ગુંડાગીરીને નાથવા ગુજરાત સરકારનું ‘સુરક્ષિત’ કદમ

    ૧૮-સપ્ટેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

gunda act gujarat_1  
 
સરકાર દ્વારા ‘ધ ગુજરાત ગુંડા ઍન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ’ ઓર્ડિનન્સ પ્રસ્તાવ
 
ગુનાખોરી કરનાર હોય કે પછી રાજ્યની જનતાને રંજાડનાર અસામાજિક તત્ત્વો હોય, તેમની સાથે ગુજરાતે બાંધછોડ કરી નથી. એક ડોન લતીફથી માંડી સોહરાબુદ્દીન, ઈશરત જહાં જેવા આતંકીઓને ગુજરાત સરકાર અને પોલીસ તંત્રે નાથ્યા છે. ગુજરાત સરકાર દ્વારા લવાયેલ ધ ગુજરાત ગુંડા ઍન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટિઝ (પ્રિવેન્શન) એક્ટ ઓર્ડિનન્સ પણ આ જ વાતની સાક્ષી પૂરે છે. આવો જોઈએ રાજ્યની શાંતિ અને સલામતી માટે જરૂરી એવા આ નવા કાયદા વિશે...
 
મહિલાઓના અનૈતિક વ્યાપાર સંદર્ભના ગુનાઓ, બાળરક્ષણ અધિનિયમ હેઠળના ગુના, જુગાર પ્રતિબંધ હેઠળના ગુના, સામુદાયિક સંવાદિતાને ખલેલ પહોંચાડવી તે માટે હિંસાનો આશ્રય લેવો, પ્રજામાં ગભરાટ ફેલાવવો કે આંતક ફેલાવવો, ખંડણીના ઇરાદાથી વ્યક્તિનું અપહરણ કરવું, નાણાં ધીરધાર અધિનિયમ હેઠળ મુદ્દલ કે વ્યાજની વસૂલાત માટે કોઈપણ વ્યક્તિની સ્થાવર કે જંગમ મિલકત લઈ લેવા શારીરિક હિંસા કરવી કે ધમકી આપવી, ગેરકાયદે પશુધનની હેરફેર કરવી, શસ્ત્ર અધિનિયમનો ભંગ કરી શસ્ત્ર અને દારૂગોળાના ઉત્પાદન વેચાણ અને હેરફેરમાં સંડોવણી જેવી કિસ્સામાં આ ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરાશે.
 
ગુજરાતે વિશ્ર્વભરને શાંતિનો સંદેશો આપ્યો છે. ગુજરાત અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીની જન્મ-કર્મભૂમિ છે. અહીંથી જ તેઓએ ન ખડગ કે ન ઢાલ વગર અત્યાચારી અંગ્રેજો સામે આઝાદીનું બંડ પોકાર્યું હતું અને અંગ્રેજોની ગુલામીમાંથી દેશને આઝાદી અપાવી હતી, પરંતુ એક સમયે ગુજરાતી ડોન લતિફના રૂપમાં ગુજરાતમાં ગુનાખોરીએ માથું ઊંચક્યું, પરંતુ તાત્કાલિક સરકારોએ ગુનાખોરી અને અપરાધ સાથે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી આતંકનો પર્યાય બની ચૂકેલા લતિફને તેની જ ભાષામાં જવાબ આપ્યો અને આતંકનો નાશ કર્યો. ત્યાર બાદ રાજ્યની શાંતિ અને સલામતી માટે જોખમી એવાં કોમી રમખાણોથી માંડી આતંકી સોહરાબુદ્દીન અને ઈશરત જહાં સુધીના લોકો સાથે ગુજરાતની સરકાર પ્રશાસને સરદારના અંદાજમાં જ જવાબ આપવાની પરંપરા નિભાવી છે. જો કે ગુજરાતમાં આજે પણ દેશનાં અન્ય રાજ્યોની સરખામણીમાં ગુનાખોરીનું પ્રમાણ ઓછું છે. પરંતુ ગુજરાત સરકાર દ્વારા થોડા મહિના પહેલાં જે આંકડા રજૂ કરવામાં આવ્યા હતા તે પણ જાણીને ગુનાઓ થતા અટકાવવા જરૂરી છે.

