આ નવી શિક્ષણનીતિ નવા ભારતનો પાયો નાંખશે : નરેન્દ્રભાઈ મોદી

    ૨૫-ઓગસ્ટ-૨૦૨૦
કુલ દૃશ્યો |

new education policy  202
 
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ નવી શિક્ષણનીતિ અંગે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણનીતિનો ઉદ્દેશ એક તરફ રાષ્ટ્રીય મૂલ્યો અને રાષ્ટ્રીય લક્ષ્યાંકો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે, તો બીજી તરફ આપણી યુવા પેઢીને ભવિષ્યના પડકારો ઝીલવા સક્ષમ બનાવવાનો છે.
 
# આ નીતિ નવા ભારતનો, ૨૧મી સદીના ભારતનો પાયો નાંખશે. ભારતને મજબૂત કરવા માટે, એને વિકાસની નવી ઊંચાઈએ પહોંચાડવા તથા ભારતના નાગરિકોને વધારે સક્ષમ બનાવવા યુવા પેઢીને શિક્ષિત અને કુશળ બનાવવાની જરૂર છે, જેથી તેઓ મહત્તમ સંખ્યામાં તકો ઝડપી શકે.
 
# રાષ્ટ્રીય શિક્ષણનીતિ ગુરુ રવીન્દ્રનાથ ટાગોરના શિક્ષણ પરના વિચારોનું પ્રતિબિંબ પણ છે, જેનો ઉદ્દેશ આપણા જીવન અને સહઅસ્તિત્વ ધરાવતા અન્ય તમામ જીવો વચ્ચે સંવાદિતા સ્થાપિત કરવાનો છે.
 
# બે મોટા પ્રશ્રોને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય શિક્ષણનીતિ બનાવવામાં આવી હતી. એક, આપણી શિક્ષણ-વ્યવસ્થા આપણી યુવા પેઢીને રચનાત્મક, જિજ્ઞાસુ અને સમર્પણથી પ્રેરિત જીવન જીવવા માટે પ્રોત્સાહન આપે છે? અને બે, આપણી શિક્ષણવ્યવસ્થા આપણા યુવાનોને દેશમાં સક્ષમ સમાજનું નિર્માણ કરવામાં મદદરૂપ થાય છે? આ બંને પ્રશ્રો પર તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો કે, રાષ્ટ્રીય શિક્ષણનીતિએ આ બંને અનિવાર્ય મુદ્દાઓને ધ્યાનમાં લીધા છે, તેના પર પૂરતો વિચાર કર્યો છે.
 
# નવી શિક્ષણનીતિ કેવી રીતે વિચારવું એના પર એટલે કે વિચારશક્તિ ખીલવવા પર ભાર મૂકે છે. તેમણે જણાવ્યું હતું કે, બાળકો માટે પ્રશ્રોત્તરી આધારિત, સંશોધન આધારિત, ચર્ચા આધારિત અને વિશ્ર્લેષણ આધારિત શિક્ષણપદ્ધતિઓ પર ભાર મૂકવાથી વર્ગોમાં તેમનો અભ્યાસ કરવામાં રસ વધશે અને તેઓ વધુ ને વધુ સહભાગી થશે.
 
# ભારત આખી દુનિયાને પ્રતિભા અને ટેક્નોલોજીનાં સમાધાનો પ્રસ્તુત કરવાની ક્ષમતા ધરાવે છે તથા રાષ્ટ્રીય શિક્ષણનીતિ આ જવાબદારી સુપેરે નિભાવે પણ છે, જેનો ઉદ્દેશ ટેક્નોલોજી આધારિત ઘણી સામગ્રી અને અભ્યાસક્રમોને વિકસાવવાનો છે. તેમણે કહ્યું હતું કે, વર્ચ્યુઅલ લેબ્સ જેવી વિભાવનાઓ લાખો વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપશે, જેઓ અગાઉ આ પ્રકારના વિષયોનો અભ્યાસ કરી શકતા નહોતા, જેમાં પ્રયોગશાળાના અનુભવની જરૂર હતી. રાષ્ટ્રીય શિક્ષણનીતિ આપણા દેશમાં સંશોધન અને શિક્ષણ વચ્ચેના અંતરને ભરવા મહત્ત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવશે.
 
