નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ : ઉચ્ચ શિક્ષણ થકી નયા ભારતના નિર્માણનું સ્વર્ણિમ સ્વપ્ન : ડૉ. જયેન્દ્રસિંહ જાદવ

    ૨૫-ઓગસ્ટ-૨૦૨૦
કુલ દૃશ્યો |

new education policy  202
 
સમાજમાં જીવતા લોકોની સંખ્યા કરતા જીવંત લોકોની સંખ્યામાં વધારો કરે તેવી સુંદરતમ ઘટનાનું નામ યુનિવર્સિટી છે.
-પદ્મશ્રી ગુણવંત શાહ
 
તાજેતરમાં જ ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ઘોષણા કરવામાં આવી છે. આ માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં અલગ-અલગ વિષયો માટે નવી જોગવાઈઓ કરવામાં આવી છે. આશા રાખીએ કે આ જોગવાઈઓના અમલથી ભારતના ઉચ્ચ શિક્ષણમાં સોનાનો સૂરજ પાછો ઊગશે.
 
વર્તમાન ઉચ્ચ શિક્ષણમાં મોટા પાયે વિકેન્દ્રીકરણ થયેલું છે. હાલ ભારતમાં ૪૦%થી વધુ કોલેજો એક જ ફેકલ્ટીમાં શિક્ષણ આપે છે અને એક જ પ્રોગ્રામ ચલાવે છે. જે એકવીસમી સદીની જરૂરિયાતથી ખૂબ વેગળું છે. દેશની ૨૦% કોલેજોમાં ૧૦૦ થી ઓછા વિદ્યાર્થીઓનાં એડમિશન થયેલા છે, તે કોલેજો મરવાના વાંકે જીવી રહી છે. જ્યારે ૪% કોલેજોમાં ૩૦૦૦થી વધુ વિદ્યાર્થીઓના પ્રવેશથી માસ પ્રોડક્શન થતું હોય તેમ શિક્ષણ અપાઈ રહ્યું છે. આ નીતિ આ નાની-નાની કોલેજોને એકત્રિત કરી બહુ-વિષયક (Mu-ti Discip-inary) વિશ્ર્વ વિદ્યાલયો અને કૉલેજોની પુન: સંરચના કરશે. જેમ ભારતમાં તક્ષશિલા, વિક્રમશિલા, નાલંદા કે વલભીમાં હજારો વિદ્યાર્થીઓ ૭૨ કલાઓનો અભ્યાસ કરતા હતા, તેમ દરેક યુનિવર્સિટી કે કૉલેજ ઓછામાં ઓછા ૩૦૦૦થી લઈ ૧૫ ૦૦૦ સુધી વિદ્યાર્થી સંખ્યાને એકત્રિત રીતે તેમના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરશે. આ માટે કૉલેજ અને યુનિવર્સિટીના કલસ્ટર તૈયાર કરી તેનું કેન્દ્રીકરણ કરવામાં આવશે. આ માટે ૨૦૪૦ સુધી દેશની મોજૂદ તમામ સંસ્થાઓના કલસ્ટર બનાવી તેને મલ્ટી-ડિસિપ્લિનરી બનાવવાની વાત આ નીતિ કરે છે.
 
ભારતમાં યુનિવર્સિટીના અનેક પ્રકારો પણ સમસ્યામાં વધારો કરે છે. આપણા ઇતિહાસમાં યુનિવર્સિટીનાં કેવાં અર્થસભર નામો હતાં. તક્ષશિલા માટે કહેવાયું છે કે શિલા તક્ષતિ ઇતિ તક્ષશિલા અર્થાત્ જેના શિક્ષણને પ્રતાપે મનુષ્ય શિલામાંથી શિલ્પ બને છે તે તક્ષશિલા. નાલંદાનો અર્થ થાય છે ન-અલંદા -આટલું જ્ઞાન પૂરતું નથી હજુ વધારે જ્ઞાન આપો. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આ બાબતે કહે છે કે હવેથી વિશ્ર્વ વિદ્યાલય એટલે ઉચ્ચતર શિક્ષણ માટેનું બહુ વિષયક સંસ્થાન જે સ્નાતક, અનુસ્નાતક અને પી. એચ ડી કાર્યક્રમ ચલાવે છે અને ઉચ્ચતર ગુણવત્તાવાળા સંશોધન અને શિક્ષણની જરૂરિયાત પૂર્ણ કરે છે. વિશ્ર્વ વિદ્યાલયોનાં જટિલ નામો જેવાં કે ડીમ્ડ યુનિવર્સિટી, સંલગ્નતા આપતી યુનિવર્સિટી, સ્થાનીય (Residentia-)યુનિવર્સિટી દૂર કરવામાં આવશે. તે દરેકને માત્ર યુનિવર્સિટી જ કહેવામાં આવશે.
 
