નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ ને સમજો ખૂબ જ સરળ ભાષામાં । શું કહે છે શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા નિષ્ણાતો...? વાંચો...

    ૨૫-ઓગસ્ટ-૨૦૨૦   
કુલ દૃશ્યો |

new education policy 202 
 
નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ-૨૦૨૦ ઉચ્ચ શિક્ષણ થકી ‘નયા ભારત’ના નિર્માણનું સ્વર્ણિમ સ્વપ્ન
 
ગત અઠવાડિયે ભારતમાં નવી શિક્ષણ નીતિની ઘોષણા કરવામાં આવી. અત્યાર સુધી ઈ.સ. ૧૯૮૬માં બનેલી શિક્ષણનીતિ અનુસાર જ શિક્ષણ-વ્યવસ્થાનું સંચાલન થઈ રહ્યું હતું.
 
ઈ.સ. ૧૯૯૨માં શિક્ષણનીતિમાં કેટલાક આંશિક ફેરફારો કરવામાં આવ્યા હતા, પણ તેનાં સંતોષકારક પરિણામ જોવા મળ્યાં ન હતાં. આ માટે ભાજપે વર્ષ ૨૦૧૪ના તેના ઘોષણાપત્રમાં નવી શિક્ષણનીતિ લાવવા માટેનો વાયદો કર્યો હતો અને સત્તામાં આવ્યા બાદ તે દિશામાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી. વ્યાપક ચર્ચા-વિચારણા અને સલાહ-સૂચનોની લાંબી હારમાળા બાદ આખરે નવી શિક્ષણનીતિની જાહેરાત કરી દેવામાં આવી છે.
 
પૂરાં ૩૪ વર્ષ પછી દેશને નવી શિક્ષણનીતિ મળી છે. ઇસરોના માજી વડા કે. કસ્તૂરીરંગનના વડપણ હેઠળ નવી શિક્ષણનીતિનો ડ્રાફ્ટ ઘડવામાં આવ્યો હતો. તેના પર જાહેર પ્રજાનાં વાંધા સૂચનો પણ મગાવવામાં આવ્યાં હતાં. આ વ્યાપક કવાયતને અંતે નવી શિક્ષણનીતિ નક્કી થઈ છે. તેમાં અનેક શકવર્તી સુધારા સૂચવાયા છે. હાલના ૧૦ પ્લસ ૨ ના માળખાને બદલે ૫ પ્લસ ૩ પ્લસ ૩ પ્લસ ૪નું નવું માળખું આવ્યું છે. યુજીસી, એઆઈસીટીઈ વગેરે જેવી અલગ અલગ નિયમન સંસ્થાઓને બદલે લો અને મેડિકલ સિવાયની ઉચ્ચ શિક્ષણસંસ્થાઓ માટે એક જ નિયમન સંસ્થા રચાશે. મલ્ટી ડિસિપ્લિનરી એપ્રોચ અપનાવાયો છે. વિદ્યાર્થીઓ મલ્ટી ડિસિપ્લિનરી ક્રેડિટ મેળવી શકશે. એકથી વધુ સ્કિલની તાલીમ સમાંતરે મેળવી શકશે. એકથી બીજી સંસ્થામાં જઈ શકશે. એન્ટ્રી-એક્ઝિટની ફ્લેક્સિબિલિટી પણ નોંધપાત્ર છે વિદ્યાર્થી ગમે ત્યારે ચોક્કસ ક્રેડિટ જમા કરી અભ્યાસક્રમમાંથી બ્રેક લઈ શકશે અને પુનઃ જોઈન કરી શકશે. શિક્ષણ માટેનું બજેટ જીડીપીના છ ટકા સુધી વધારવાની વાત પણ ઉચ્ચારાઈ છે અને વિદેશી કોલેજોને ભારતમાં કેમ્પસ સ્થાપવા મંજૂરી તથા સ્થાનિક કોલેજોને મહત્તમ સ્વાયત્તતા આપવાની ખાતરી પણ ઉચ્ચારવામાં આવી છે. એકંદરે આ કવાયત આવકારદાયક છે કારણ કે દુનિયા સતત બદલાતી રહે છે અને શિક્ષણનો વિચાર કરવામાં આવે ત્યારે એ બાબત જ ધ્યાનમાં રાખવાની હોય છે કે વિદ્યાર્થીને આજના નહીં પરંતુ આજથી ૧૦-૧૫ કે પચ્ચીસ વર્ષ પછીના જમાના માટે તૈયાર કરવાનો છે. નવી શિક્ષણનીતિ વિશે શિક્ષણ સાથે જોડાયેલા અનેક મહાનુભાવો પ્રતિભાવો આપી રહ્યા છે. આ લેખમાં શિક્ષણજગતના નિષ્ણાતોના મત અને છણાવટ પ્રસ્તુત છે...
 

આ નીતિ નવા ભારતનો પાયો નાંખશે : નરેન્દ્રભાઈ મોદી (વડાપ્રધાન, ભારત)

 
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ નવી શિક્ષણનીતિ અંગે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણનીતિનો ઉદ્દેશ એક તરફ રાષ્ટ્રીય મૂલ્યો અને રાષ્ટ્રીય લક્ષ્યાંકો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે, તો બીજી તરફ આપણી યુવા પેઢીને ભવિષ્યના પડકારો ઝીલવા સક્ષમ બનાવવાનો છે.
 

new education policy 202 
 
- આ નીતિ નવા ભારતનો, ૨૧મી સદીના ભારતનો પાયો નાંખશે. ભારતને મજબૂત કરવા માટે, એને વિકાસની નવી ઊંચાઈએ પહોંચાડવા તથા ભારતના નાગરિકોને વધારે સક્ષમ બનાવવા યુવા પેઢીને શિક્ષિત અને કુશળ બનાવવાની જરૂર છે, જેથી તેઓ મહત્તમ સંખ્યામાં તકો ઝડપી શકે.
 
- રાષ્ટ્રીય શિક્ષણનીતિ ગુરુ રવીન્દ્રનાથ ટાગોરના શિક્ષણ પરના વિચારોનું પ્રતિબિંબ પણ છે, જેનો ઉદ્દેશ આપણા જીવન અને સહઅસ્તિત્વ ધરાવતા અન્ય તમામ જીવો વચ્ચે સંવાદિતા સ્થાપિત કરવાનો છે.
 
- બે મોટા પ્રશ્રોને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય શિક્ષણનીતિ બનાવવામાં આવી હતી. એક, આપણી શિક્ષણ-વ્યવસ્થા આપણી યુવા પેઢીને રચનાત્મક, જિજ્ઞાસુ અને સમર્પણથી પ્રેરિત જીવન જીવવા માટે પ્રોત્સાહન આપે છે? અને બે, આપણી શિક્ષણવ્યવસ્થા આપણા યુવાનોને દેશમાં સક્ષમ સમાજનું નિર્માણ કરવામાં મદદરૂપ થાય છે? આ બંને પ્રશ્રો પર તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો કે, રાષ્ટ્રીય શિક્ષણનીતિએ આ બંને અનિવાર્ય મુદ્દાઓને ધ્યાનમાં લીધા છે, તેના પર પૂરતો વિચાર કર્યો છે.
 
- નવી શિક્ષણનીતિ કેવી રીતે વિચારવું એના પર એટલે કે વિચારશક્તિ ખીલવવા પર ભાર મૂકે છે. તેમણે જણાવ્યું હતું કે, બાળકો માટે પ્રશ્રોત્તરી આધારિત, સંશોધન આધારિત, ચર્ચા આધારિત અને વિશ્ર્લેષણ આધારિત શિક્ષણપદ્ધતિઓ પર ભાર મૂકવાથી વર્ગોમાં તેમનો અભ્યાસ કરવામાં રસ વધશે અને તેઓ વધુ ને વધુ સહભાગી થશે.
 
- ભારત આખી દુનિયાને પ્રતિભા અને ટેક્નોલોજીનાં સમાધાનો પ્રસ્તુત કરવાની ક્ષમતા ધરાવે છે તથા રાષ્ટ્રીય શિક્ષણનીતિ આ જવાબદારી સુપેરે નિભાવે પણ છે, જેનો ઉદ્દેશ ટેક્નોલોજી આધારિત ઘણી સામગ્રી અને અભ્યાસક્રમોને વિકસાવવાનો છે. તેમણે કહ્યું હતું કે, વર્ચ્યુઅલ લેબ્સ જેવી વિભાવનાઓ લાખો વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપશે, જેઓ અગાઉ આ પ્રકારના વિષયોનો અભ્યાસ કરી શકતા નહોતા, જેમાં પ્રયોગશાળાના અનુભવની જરૂર હતી. રાષ્ટ્રીય શિક્ષણનીતિ આપણા દેશમાં સંશોધન અને શિક્ષણ વચ્ચેના અંતરને ભરવા મહત્ત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવશે.
 
