જ્યાં સુધી શૈક્ષણિક સંસ્થાઓ પુનઃ ના ખૂલે ત્યાં સુધી બીજો કોઈ વિકલ્પ નથી, સિવાય કે ઓન લાઇન શિક્ષણ.

    ૨૫-ઓગસ્ટ-૨૦૨૦
કુલ દૃશ્યો |
 
new education policy  202

ઓન લાઇનના ઉપવનમાં ખીલતાં જ્ઞાનનાં ગુલાબ : ડૉ. ઇરોસ વાજા

કોરોના મહામારીએ સમગ્ર વિશ્ર્વને હચમચાવી દીધું છે. સમાજના દરેક વર્ગની જિંદગી અને વ્યવહારોને બદલી નાખ્યાં છે. આવા વખતે શિક્ષણ અને એની સાથે સંકળાયેલા તમામ લોકોને સીધી અસર થઈ છે. તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ થઈ ગઈ પરંતુ વિદ્યાર્થીઓના શિક્ષણને અસર ના પડે એ હેતુથી શિક્ષકો અને પ્રાધ્યાપકોએ ઓન લાઈન શિક્ષણનો વિકલ્પ અપનાવ્યો. ઓન લાઈન શિક્ષણ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે સાવ નવો જ અનુભવ હતો, ઘણી મુશ્કેલીઓ હતી પરંતુ તેમ છતાં આજે બાળમંદિરથી અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ ઓન લાઇન શિક્ષણ મેળવી રહ્યા છે.
 
શિક્ષણવિદો ઓન લાઇન શિક્ષણને લઈને ખૂબ મનોમંથન કરી રહ્યા છે. જ્યારે કોઈ નવી પદ્ધતિ દાખલ કરવામાં આવે કે નવો રસ્તો અખત્યાર કરવામાં આવે ત્યારે શરૂઆતના તબક્કે મુશ્કેલીઓ સર્જાય એ સ્વાભાવિક છે, પરંતુ જ્યાં સુધી શૈક્ષણિક સંસ્થાઓ પુનઃ ના ખૂલે ત્યાં સુધી બીજો કોઈ વિકલ્પ નથી, સિવાય કે ઓન લાઇન શિક્ષણ.
 
પરંતુ એ વાત પણ એટલી જ મહત્ત્વની છે કે ઓન લાઇનનો અતિરેક તમામને મુશ્કેલીમાં મૂકી શકે. અતિ સર્વત્ર વર્જ્યતે. નાનાં - નાનાં ભૂલકાંઓ કે જેને હજુ યુનિફોર્મ પહેરતાં પણ આવડતું નથી તેઓને ૩ -૪ કલાક મોબાઈલ સ્ક્રીન સામે ફરજિયાત યુનિફોર્મ પહેરાવીને બેસાડી દેવા કોઈ રીતે યોગ્ય ના કહેવાય. સ્ક્રીન સામે સતત જોતા રહેવાથી નાનાં બાળકોને શારીરિક અને માનસિક સમસ્યાઓ ઉદ્ભવી શકે એટલે તેમાં થોડું પ્રમાણભાન રાખી સંયમપૂર્વક શિક્ષણ આપવું જોઈએ.
 
ગ્રામ્ય પંથકમાં નેટવર્ક નથી આવતું, બધા જ વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટ ફોન નથી, બધા જ શિક્ષકો આ નવી ટેક્ધોલોજીમાં પારંગત નથી, આવી અનેક સમસ્યાઓ તો છે જ, પરંતુ આપણે સૌએ સાથે મળીને માર્ગ કાઢવો પડશે, કારણ કે કોરોનાને કારણે શૈક્ષણિક સંસ્થાઓ ક્યારે ખૂલશે અને ક્યારે વર્ગખંડોમાં ભણાવવાનું ચાલુ થશે એ આ ક્ષણે કહેવું અશક્ય છે. કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની પોતાની નાની મોટી સમસ્યાઓ પણ સામે આવી પણ એ તમામને નિવારી શકાય એમ છે. આ માટે અધ્યાપકોએ ટેક્ધોલોજીને વધારે સારી રીતે સમજવી પડશે. આના માટે વધારે સારું નેટવર્ક સ્થાપિત કરવું પડશે અને આપણે સૌએ માનસિક રીતે સજ્જતા કેળવવી પડશે.
 
રિટાયરમેન્ટના આરે પહોંચેલા શિક્ષકો કરતાં આજની પેઢી ટેક્ધોલોજીની બાબતમાં ચડિયાતી છે એ નિર્વિવાદ બાબત છે. Goog-e Meet, Microsoft Teams જેવી એપ્લિકેશનને સમજવા માટે આવા શિક્ષકોને પોતાના સંતાનો કે વિદ્યાર્થીઓની મદદ લેતા પણ જોયા છે, જે આવકાર્ય બાબત છે, કારણ કે જે ક્ષણે ક્ષણે નવું શીખે તે જ સાચો શિક્ષક. આ રીતે બે પેઢીઓ એક સાથે કૈંક નવું પ્રાપ્ત કરી રહી છે અને generation gap ઘટી રહી છે.
 
તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો અત્યાર સુધીનો અનુભવ છે કે જે આનંદ વર્ગખંડમાં ભણાવવાનો અને ભણવાનો આવે એવો આનંદ ઓન લાઇન ભણવાનો નથી આવતો જે એક સત્ય છે. સ્ક્રીન સામે જોઈને ભણાવવામાં શિક્ષકનું વ્યક્તિત્ય પૂરી રીતે ખીલી શકતું નથી. સામે વિદ્યાર્થીઓ બેઠા હોય તો જ સાહિત્ય કે કોઈ પણ અન્ય વિષયની રસસભર રજૂઆત થઈ શકે. પરંતુ કોરોના મહામારીએ આ આનંદ છીનવી લીધો છે. જ્યાં સુધી પરિસ્થિતિ થાળે ના પડે ત્યાં સુધી જીવનના વહેણને આ રીતે બદલવું પડશે અને વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ના રહે એ માટેના પ્રામાણિક પ્રયત્નો કરતા રહેવા પડશે, કારણ કે The Show must go on. આપણે સૌ ઈશ્ર્વરને પ્રાર્થના કરીએ કે આ મહામારીનો અંત આવે અને માનવજીવન ફરી પાછું પહેલાંની જેમ ધબકતું થાય.
 
(એસો. પ્રોફે. અને અધ્યક્ષ, અંગ્રેજી વિભાગ, માતુશ્રી વીરબાઈમા મહિલા આટર્સ કોલેજ, રાજકોટ)