હાલમાં દર વર્ષે ભારતના ૮ લાખ યુવાનો વિદેશ ભણવા માટે જાય છે અને બહારથી માત્ર ૪૫ હજાર વિદ્યાર્થીઓ દર વર્ષે ભારતમાં ભણવા આવે છે. ભારતનું યુવાધન ભણવાના બહાને વિદેશ જતું રહે છે અને મોટે ભાગે ત્યાં જ સ્થાયી થઈ જાય છે. તેથી તેની શક્તિઓનો લાભ આપણા રાષ્ટને મળી શકતો નથી. આ સ્થિતિને જોતાં નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં વિશ્ર્વની ટોપ ૧૦૦ રેન્ક ધરાવતી યુનિવર્સિટીઓને તેમના કેમ્પસ ભારતમાં સ્થાપવા માટે આમંત્રિત કરવાની વાત કરી છે, જે સ્વાગત યોગ્ય છે, જેનાથી આ નો ભદ્રા ક્રતવો યન્તુ વિશ્ર્વત: અર્થાત ચારે બાજુથી અમને શ્રેષ્ઠ વિચારો પ્રાપ્ત થાઓની ભારતીય વિભાવના સાકાર થશે. આપણા વિદ્યાર્થીઓ ઘેર બેઠા વિશ્ર્વનું શ્રેષ્ઠ શિક્ષણ મેળવશે. વિદેશમાં ભણનાર વિદ્યાર્થીને ફી ઉપરાંત રહેવા-જમવાના મોટા ખર્ચ થતા હોય છે, તે હવે બચી જશે. આવી જ રીતે ભારતની શ્રેષ્ઠતમ યુનિવર્સિટીઓના કેમ્પસ વિદેશમાં શરૂ કરવામાં આવશે, જેનાથી ભારતીય જ્ઞાનનો વિદેશમાં પ્રચાર-પ્રસાર થશે.
 
વર્તમાનમાં યુનિવર્સિટીઓમાં સેનેટ, સિન્ડિકેટ, એકેડમિક કાઉન્સિલ અને કુલપતિની નિયુક્તિઓમાં રાજકીય હસ્તક્ષેપ જોવા મળે છે. આમ તો રાજકારણીએ રાજકીય પગરખાં બહાર કાઢીને દુષ્યંત જેમ કણ્વના આશ્રમમાં પ્રવેશ્યા હતા તેમ પ્રવેશવું જોઈએ, પરંતુ મોટે ભાગે તેમ જોવા મળતું નથી. આ નીતિમાં આ અંગે BOG ની રચના કરવાનું પ્રાવધાન છે. આશા રાખીએ કે આ નીતિથી શિક્ષણમાં રાજકારણ દાખલ કરવાને બદલે રાજકારણમાં થોડું શિક્ષણ દાખલ થશે.
 
આ નીતિ ભારતના યુવાનને ૨૧ મી સદીનાં જરૂરી કૌશલ્યો સાથે અર્જુન જેવો ઓજસ્વી, નચિકેતા જેવો નીડર અને એકલવ્ય જેવો જ્ઞાન પિપાસુ બનાવવાનું લક્ષ્ય રાખે છે. આ લક્ષ્ય જરાય સહેલું નથી, છતાંય રાખવા જેવું ચોક્કસ છે. જો નીતિમાં લખેલી બધી જ જોગવાઈઓનો સારી રીતે અમલ થાય તો શિક્ષણમાં જાદુઈ બદલાવ આવી શકે છે. આ દેશના ૪૦ લાખ અધ્યાપકો આવો જાદુ કરી શકે તેમ છે, તેમને સ્વાયત્તતા આપી તેમના પર ભરોસો રાખવો રહ્યો. આશા રાખીએ કે આ નીતિથી ભારતના કેમ્પસ વધુ રૂપાળા અને તેથી વધુ રળિયામણા બનશે.
 
પ્લેટોની એકેડમીના પ્રવેશદ્વાર પર સૂચના લખેલી હતી,
જેને ભૂમિતિ પ્રત્યે પ્રેમ ન હોય
તેણે દાખલ થવું નહિ.
 

(ગુજરાત કોલેજમાં અધ્યાપક અને શિક્ષણ સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના રાષ્ટ્રીય સહ-સંયોજક છે)