શ્રીરામ આધુનિકતા અને પરિવર્તનનું પણ પ્રતીક છે. શ્રીરામના આદર્શોને અનુસરીને અત્યારે દેશ પ્રગતિના પંથે અગ્રેસર છે - વડાપ્રધાન

    ૦૫-ઓગસ્ટ-૨૦૨૦
કુલ દૃશ્યો |

narednra modi_1 &nbs 
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજન પછી સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, અહીં મારું આવવું સ્વાભાવિક હતું. કેમકે રામ કાજ કિજે બિના મોહિ કહાં વિશ્રામ. અહી પ્રસ્તુત છે તેમના સંબોધનના કેટલાંક અંશો...
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં ‘શ્રીરામ જન્મભૂમિ મંદિર’ માં ભૂમિપૂજન કર્યું
 
મંદિરનું નિર્માણ પારસ્પરિક પ્રેમ અને ભાઈચારાના પાયા પર કરવું પડશે.
  
‘સબ કા સાથ’ અને ‘સબ કા વિકાસ’ દ્વારા આપણે ‘સબ કા વિશ્વાસ’ને હાંસલ કરવો જરૂરી છેઃ પ્રધાનમંત્રી
 
રામમંદિર આપણી સંસ્કૃતિ, સનાતન વિશ્વાસ, રાષ્ટ્રીય જુસ્સા અને સહિયારા સંકલ્પનું પ્રતીક બની રહેશે, જે આગામી પેઢીઓને પ્રેરિત કરશે.

મંદિરનું નિર્માણ આ વિસ્તારના અર્થતંત્રની દિશા અને દશા બદલશે.
 
પ્રધાનમંત્રીએ રામમંદિરના સ્વપ્નને સાકાર કરવા સંઘર્ષ કરનાર લોકોને યાદ કર્યા અને તેમને વંદન કર્યા
શ્રીરામ આપણા દેશમાં વિવિધતામાં એકતાનું કેન્દ્રબિંદુ છે.
 
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, દેશમાં હાલ પ્રવર્તતી કોવિડ રોગચાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ‘મર્યાદા’ જાળવવી જરૂરીઃ ‘દો ગજ કી દૂરી, માસ્ક હૈ જરૂરી’
 
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં ‘શ્રી રામ જન્મભૂમિ મંદિર’ માં ભૂમિપૂજન કર્યું હતું.

ભારત માટે સોનેરી પ્રકરણ


આ પવિત્ર પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ તમામ દેશવાસીઓ અને દુનિયાભરના રામ ભક્તોને શુભેચ્છા આપી હતી. તેમણે આ પ્રસંગને ઐતિહાસિક ગણાવીને જણાવ્યું હતું કે, આજે ભારતમાં સોનેરી પ્રકરણની શરૂઆત થઇ છે. આજે દેશમાં તમામ લોકો રોમાંચિત અને ભાવુક છે, કારણ કે સદીઓથી તેઓ જે ઇચ્છતાં હતાં એ છેવટે આજે સાકાર થયું છે. તેમાંથી કેટલાંક લોકોને વિશ્વાસ જ બેસતો નથી કે, તેમના જીવનમાં તેમનું સ્વપ્ન સાકાર થયું છે, તેઓ આજની ઘટનાના સાક્ષી બન્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, રામ જન્મભૂમિ તૂટવાની અને ફરી બેઠાં થવાના ચક્રમાંથી મુક્ત થઈ છે. અત્યારે તંબુમાં જે સ્થાન છે, એના પર રામલલ્લાનું ભવ્યાતિભવ્ય મંદિરનું નિર્માણ થશે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જેમ 15 ઓગસ્ટ દેશની આઝાદી કાજે લડનારા સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ અને બલિદાનનું પ્રતીક છે, તેમ આજનો દિવસ રામમંદિર માટે પેઢીઓના સતત સંઘર્ષ અને સમર્પણનું પ્રતીક છે. તેમણે રામમંદિરનું સ્વપ્ન સાકાર કરવા માટે સંઘર્ષ કરનાર લોકોને યાદ કર્યા હતા અને નમન કર્યા હતા