- જ્યારે સંસ્થાઓ અને માળખામાં આ સુધારાઓ થશે, ત્યારે રાષ્ટ્રીય શિક્ષણનીતિનો વધારે અસરકારકતા સાથે અને વધુ ઝડપ સાથે અમલ થઈ શકશે. અત્યારે સમાજમાં નવીનતા અને સ્વીકાર્યતાનાં મૂલ્યોનું નિર્માણ કરવાની જરૂર છે તથા એની શરૂઆત આપણા દેશની સંસ્થાઓમાંથી કરવી પડશે.
 
- ઉચ્ચ શિક્ષણસંસ્થાઓને સ્વાયત્તતા આપીને સક્ષમ બનાવવાની જરૂર છે. સ્વાયત્તતાના મુદ્દે બે પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. એક વર્ગ કહે છે કે, દરેક બાબત સરકારના નિયંત્રણ હેઠળ થવી જોઈએ. બીજા વર્ગનું માનવું છે કે, તમામ સંસ્થાઓને સ્વાભાવિક રીતે સ્વાયત્તતા આપવી જોઈએ. જ્યારે પહેલા વર્ગનો અભિપ્રાય બિનસરકારી સંસ્થાઓ પ્રત્યે અવિશ્ર્વાસનું પરિણામ છે, ત્યારે બીજા વર્ગના અભિપ્રાયમાં સ્વાયત્તતાને અધિકાર ગણવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે, સારા અને ગુણવત્તાયુક્ત શિક્ષણનો માર્ગ આ બંને અભિપ્રાયોના સમન્વય થકી મોકળો થશે.
 
- જે સંસ્થાઓ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવા માટે વધારે કામ કરે છે, તેમને વધારે સ્વતંત્રતા મળવી જોઈએ. એનાથી ગુણવત્તાયુક્ત શિક્ષણને પ્રોત્સાહન મળશે અને દરેકને વિકસવા માટે પ્રેરકબળ પ્રાપ્ત થશે. તેમણે ઇચ્છા વ્યક્ત કરી હતી કે, જેમ-જેમ રાષ્ટ્રીય શિક્ષણનીતિનો વ્યાપ વધશે, તેમ-તેમ શૈક્ષણિક સંસ્થાઓની સ્વાયત્તતા ઝડપથી વધશે.
 
- તેમણે દેશના ભૂતપૂર્વ રાષ્ટપતિ ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામના શબ્દો ટાંકીને કહ્યું હતું કે શિક્ષણનો ઉદ્દેશ કુશળતા અને આવડત સાથે સારા મનુષ્યનું નિર્માણ કરવાનો છે. સમાજ માટે પ્રબુદ્ધ અને પોતાની ફરજો પ્રત્યે સભાન મનુષ્યોનું સર્જન શિક્ષકો કરી શકે છે.
 
- રાષ્ટ્રીય શિક્ષણનીતિ મજબૂત શિક્ષણ-વ્યવસ્થા વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં શિક્ષકો સારા વ્યાવસાયિકો અને સારા નાગરિકો પેદા કરી શકશે. આ નીતિમાં શિક્ષકને તાલીમ આપવા પર, તેમની કુશળતાઓ સતત વિકસાવવા પર ઘણો બધો ભાર મૂકવામાં આવ્યો છે.
 
- યુનિવર્સિટીઓ, કોલેજો, શાળાશિક્ષણનાં બોર્ડ, વિવિધ રાજ્યો, વિવિધ હિતધારકો સાથે સંવાદ અને સંકલનનો નવો રાઉન્ડ અહીંથી શરૂ થયો છે.

બાળકોને કાર્યવ્યવહારથી ભારતીય બનાવવાનું લક્ષ્ય : નવી શિક્ષણનીતિ ૨૦૨૦ : અતુલ કોઠારી

 
(સચિવશ્રી, શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના રાષ્ટ્રીય સચિવ)
 
ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ ૨૦૨૦ સ્વાગત કરવા યોગ્ય છે. ૧૯૮૬ બાદ ૩૪ વર્ષે પુનઃ શિક્ષાનીતિ લાવવામાં આવી છે. જે રીતે દેશ અને દુનિયામાં ખૂબ જ ઝડપથી પરિવર્તનો આવી રહ્યાં છે, તેવા સમયે નવી શિક્ષણનીતિની જાહેરાત થવી એ એક મહત્ત્વપૂર્ણ કદમ છે. સ્વતંત્રતા બાદ સૌપ્રથમવાર શિક્ષાનીતિમાં ભારતીય દૃષ્ટિની ઝલક જોવા મળી રહી છે.
 

new education policy 202 
 
નવી શિક્ષણનીતિમાં ભારતીય કલા, સંસ્કૃતિ ભાષાને પ્રોત્સાહન આપવાની સાથે સાથે આધુનિક ટેક્નોલોજી પર પણ જોર આપવામાં આવ્યું છે. ઈ-અભ્યાસક્રમ, વર્ચ્યુઅલ લેબ, ઓનલાઈન-શિક્ષણની ગુણવત્તા માટે રાષ્ટ્રીય શૈક્ષિક ટેક્નોલોજી ફોરમ (NETF) ગઠિત કરવાની વાત કરવામાં આવી છે. સાથે જ વિદ્યાર્થીઓના શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે અને તેમની વિભિન્ન પ્રકારની વ્યક્તિગત સમસ્યાઓના સમાધાન માટે તમામ શિક્ષણસંસ્થાનોમાં પરામર્શ કેન્દ્ર (કાઉન્સેલિંગ સેન્ટર) શરૂ કરવાની જોગવાઈ છે.
 
આ શિક્ષણનીતિની એક મહત્ત્વપૂર્ણ વાત એ પણ છે કે, પાંચમા ધોરણ સુધી માતૃભાષામાં જ શિક્ષણ આપવામાં આવશે. સાથે સાથે સંસ્કૃત સહિત વિશ્ર્વ વિદ્યાલયો અંતર્ગત આવતા ભાષાવિભાગોનું સશક્તિકરણ, ૮મી અનુસૂચિની તમામ ભાષાઓની એકેડમીનું ગઠન, ભારતીય ભાષાઓની કલા અને સંસ્કૃતિના દસ્તાવેજોના ડિજિટલ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવા તથા પાલી, પ્રાકૃત તેમજ ફારસી ભાષા માટે રાષ્ટ્રીય સંસ્થાન તેમજ ભારતીય અનુવાદ સંસ્થાનની સ્થાપના કરવાની વાત કરવામાં આવી છે. આ પ્રકારે વિવિધ શૈક્ષિક સોફ્ટવેર પ્રમુખ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવા તેમજ વિદ્યાલયીન શિક્ષણ માટે શિક્ષણ અધિગમ માટે ઇ-સામગ્રી ક્ષેત્રિય ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવાની વાત કરવામાં આવી છે.
 
કોઠારી આયોગથી માંડી અનેક આયોગો અને સમિતિઓએ પોતાનાં સૂચનોમાં સકલ ઘરેલું ઉત્પાદ (જીડીપી)નો ૬% શિક્ષણક્ષેત્રે પર ખર્ચ કરવાની સલાહ આપી હતી તેને મૂર્ત રૂપ આપવાની વાત પણ નવી શિક્ષણનીતિમાં કરવામાં આવી છે. આ જ રીતે દેશની તમામ શિક્ષણ સંસ્થાઓના ઓડિટ માટે એક જ માપદંડ બનાવવામાં આવ્યો છે. આ જ રીતે સરકારી તેમજ ખાનગી શૈક્ષણિક સંસ્થાનોને પોતાનાં આર્થિક પાસાંઓની પારદર્શિતા નક્કી કરવી પડશે. સાથે જ આ નીતિ મુજબ તમામ શૈક્ષણિક સંસ્થાઓ બિન લાભકારી સંસ્થાઓ માનવામાં આવશે. નવી શિક્ષણનીતિ આવ્યા બાદ હવે ખાનગી શિક્ષણસંસ્થાનો મનમરજીથી પૈસા (ફી) ઉઘરાવી શકશે નહીં. દર વર્ષે ફી વૃદ્ધિ પણ નિયમોમાં રહીને જ કરવી પડશે. તેમાં પણ જો વાલીઓ ઇચ્છે તો તેને પડકારી પણ શકે છે. આ રીતે શિક્ષણ સંસ્થાઓમાં આર્થિક નીતિ સુનિશ્ર્ચિત કરવાની જોગવાઈ છે.
 
અભ્યાસક્રમને સુગમ્ય બનાવવા પર પણ જોર આપવામાં આવ્યું છે, જેથી વિદ્યાર્થી પોતાના રસ મુજબ વિષયોની પસંદગી કરી શકે. જે વિદ્યાર્થીઓ કોઈ કારણસર ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ મેળવ્યા બાદ અભ્યાસક્રમ પૂર્ણ કરી શકતા નથી. તેઓ ભવિષ્યમાં કોઈપણ સમયે તે સેમેસ્ટરમાં પુનઃ પ્રવેશ મેળવી શકશે. આ જ રીતે સ્નાતક અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ પાસે અનેક વિકલ્પો પણ હશે, જેમાં ૧ વર્ષ બાદ સર્ટિફિકેટ, ૨ વર્ષ બાદ ડિપ્લોમા, ૩ વર્ષ બાદ ડિગ્રી અને ૪ વર્ષ બાદ ઓનર્સની ડિગ્રી મેળવી શકશે. ઓનર્સની ડિગ્રી મેળવનાર વિદ્યાર્થી સીધા જ પીએચડીમાં પ્રવેશ મેળવી શકશે.
 
