‘નવી શિક્ષણનીતિ’ની નજરે માતૃભાષા : હર્ષદ પ્ર. શાહ

    ૨૫-ઓગસ્ટ-૨૦૨૦
કુલ દૃશ્યો |

new education policy  202
 
આપણને સ્વતંત્ર થયાને ૭૩ વર્ષ થયાં. ત્યારે આશા તો એવી જ હતી કે હવે ‘સ્વ’ તંત્ર મળશે. ‘સ્વ’ તંત્ર એટલે હવે આપણો દેશ આપણી રીતે ચાલશે. ભારતીય શિક્ષણદર્શન અનુસાર આ દેશની પ્રકૃતિ અને સંસ્કૃતિને અનુરૂપ શિક્ષણ અપાશે. આપણી પોતાની ભાષામાં શિક્ષણ અપાશે. ફરી ભારતીય જીવનમૂલ્યો જીવંત થશે, ધબકતાં થશે.
 
અહીં આપણે વાત કરવી છે માતૃભાષામાં શિક્ષણ સંદર્ભે. નવી શિક્ષણનીતિ ૨૦૨૦ની કલમ ૪.૧૧ એવું કહેવાયું છે કે, જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી કક્ષા - ૫ સુધીનું શિક્ષણ માતૃભાષા કે સ્થાનિક ભાષામાં આપવું, પણ ઇચ્છવાયોગ્ય તો એ છે કે કક્ષા - ૮ અને પછી પણ બાળકની ઘરમાં બોલાતી ભાષા, સ્થાનિક કે પ્રાદેશિક ભાષામાં શિક્ષણ અપાય. આ મુદ્દાને સરકારી અને ખાનગી - બધા પ્રકારની શાળાઓએ અનુસરવાનું રહેશે.
 
આમાં મારી ચિંતાનો વિષય છે : જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી... આ શબ્દોનું મનસ્વી અર્થઘટન થઈ શકે છે. ખાસ કરીને અંગ્રેજી માધ્યમની હાઈ-ફાઈ 5-star સ્કૂલો પોતાને અનુકૂળ હોય એવા નિર્ણયો કરીને છૂટછાટ લઈ શકે છે. આ વાક્ય લાલ બત્તી જેવું છે.
 
આપણો દેશ ૨૨ જેટલી માન્ય ભાષાઓ બોલે છે. દરેક રાજ્યમાં અનેકભાષી લોકો વસે છે. એમનાં બાળકો કેન્દ્રીય વિદ્યાલયો કે CBSE સંલગ્ન શાળાઓમાં ભણતાં હોય છે. એમને કઈ ભાષામાં શિક્ષણ આપવું ? ભીતિ એવી છે કે ફરી અંગ્રેજી ભાષા એવી ને એવી પકડ જમાવીને બેઠેલી રહે. નવી શિક્ષણનીતિ આ એક વાક્યથી માતૃભાષા સંદર્ભે શિથિલ થઈ શકે.
 
વળી કલમ ૪.૧૨માં એવી વાત કરી છે કે, સંશોધનો સ્પષ્ટપણે દર્શાવે છે કે બેથી આઠ વર્ષની ઉંમરનાં બાળકો એકસાથે અનેક ભાષાઓ પર ઝડપથી પ્રભુત્વ મેળવી શકે છે અને એમની જ્ઞાનગ્રહણ ક્ષમતા પણ વધી શકે છે.
 
આ વાક્યનો આધાર લઈ અંગ્રેજીભાષાપ્રેમી શાળાઓ અને મહાનુભાવો બાળકની માતૃભાષાની તુલનામાં અંગ્રેજી ભાષા શીખવવાનો સવિશેષ પ્રયત્ન કરશે.
 
‘નવી શિક્ષણનીતિ’ને કારણે ઘણાં માતા-પિતા બાળકોને માતૃભાષામાં ભણાવવામાં જોઈએ એવું વિચારતાં તો થઈ ગયા છે. માતૃભાષા માટે સાનુકૂળ વાતાવરણ પણ સર્જાયું છે. તેમ છતાં હજુ સરકારી સ્તરે કેટલાક અસરકારક નિર્ણયો થવા જોઈએ એવું હું માનું છું. કદાચ હવે હું જે સૂચવું છું એ ‘શિક્ષણનીતિ’ કરતાં વધુ ‘સરકારી નીતિ-કાર્યપદ્ધતિ’ ગણી શકાય. મારાં આ સૂચનો નીચે મુજબ છે :
 
(૧) સમગ્ર સરકારી તંત્રનો કારભાર પ્રાદેશિક ભાષા અને હિન્દી ભાષામાં કરવાનો આગ્રહ વધારવો.
 