કેટલાક આંકડાઓ

 
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા અંગે જે આંકડાઓ રજૂ કર્યા હતા તે મુજબ ગુજરાતમાં છેલ્લાં ૨ વર્ષમાં લૂંટના બે હજાર ૪૫૧ બનાવો સામે આવ્યા છે. આંકડા મુજબ દૈનિક બેથી ત્રણ હત્યાના બનાવો બને છે, જ્યારે દુષ્કર્મોના ત્રણથી ચાર બનાવો સામે આવ્યા છે.
 
કોંગ્રેસના પક્ષના માન. ધારાસભ્યશ્રીઓએ તા. ૨-૩-૨૦૨૦ના રોજ માન. મુખ્યમંત્રીશ્રી (ગૃહ)ને લૂંટ, ખૂન, ધાડ, ચોરી, બળાત્કાર, અપહરણ, આત્મહત્યા, ઘરફોડ ચોરી, રાયોટીંગ, આકસ્મિક મૃત્યુ, અપમૃત્યુ અને ખૂનની કોશિશ અંગે નોંધાયેલ બનાવો અંગે પૂછેલ પ્રશ્નોની સંકલિત માહિતી
 
રાજ્યમાં બે વર્ષમાં લૂંટ-૨૪૯૧, ખૂન-૨૦૩૪, ધાડ ૫૫૯, ચોરી ૨૫૭૨૩, બળાત્કાર ૨૭૨૯, અપહરણ ૫૮૯૭, આત્મહત્યા ૧૪૭૦૨, ઘરફોડ ચોરી ૭૬૧૧, રાયોટીંગ ૩૩૦૫, આકસ્મિક મૃત્યુ ૨૯૨૯૮, અપમૃત્યુના ૪૪૦૮૧ અને અપમૃત્યુ ૨૧૮૩ બનાવો નોંધાયા છે. 
 
- રાજ્યમાં બે વર્ષમાં ૧૪,૭૦૨ આત્મહત્યાના બનાવો નોંધાયા એટલે કે દરરોજ ૨૦ નાગરિકોએ અકુદરતી રીતે જીવન ટૂંકાવ્યું.
 
- રાજ્યમાં બે વર્ષમાં ૨૦૩૪ ખૂનના બનાવો નોંધાયા એટલે કે દરરોજ ૨-૩ ખૂનના બનાવો નોંધાય છે.
 
- રાજ્યમાં બે વર્ષમાં ૨૭૨૦ બળાત્કારના બનાવો નોંધાયા એટલે કે દરરોજ ૩-૪ ખૂનના બનાવો નોંધાયા છે.
 
- રાજ્યમાં બે વર્ષમાં ૩૩૦૫ રાયોટીંગના બનાવો નોંધાયા એટલે કે દરરોજ ૪-૫ ખૂનના બનાવો નોંધાયા છે.
 
- રાજ્યમાં બે વર્ષમાં ૧૪,૭૦૨ આત્મહત્યા, ૨૯૨૯૮, આકસ્મિક મૃત્યુ અને ૪૪૦૮૧ અપમૃત્યુના બનાવો મળી કુલ ૮૮૦૮૧ નાગરિકોએ અકુદરતી રીતે જીવન ટૂંકાવ્યું.
ગુજરાતમાં જો સૌથી વધારે કોઈ ગુનાઓ સામે આવતા હોય તો તે બુટલેગર અને દારૂના છે, જેમાં અમદાવાદમાં સૌથી વધારે ૪૯૮૪ જેટલી ફરિયાદો નોંધાઈ છે. છોટાઉદેપુર અને મહીસાગર ગુજરાતના બે એવા જિલ્લા છે, જ્યાં એક પણ ફરિયાદ નોંધાઈ નથી.
 
પ્રસ્તુત આંકડાઓ ગુજરાતની શાંતિપ્રિય પ્રજા માથે ચિંતાની રેખાઓ માટે પૂરતા છે. સાથે સાથે ગુજરાતની જનતાને કોઈપણ ભોગે સુરક્ષા પૂરી પાડવા મક્કમ ગુજરાત સરકાર માટે પણ આ આંકડા પડકારજનક જ ગણાય, જેના પ્રતિઘાત રૂપે જ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતને ગુનાખોરીના ખપ્પરમાં હોમવા મથતા ગુનેગારોને માટે ગુજરાત ગુંડા ઍન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિઝ (પ્રિવેન્શન) એક્ટ ઓર્ડિનન્સ લાવવાની જાહેરાત કરી છે. ગુનેગારોના ટાંટિયા ધ્રુજાવી નાખતા આ નવા કાયદા વિશે આવો જાણીએ...
 

gunda act gujarat_1 

ગુનેગારોને ધ્રુજાવી દેતો આ નવો કાયદો શું છે ?
 