ઉચ્ચ શિક્ષણમાં એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટની સ્થાપના કરવાની યોજના પણ છે. તેના દ્વારા વિદ્યાર્થી અલગ અલગ ઉચ્ચ શિક્ષણસંસ્થાઓથી પ્રાપ્ત ક્રેડિટ ભવિષ્યમાં ડિગ્રી મેળવવામાં ઉપયોગ કરી શકશે. ઓનલાઇન શિક્ષણની પણ જોગવાઈ છે.
નવી શિક્ષણનીતિમાં શિક્ષણની સ્વાયત્તા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ નીતિમાં ઉચ્ચ શિક્ષણસંસ્થાઓને બોર્ડ ઓફ ગવર્નસ ગઠિત કરી શૈક્ષણિક અને પ્રશાસનિક સ્વાયત્તની જોગવાઈ કરવામાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષણનીતિનું લક્ષ્ય એવા નાગરિકોનું નિર્માણ કરવાનું છે, જે વિચારોથી, બૌદ્ધિકતાથી તેમજ કાર્યવ્યવહારથી ભારતીય બને. આ લક્ષ્યની પ્રાપ્તિ માટે નવી શિક્ષણનીતિને યોગ્ય રીતે લાગુ પાડીને સાચા અર્થમાં ભારતીયતાને પુનઃપ્રતિષ્ઠાપિત કરવામાં આપણે સફળ રહીશું.

‘નવી શિક્ષણનીતિ’ની નજરે માતૃભાષા : હર્ષદ પ્ર. શાહ

 
(કુલપતિ, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ગાંધીનગર)
 
આપણને સ્વતંત્ર થયાને ૭૩ વર્ષ થયાં. ત્યારે આશા તો એવી જ હતી કે હવે ‘સ્વ’ તંત્ર મળશે. ‘સ્વ’ તંત્ર એટલે હવે આપણો દેશ આપણી રીતે ચાલશે. ભારતીય શિક્ષણદર્શન અનુસાર આ દેશની પ્રકૃતિ અને સંસ્કૃતિને અનુરૂપ શિક્ષણ અપાશે. આપણી પોતાની ભાષામાં શિક્ષણ અપાશે. ફરી ભારતીય જીવનમૂલ્યો જીવંત થશે, ધબકતાં થશે.
 

new education policy 202 
 
અહીં આપણે વાત કરવી છે માતૃભાષામાં શિક્ષણ સંદર્ભે. નવી શિક્ષણનીતિ ૨૦૨૦ની કલમ ૪.૧૧ એવું કહેવાયું છે કે, જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી કક્ષા - ૫ સુધીનું શિક્ષણ માતૃભાષા કે સ્થાનિક ભાષામાં આપવું, પણ ઇચ્છવાયોગ્ય તો એ છે કે કક્ષા - ૮ અને પછી પણ બાળકની ઘરમાં બોલાતી ભાષા, સ્થાનિક કે પ્રાદેશિક ભાષામાં શિક્ષણ અપાય. આ મુદ્દાને સરકારી અને ખાનગી - બધા પ્રકારની શાળાઓએ અનુસરવાનું રહેશે.
 
આમાં મારી ચિંતાનો વિષય છે : જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી... આ શબ્દોનું મનસ્વી અર્થઘટન થઈ શકે છે. ખાસ કરીને અંગ્રેજી માધ્યમની હાઈ-ફાઈ 5-star સ્કૂલો પોતાને અનુકૂળ હોય એવા નિર્ણયો કરીને છૂટછાટ લઈ શકે છે. આ વાક્ય લાલ બત્તી જેવું છે.
 
આપણો દેશ ૨૨ જેટલી માન્ય ભાષાઓ બોલે છે. દરેક રાજ્યમાં અનેકભાષી લોકો વસે છે. એમનાં બાળકો કેન્દ્રીય વિદ્યાલયો કે CBSE સંલગ્ન શાળાઓમાં ભણતાં હોય છે. એમને કઈ ભાષામાં શિક્ષણ આપવું ? ભીતિ એવી છે કે ફરી અંગ્રેજી ભાષા એવી ને એવી પકડ જમાવીને બેઠેલી રહે. નવી શિક્ષણનીતિ આ એક વાક્યથી માતૃભાષા સંદર્ભે શિથિલ થઈ શકે.
 
વળી કલમ ૪.૧૨માં એવી વાત કરી છે કે, સંશોધનો સ્પષ્ટપણે દર્શાવે છે કે બેથી આઠ વર્ષની ઉંમરનાં બાળકો એકસાથે અનેક ભાષાઓ પર ઝડપથી પ્રભુત્વ મેળવી શકે છે અને એમની જ્ઞાનગ્રહણ ક્ષમતા પણ વધી શકે છે.
 
આ વાક્યનો આધાર લઈ અંગ્રેજીભાષાપ્રેમી શાળાઓ અને મહાનુભાવો બાળકની માતૃભાષાની તુલનામાં અંગ્રેજી ભાષા શીખવવાનો સવિશેષ પ્રયત્ન કરશે.
 
‘નવી શિક્ષણનીતિ’ને કારણે ઘણાં માતા-પિતા બાળકોને માતૃભાષામાં ભણાવવામાં જોઈએ એવું વિચારતાં તો થઈ ગયા છે. માતૃભાષા માટે સાનુકૂળ વાતાવરણ પણ સર્જાયું છે. તેમ છતાં હજુ સરકારી સ્તરે કેટલાક અસરકારક નિર્ણયો થવા જોઈએ એવું હું માનું છું. કદાચ હવે હું જે સૂચવું છું એ ‘શિક્ષણનીતિ’ કરતાં વધુ ‘સરકારી નીતિ-કાર્યપદ્ધતિ’ ગણી શકાય. મારાં આ સૂચનો નીચે મુજબ છે :
 
(૧) સમગ્ર સરકારી તંત્રનો કારભાર પ્રાદેશિક ભાષા અને હિન્દી ભાષામાં કરવાનો આગ્રહ વધારવો.
 
(૨) એલ.આઈ.સી., બેન્કો અને કોર્પોરેટ સેક્ટરની મોટી મોટી સંસ્થાઓએ પોતાનું સાહિત્ય અને પોતાનાં આવશ્યક પ્રજાલક્ષી પત્રકો પ્રાદેશિક અને હિન્દી ભાષામાં તૈયાર કરવાં.
 
(૩) દેશમાં જેટલી પણ પ્રવેશ-પરીક્ષાઓ લેવાય છે તે પણ આ જ રીતે પ્રાદેશિક અને હિન્દી ભાષામાં લેવાય.
 
(૪) ન્યાયાલયોનો કારભાર પણ આપણી ભાષાઓમાં થાય અને બધા ચુકાદા હિન્દી તેમજ પ્રાદેશિક ભાષાઓમાં અપાય.
 
(૫) બધાં કાર્યાલયો અને દુકાનો શોરૂમનાં નામપટ્ટ પણ પ્રાદેશિક અને હિન્દી ભાષામાં લખવાનો આગ્રહ શરૂ થાય.
 
આમ તો એવું લાગે છે કે અંગ્રેજી ભાષા જલદી આપણો પીછો નહીં છોડે. ભાષાક્રાંતિ તો ઇઝરાયલ જે રીતે લાવ્યું અને પોતાની હિબ્રૂ ભાષાને એણે જીવંત કરી એ રીતે જ આવે. અનેક વાવંટોળ અને વિરોધોની વચ્ચે અપ્રતિમ નિર્ણયશક્તિનો પરિચય આપવામાં આવે તો જ ભારતીય ભાષાઓ ધબકતી થાય.
 
પોતાની જ ભાષા સારી ને સાચી લખતાં કે બોલતાં ન આવડે એમાં કોઈ ગૌરવ નથી. આજે અસંખ્ય લોકો પોતાની સહી પણ અંગ્રેજીમાં કરે છે. પોતે પોતાને ભૂલી જવું, પોતાની ઓળખને વિસારે પાડી દેવી એ અસ્મિતાનું સહી ન શકાય તેવું હનન છે.
આજે દેશમાં અંગ્રેજી ભાષાને કારણે... એની ભયાનક ઘેલછાને કારણે અંગ્રેજી જાણનારા અને અંગ્રેજી ન જાણનારા લોકોની બે મોટી જાતિ સર્જાઈ છે. આ એક પ્રકારનો ભયંકર ભાષાભેદ છે જેને કારણે સમાજનો ઘણો મોટો વર્ગ લઘુતાગ્રંથિથી પીડાઈ રહ્યો છે અને વિકૃતિ એવી જન્મી છે કે અભણ મા-બાપ પણ પોતાનાં બાળકોને પેટે પાટા બાંધી મોંઘીદાટ અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ભણાવવા લાલાયિત છે.
 
