાન કરી ધજા લહેરાવી હતી.
 
પરધર્મી આક્રમણો સામે લડવા માટે રાજાઓને તૈયાર કરી, તેમનામાં વિરતા, દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ સીંચનાર પણ ઋષિ- મુનીઓ, ધર્મગુરુઓ અને સંતો જ હતા. કોઈ રાજા જ્યારે એમ કહે કે, ‘કિંગ કેન ડુ નો રોંગ - રાજા કદી ખોટું કરી જ ના શકે !’ ત્યારે આ જ સાધુ-સંતો કહેતા, ‘ધર્મ તને દંડી શકે છે !’. રાજા ધર્મને માથે ચડાવી કહેતો, ‘હા, હું ધર્મના દંડનો સ્વીકાર કરું છું.’
 
વિદેશી આક્રમણો સામે લડનારા પ્રથમ ભારતીય રાજા પોરસની બહાદુરી તક્ષશિલાના ધર્મગુરુઓની દેન હતી તો વિદેશી આક્રમકોને પરાજય આપનારા પ્રથમ ભારતીય સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યનું શૌર્ય ય તેના ગુરુ ચાણક્યના સંસ્કાર હતા. મહર્ષિ કશ્યપનાં કાશ્મીરમાં બાબા અમરનાથ, શ્રીનગરમાં સૂર્યમંદિર અને જમ્મુમાં વૈષ્ણોદેવીના રક્ષણ માટે હર્ષવર્ધન જેવા અનેક રાજાઓએ ભારે સંઘર્ષ કર્યો, તેમાંય સાધુ-સંતોની પ્રેરણા જ. ઈ.સ. ૬૨૨માં અરબસ્તાનમાં સ્થપાયેલ ઇસ્લામ ધર્મી આક્રમકોને સિંધથી દિલ્હી પહોંચતા લગભગ પોણા પાંચસો વર્ષ લાગી ગયાં. કારણ પંજાબના રાજા જયપાલની ચાર પેઢીઓ ખપી ગઈ. સમ્રાટ ખારવેલ તો ધર્મચક્રના મહાન રક્ષક કહેવાયા.
 
હિન્દુ ધર્મના પ્રખર અનુયાયી રાજા દાહિરે અનેક સાધુ-સંતોની ઉપસ્થિતિમાં હિન્દુ ધર્મને રાજધર્મ ઘોષિત કરેલો. તેમણે ઈ.સ ૭૧૧માં મહંમદ બીન કાસીમનું પહેલું આક્રમણ થયું ત્યારે શહીદી વહોરી. મેવાડના હારિત ૠષિના પ્રિય શિષ્ય હિન્દુ વીર બપ્પા રાવળ હતા. ઈ.સ ૭૩૫માં મુસલમાનોએ બીજું આક્રમણ કર્યું ત્યારે બપ્પા રાવળે હિન્દુ શક્તિનો પરિચય આપતાં છેક અફઘાનિસ્તાન સુધીનાં મુસ્લિમ રાજ્યોને રગદોળીને, અરબની સીમા સુધી સનાતન ધર્મનો ડંકો વગાડ્યો. ઈ.સ ૧૦૦૨થી મહંમદ ગજનીએ સોમનાથ - ગુજરાત પર આક્રમણ કર્યુ ત્યારે ભીમદેવ બીજાથી લઈને હમીરજી ગોહિલ જેવા અનેક વીરોએ ધર્મરક્ષા માટે શહીદી વહોરી. સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામને જ પોતાના ગુરુપદે સ્થાપેલા. ઈ.સ ૧૦૯૮થી મહંમદ ઘોરીએ ૧૬ વાર ચડાઈ કરી ત્યારે સમ્રાટ પૃથ્વીરાજે ‘જય શ્રીરામ’ના નારા સાથે એને પડકારી સનાતન ધર્મને રક્ષણ આપ્યું. ૧૪મી સદીમાં ત્યારે મહાન ધર્મગુરુ પૂજ્ય વિદ્યારણ્ય સ્વામીના સંરક્ષણમાં વિજયનગર સામ્રાજ્યની સ્થાપના થઈ, તેમના પ્રયાસોથી દક્ષિણ ભારતમાં ભારતીય સંસ્કૃતિ પુન:જીવિત થઈ અને કૃષ્ણદેવ રાય અને રામ રાય જેવા સમ્રાટોને પ્રોત્સાહિત કરી તેમને ધર્મરક્ષા માટે દુશ્મનો સામે મેદાને ઉતાર્યા.
 