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં જાહેર શાંતિ-સલામતી અને અવિરત વિકાસમાં રૂકાવટ ઊભી કરનારાં ગુંડાતત્ત્વોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે આવનારા દિવસોમાં આવાં તત્ત્વોએ ગુંડાગર્દી છોડવી પડશે અથવા ગુજરાત છોડવું પડશે. મંત્રીમંડળની આજની બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં ગુંડા વિરોધી કડક કાયદા માટે ધ ગુજરાત ગુંડા ઍન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એકટ- ઓર્ડિનન્સ બહાર પાડવા માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેને મંજૂરી મળી ચૂકી છે. મુખ્યમંત્રી વિકાસની હરણફાળ ભરીને સર્વાંગી પ્રગતિ દ્વારા ઉત્તમથી સર્વોત્તમ ગુજરાતના નિર્માણની નેમમાં કાયદો વ્યવસ્થાની સુચારુ સ્થિતિ જળવાઈ રહે તે હેતુસર આ ઓર્ડિનન્સની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.
 
રાજ્યમાં શાંતિ, સલામતી અને સમૃદ્ધિ સાથે વિકાસની ગતિ વધુ વેગવંતી બનાવવામાં આ વટહુકમ નવું પ્રેરક બળ બનશે.
 
અસામાજિક તત્ત્વોને છોડાશે નહીં
 
મુખ્યમંત્રીએ રાજ્યમાં ગેરકાયદે જમીન પચાવી પાડનારાં તત્ત્વો - ભૂમાફિયાઓ- જુગાર - દારૂની પ્રવૃત્તિ કરનારાઓ સહિતનાં અસામાજિક તત્ત્વોને સખ્ત નશ્યત કરવા પાસા એકટમાં સુધારો કરવાનો તાજેતરમાં જ નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંગ્રામ માંડતા એન્ટીકરપ્શનની કામગીરીને વધુ ધારદાર બનાવી છે. એ.સી.બી.ને આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી ભ્રષ્ટ અધિકારી / કર્મચારીઓ સામે કામ ચલાવવા વ્યાપક સત્તાઓ આપી છે. ભ્રષ્ટ અધિકારીઓ/કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ ગૌવંશ હત્યા વિરુદ્ધનો અતિ સખ્ત કાનૂન પણ તેમણે અમલી બનાવ્યો છે. આમ ગુંડાતત્ત્વો, જમીન કૌભાંડકારો-ભૂમાફિયાઓ, ગૌવંશના હત્યારા સહિત દરેક અસામાજિક તત્ત્વોને દશે દિશાએથી ભીડવવાનો અભિગમ મુખ્યમંત્રીએ કાયદાઓના કડક અમલીકરણથી અપનાવ્યો છે. મુખ્યમંત્રી આ ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એકટ- ઓર્ડિનન્સનો અમલ કરાવીને રાજ્યમાં જે ગુંડાતત્ત્વો નિર્દોષ નાગરિકોને રંજાડે છે તેવા માથાભારે લોકો સામે પણ કાનૂની સકંજો કસી ગુજરાતને અપરાધમુક્ત, સલામત-સુરક્ષિત અને સમૃદ્ધ બનાવી ઉત્તમથી સર્વોત્તમ તરફ લઈ જવા સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં જાહેર જનજીવન અને કાયદો વ્યવસ્થાને ખલેલ પહોંચાડી વિકાસમાં બાધક બનતાં ગુંડાતત્ત્વો પર કાયદાકીય સકંજો વધુ સખ્તાઈથી કસવા આ વટહુકમમાં કેટલીક કડક જોગવાઈઓ દાખલ કરવાનો દૃઢ નિર્ધાર કર્યો છે.
 