# જ્યારે સંસ્થાઓ અને માળખામાં આ સુધારાઓ થશે, ત્યારે રાષ્ટ્રીય શિક્ષણનીતિનો વધારે અસરકારકતા સાથે અને વધુ ઝડપ સાથે અમલ થઈ શકશે. અત્યારે સમાજમાં નવીનતા અને સ્વીકાર્યતાનાં મૂલ્યોનું નિર્માણ કરવાની જરૂર છે તથા એની શરૂઆત આપણા દેશની સંસ્થાઓમાંથી કરવી પડશે.
 
# ઉચ્ચ શિક્ષણસંસ્થાઓને સ્વાયત્તતા આપીને સક્ષમ બનાવવાની જરૂર છે. સ્વાયત્તતાના મુદ્દે બે પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. એક વર્ગ કહે છે કે, દરેક બાબત સરકારના નિયંત્રણ હેઠળ થવી જોઈએ. બીજા વર્ગનું માનવું છે કે, તમામ સંસ્થાઓને સ્વાભાવિક રીતે સ્વાયત્તતા આપવી જોઈએ. જ્યારે પહેલા વર્ગનો અભિપ્રાય બિનસરકારી સંસ્થાઓ પ્રત્યે અવિશ્ર્વાસનું પરિણામ છે, ત્યારે બીજા વર્ગના અભિપ્રાયમાં સ્વાયત્તતાને અધિકાર ગણવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે, સારા અને ગુણવત્તાયુક્ત શિક્ષણનો માર્ગ આ બંને અભિપ્રાયોના સમન્વય થકી મોકળો થશે.
 
# જે સંસ્થાઓ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવા માટે વધારે કામ કરે છે, તેમને વધારે સ્વતંત્રતા મળવી જોઈએ. એનાથી ગુણવત્તાયુક્ત શિક્ષણને પ્રોત્સાહન મળશે અને દરેકને વિકસવા માટે પ્રેરકબળ પ્રાપ્ત થશે. તેમણે ઇચ્છા વ્યક્ત કરી હતી કે, જેમ-જેમ રાષ્ટ્રીય શિક્ષણનીતિનો વ્યાપ વધશે, તેમ-તેમ શૈક્ષણિક સંસ્થાઓની સ્વાયત્તતા ઝડપથી વધશે.
 
# તેમણે દેશના ભૂતપૂર્વ રાષ્ટપતિ ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામના શબ્દો ટાંકીને કહ્યું હતું કે શિક્ષણનો ઉદ્દેશ કુશળતા અને આવડત સાથે સારા મનુષ્યનું નિર્માણ કરવાનો છે. સમાજ માટે પ્રબુદ્ધ અને પોતાની ફરજો પ્રત્યે સભાન મનુષ્યોનું સર્જન શિક્ષકો કરી શકે છે.
 
# રાષ્ટ્રીય શિક્ષણનીતિ મજબૂત શિક્ષણ-વ્યવસ્થા વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં શિક્ષકો સારા વ્યાવસાયિકો અને સારા નાગરિકો પેદા કરી શકશે. આ નીતિમાં શિક્ષકને તાલીમ આપવા પર, તેમની કુશળતાઓ સતત વિકસાવવા પર ઘણો બધો ભાર મૂકવામાં આવ્યો છે.
 
# યુનિવર્સિટીઓ, કોલેજો, શાળાશિક્ષણનાં બોર્ડ, વિવિધ રાજ્યો, વિવિધ હિતધારકો સાથે સંવાદ અને સંકલનનો નવો રાઉન્ડ અહીંથી શરૂ થયો છે.