શ્રીરામ – આપણી સંસ્કૃતિનો પાયો

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભગવાન રામનું અસ્તિત્વ મિટાવવા કેટલાંક પ્રયાસો થયા હતા, પણ રામ આપણી સંસ્કૃતિનો પાયો બની રહેશે. તેમણે કહ્યું હતું કે, રામમંદિર આપણી સંસ્કૃતિની આધુનિકતાનું પ્રતીક બનશે. ભગવાન શ્રી રામ આપણી સતત આસ્થા, રાષ્ટ્રીય જુસ્સા અને સામૂહિક શક્તિનું પ્રતીક બનશે, જે આગામી પેઢીઓને પ્રેરિત કરશે. મંદિરના નિર્માણથી તમામ ક્ષેત્રો માટે કેટલીક તકો ઊભી થશે અને આ વિસ્તારનું અર્થતંત્ર બદલાશે.
 
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ કરોડો રામભક્તોની સત્યમાં આસ્થા અને સંકલ્પનો પુરાવો છે. તેમણે દેશવાસીઓએ દર્શાવેલી મર્યાદા અને ગરિમાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ગત વર્ષે આદરણીય સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો હતો, ત્યારે દેશવાસીઓએ જે ગરિમા અને મર્યાદા દાખવી હતી એવી જ મર્યાદા અને ગરિમા આજે પણ જોવા મળે છે.
 
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પ્રભુ શ્રીરામના વિજયમાં ગરીબો, પછાતો, દલિતો, આદિવાસીઓ એમ સમાજના તમામ વર્ગોએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ જ સમુદાય માટે શ્રીકૃષ્ણે ગોવર્ધન પર્વત ટચલી આંગળીએ ઉઠાવ્યો હતો અને છત્રપતિ શિવાજી મહારાજે સ્વરાજની સ્થાપના આ વર્ગોની મદદથી કરી હતી. ગાંધીજીએ દેશને આઝાદી અપાવવા સમાજનાં તમામ વર્ગને સાથે લીધો હતો. આ જ રીતે રામમંદિરનું નિર્માણ સામાન્ય નાગરિકોની મદદ અને પ્રદાન સાથે શરૂ થયું છે.
 
પ્રધાનમંત્રીએ શ્રીરામના ચરિત્રની ખાસિયતોને યાદ કરીને કહ્યું હતું કે, ભગવાન શ્રીરામ હંમેશા સત્યને વળગી રહ્યાં હતાં અને તેમના શાસનનો પાયો સામાજિક સંવાદિતા હતો. શ્રીરામ પ્રજાવત્સલ રાજા હતા, તેઓ તેમની પ્રજાને સમાનપણે પ્રેમ કરતા હતા, છતાં તેમને ગરીબો અને જરૂરિયાતમંદો પર વિશેષ પ્રેમ અને કરુણા હતી. જીવનનું એક પણ પાસું એવું નથી, જેમાં તમને શ્રીરામના જીવનમાંથી પ્રેરણા ન મળે. આપણી સંસ્કૃતિ, ફિલોસોફી, વિશ્વાસ અને પરંપરાના કેટલાંક પાસાઓમાં શ્રીરામનો પ્રભાવ અચૂક જોવા મળે છે.

શ્રીરામ – વિવિધતામાં એકતાનો વિચાર

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, શ્રીરામે પ્રાચીન સમયમાં વાલ્મિકી રામાયણ, મધ્યકાલીન યુગમાં તુલસીદાસ, કબીર અને ગુરુ નાનક દ્વારા લોકો માટે દિવાદાંડી જેવું કામ કર્યું છે. એ જ રીતે આપણને આધુનિક યુગમાં મહાત્મા ગાંધીના ભજનોમાં પણ અહિંસા અને સત્યાગ્રહ સ્વરૂપે ભગવાન શ્રીરામનાં મૂલ્યોના દર્શન થાય છે. મહાત્મા ગાંધીના ભજનોમાં અહિંસા અને સત્યાગ્રહની શક્તિનો સ્ત્રોત ભગવાન શ્રીરામ હતા. ભગવાન બુદ્ધ પણ શ્રીરામ સાથે જોડાયેલા હતા અને અયોધ્યા નગરી સદીઓથી જૈનોની આસ્થાનું કેન્દ્ર છે. વિવિધ ભાષાઓમાં લખાયેલી રામાયણને યાદ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મર્યાદા પુરુષોત્તમ રામ દેશમાં વિવિધતામાં એકતાનું કેન્દ્રબિંદુ છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની બહાર દુનિયાના કેટલાંક દેશોમાં પણ શ્રીરામ પૂજનીય છે. તેમણે મુસ્લિમની બહુમતી ધરાવતા ઇન્ડોનેશિયા જેવા દેશમાં, કમ્બોડિયા, લાઓસ, મલેશિયા, થાઇલેન્ડ, શ્રીલંકા, નેપાળમાં સદીઓથી રામાયણ લોકપ્રિય હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ઇરાન અને ચીનમાં પણ શ્રીરામ લોકપ્રિય હોવાની જાણકારી મળી છે. કેટલાંક દેશોમાં રામકથાઓ લોકપ્રિય છે. તેમણે જણાવ્યું હતું કે, આ તમામ દેશોના લોકો આજે પણ શ્રીરામ મંદિરના નિર્માણની શરૂઆતથી રાજી થયા છે.