હવે કોઈ શાંતિની જાળવણીમાં બાધક બનશે તો છૂટી કે છટકી શકશે નહીં
 
રાજ્યમાં દારૂનો વેપાર, જુગાર, ગાયોની કતલ, નશાનો વેપાર, અનૈતિક વેપાર, માનવવેપાર, બાળકોની જાતીય સતામણી, બનાવટી દવાનું વેચાણ, લોન શાર્ક (વ્યાજખોર), જમીન છીનવી લેવી, અપહરણ, ગેરકાયદે કૃત્યો, ગેરકાયદેસરનાં હથિયારો વગેરે જેવી અસામાજિક પ્રવૃત્તિઓ આચરતાં ગુંડાતત્ત્વો સામે કડક કાયદાકીય જોગવાઈ ઊભી કરવાના હેતુથી નવા અલગ કાયદાની આ દરખાસ્ત કરવામાં આવી છે. ગુંડાતત્ત્વોની વ્યાખ્યામાં વ્યક્તિગત અથવા જૂથમાં હિંસાની ધમકી આપવી, ધાકધમકી આપવી અથવા અન્ય રીતે જાહેર વ્યવસ્થાને નુકસાન પહોંચાડવાના ઉદ્દેશથી કામ કરતી અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી વ્યક્તિઓનો સમાવેશ પણ આ કાયદા અંતર્ગત સજાપાત્રતામાં કરવામાં આવ્યો છે. કોઈ ગુંડાતત્ત્વ અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હોય કે તેવી પ્રવૃત્તિ કરવાની તૈયારી કરતા હોય અથવા રાજ્યમાં શાંતિની જાળવણીમાં બાધક બને ત્યારે તેને સાત વર્ષથી ઓછી નહિ અને દસ વર્ષ સુધીની કેદની અને પચાસ હજાર રૂપિયાથી ઓછો નહિ તેટલા દંડની શિક્ષાની જોગવાઈ પણ આ નવા કાયદામાં સુનિશ્ર્ચિત કરી છે. એટલું જ નહિ, રાજ્યસેવક/સરકારી કર્મચારી હોય તેવી કોઈ વ્યક્તિ આવાં ગુંડાતત્ત્વોને ગુનો કરવા પ્રેરિત કરે કે મદદ કરે અથવા ગેરકાયદેસર રીતે કોઈ મદદ કરે કે સાથ આપે તો તેને ત્રણ વર્ષથી ઓછી નહિ પરંતુ દસ વર્ષ સુધીની કેદની સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે.
 
વટહુકમની મુખ્ય જોગવાઈઓ
 
૧. ગુંડાગીરી કરનારાં તત્ત્વોને ૧૦ વર્ષ સુધીની સખત કેદ અને ૫૦ હજાર રૂપિયાનો દંડ કરાશે.
૨. ગુંડાઓ સામેના કેસ ચલાવી ઝડપી ન્યાયિક તપાસની કાર્યવાહી અને સજા માટે સ્પેશિયલ કોર્ટ
૩. ગુંડાતત્ત્વો દ્વારા મેળવવામાં આવેલી મિલકત જિલ્લા મેજિસ્ટ્રેટ ટાંચમાં લઈ શકશે.
૪. સાક્ષીને પૂરતું રક્ષણ આપી માહિતી ગુપ્ત રાખવામાં આવશે.
૫. ગુનો નોંધતા પહેલાં સંબંધિત રેન્જ આઈ.જી. અથવા પોલીસ કમિશનરની પૂર્વમંજૂરી આવશ્યક
૬. જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડનારા, હિંસા, ધાકધમકી, બળજબરીથી નિર્દોષ નાગરિકોનું શોષણ કરનારાની પ્રવૃત્તિઓને ડામી દેવાશે.
૭. દારૂનો વેપાર, જુગાર, ગાયોની કતલ, નશાનો વેપાર, અનૈતિક વેપાર, માનવ-વેપાર, બનાવટી દવાનું વેચાણ, વ્યાજખોરી, અપહરણ, ગેરકાયદે કૃત્યો આચરવા કે ગેરકાયદે હથિયારો રાખવા જેવી બદીઓને નશ્યત કરવા કડક જોગવાઈઓ કરાશે.
૮. ગુંડાઓ, જમીન કૌભાંડકારો, ભ્રષ્ટ કર્મચારીઓ તથા ગૌવંશના હત્યારાઓને કાયદાના કડક અમલીકરણથી નશ્યત કરાશે.
 
ગુંડાતત્ત્વ કોને ગણાશે તેની વ્યાખ્યા
 
ગુંડાતત્ત્વોની વ્યાખ્યામાં વ્યક્તિગત અથવા જૂથમાં હિંસાની ધમકી આપવી, ધાકધમકી આપવી અથવા અન્ય રીતે જાહેર વ્યવસ્થાને નુકસાન પહોંચાડવાના ઉદ્દેશથી કામ કરતી અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી વ્યક્તિઓનો સમાવેશ આ કાયદા અંતર્ગત સજા પાત્રતામાં કરાયો છે.
 