માતૃભાષાનો પ્રભાવ જો સમાજમાં વધે તો જ આપણને ઉત્તમ વિજ્ઞાનીઓ, ગણિતશાસ્ત્રીઓ, કલાકારો, લેખકો અને કવિઓ મળે. તો જ સમાજને અનેક ક્ષેત્રના ઉત્તમ સર્જકો મળે. બાકી તો અત્યારે બધાને IAS થઈ જવું છે, GPSC અને UPSC ની પરીક્ષા માટે ખુવાર થઈ જવું છે. પણ પોતાની આંતરિક શક્તિ કે ક્ષમતા જે ક્ષેત્રમાં છે એને મને-કમને ભુલવાડી દેવી છે. આપણાં કરોડો માતા-પિતાએ માતૃભાષાના મહિમાને સમજવો પડશે અને સાર્વત્રિક શિક્ષણ માતૃભાષામાં અપાય એ વિચારને વેગ આપવો પડશે અને તો જ આ રાષ્ટનું સ્વત્વ જાગશે.

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ : વો સુબહ કભી તો આયેગી.. : ડૉ. શિરીષ કાશિકર

(ડિરેક્ટર : નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ)
 
આમ તો ડૉ. કસ્તુરીરંગનની અધ્યક્ષતામાં બનેલી નિષ્ણાતોની સમિતિએ જ્યારે રાષ્ટ્રીય શિક્ષણનીતિનો ડ્રાફ્ટ સરકાર સમક્ષ પ્રસ્તુત કર્યો ત્યારે જ એક નવા સ્વતંત્ર, નિર્ણાયક શિક્ષણ યુગનો પ્રારંભ થઈ ગયો હતો. ૩૪ વર્ષના સમયગાળા પછી હવે લાંબાગાળાની વિધર્યનીતિ શિક્ષણ નીતિ ભાવિ ભારતનો મજબૂત પાયો નાખશે. એવી અપેક્ષા અસ્થાને નથી. આમ તો આ નવી શિક્ષણનીતિને શાળાકીય શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ એમ બે ભાગમાં અચૂકપણે વહેંચવામાં આવી છે. ત્યારે આપણે આ નીતિ વર્તમાન અને ભવિષ્યમાં શું પરિવર્તનોની શક્યતા લાવે છે તેના પર વાત કરીએ. ખાસ કરીને ઉચ્ચ શિક્ષણક્ષેત્રે હાલમાં પ્રવર્તતી નીતિઓમાં રહેલી ખામીઓને દૂર કરી તેને વધારે વિદ્યાર્થીલક્ષી અને રોજગારલક્ષી બનાવવાનો પ્રયાસ થયો છે. સાથે સાથે આવનારા સમયમાં આવનારાં પરિવર્તનો, નવી શિક્ષણનીતિને સુચારુ સ્વરૂપે અમલીકૃત કરી શકે તેવા તાલીમબદ્ધ શિક્ષકોની તાલીમ, સંશોધન અને લિબરલ શિક્ષણ પર મુકાયેલો ભાર અને વિશેષ તો સમગ્ર નીતિના કેન્દ્રમાં રહેલાં ભારતીયતાનાં મૂલ્યો એ સમગ્ર શિક્ષણ વ્યવસ્થાનું કેન્દ્રબિન્દુ બની રહેશે.
 

new education policy 202 
 
આ નવી નીતિના નિર્ધારકોએ એ માન્યું છે કે ઉચ્ચ શિક્ષણ બંધારવાના પરિપ્રેક્ષ્યમાં ભારતને એક લોકતાંત્રિક, ન્યાય સામે સમકક્ષ, સામાજિક અને વ્યક્તિગત સમજથી પરિપૂર્ણ, સાંસ્કૃતિક અને માનવીય રૂપમાં સુદૃઢ એવા રાષ્ટ તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે. તેનું લક્ષ્ય અવનવી શોધો અને સંશોધનના વિકાસ માટે કેન્દ્રની સ્થાપના કરવાનું છે, જે વ્યક્તિઓને પ્રબુદ્ધ કરવાની સાથે દેશને સામાજિક, સાંસ્કૃતિક, કલાત્મક, વૈજ્ઞાનિક, ટેકનિકલ અને આર્થિક રૂપમાં આગળ વધવામાં મદદ કરી શકે. તેઓ વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, કલા, સાહિત્ય, દ્રવ્યસાત્વિક શિક્ષણ, ટેક્નિકલ શિક્ષણ જેવા વિષયને સામેલ હોય. તેનો ઉદ્દેશ માત્ર નોકરી કરનારાઓની ફૌજ ઊભી કરવાનો નથી પણ આવનારા સમયમાં આવનારાં પરિવર્તનોને પારખીને નવી તકો ઊભી કરનારા, તકો ઝડપનારા યુવાનો તૈયાર કરવાનો છે. આવનારા સમયમાં ટેકનોલોજી અને ઓપરેશનનો પ્રભાવ વધવાનો છે ત્યારે એકથી વધુ કૌશલ્ય ધરાવતા યુવાનોની પેઢી તૈયાર કરવાની જવાબદારી નવી શિક્ષણનીતિ અને તેનું અમલીકરણ કરનારાઓ પર છે. હાલની સ્થિતિમાં ઉપલબ્ધ ડેટા અનુસાર ૮૦૦થી વધારે યુનિવર્સિટીઓ અને ૪૦,૦૦૦થી વધારે કોલેજો / સંસ્થાઓ દેશમાં છે પણ ૨૧મી સદીની માંગોને અનુરૂપ શિક્ષણ અને કૌશલ્યવર્ધન કરી શકે તેવી સંસ્થાઓ જૂજ છે. આના માટેનું એક કારણ વર્તમાન નીતિમાં રહેલી શૈક્ષણિક જડતાને આપવામાં આવે છે જે એક રીતે યોગ્ય પણ છે. આપણા દેશમાં એન્જિનિયરિંગ ભણનારા વિદ્યાર્થીને કલા અને રાજનીતિ સાથે કંઈ લેવા-દેવા ન હોય તેનું આ વ્યવસ્થામાં ખાસ ધ્યાન રખાય છે જે તેના માટે અન્યાયકારી છે. થવું જોઈએ તેનાથી બિલકુલ ઊંધું આ વિદ્યાર્થીએ સાથે સાથે પોતાના મૂળ અભ્યાસક્રમ સિવાય કળા, આશિષ, સમાજવિજ્ઞાન સિદ્ધાન્ત વિજ્ઞાન સહિતના વિષયો પણ ભણવા જ જોઈએ.
 
તેનો જીવન પરત્વેનો એક દૃષ્ટિકોણ ખીલવવા માટે આ અત્યંત જરૂરી છે. આવી સ્થિતિમાં નવી શિક્ષણનીતિમાં સુધારવામાં આવેલા બે મહત્ત્વના મુદ્દા ગેમ ચેન્જર બની રહેશે. પ્રથમ મુદ્દો જે પ્રકારે દેશના વિવિધ વિશ્ર્વ વિદ્યાલયો અને કોલેજોમાં ગુણવત્તાપૂર્ણ સંશોધનની કમી છે તેને દૂર કરવા એક રાષ્ટ્રીય સંશોધન સંસ્થા (NRF) ગઠિત કરાશે. જે ફન્ડિંગ અને મોનિટરીંગ એજન્સી તરીકે કામ કરશે. નાનાં મોટાં સંશોધનોથી લઈ તમામ અભ્યાસક્ષેત્રોમાં સંશોધનને બળ મળે તે માટે પ્રયાસો થશે. વિશ્ર્વ વિદ્યાલયો અને કોલેજોને ધીરે ધીરે સ્વાયત્તતા અપાશે, જેની પરિવાર સંશોધન પ્રક્રિયા વધુ ઝડપી બનશે. વિશ્ર્વ વિદ્યાલયોને શિક્ષણ, શિક્ષણ અને સંશોધન અને માત્ર સંશોધન એમ વહેંચીને આ મહત્ત્વપૂર્ણ કાર્યને પરિણામલક્ષી બનાવાશે.
 
બીજો મુદ્દો છે લિબરલ એજ્યુકેશનનો. આ વ્યવસ્થામાં વિદ્યાર્થી કોઈપણ વિષયમાં કોઈપણ વિદ્યાલયમાં ભણી શકે તેવી વ્યવસ્થા રહેશે. વિષયની પસંદગી વિદ્યાર્થી કરી શકશે. ત્રણ વર્ષ સુધી ભણનારને ગ્રેજ્યુએટની અને ચાર વર્ષ અભ્યાસ કરનારને ઓનર્સની ડિગ્રી મળશે. વચ્ચેથી અભ્યાસ છોડનારી વ્યક્તિ પણ તેણે જેટલાં વર્ષ અભ્યાસ કર્યો હશે તે પ્રમાણે સર્ટિફિકેટ કે ડિપ્લોમા મળશે. ખાસ તો ભારતીય વિચારધારા અને ભારતીય મૂલ્યોનો અહીં સમાવેશ આવનારી પેઢીને પોતાના દેશ સાથે મજબૂતાઈથી જોડશે તેવી અપેક્ષા ચોક્કસ છે.