૧૫મી સદીના વીર યોદ્ધા મહારાણા પ્રતાપના ગુરુ આચાર્ય રાઘવેન્દ્રએ એમનામાં જ્ઞાન સાથે બહાદુરી સિંચતાં કહેલું, ‘દેશભક્તિથી મોટી બીજી કોઈ ભક્તિ નથી.’ અને મહારાણા પ્રતાપે અકબર જેવા આક્રાંતાઓની છાતી સામે પોતાનો ભાલો ઉગામેલો. ૧૬મી સદીમાં શીખોના ધર્મગુરુ તેગ બહાદુરે મુગલ શાસક ઓરંગઝેબના ધર્મ પરિવર્તન કરાવવાના જુલમથી ત્રસ્ત હિન્દુ સમાજના રક્ષણ માટે ઓરંગઝેબને પડકાર્યો. તેમના શિષ્ય ભાઈ મતિદાસ, ભાઈ દયાલદાસ અને ભાઈ સતિદાસની ક્રુર હત્યાઓ છતાં પૂજ્ય ગુરુ નાનકદેવના ધર્મસંસ્કારોથી સજ્જ ગુરુ તેગ બહાદુરે કહ્યું, ‘સર કટા સકતા હૂં લેકિન કેશ નહીં ! ઇસ્લામ સ્વીકાર નહીં કરુંગા !’ અને ઓરંગઝેબે તેમનું સર કલમ કરી નાંખ્યુ. શીખોના દસમા ધર્મ ગુરુ ગોવિંદસિંહ ગુરુ તેગબહાદુરના પુત્ર. કાશ્મીરી પંડિતો અને હિન્દુ ધર્મની રક્ષા માટે ૧૭મી સદીના પ્રારંભે જ તેમણે પોતાની સાથે તેમના ચાર પુત્રોને ય ધર્મરક્ષા માટે શહીદ કર્યા. ૧૬મી સદીમાં છત્રપતિ શિવાજીના રક્તમાં તેમની માતા જીજાબાઈ ઉપરાંત તેમના ગુરુ સમર્થ રામદાસે રાષ્ટ્રભક્તિ રોપી, જેને કારણે તેમણે અફઝલ જેવાની છાતી ચીરી, ઓરંગઝેબને ધ્રુજાવી હિન્દુ પદપાદશાહીની સ્થાપના કરી. અઢારમી સદીમાં સ્વામી રામકૃષ્ણ પરમહંસ જેવા મહાન ગુરુની પ્રેરણાથી સ્વામી વિવેકાનંદે વિશ્ર્વ આખામાં હિન્દુત્વનો ડંકો વગાડ્યો.
 
આરબો, તુર્ક અને પછી મોગલોએ આક્રમણ કર્યાં. મંદિરો તોડવાં કે પ્રજાને શારીરિક યાતનાઓ અને ધમકીઓ આપી ધર્માંતરણ માટે જબરજસ્તી છતાં શંકરાચાર્ય, સ્વામી દયાનંદ સરસ્વતી, સંત રોહીદાસ, તુલસીદાસ વિગેરે સાધુ-સંતોની પ્રેરણાએ અભૂતપૂર્વ કામ કર્યું. લોકોમાં ભક્તિ જગાડી, ધર્મ સંસ્કૃતિની જાળવણી માટે તેમની વિચારસરણી અનુરૂપ સંપ્રદાયો બન્યા, મંદિરો-મઠોનું નવું નિર્માણ કર્યું. ધર્મના રક્ષણ માટે રાજા, મહારાજા, વીરોને હાકલ કરી. હાકલથી આખા દેશમાં મરાઠા, રાજપૂતો, શીખો સહિત તમામ જાતિ-સંપ્રદાયે હિન્દુત્વના રક્ષણ માટે ભાલા અને તલવાર ઉઠાવ્યાં. સતત ૧૨૦૦ વર્ષ સુધી મુસ્લિમ આક્રાંતાઓ સાથે સંઘર્ષ કરી ધર્મને જીવંત રાખ્યો.
 
૨૫૦૦ વર્ષ જૂના ઔષધ વિજ્ઞાનના પિતા ચરક મહારાજના આયુર્વેદથી આખું વિશ્ર્વ આજે સ્વસ્થતા પામે છે. અમેરિકાના ચીન ખાતેના રાજદૂત હુ શિહે કહેલું કે, ‘સરહદ પાર એક પણ સ્ૌનિક ન મોકલવા છતાં વીસ સદી સુધી સાંસ્કૃતિક શક્તિના આધારે હિન્દુસ્થાને ચીન પર વિજય મેળવ્યો અને તેને પ્રભાવિત કર્યું.’ ફાન્સના વિદ્વાન રોમા રોલાં લખે છે કે, ‘આદિકાળથી માનવજાતિ જે સપનાં જોતી આવી છે તેને સાકાર કરવા માટેની આ ધરતી પર કોઈ જગ્યા હોય તો તે ભારત જ છે.’ લગભગ ચાલીસ વર્ષો સુધી વિશ્ર્વના વિવિધ ધર્મોના અભ્યાસ અને અધ્યયન પછી ભારત અને હિન્દુત્વ પર વિદેશી વિદ્વાન એની બેસન્ટે લખ્યું કે, ‘હિન્દુત્વ જેવો પરિપૂર્ણ, વૈજ્ઞાનિક, દાર્શનિક અને આધ્યાત્મિક ધર્મ બીજો કોઈ જ નથી. ભારત અને હિન્દુત્વ એક જ છે.’ ગવર્નર વોરન હેસ્ટિંગ્સ લખે છે કે, ‘અંગ્રેજોના ભારત ખાતેના સામ્રાજ્યનો અંત આવી જશે તથા સંપત્તિ અને સત્તા દ્વારા તેમણે જે કંઈ પ્રાપ્ત કર્યું હશે તે કાળના પ્રવાહમાં ક્યાંક ખોવાઈ જશે. છતાં ભારતમાં ગીતા જેવા તત્ત્વજ્ઞાનનો સંદેશ હંમેશાં જીવંત રહેશે.’ આ એ દેશ છે જ્યાં સ્વામી વિવેકાનંદના જ્ઞાનથી પ્રેરાઈને એક વિદેશી યુવતી સિસ્ટર ભગિની નિવેદિતા હિન્દુત્વની આધ્યાત્મિકતા અને સંસ્કૃતિની સંવાહક બને છે.