(૨) એલ.આઈ.સી., બેન્કો અને કોર્પોરેટ સેક્ટરની મોટી મોટી સંસ્થાઓએ પોતાનું સાહિત્ય અને પોતાનાં આવશ્યક પ્રજાલક્ષી પત્રકો પ્રાદેશિક અને હિન્દી ભાષામાં તૈયાર કરવાં.
 
(૩) દેશમાં જેટલી પણ પ્રવેશ-પરીક્ષાઓ લેવાય છે તે પણ આ જ રીતે પ્રાદેશિક અને હિન્દી ભાષામાં લેવાય.
 
(૪) ન્યાયાલયોનો કારભાર પણ આપણી ભાષાઓમાં થાય અને બધા ચુકાદા હિન્દી તેમજ પ્રાદેશિક ભાષાઓમાં અપાય.
 
(૫) બધાં કાર્યાલયો અને દુકાનો શોરૂમનાં નામપટ્ટ પણ પ્રાદેશિક અને હિન્દી ભાષામાં લખવાનો આગ્રહ શરૂ થાય.
 
આમ તો એવું લાગે છે કે અંગ્રેજી ભાષા જલદી આપણો પીછો નહીં છોડે. ભાષાક્રાંતિ તો ઇઝરાયલ જે રીતે લાવ્યું અને પોતાની હિબ્રૂ ભાષાને એણે જીવંત કરી એ રીતે જ આવે. અનેક વાવંટોળ અને વિરોધોની વચ્ચે અપ્રતિમ નિર્ણયશક્તિનો પરિચય આપવામાં આવે તો જ ભારતીય ભાષાઓ ધબકતી થાય.
 
પોતાની જ ભાષા સારી ને સાચી લખતાં કે બોલતાં ન આવડે એમાં કોઈ ગૌરવ નથી. આજે અસંખ્ય લોકો પોતાની સહી પણ અંગ્રેજીમાં કરે છે. પોતે પોતાને ભૂલી જવું, પોતાની ઓળખને વિસારે પાડી દેવી એ અસ્મિતાનું સહી ન શકાય તેવું હનન છે.
આજે દેશમાં અંગ્રેજી ભાષાને કારણે... એની ભયાનક ઘેલછાને કારણે અંગ્રેજી જાણનારા અને અંગ્રેજી ન જાણનારા લોકોની બે મોટી જાતિ સર્જાઈ છે. આ એક પ્રકારનો ભયંકર ભાષાભેદ છે જેને કારણે સમાજનો ઘણો મોટો વર્ગ લઘુતાગ્રંથિથી પીડાઈ રહ્યો છે અને વિકૃતિ એવી જન્મી છે કે અભણ મા-બાપ પણ પોતાનાં બાળકોને પેટે પાટા બાંધી મોંઘીદાટ અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ભણાવવા લાલાયિત છે.
 
માતૃભાષાનો પ્રભાવ જો સમાજમાં વધે તો જ આપણને ઉત્તમ વિજ્ઞાનીઓ, ગણિતશાસ્ત્રીઓ, કલાકારો, લેખકો અને કવિઓ મળે. તો જ સમાજને અનેક ક્ષેત્રના ઉત્તમ સર્જકો મળે. બાકી તો અત્યારે બધાને IAS થઈ જવું છે, GPSC અને UPSC ની પરીક્ષા માટે ખુવાર થઈ જવું છે. પણ પોતાની આંતરિક શક્તિ કે ક્ષમતા જે ક્ષેત્રમાં છે એને મને-કમને ભુલવાડી દેવી છે. આપણાં કરોડો માતા-પિતાએ માતૃભાષાના મહિમાને સમજવો પડશે અને સાર્વત્રિક શિક્ષણ માતૃભાષામાં અપાય એ વિચારને વેગ આપવો પડશે અને તો જ આ રાષ્ટનું સ્વત્વ જાગશે.
 
(કુલપતિ, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ગાંધીનગર)