આ નીતિ શિક્ષકોની તાલીમમાં મહત્ત્વનું પરિણામ લાવનારી સાબિત થશે : ડૉ. હર્ષદ પટેલ


(વાઇસ ચાન્સેલર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન, ગાંધીનગર)
 

new education policy 202 
 
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન - ગાંધીનગરના કુલપતિ શ્રી ડૉ. હર્ષદભાઈ પટેલે કહ્યું હતું કે, શિક્ષણનીતિ ૨૦૨૦ શિક્ષકોની તાલીમમાં મહત્ત્વનાં પરિણામ લાવનારી સાબિત થશે, કારણ કે, નવી શિક્ષણનીતિમાં સૌથી વધુ ભાર મુકાયો હોય તો તે શિક્ષકોની તાલીમ પર છે. અત્યારે સ્નાતક પછી બે વર્ષમાં બી.એડ. અભ્યાસક્રમની વ્યવસ્થા છે, જે પહેલાં એક જ વર્ષનો હતો. પરંતુ ૨૦૧૫થી બે વર્ષનો કરી દેવામાં આવ્યો હતો. જ્યારે નવી શિક્ષણનીતિ મુજબ આ અભ્યાસક્રમને ચાર વર્ષનો કરી દેવામાં આવ્યો છે. એટલે કે ધોરણ ૧૨ બાદ ચાર વર્ષનો બી. એડ. અભ્યાસક્રમ રહેશે. જ્યારે સ્નાતક બાદ બે વર્ષ અને અનુસ્નાતક બાદ એક વર્ષનો બી. એડ.નો અભ્યાસક્રમ રહેશે. પરંતુ અહીં એક વાત નોંધવી રહી કે આ બે વર્ષનો અભ્યાસક્રમ અથવા તો ચાર વર્ષનો બી.એડ.નો અભ્યાસક્રમ યુનિવર્સિટી અથવા તો ચાર વર્ષનો બી.એડ. અભ્યાસક્રમ ચાલે છે તે જ સંસ્થાઓ ઓફર કરી શકશે.
 
શિક્ષકોની તાલીમ માટે અપડેટની વ્યવસ્થા બનાવવામાં આવી છે, એટલા માટે કે હવે ચાર વિભાગો થયા છે. ત્યારે આ ચાર વિભાગોમાં પણ તે ફાઉન્ડેશન કોર્ષમાં હોય કે સેકન્ડરી એજ્યુકેશનમાં હોય તેને એવું ન થાય કે, હું આ સ્તરે છું માટે આવું ભણાવું છું અને પેલા કરતાં કંઈક જુદો છું માટે કેટલાક કોર્ષ કરીને તે પોતાને અપડેટ પણ કરી શકે છે. તેને ફાઉન્ડેશન કોર્ષમાંથી સેકન્ડરી એજ્યુકેશન કોર્ષમાં સ્વીચ ઓવર થવું છે તો તે કેટલાક કોર્ષ કરી સ્વીચ ઓવર પણ થઈ શકે છે.
 

જીવંત શિક્ષણ માટે શિક્ષક-વિદ્યાર્થી વચ્ચે આઈ કોન્ટેક્ટ મહત્ત્વનો છે : અનિલ રાવલ

(પ્રિ. દીવાન બલ્લુભાઈ પ્રા. શાળા, અમદાવાદ)
 

new education policy 202 
 
કોરોના મહામારીએ સમાજના દરેક ક્ષેત્રમાં પરિવર્તન આણ્યું છે. શિક્ષણ પણ એમાંથી બાકાત નથી. અત્યારે વિદ્યાર્થીઓ ઘેર બેઠા ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે. નાનાં નાનાં બાળકોને મોબાઈલ ન અપાય, સતત જોઈ રહેવાથી આંખોને નુકસાન થાય એવી દુહાઈ આપનારા આજે મૌન બની ગયા છે.
 
ઓનલાઇન શિક્ષણ એ આજના સમયની માગ છે અને માનવસમાજની મજબૂરી પણ છે. વૈકલ્પિક અને કામચલાઉ ધોરણે ઓનલાઇન શિક્ષણ આપી શકાય પણ કાયમી ધોરણે આ વ્યવસ્થા ચાલી શકે નહીં. વિદ્યાર્થીઓનું સામાજિક, માનસિક અને શારીરિક ઘડતર ઓનલાઇન શિક્ષણમાં થઈ શકે નહીં.
 
ભારતનું ભાવિ વર્ગખંડોમાં ઘડાય છે એ ઉક્તિ હવે બદલવી પડશે. ભારતનું ભાવિ વર્ગખંડોમાં ઘડાતું હોય તો વર્ગખંડની શિક્ષણપ્રક્રિયા વધુ સુદૃઢ બનાવવી પડે. આ માટે શિક્ષક-વિદ્યાર્થી વચ્ચે પ્રત્યાયન થવું જોઈએ. વર્ગખંડમાં પ્રત્યાયન માટે વિદ્યાર્થીની જ્ઞાનતૃષાતુર આંખો અને શિક્ષકની જ્ઞાન છલકતી, પ્રેમનીતરતી અને હુંફથી તરબતર આંખોનું સાયુજ્ય - આઈ કોન્ટેક્ટ અનિવાર્ય છે. એમ જોવા જઈએ તો મહાભારતકાળમાં પણ ‘સંજયદૃષ્ટિ’ હતી જ. ગુરુ દ્રોણ, કૃપાચાર્ય, પરશુરામ અને સાંદીપનિ જેવા મહાન ગુરુઓએ વર્ચ્યુઅલ વર્ગો શરૂ કર્યા હોત તો અર્જુન અને કર્ણ જેવા શ્રેષ્ઠ ધનુર્ધર તેમજ ભીમ અને દુર્યોધન જેવા શ્રેષ્ઠ ગદાધર સમાજને મળી શક્યા હોત કે નહીં તે વિચાર માગી લે તેવો પ્રશ્ન છે. પ્રાથમિક શાળામાં ક, ખ, ગ,.... અને ૧, ૨, ૩.... ઘુંટાવવાનું ઓનલાઇન શિક્ષણમાં કેવી રીતે થઈ શકે તે સમજાતું નથી. ભારતીય શિક્ષણનાં મૂળતત્ત્વોમાં શ્રદ્ધા ધરાવનાર સંસ્થાઓ કે શિક્ષકો પંચકોષીય શિક્ષણની આદર્શ પરિકલ્પના કેવી રીતે મૂર્તિમંત કરશે એ વિકટ પ્રશ્ર્ન છે.
 
આજની પરિસ્થિતિમાં વિદ્યાર્થી અભ્યાસથી વિમુખ ન બને તેટલા પૂરતું ઓનલાઇન શિક્ષણ આવકારદાયક છે. આનંદદાયક શિક્ષણ આપી શકાય તેવો પ્રયત્ન કરી સંતોષ માનવો રહ્યો.
 

ઓન લાઇનના ઉપવનમાં ખીલતાં જ્ઞાનનાં ગુલાબ : ડૉ. ઇરોસ વાજા

(એસો. પ્રોફે. અને અધ્યક્ષ, અંગ્રેજી વિભાગ,
માતુશ્રી વીરબાઈમા મહિલા આટર્સ કોલેજ, રાજકોટ)
 
કોરોના મહામારીએ સમગ્ર વિશ્ર્વને હચમચાવી દીધું છે. સમાજના દરેક વર્ગની જિંદગી અને વ્યવહારોને બદલી નાખ્યાં છે. આવા વખતે શિક્ષણ અને એની સાથે સંકળાયેલા તમામ લોકોને સીધી અસર થઈ છે. તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ થઈ ગઈ પરંતુ વિદ્યાર્થીઓના શિક્ષણને અસર ના પડે એ હેતુથી શિક્ષકો અને પ્રાધ્યાપકોએ ઓન લાઈન શિક્ષણનો વિકલ્પ અપનાવ્યો. ઓન લાઈન શિક્ષણ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે સાવ નવો જ અનુભવ હતો, ઘણી મુશ્કેલીઓ હતી પરંતુ તેમ છતાં આજે બાળમંદિરથી અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ ઓન લાઇન શિક્ષણ મેળવી રહ્યા છે.
 

new education policy 202 
 
શિક્ષણવિદો ઓન લાઇન શિક્ષણને લઈને ખૂબ મનોમંથન કરી રહ્યા છે. જ્યારે કોઈ નવી પદ્ધતિ દાખલ કરવામાં આવે કે નવો રસ્તો અખત્યાર કરવામાં આવે ત્યારે શરૂઆતના તબક્કે મુશ્કેલીઓ સર્જાય એ સ્વાભાવિક છે, પરંતુ જ્યાં સુધી શૈક્ષણિક સંસ્થાઓ પુનઃ ના ખૂલે ત્યાં સુધી બીજો કોઈ વિકલ્પ નથી, સિવાય કે ઓન લાઇન શિક્ષણ.
 
