રાષ્ટ્રીય નવી શિક્ષણનીતિમાં સંસ્કૃતને આવી રીતે અપાયું છે મહત્ત્વ : ડૉ. અતુલ ઉનાગર

    ૨૫-ઓગસ્ટ-૨૦૨૦
કુલ દૃશ્યો |
 
new education policy  202
 
ભારતની પ્રથમ અને ભાષાઓની જનની સંસ્કૃતની પ્રતિષ્ઠાનું પુનરુત્થાન નવી શિક્ષણનીતિમાં થવા જઈ રહ્યું છે. વૈદિક ગણિત, ખગોળશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, કલાશાસ્ત્ર, આયુર્વેદ, યોગ, શિલ્પ, સ્થાપત્ય, દર્શનશાસ્ત્ર, નાટ્યવિદ્યા વગેરે પ્રાચીન ભારતીય વિદ્યાઓને મુખ્ય વિષયોમાં આવરી લેવામાં આવ્યા છે. આ વિવિધ વિદ્યાઓ સંસ્કૃતમાં જ છે, આથી સંસ્કૃતનું મહત્ત્વ સહજ જ વધશે. સંસ્કૃત ફક્ત પાઠશાળાઓ અને વિશ્ર્વવિદ્યાલયો સુધી જ સીમિત ન રહેતાં તે હવે દરેક સંસ્થાનોમાં સ્થાન પામશે.
 
હાલમાં ફક્ત વિનયન વિદ્યાશાખાના જ વિદ્યાર્થીઓ સંસ્કૃત ભણી રહ્યા છે પરંતુ હવે પછી કોઈ પણ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ સંસ્કૃત ભણી શકશે. ત્રિ-ભાષા-સૂત્ર પ્રમાણે વિદ્યાર્થી છઠ્ઠા ધોરણથી લઈને શિક્ષણના અંત સુધી સંસ્કૃત પસંદ કરી શકશે.
 
યુનિવર્સિટી પરદેશમાં પોતાનું કેન્દ્ર ચલાવી શકાશે, તેમાં ભારતીય જ્ઞાન-વિજ્ઞાન જે સંસ્કૃતમાં છે તેને જ પ્રાધાન્ય અપાયું છે.
નવી શિક્ષણનીતિમાં ખાસ એ ઉલ્લેખ કર્યો છે કે ભાષા સંરક્ષણ અને સંવર્ધન માટે ઉચ્ચ શિક્ષણમાં વિદ્યાર્થીઓને વિશેષ છાત્રવૃત્તિ અને સવલતો પ્રાપ્ય કરાવવામાં આવશે. તદુપરાંત તેના પર ખાસ ભાર મૂક્યો છે કે ભાષા સંરક્ષણ અને સંવર્ધન માટે જિવાતા જીવનમાં પ્રયોગ અને ઉપયોગ વધે તે માટે વિવિધ ઉપકરણો અને સામગ્રી નિર્માણ કરવામાં આવશે, આથી સંસ્કૃત ફરીથી લોકભાષા તરીકે સ્થાન પામશે.
 
(અધ્યાપક, સંસ્કૃત વિભાગ ગુજરાત યુનિ. તથા સંસ્કૃત ભારતીના પ્રાંતપ્રચાર પ્રમુખ)