sanatan dharm_1 &nbs 
 
અકબર બાદશાહનાં બેગમ ચાંદબીબી કૃષ્ણથી એટલાં બધાં પ્રભાવિત હતાં કે એ રોજ શ્રીનાથજી સાથે જુગટુ રમતાં. એમની નસેનસમાં મીરાંબાઈ જેમ કૃષ્ણ સમાઈ ગયા હતા. ઘણા મુસ્લિમ બાદશાહોએ હિન્દુ પરંપરાઓને પ્રેમથી સ્વીકારી હતી. રહીમ, મુહમદ જાયસી, આલમ, મુસ્લિમ ભક્ત-કવિ અમીર ખુસરો અને રસખાન! કેટલાં નામ ગણાવવાં ? રસખાન શ્રી કૃષ્ણના પરમ આરાધક. સુરદાસ જેમ જ કૃષ્ણલીલાઓનું વર્ણન કર્યું. ભાગવત પુરાણનો ફારસીમાં અનુવાદ કર્યો અને છેલ્લો શ્ર્વાસ કૃષ્ણધામ મથુરામાં લીધો. અનેક મુસ્લિમ લેખકો-ઇતિહાસકારોએ હિન્દુ શૌર્યથી, સંસ્કૃતિથી પ્રભાવિત થઈ તેનાં ગુણગાન ગાઈને લખ્યું છે, આખી દુનિયા જીતી શકનારા મોટા મોટા બાદશાહો પણ હિન્દુસ્થાનને જીતી ના શક્યા. ઉર્દૂના એક પ્રસિદ્ધ કવિ હાલીએ લખ્યુ કે,
 
‘દીને ઈલાહી કા બેબાક બેડા, કિયે પાર જીસને સાતોં સમન્દર,
જો જેહુ મેં અટકા ન સેહુ મેં અટકા, વહ જાકર દહાના કે ગંગા મેં ડૂબા !’
 
- અર્થાત્
 
સાત સમંદર પાર કરનારા, બધા દેશો પર રાજ કરનારાઓ આખરે તો ગંગાકિનારે એટલે કે ભારતમાં આવીને ડૂબી જ ગયા છે.
 
એ સૌ ઋષિ-મુનીઓ, સાધુ-સંતો, ધર્મગુરૂઓ જેમણે હિન્દુત્વના રક્ષણ માટે રાજાથી માંડીને સામાન્ય નાગરિક સુધી સૌમાં અનોખી પ્રેરણા અને શૌર્ય જગાડ્યા તેમને સાષ્ટાંગ વંદન છે. જે રાજા, સમ્રાટોએ સૈકાઓ સુધી પરદેશી આક્રમણખોરો સામે સંઘર્ષ કરી ધર્મનું રક્ષણ કરવા બલિદાનો આપ્યાં તેમને પ્રણામ અને ધર્મરક્ષાની ધારામાં જોડાનાર દરેક નાગરીકનું ય સન્માન છે. તેમના કારણે જ આજે આપણે સૌ અયોધ્યામાં રામ મંદિરનિર્માણનો પાયો નાંખી શક્યા છીએ. અહીં ઉલ્લેખાયેલ નામ તો માત્ર આંગળીના વેઢે ગણાય એટલાં જ છે, બાકી પ્રેરણા આપનારા, સંઘર્ષ કરનારાઓ તો લાખો હતા. હિન્દુ, હિન્દુસ્થાન અને હિન્દુત્વના રક્ષણ માટેનો ઋષિ-મુનીઓ, સાધુ-સંતો, શૂરવીરોનો સંકલ્પ, કર્મ, ત્યાગ ન ભૂતો ન ભવિષ્યતિ છે.
ઇશ્ર્વરની દશવિધ લીલા ભારતમાં આજે ય સાક્ષાત છે. તેની કૃપાએ ભારત સશક્ત, સમર્થ, ઉજ્જવળ અને મહાન છે.