ભારતનું યુવા બુદ્ધિધન વિદેશમાં વસી જાય છે તેવી ફરિયાદને NEPમાં દૂર કરવાનો સુંદર પ્રયત્ન થયો છે.

    ૨૫-ઓગસ્ટ-૨૦૨૦
કુલ દૃશ્યો |
 
new educational policy_1&
 

વિદેશી વિશ્ર્વવિદ્યાલયોનાં કેન્દ્રો ભારતમાં સ્થપાશે : ડૉ. અનીલ કપૂર

 
નવી શિક્ષણનીતિ ૨૦૨૦ એટલે કે ‘ન્યુ એજ્યુકેશન પોલિસી’ (ટૂંકમાં NEP) સાચા અર્થમાં બહુઆયામી અને ભવિષ્યની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવી છે. સતત બદલાતી જતી પરિસ્થિતિઓને કારણે પોતાની કારકિર્દી અંગે દ્વિધાનાં વમળોમાં રહેતા વિદ્યાર્થીઓને NEP યોગ્ય દિશાનિર્દેશ કરે છે, કેમ કે NEPમાં બહુઆયામી શિક્ષણને સ્થાન મળ્યું છે. નવી શિક્ષણનીતિમાં વિષય ચયનની બાબતે અગાઉની શિક્ષણનીતિઓ જેવી જડ કે રૂઢિચુસ્ત નથી, પરંતુ અતિશય લવચીક છે, તેથી શિક્ષાર્થીઓ પોતાની રુચિ અને કૌશલ્યોને અનુરૂપ શિક્ષણ પ્રાપ્ત કરી શકશે. વળી તેમાં શિક્ષાર્થીની પ્રયોગશીલતા અને અનુભવને પણ મહત્ત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. શિક્ષાર્થીઓ પોતાના પ્રયોગોની સફળતા કે નિષ્ફળતાના આધારે અનુભવનું ભાથું લઈને આગળ વધશે. આ અનુભવના ભાથાનો વ્યાવસાયિક વિનિયોગ કરી શકે તે માટે યુવાનોને રાજ્ય અને દેશસ્તરે તકો પૂરી પાડવામાં આવશે. આને કારણે યુવાનોની વ્યાવસાયિક કારકિર્દીની તકો વધી જશે. અગાઉની શિક્ષણનીતિઓમાં એવી કોઈ જોગવાઈ ન હતી.
 
ભારતનું યુવા બુદ્ધિધન વિદેશમાં વસી જાય છે તેવી દાયકાઓથી ચાલી આવતી ફરિયાદને NEPમાં દૂર કરવાનો સુંદર પ્રયત્ન થયો છે. વિદેશી વિશ્ર્વવિદ્યાલયોનું શિક્ષણ આપણા યુવા શિક્ષાર્થીઓને ઘરઆંગણે મળી રહે તે માટે નામાંકિત વિદેશી વિશ્ર્વવિદ્યાલયોને ભારતમાં કેન્દ્રો સ્થાપવાની અનુમતિ NEPમાં આપવામાં આવી છે, તો આપણાં વિશ્ર્વવિદ્યાલયોને વૈશ્ર્વિક સ્તરે લઈ જવા માટે તેમને પણ વિદેશોમાં કેન્દ્રો સ્થાપવાની અનુમતિ આપવામાં આવી છે. ભારતનાં અને વિદેશી વિશ્ર્વવિદ્યાલયો સંયુક્ત રીતે પણ અભ્યાસક્રમ ચલાવી શકશે.
 
NEPમાં ઉચ્ચ શિક્ષણ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે મેડિકલ અને લૉ સિવાય એક જ પ્રવેશ-પરીક્ષા રહેશે. આથી આપણા યુવાધનને ઠેર-ઠેર યોજાતી ઢગલાબંધ પ્રવેશ-પરીક્ષાઓ આપવામાંથી મુક્તિ મળશે. એક વાત સ્પષ્ટ છે કે ભવિષ્યની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવેલી NEP અગાઉની ચીલાચાલુ શિક્ષણનીતિઓથી સાવ ભિન્ન છે. આપણા દેશની પરિસ્થિતિ જોતાં તેનો અમલ પડકારજનક રહેશે, પરંતુ વર્તમાન સરકારની ત્વરિત નિર્ણયશક્તિ અને ગતિશીલતા ધ્યાનમાં લેતાં એ અસંભવ તો નહીં જ રહે એવું માની શકાય છે.
 
(એસો. પ્રોફેસર, પી.એચડી. ગાઈડ, લેખક, સંપાદક)