જીવંત શિક્ષણ માટે શિક્ષક-વિદ્યાર્થી વચ્ચે આઈ કોન્ટેક્ટ મહત્ત્વનો છે : અનિલ રાવલ

    ૨૫-ઓગસ્ટ-૨૦૨૦
કુલ દૃશ્યો |

new education policy  202 
કોરોના મહામારીએ સમાજના દરેક ક્ષેત્રમાં પરિવર્તન આણ્યું છે. શિક્ષણ પણ એમાંથી બાકાત નથી. અત્યારે વિદ્યાર્થીઓ ઘેર બેઠા ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે. નાનાં નાનાં બાળકોને મોબાઈલ ન અપાય, સતત જોઈ રહેવાથી આંખોને નુકસાન થાય એવી દુહાઈ આપનારા આજે મૌન બની ગયા છે.
 
ઓનલાઇન શિક્ષણ એ આજના સમયની માગ છે અને માનવસમાજની મજબૂરી પણ છે. વૈકલ્પિક અને કામચલાઉ ધોરણે ઓનલાઇન શિક્ષણ આપી શકાય પણ કાયમી ધોરણે આ વ્યવસ્થા ચાલી શકે નહીં. વિદ્યાર્થીઓનું સામાજિક, માનસિક અને શારીરિક ઘડતર ઓનલાઇન શિક્ષણમાં થઈ શકે નહીં.
 
ભારતનું ભાવિ વર્ગખંડોમાં ઘડાય છે એ ઉક્તિ હવે બદલવી પડશે. ભારતનું ભાવિ વર્ગખંડોમાં ઘડાતું હોય તો વર્ગખંડની શિક્ષણપ્રક્રિયા વધુ સુદૃઢ બનાવવી પડે. આ માટે શિક્ષક-વિદ્યાર્થી વચ્ચે પ્રત્યાયન થવું જોઈએ. વર્ગખંડમાં પ્રત્યાયન માટે વિદ્યાર્થીની જ્ઞાનતૃષાતુર આંખો અને શિક્ષકની જ્ઞાન છલકતી, પ્રેમનીતરતી અને હુંફથી તરબતર આંખોનું સાયુજ્ય - આઈ કોન્ટેક્ટ અનિવાર્ય છે. એમ જોવા જઈએ તો મહાભારતકાળમાં પણ ‘સંજયદૃષ્ટિ’ હતી જ. ગુરુ દ્રોણ, કૃપાચાર્ય, પરશુરામ અને સાંદીપનિ જેવા મહાન ગુરુઓએ વર્ચ્યુઅલ વર્ગો શરૂ કર્યા હોત તો અર્જુન અને કર્ણ જેવા શ્રેષ્ઠ ધનુર્ધર તેમજ ભીમ અને દુર્યોધન જેવા શ્રેષ્ઠ ગદાધર સમાજને મળી શક્યા હોત કે નહીં તે વિચાર માગી લે તેવો પ્રશ્ન છે. પ્રાથમિક શાળામાં ક, ખ, ગ,.... અને ૧, ૨, ૩.... ઘુંટાવવાનું ઓનલાઇન શિક્ષણમાં કેવી રીતે થઈ શકે તે સમજાતું નથી. ભારતીય શિક્ષણનાં મૂળતત્ત્વોમાં શ્રદ્ધા ધરાવનાર સંસ્થાઓ કે શિક્ષકો પંચકોષીય શિક્ષણની આદર્શ પરિકલ્પના કેવી રીતે મૂર્તિમંત કરશે એ વિકટ પ્રશ્ર્ન છે.
 
આજની પરિસ્થિતિમાં વિદ્યાર્થી અભ્યાસથી વિમુખ ન બને તેટલા પૂરતું ઓનલાઇન શિક્ષણ આવકારદાયક છે. આનંદદાયક શિક્ષણ આપી શકાય તેવો પ્રયત્ન કરી સંતોષ માનવો રહ્યો.
 
(પ્રિ. દીવાન બલ્લુભાઈ પ્રા. શાળા, અમદાવાદ)