સંપૂર્ણ માનવતા માટે પ્રેરકબળ

પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે, આ મંદિર આગામી યુગો માટે સંપૂર્ણ માનવજાત અને માનવતા માટે પ્રેરકબળ બની રહેશે. તેમણે કહ્યું હતું કે, શ્રીરામનો સંદેશ, રામમંદિર અને આપણી સદીઓ જૂની પરંપરાઓ આખી દુનિયામાં પહોંચશે. આ બાબતને ધ્યાનમાં રાખીને રામ સર્કિટ દેશમાં બની રહી છે.

રામરાજ્ય

પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીએ સેવેલા રામરાજ્યના સ્વપ્નને યાદ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, શ્રીરામના બોધવચનો કે ઉપદેશો આજે પણ દેશને માર્ગદર્શન આપી રહ્યાં છે, જેમાં સામેલ છેઃ કોઈ પણ વ્યક્તિ ગરીબ કે દુઃખી ન હોવી જોઈએ; પુરુષો અને મહિલાઓ એકસમાન રીતે ખુશ હોવા જોઈએ; ખેડૂતો અને પશુપાલકો હંમેશા ખુશ હોવા જોઈએ; વૃદ્ધો, બાળકો અને વૈદ્યોનું હંમેશા રક્ષણ કરવું જોઈએ; જેઓ આશ્રય ઇચ્છતાં હોય તેમનું રક્ષણ કરવાની ફરજ છે; સ્વર્ગ કરતાં માતૃભૂમિ વધારે પૂજનીય છે; અને દેશ જેટલો વધારે શક્તિશાળી બનશે એટલી એની શાંતિની ક્ષમતા વધારે હશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, શ્રીરામ આધુનિકતા અને પરિવર્તનનું પણ પ્રતીક છે. શ્રીરામના આદર્શોને અનુસરીને અત્યારે દેશ પ્રગતિના પંથે અગ્રેસર છે.

પ્રેમ અને ભાઈચારાનો પાયો

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, મંદિરનું નિર્માણ પારસ્પરિક પ્રેમ અને ભાઈચારા પર કરવું પડશે. તેમણે કહ્યું હતું કે, સબ કા સાથ અને સબ કા વિશ્વાસ દ્વારા આપણે સબ કા વિશ્વાસ સંપાદિત કરવાની જરૂર છે. આપણે આત્મવિશ્વાસ ધરાવતા, આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવાનું છે. તેમણે શ્રીરામના સંદેશ પર ભાર મૂકીને કહ્યું હતું કે, હવે આપણે કોઈ વિલંબ ન કરવો જોઈએ અને આપણે આગળ વધવું પડશે – આ જ સંદેશને દેશવાસીઓએ અનુસરવાની જરૂર છે.

કોવિડ કાળમાં ‘મર્યાદા’

પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનના અંતમાં હાલમાં દેશમાં કોવિડ રોગચાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને શ્રીરામની ‘મર્યાદા’ના માર્ગનું મહત્ત્વ યાદ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, હાલ જે પ્રકારની સ્થિતિસંજોગો છે એને ધ્યાનમાં રાખીને આપણે મર્યાદાનું પાલન કરવું જોઈએ – આપણે ‘દો ગજ કી દૂર – માસ્ક જરૂરી’ને અનુસરવું પડશે. તેમણે તમામ દેશવાસીઓની આ સૂત્રનું પાલન કરવા બદલ પ્રશંસા કરી હતી.