પરંતુ એ વાત પણ એટલી જ મહત્ત્વની છે કે ઓન લાઇનનો અતિરેક તમામને મુશ્કેલીમાં મૂકી શકે. અતિ સર્વત્ર વર્જ્યતે. નાનાં - નાનાં ભૂલકાંઓ કે જેને હજુ યુનિફોર્મ પહેરતાં પણ આવડતું નથી તેઓને ૩ -૪ કલાક મોબાઈલ સ્ક્રીન સામે ફરજિયાત યુનિફોર્મ પહેરાવીને બેસાડી દેવા કોઈ રીતે યોગ્ય ના કહેવાય. સ્ક્રીન સામે સતત જોતા રહેવાથી નાનાં બાળકોને શારીરિક અને માનસિક સમસ્યાઓ ઉદ્ભવી શકે એટલે તેમાં થોડું પ્રમાણભાન રાખી સંયમપૂર્વક શિક્ષણ આપવું જોઈએ.
ગ્રામ્ય પંથકમાં નેટવર્ક નથી આવતું, બધા જ વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટ ફોન નથી, બધા જ શિક્ષકો આ નવી ટેક્ધોલોજીમાં પારંગત નથી, આવી અનેક સમસ્યાઓ તો છે જ, પરંતુ આપણે સૌએ સાથે મળીને માર્ગ કાઢવો પડશે, કારણ કે કોરોનાને કારણે શૈક્ષણિક સંસ્થાઓ ક્યારે ખૂલશે અને ક્યારે વર્ગખંડોમાં ભણાવવાનું ચાલુ થશે એ આ ક્ષણે કહેવું અશક્ય છે. કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની પોતાની નાની મોટી સમસ્યાઓ પણ સામે આવી પણ એ તમામને નિવારી શકાય એમ છે. આ માટે અધ્યાપકોએ ટેક્ધોલોજીને વધારે સારી રીતે સમજવી પડશે. આના માટે વધારે સારું નેટવર્ક સ્થાપિત કરવું પડશે અને આપણે સૌએ માનસિક રીતે સજ્જતા કેળવવી પડશે.
 
રિટાયરમેન્ટના આરે પહોંચેલા શિક્ષકો કરતાં આજની પેઢી ટેક્ધોલોજીની બાબતમાં ચડિયાતી છે એ નિર્વિવાદ બાબત છે. Goog-e Meet, Microsoft Teams જેવી એપ્લિકેશનને સમજવા માટે આવા શિક્ષકોને પોતાના સંતાનો કે વિદ્યાર્થીઓની મદદ લેતા પણ જોયા છે, જે આવકાર્ય બાબત છે, કારણ કે જે ક્ષણે ક્ષણે નવું શીખે તે જ સાચો શિક્ષક. આ રીતે બે પેઢીઓ એક સાથે કૈંક નવું પ્રાપ્ત કરી રહી છે અને generation gap ઘટી રહી છે.
 
તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો અત્યાર સુધીનો અનુભવ છે કે જે આનંદ વર્ગખંડમાં ભણાવવાનો અને ભણવાનો આવે એવો આનંદ ઓન લાઇન ભણવાનો નથી આવતો જે એક સત્ય છે. સ્ક્રીન સામે જોઈને ભણાવવામાં શિક્ષકનું વ્યક્તિત્ય પૂરી રીતે ખીલી શકતું નથી. સામે વિદ્યાર્થીઓ બેઠા હોય તો જ સાહિત્ય કે કોઈ પણ અન્ય વિષયની રસસભર રજૂઆત થઈ શકે. પરંતુ કોરોના મહામારીએ આ આનંદ છીનવી લીધો છે. જ્યાં સુધી પરિસ્થિતિ થાળે ના પડે ત્યાં સુધી જીવનના વહેણને આ રીતે બદલવું પડશે અને વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ના રહે એ માટેના પ્રામાણિક પ્રયત્નો કરતા રહેવા પડશે, કારણ કે The Show must go on. આપણે સૌ ઈશ્ર્વરને પ્રાર્થના કરીએ કે આ મહામારીનો અંત આવે અને માનવજીવન ફરી પાછું પહેલાંની જેમ ધબકતું થાય.
વિદેશી વિશ્ર્વવિદ્યાલયોનાં કેન્દ્રો ભારતમાં સ્થપાશે : ડૉ. અનીલ કપૂર (એસો. પ્રોફેસર, પી.એચડી. ગાઈડ, લેખક, સંપાદક)
નવી શિક્ષણનીતિ ૨૦૨૦ એટલે કે ‘ન્યુ એજ્યુકેશન પોલિસી’ (ટૂંકમાં NEP) સાચા અર્થમાં બહુઆયામી અને ભવિષ્યની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવી છે. સતત બદલાતી જતી પરિસ્થિતિઓને કારણે પોતાની કારકિર્દી અંગે દ્વિધાનાં વમળોમાં રહેતા વિદ્યાર્થીઓને NEP યોગ્ય દિશાનિર્દેશ કરે છે, કેમ કે NEPમાં બહુઆયામી શિક્ષણને સ્થાન મળ્યું છે. નવી શિક્ષણનીતિમાં વિષય ચયનની બાબતે અગાઉની શિક્ષણનીતિઓ જેવી જડ કે રૂઢિચુસ્ત નથી, પરંતુ અતિશય લવચીક છે, તેથી શિક્ષાર્થીઓ પોતાની રુચિ અને કૌશલ્યોને અનુરૂપ શિક્ષણ પ્રાપ્ત કરી શકશે. વળી તેમાં શિક્ષાર્થીની પ્રયોગશીલતા અને અનુભવને પણ મહત્ત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. શિક્ષાર્થીઓ પોતાના પ્રયોગોની સફળતા કે નિષ્ફળતાના આધારે અનુભવનું ભાથું લઈને આગળ વધશે. આ અનુભવના ભાથાનો વ્યાવસાયિક વિનિયોગ કરી શકે તે માટે યુવાનોને રાજ્ય અને દેશસ્તરે તકો પૂરી પાડવામાં આવશે. આને કારણે યુવાનોની વ્યાવસાયિક કારકિર્દીની તકો વધી જશે. અગાઉની શિક્ષણનીતિઓમાં એવી કોઈ જોગવાઈ ન હતી.
 
ભારતનું યુવા બુદ્ધિધન વિદેશમાં વસી જાય છે તેવી દાયકાઓથી ચાલી આવતી ફરિયાદને NEPમાં દૂર કરવાનો સુંદર પ્રયત્ન થયો છે. વિદેશી વિશ્ર્વવિદ્યાલયોનું શિક્ષણ આપણા યુવા શિક્ષાર્થીઓને ઘરઆંગણે મળી રહે તે માટે નામાંકિત વિદેશી વિશ્ર્વવિદ્યાલયોને ભારતમાં કેન્દ્રો સ્થાપવાની અનુમતિ NEPમાં આપવામાં આવી છે, તો આપણાં વિશ્ર્વવિદ્યાલયોને વૈશ્ર્વિક સ્તરે લઈ જવા માટે તેમને પણ વિદેશોમાં કેન્દ્રો સ્થાપવાની અનુમતિ આપવામાં આવી છે. ભારતનાં અને વિદેશી વિશ્ર્વવિદ્યાલયો સંયુક્ત રીતે પણ અભ્યાસક્રમ ચલાવી શકશે.
 
NEPમાં ઉચ્ચ શિક્ષણ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે મેડિકલ અને લૉ સિવાય એક જ પ્રવેશ-પરીક્ષા રહેશે. આથી આપણા યુવાધનને ઠેર-ઠેર યોજાતી ઢગલાબંધ પ્રવેશ-પરીક્ષાઓ આપવામાંથી મુક્તિ મળશે. એક વાત સ્પષ્ટ છે કે ભવિષ્યની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવેલી NEP અગાઉની ચીલાચાલુ શિક્ષણનીતિઓથી સાવ ભિન્ન છે. આપણા દેશની પરિસ્થિતિ જોતાં તેનો અમલ પડકારજનક રહેશે, પરંતુ વર્તમાન સરકારની ત્વરિત નિર્ણયશક્તિ અને ગતિશીલતા ધ્યાનમાં લેતાં એ અસંભવ તો નહીં જ રહે એવું માની શકાય છે.