૭ થી ૧૦ વર્ષ સુધીને કેદ, રૂા. ૫૦૦૦૦થી વધુનો દંડ થશે
 
કોઈ ગુંડાતત્ત્વ અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલી હોય કે તેવી પ્રવૃત્તિ કરવાની તૈયારી કરતા હોય અથવા રાજ્યમાં શાંતિની જાળવણીમાં બાધક બને ત્યારે તેને સાત વર્ષથી ઓછી નહીં અને દસ વર્ષ સુધીની કેદની અને ૫૦ હજાર રૂપિયાથી ઓછો નહીં તેટલા દંડની જોગવાઈ પણ સુનિશ્ર્ચિત કરી છે.
 
કાનૂની પ્રક્રિયા કેવી હશે ? વિશેષ અદાલતો સ્થપાશે
 
- આ કાયદાના ઝડપી અમલ અને નાગરિકોને સત્વરે ન્યાય આપી શકાય તે હેતુસર વિશેષ અદાલતોની સ્થાપના કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. એ માટે પૂરતી જોગવાઈ કરાઈ છે.
 
- ઉપરાંત જરૂર જણાયે નિયત સિવાયના અન્ય સ્થળે પણ કોર્ટ કાર્યવાહી માટે બેઠક બોલાવી શકાય તેવી જોગવાઈ પણ કરાઈ છે. વિશેષ અદાલતોની રચના થયેલી તે અગાઉના કોઈ પણ ન્યાયાલયમાં પડતર કેસો વિશેષ અદાલતની હકૂમતોમાં આવી જશે.
 
- જરૂર જણાયે કોઈ કેસને નિકાલ માટે એક વિશેષ અદાલતમાંથી બીજી વિશેષ અદાલતમાં તબદીલ કરવાની પણ જોગવાઈ છે. આરોપીઓ સામે વિશેષ કોર્ટ સિવાય અન્ય કોર્ટમાં કામ ચાલતું હોય તો આરોપીના ગેરહાજરીમાં પણ આવા કેસો ચલાવી શકાશે અને આવા કેસોનો નિકાલ થઈ શકશે.
 

gunda act gujarat_1  
વટહુકમમાં અન્ય કઈ જોગવાઈ કરાશે ?
 
- જે મુજબ, રાજ્યમાં નશાબંધી ધારો, કેફી ઔષધ ધારાની જોગવાઈનો ભંગ કરી દારૂ, માદક દ્રવ્યો, જોખમી ઔષધીનું સેવન કરવું, ઉત્પાદન કરવું, હેરાફેરી કરવી અથવા આયાત-નિકાસ કરવા જેવી બાબતોનો પણ સજા પાત્રતામાં સમાવેશ થાય છે.
- કાયદાની જોગવાઈથી વિપરીત રીતે સ્થાવર મિલકતોનો કબજો લેવો, તેમાં મદદ કરવી, માલિકી હકના ખોટા દાવા ઊભા કરવા કે તે સંદર્ભમાં બનાવટી દસ્તાવેજો ઊભા કરવા જેવી બાબતોને આ કાયદામાં સજા પાત્ર બાબત તરીકે આવરી લેવાઈ છે.
- મહિલાઓના અનૈતિક વ્યાપાર સંદર્ભના ગુનાઓ, બાળરક્ષણ અધિનિયમ હેઠળના ગુના, જુગાર પ્રતિબંધ હેઠળના ગુના, સામુદાયિક સંવાદિતાને ખલેલ પહોંચાડવી તે માટે હિંસાનો આશ્રય લેવો, પ્રજામાં ગભરાટ ફેલાવવો કે આંતક ફેલાવવો, ખંડણીના ઇરાદાથી વ્યક્તિનું અપહરણ કરવું, નાણાં ધીરધાર અધિનિયમ હેઠળ મુદ્દલ કે વ્યાજની વસૂલાત માટે કોઈપણ વ્યક્તિની સ્થાવર કે જંગમ મિલકત લઈ લેવા શારીરિક હિંસા કરવી કે ધમકી આપવી, ગેરકાયદે પશુધનની હેરફેર કરવી, શસ્ત્ર અધિનિયમનો ભંગ કરી શસ્ત્ર અને દારૂગોળાના ઉત્પાદન વેચાણ અને હેરફેરમાં સંડોવણી જેવી કિસ્સામાં આ ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરાશે.
 
