બાળકોને કાર્યવ્યવહારથી ભારતીય બનાવવાનું લક્ષ્ય : નવી શિક્ષણનીતિ ૨૦૨૦ : અતુલ કોઠારી

    ૨૫-ઓગસ્ટ-૨૦૨૦
કુલ દૃશ્યો |

new education policy  202
 
ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ ૨૦૨૦ સ્વાગત કરવા યોગ્ય છે. ૧૯૮૬ બાદ ૩૪ વર્ષે પુનઃ શિક્ષાનીતિ લાવવામાં આવી છે. જે રીતે દેશ અને દુનિયામાં ખૂબ જ ઝડપથી પરિવર્તનો આવી રહ્યાં છે, તેવા સમયે નવી શિક્ષણનીતિની જાહેરાત થવી એ એક મહત્ત્વપૂર્ણ કદમ છે. સ્વતંત્રતા બાદ સૌપ્રથમવાર શિક્ષાનીતિમાં ભારતીય દૃષ્ટિની ઝલક જોવા મળી રહી છે.
 
નવી શિક્ષણનીતિમાં ભારતીય કલા, સંસ્કૃતિ ભાષાને પ્રોત્સાહન આપવાની સાથે સાથે આધુનિક ટેક્નોલોજી પર પણ જોર આપવામાં આવ્યું છે. ઈ-અભ્યાસક્રમ, વર્ચ્યુઅલ લેબ, ઓનલાઈન-શિક્ષણની ગુણવત્તા માટે રાષ્ટ્રીય શૈક્ષિક ટેક્નોલોજી ફોરમ (NETF) ગઠિત કરવાની વાત કરવામાં આવી છે. સાથે જ વિદ્યાર્થીઓના શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે અને તેમની વિભિન્ન પ્રકારની વ્યક્તિગત સમસ્યાઓના સમાધાન માટે તમામ શિક્ષણસંસ્થાનોમાં પરામર્શ કેન્દ્ર (કાઉન્સેલિંગ સેન્ટર) શરૂ કરવાની જોગવાઈ છે.
 
આ શિક્ષણનીતિની એક મહત્ત્વપૂર્ણ વાત એ પણ છે કે, પાંચમા ધોરણ સુધી માતૃભાષામાં જ શિક્ષણ આપવામાં આવશે. સાથે સાથે સંસ્કૃત સહિત વિશ્ર્વ વિદ્યાલયો અંતર્ગત આવતા ભાષાવિભાગોનું સશક્તિકરણ, ૮મી અનુસૂચિની તમામ ભાષાઓની એકેડમીનું ગઠન, ભારતીય ભાષાઓની કલા અને સંસ્કૃતિના દસ્તાવેજોના ડિજિટલ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવા તથા પાલી, પ્રાકૃત તેમજ ફારસી ભાષા માટે રાષ્ટ્રીય સંસ્થાન તેમજ ભારતીય અનુવાદ સંસ્થાનની સ્થાપના કરવાની વાત કરવામાં આવી છે. આ પ્રકારે વિવિધ શૈક્ષિક સોફ્ટવેર પ્રમુખ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવા તેમજ વિદ્યાલયીન શિક્ષણ માટે શિક્ષણ અધિગમ માટે ઇ-સામગ્રી ક્ષેત્રિય ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવાની વાત કરવામાં આવી છે.
 
કોઠારી આયોગથી માંડી અનેક આયોગો અને સમિતિઓએ પોતાનાં સૂચનોમાં સકલ ઘરેલું ઉત્પાદ (જીડીપી)નો ૬% શિક્ષણક્ષેત્રે પર ખર્ચ કરવાની સલાહ આપી હતી તેને મૂર્ત રૂપ આપવાની વાત પણ નવી શિક્ષણનીતિમાં કરવામાં આવી છે. આ જ રીતે દેશની તમામ શિક્ષણ સંસ્થાઓના ઓડિટ માટે એક જ માપદંડ બનાવવામાં આવ્યો છે. આ જ રીતે સરકારી તેમજ ખાનગી શૈક્ષણિક સંસ્થાનોને પોતાનાં આર્થિક પાસાંઓની પારદર્શિતા નક્કી કરવી પડશે. સાથે જ આ નીતિ મુજબ તમામ શૈક્ષણિક સંસ્થાઓ બિન લાભકારી સંસ્થાઓ માનવામાં આવશે. નવી શિક્ષણનીતિ આવ્યા બાદ હવે ખાનગી શિક્ષણસંસ્થાનો મનમરજીથી પૈસા (ફી) ઉઘરાવી શકશે નહીં. દર વર્ષે ફી વૃદ્ધિ પણ નિયમોમાં રહીને જ કરવી પડશે. તેમાં પણ જો વાલીઓ ઇચ્છે તો તેને પડકારી પણ શકે છે. આ રીતે શિક્ષણ સંસ્થાઓમાં આર્થિક નીતિ સુનિશ્ર્ચિત કરવાની જોગવાઈ છે.
 
અભ્યાસક્રમને સુગમ્ય બનાવવા પર પણ જોર આપવામાં આવ્યું છે, જેથી વિદ્યાર્થી પોતાના રસ મુજબ વિષયોની પસંદગી કરી શકે. જે વિદ્યાર્થીઓ કોઈ કારણસર ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ મેળવ્યા બાદ અભ્યાસક્રમ પૂર્ણ કરી શકતા નથી. તેઓ ભવિષ્યમાં કોઈપણ સમયે તે સેમેસ્ટરમાં પુનઃ પ્રવેશ મેળવી શકશે. આ જ રીતે સ્નાતક અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ પાસે અનેક વિકલ્પો પણ હશે, જેમાં ૧ વર્ષ બાદ સર્ટિફિકેટ, ૨ વર્ષ બાદ ડિપ્લોમા, ૩ વર્ષ બાદ ડિગ્રી અને ૪ વર્ષ બાદ ઓનર્સની ડિગ્રી મેળવી શકશે. ઓનર્સની ડિગ્રી મેળવનાર વિદ્યાર્થી સીધા જ પીએચડીમાં પ્રવેશ મેળવી શકશે.
 
ઉચ્ચ શિક્ષણમાં એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટની સ્થાપના કરવાની યોજના પણ છે. તેના દ્વારા વિદ્યાર્થી અલગ અલગ ઉચ્ચ શિક્ષણસંસ્થાઓથી પ્રાપ્ત ક્રેડિટ ભવિષ્યમાં ડિગ્રી મેળવવામાં ઉપયોગ કરી શકશે. ઓનલાઇન શિક્ષણની પણ જોગવાઈ છે.
નવી શિક્ષણનીતિમાં શિક્ષણની સ્વાયત્તા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ નીતિમાં ઉચ્ચ શિક્ષણસંસ્થાઓને બોર્ડ ઓફ ગવર્નસ ગઠિત કરી શૈક્ષણિક અને પ્રશાસનિક સ્વાયત્તની જોગવાઈ કરવામાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષણનીતિનું લક્ષ્ય એવા નાગરિકોનું નિર્માણ કરવાનું છે, જે વિચારોથી, બૌદ્ધિકતાથી તેમજ કાર્યવ્યવહારથી ભારતીય બને. આ લક્ષ્યની પ્રાપ્તિ માટે નવી શિક્ષણનીતિને યોગ્ય રીતે લાગુ પાડીને સાચા અર્થમાં ભારતીયતાને પુનઃપ્રતિષ્ઠાપિત કરવામાં આપણે સફળ રહીશું.

(સચિવશ્રી, શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના રાષ્ટ્રીય સચિવ)