રાષ્ટ્રીય નવી શિક્ષણનીતિમાં સંસ્કૃતને આવી રીતે અપાયું છે મહત્ત્વ : ડૉ. અતુલ ઉનાગર

 
(અધ્યાપક, સંસ્કૃત વિભાગ ગુજરાત યુનિ. તથા સંસ્કૃત ભારતીના પ્રાંતપ્રચાર પ્રમુખ)
 
ભારતની પ્રથમ અને ભાષાઓની જનની સંસ્કૃતની પ્રતિષ્ઠાનું પુનરુત્થાન નવી શિક્ષણનીતિમાં થવા જઈ રહ્યું છે. વૈદિક ગણિત, ખગોળશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, કલાશાસ્ત્ર, આયુર્વેદ, યોગ, શિલ્પ, સ્થાપત્ય, દર્શનશાસ્ત્ર, નાટ્યવિદ્યા વગેરે પ્રાચીન ભારતીય વિદ્યાઓને મુખ્ય વિષયોમાં આવરી લેવામાં આવ્યા છે. આ વિવિધ વિદ્યાઓ સંસ્કૃતમાં જ છે, આથી સંસ્કૃતનું મહત્ત્વ સહજ જ વધશે. સંસ્કૃત ફક્ત પાઠશાળાઓ અને વિશ્ર્વવિદ્યાલયો સુધી જ સીમિત ન રહેતાં તે હવે દરેક સંસ્થાનોમાં સ્થાન પામશે.
 

new education policy 202 
 
હાલમાં ફક્ત વિનયન વિદ્યાશાખાના જ વિદ્યાર્થીઓ સંસ્કૃત ભણી રહ્યા છે પરંતુ હવે પછી કોઈ પણ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ સંસ્કૃત ભણી શકશે. ત્રિ-ભાષા-સૂત્ર પ્રમાણે વિદ્યાર્થી છઠ્ઠા ધોરણથી લઈને શિક્ષણના અંત સુધી સંસ્કૃત પસંદ કરી શકશે. યુનિવર્સિટી પરદેશમાં પોતાનું કેન્દ્ર ચલાવી શકાશે, તેમાં ભારતીય જ્ઞાન-વિજ્ઞાન જે સંસ્કૃતમાં છે તેને જ પ્રાધાન્ય અપાયું છે.
 
નવી શિક્ષણનીતિમાં ખાસ એ ઉલ્લેખ કર્યો છે કે ભાષા સંરક્ષણ અને સંવર્ધન માટે ઉચ્ચ શિક્ષણમાં વિદ્યાર્થીઓને વિશેષ છાત્રવૃત્તિ અને સવલતો પ્રાપ્ય કરાવવામાં આવશે. તદુપરાંત તેના પર ખાસ ભાર મૂક્યો છે કે ભાષા સંરક્ષણ અને સંવર્ધન માટે જિવાતા જીવનમાં પ્રયોગ અને ઉપયોગ વધે તે માટે વિવિધ ઉપકરણો અને સામગ્રી નિર્માણ કરવામાં આવશે, આથી સંસ્કૃત ફરીથી લોકભાષા તરીકે સ્થાન પામશે.

નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ : ઉચ્ચ શિક્ષણ થકી નયા ભારતના નિર્માણનું સ્વર્ણિમ સ્વપ્ન : ડૉ. જયેન્દ્રસિંહ જાદવ

 
(ગુજરાત કોલેજમાં અધ્યાપક અને શિક્ષણ સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના રાષ્ટ્રીય સહ-સંયોજક છે)
 
સમાજમાં જીવતા લોકોની સંખ્યા કરતા જીવંત લોકોની સંખ્યામાં વધારો કરે તેવી સુંદરતમ ઘટનાનું નામ યુનિવર્સિટી છે.
-પદ્મશ્રી ગુણવંત શાહ , તાજેતરમાં જ ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ઘોષણા કરવામાં આવી છે. આ માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં અલગ-અલગ વિષયો માટે નવી જોગવાઈઓ કરવામાં આવી છે. આશા રાખીએ કે આ જોગવાઈઓના અમલથી ભારતના ઉચ્ચ શિક્ષણમાં સોનાનો સૂરજ પાછો ઊગશે.
 

new education policy 202 
 
વર્તમાન ઉચ્ચ શિક્ષણમાં મોટા પાયે વિકેન્દ્રીકરણ થયેલું છે. હાલ ભારતમાં ૪૦%થી વધુ કોલેજો એક જ ફેકલ્ટીમાં શિક્ષણ આપે છે અને એક જ પ્રોગ્રામ ચલાવે છે. જે એકવીસમી સદીની જરૂરિયાતથી ખૂબ વેગળું છે. દેશની ૨૦% કોલેજોમાં ૧૦૦ થી ઓછા વિદ્યાર્થીઓનાં એડમિશન થયેલા છે, તે કોલેજો મરવાના વાંકે જીવી રહી છે. જ્યારે ૪% કોલેજોમાં ૩૦૦૦થી વધુ વિદ્યાર્થીઓના પ્રવેશથી માસ પ્રોડક્શન થતું હોય તેમ શિક્ષણ અપાઈ રહ્યું છે. આ નીતિ આ નાની-નાની કોલેજોને એકત્રિત કરી બહુ-વિષયક (Mu-ti Discip-inary) વિશ્ર્વ વિદ્યાલયો અને કૉલેજોની પુન: સંરચના કરશે. જેમ ભારતમાં તક્ષશિલા, વિક્રમશિલા, નાલંદા કે વલભીમાં હજારો વિદ્યાર્થીઓ ૭૨ કલાઓનો અભ્યાસ કરતા હતા, તેમ દરેક યુનિવર્સિટી કે કૉલેજ ઓછામાં ઓછા ૩૦૦૦થી લઈ ૧૫ ૦૦૦ સુધી વિદ્યાર્થી સંખ્યાને એકત્રિત રીતે તેમના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરશે. આ માટે કૉલેજ અને યુનિવર્સિટીના કલસ્ટર તૈયાર કરી તેનું કેન્દ્રીકરણ કરવામાં આવશે. આ માટે ૨૦૪૦ સુધી દેશની મોજૂદ તમામ સંસ્થાઓના કલસ્ટર બનાવી તેને મલ્ટી-ડિસિપ્લિનરી બનાવવાની વાત આ નીતિ કરે છે.
 
ભારતમાં યુનિવર્સિટીના અનેક પ્રકારો પણ સમસ્યામાં વધારો કરે છે. આપણા ઇતિહાસમાં યુનિવર્સિટીનાં કેવાં અર્થસભર નામો હતાં. તક્ષશિલા માટે કહેવાયું છે કે શિલા તક્ષતિ ઇતિ તક્ષશિલા અર્થાત્ જેના શિક્ષણને પ્રતાપે મનુષ્ય શિલામાંથી શિલ્પ બને છે તે તક્ષશિલા. નાલંદાનો અર્થ થાય છે ન-અલંદા -આટલું જ્ઞાન પૂરતું નથી હજુ વધારે જ્ઞાન આપો. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આ બાબતે કહે છે કે હવેથી વિશ્ર્વ વિદ્યાલય એટલે ઉચ્ચતર શિક્ષણ માટેનું બહુ વિષયક સંસ્થાન જે સ્નાતક, અનુસ્નાતક અને પી. એચ ડી કાર્યક્રમ ચલાવે છે અને ઉચ્ચતર ગુણવત્તાવાળા સંશોધન અને શિક્ષણની જરૂરિયાત પૂર્ણ કરે છે. વિશ્ર્વ વિદ્યાલયોનાં જટિલ નામો જેવાં કે ડીમ્ડ યુનિવર્સિટી, સંલગ્નતા આપતી યુનિવર્સિટી, સ્થાનીય (Residentia-)યુનિવર્સિટી દૂર કરવામાં આવશે. તે દરેકને માત્ર યુનિવર્સિટી જ કહેવામાં આવશે.
 
હાલમાં દર વર્ષે ભારતના ૮ લાખ યુવાનો વિદેશ ભણવા માટે જાય છે અને બહારથી માત્ર ૪૫ હજાર વિદ્યાર્થીઓ દર વર્ષે ભારતમાં ભણવા આવે છે. ભારતનું યુવાધન ભણવાના બહાને વિદેશ જતું રહે છે અને મોટે ભાગે ત્યાં જ સ્થાયી થઈ જાય છે. તેથી તેની શક્તિઓનો લાભ આપણા રાષ્ટને મળી શકતો નથી. આ સ્થિતિને જોતાં નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં વિશ્ર્વની ટોપ ૧૦૦ રેન્ક ધરાવતી યુનિવર્સિટીઓને તેમના કેમ્પસ ભારતમાં સ્થાપવા માટે આમંત્રિત કરવાની વાત કરી છે, જે સ્વાગત યોગ્ય છે, જેનાથી આ નો ભદ્રા ક્રતવો યન્તુ વિશ્ર્વત: અર્થાત ચારે બાજુથી અમને શ્રેષ્ઠ વિચારો પ્રાપ્ત થાઓની ભારતીય વિભાવના સાકાર થશે. આપણા વિદ્યાર્થીઓ ઘેર બેઠા વિશ્ર્વનું શ્રેષ્ઠ શિક્ષણ મેળવશે. વિદેશમાં ભણનાર વિદ્યાર્થીને ફી ઉપરાંત રહેવા-જમવાના મોટા ખર્ચ થતા હોય છે, તે હવે બચી જશે. આવી જ રીતે ભારતની શ્રેષ્ઠતમ યુનિવર્સિટીઓના કેમ્પસ વિદેશમાં શરૂ કરવામાં આવશે, જેનાથી ભારતીય જ્ઞાનનો વિદેશમાં પ્રચાર-પ્રસાર થશે.
 
વર્તમાનમાં યુનિવર્સિટીઓમાં સેનેટ, સિન્ડિકેટ, એકેડમિક કાઉન્સિલ અને કુલપતિની નિયુક્તિઓમાં રાજકીય હસ્તક્ષેપ જોવા મળે છે. આમ તો રાજકારણીએ રાજકીય પગરખાં બહાર કાઢીને દુષ્યંત જેમ કણ્વના આશ્રમમાં પ્રવેશ્યા હતા તેમ પ્રવેશવું જોઈએ, પરંતુ મોટે ભાગે તેમ જોવા મળતું નથી. આ નીતિમાં આ અંગે BOG ની રચના કરવાનું પ્રાવધાન છે. આશા રાખીએ કે આ નીતિથી શિક્ષણમાં રાજકારણ દાખલ કરવાને બદલે રાજકારણમાં થોડું શિક્ષણ દાખલ થશે.
 
આ નીતિ ભારતના યુવાનને ૨૧ મી સદીનાં જરૂરી કૌશલ્યો સાથે અર્જુન જેવો ઓજસ્વી, નચિકેતા જેવો નીડર અને એકલવ્ય જેવો જ્ઞાન પિપાસુ બનાવવાનું લક્ષ્ય રાખે છે. આ લક્ષ્ય જરાય સહેલું નથી, છતાંય રાખવા જેવું ચોક્કસ છે. જો નીતિમાં લખેલી બધી જ જોગવાઈઓનો સારી રીતે અમલ થાય તો શિક્ષણમાં જાદુઈ બદલાવ આવી શકે છે. આ દેશના ૪૦ લાખ અધ્યાપકો આવો જાદુ કરી શકે તેમ છે, તેમને સ્વાયત્તતા આપી તેમના પર ભરોસો રાખવો રહ્યો. આશા રાખીએ કે આ નીતિથી ભારતના કેમ્પસ વધુ રૂપાળા અને તેથી વધુ રળિયામણા બનશે.
 
પ્લેટોની એકેડમીના પ્રવેશદ્વાર પર સૂચના લખેલી હતી,
જેને ભૂમિતિ પ્રત્યે પ્રેમ ન હોય
તેણે દાખલ થવું નહિ.

એક વ્યક્તિને શિક્ષિત કરવો એ આખા પરિવારને તારવા સમાન છે : રમેશભાઈ એમ. પટેલ

 
(મેનેજિંગ ડિરેક્ટર, મેઘમણી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રિઝ)
 
ગુજરાતમાં સ્થિત મેઘમણી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ઉદ્યોગજગતમાં આગવું સ્થાન ધરાવે છે. કેમિકલ્સ, પોલિમર, એગ્રિકાઇડ્સ, જંતુનાશકો ક્ષેત્રે કાઠુ કાઢનાર આ ઉદ્યોગ ગ્રુપની શાખાઓ આંતરરાષ્ટ્રીય સ્તર સુધી ફેલાયેલી છે અને વાર્ષિક ૫૦૦૦ કરોડનું ટર્ન ઓવર ધરાવે છે. ગુજરાતનું આ મેધાવી ઉદ્યોગ ગ્રુપ ઉદ્યોગ જગતની સાથે સાથે વિવિધ સામાજિક કાર્યો કરીને પોતાની કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી બખૂબી નિભાવી રહ્યું છે. કંપનીની સામાજિક પ્રવૃત્તિઓ અંગે વાત કરતાં મેઘમણી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રમેશભાઈ એમ. પટેલ જણાવે છે કે, દરેક ઉદ્યોગગૃહે શિક્ષણને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓ કરી સમાજને કંઈક પરત આપવા પર વિશેષ ભાર મૂકવો જોઈએ. શિક્ષણ એ રાષ્ટનિર્માણનો મુખ્ય પાયો છે. તેથી જવાબદાર નાગરિકોના નિર્માણ માટે શિક્ષણક્ષેત્રે દેશવાસીઓને સતત અપગ્રેડ કરતા રહેવું જોઈએ અને અમારો પ્રયાસ લોકોને શિક્ષિત કરવાનો છે. માટે અમે શૈક્ષિક સંસ્થાઓને વિશેષ કરીને બાલિકાઓના શિક્ષણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.
 

new education policy 202 
 
આ ઉપરાંત અમે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં પણ વિશેષ ધ્યાન આપીએ છીએ, જેમાં સ્વાસ્થ્યને લગતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે માળખાગત સુવિધાઓના વિકાસ બ્લડ બેન્ક, મોટી હોસ્પિટલોમાં આધુનિક સંસાધનો - મેડિકલ ઉપકરણોથી સજ્જ વોર્ડ વિકસાવવાની જવાબદારી લીધી છે.
 
તેઓ કહે છે કે, પરિવારમાં કોઈ એક વ્યક્તિને શિક્ષિત કરવો એ આખા પરિવારને તારવા સમાન છે. ભારત એક વિશાળ જનસંખ્યા ધરાવતો દેશ છે, ત્યારે રાષ્ટનિર્માણ અને રાષ્ટવિકાસ માટે જે કાંઈ પણ થવું જોઈએ તે મોટા પ્રમાણમાં થવું જોઈએ ત્યારે દેશના તમામ ઉદ્યોગકારોની જવાબદારી પણ આ ક્ષેત્રે ફરજિયાત બની જાય છે.

ઇતિહાસને ઉજાગર કરવાની નેમ : ડૉ. શ્રુતિ આણેરાવ

 
(સભ્ય, ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર. પૂર્વ સભ્ય, બોર્ડ ઓફ સ્ટડીઝ, હેમ. ઉ. ગુજ. યુનિ., પાટણ)
 
વીસમી સદીમાં સ્વતંત્ર ભારતની સરકારોનું ધ્યેય શિક્ષણનો વ્યાપ છેવાડાના માનવી સુધી વિસ્તારવાનું રહ્યું. આથી પ્રાંત શિક્ષણ અને સાક્ષરતા જેવાં અભિયાનો હાથ ધરાયાં. એકવીસમી સદીના આરંભ સાથે વર્તમાનમાં જે પ્રમાણે ભારત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે અને વૈશ્ર્વીકરણની સાથે સાથે જ્યારે આત્મનિર્ભર બનવાની ઉપર આપણું વિશેષ લક્ષ્ય કેન્દ્રિત કરવાનું છે ત્યારે જૂની-પુરાણી ઘરેડનું શિક્ષણ કેવી રીતે ચાલે ?
 

new education policy 202 
 
વર્તમાન સરકારે ૩૪ વર્ષ પછી જ્યારે તાજેતરમાં નવી શિક્ષણનીતિને અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે તે આવકાર્ય જ છે.
 
શિલ્પકલા, સ્થાપત્ય, ચિત્રકલા, સહિત એવી ચોસઠ કલાઓ અકલ્પનીય ભારતનો અનિવાર્ય એવો ભાગ હતી. ભારતીય ભાષાઓ પણ અત્યંત સમૃદ્ધ છે. ભાષાઓ સંસ્કૃતિનો જ એક ભાગ હોય છે. સ્થાનિક, પ્રાદેશિક ભાષાઓ સંસ્કૃતિ અને તેની પરંપરાઓને સહજ રીતે ઉજાગર કરે છે. માત્ર અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરવાથી ભારતનો આ વારસો ભારતીઓ સુધી પહોંચતો નથી. આથી ભાષાઓ, પ્રાંતીય ભાષાઓ અને બોલીઓ, તેનો અભ્યાસ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણમાં અનેકવિધ જ્ઞાનનાં દ્વાર આપણી સમક્ષ ખુલ્લાં મૂકી શકે છે. ભાષાંતર દ્વારા પણ, જ્ઞાનની અનેક વિદ્યાઓ સંશોધન દ્વારા ભારતીય જ્ઞાનને ઉજાગર કરવાની સોનેરી તક આપણને મળવાની અનેક સંભાવનાઓ છે.
 
આથી જ નવી શિક્ષણનીતિમાં સંસ્કૃત યુનિવર્સિટીઓ માત્ર ભાષાકીય જ નહીં, પરંતુ અનેકવિધ વિષયોમાં સંશોધનો અને અભ્યાસ માટેના અવકાશ ઊભા કરશે. વિવિધ અન્ય પ્રાંતીય ભાષાઓ અને બોલીઓ અને વિવિધ પ્રાંતની કળાઓ દ્વારા ભારતની બેનમૂન કલાઓ, તેનાં વૈવિધ્ય અને તેની બહુમુખી સંસ્કૃતિના જ્ઞાન દ્વારા ભારતીય નવી પેઢીના વિદ્યાર્થીઓ પોતાના દેશ માટે એક અનોખી પહેચાન મેળવી શકશે. જે કદાચ અત્યાર સુધીના stereotype અભ્યાસક્રમોમાં સંભવિત ન હતું. આ પ્રકારના જ્ઞાનથી તેમનામાં સ્વ-વિશેનો ખ્યાલ અને સ્વ-દેશ વિશેની સંકલ્પનાઓમાં હકારાત્મક પરિવર્તન આવશે જે તેમના આત્મગૌરવને નિશ્ર્ચિતપણે વધારવામાં સકારાત્મક પરિબળ બની રહેશે.