નાગરિકોને સુરક્ષા અને સત્વરે ન્યાય મળશે
 
આ અધિનિયમના નિયમોનું ઉલ્લંઘન કરીને ગુંડાતત્ત્વો દ્વારા કરવામાં આવેલા કોઈપણ કાર્ય માટે દસ હજાર સુધી દંડ સહિત અથવા દંડ વિના છ મહિના સુધીની મુદતની કેદની સજાની જોગવાઈ પણ વટહુકમમાં મુખ્યમંત્રીએ કરી છે. આ વટહુકમ હેઠળ કોઈ પણ ગુનો નોંધતા પહેલાં સંબંધિત રેન્જ આઈ.જી. અથવા પોલીસ કમિશનરની પૂર્વમંજૂરી સિવાય આવો ગુનો નોંધી શકાશે નહીં તેવી જોગવાઈ પણ કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના દિશાનિર્દેશનમાં મંત્રીમંડળની આગામી બેઠકમાં ગુંડા ઍન્ડ એન્ટી સોશિયલ એક્ટિવીટિઝ (પ્રિવેન્શન) વટહુકમની જે દરખાસ્ત રજૂ થવાની છે તેમાં આ વટહુકમને વધુ વ્યાપક બનાવવા કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો પણ આવરી લેવાશે. તદ્અનુસાર, રાજ્યમાં નશાબંધી ધારો, કેફી ઔષધ ધારાની જોગવાઈનો ભંગ કરી દારૂ, માદક દ્રવ્યો, જોખમી ઔષધોનું સેવન કરવું, ઉત્પાદન કરવું, હેરાફેરી કરવી અથવા આયાત-નિકાસ કરવા જેવી બાબતોનો પણ સજાપાત્રતામાં સમાવેશ થાય છે. કાયદાની જોગવાઈથી વિપરીત રીતે સ્થાવર મિલકતોનો કબજો લેવો, તેમાં મદદ કરવી, માલિકી હકના ખોટા દાવા ઊભા કરવા કે તે સંદર્ભમા બનાવટી દસ્તાવેજો ઊભા કરવા જેવી બાબતોને આ કાયદામાં સજાપાત્ર બાબત તરીકે આવરી લેવાઈ છે.
 
આ ઉપરાંત મહિલાઓના અનૈતિક વ્યાપાર સંદર્ભના ગુનાઓ, બાળરક્ષણ અધિનિયમ હેઠળના ગુનાઓ, જુગાર પ્રતિબંધ હેઠળના ગુનાઓ, સામુદાયિક સંવાદિતાને ખલેલ પહોંચાડવી, તે માટે હિંસાનો આશ્રય લેવો, પ્રજામાં ગભરાટ ફેલાવવો કે આતંક ફેલાવવો, ખંડણીના ઇરાદાથી વ્યક્તિનું અપહરણ કરવું, નાણાં ધીરધાર અધિનિયમ હેઠળ મુદ્દલ કે વ્યાજની વસૂલાત માટે કોઈ પણ વ્યક્તિની સ્થાવર કે જંગમ મિલકત લઈ લેવા શારીરિક હિંસા કરવી કે ધમકી આપવી, ગેરકાયદેસર રીતે પશુધનની હેરફેર કરવી, શસ્ત્ર અધિનિયમનો ભંગ કરી શસ્ત્ર અને દારૂગોળાના ઉત્પાદન વેચાણ અને હેરફેરમાં સંડોવણી જેવા કિસ્સાઓમાં આ ગુંડા ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
 
આ કાયદાના ઝડપી અમલ અને નાગરિકોને સત્વરે ન્યાય આપી શકાય તે હેતુસર વિશેષ અદાલતોની સ્થાપના કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે અને એ માટે પૂરતી જોગવાઈ પણ કરી દેવાઈ છે. આ ઉપરાંત જરૂર જણાયે નિયત સિવાયના અન્ય સ્થળે પણ કોર્ટ કાર્યવાહી માટે બેઠક બોલાવી શકાય તેવી જોગવાઈ પણ કરાઈ છે અને વિશેષ અદાલતોની રચના થયેથી તે અગાઉના કોઈ પણ ન્યાયાલયમાં પડતર કેસો વિશેષ અદાલતની હકૂમતોમાં આવી જશે. જરૂર જણાયે કોઈ કેસના નિકાલ માટે એક વિશેષ અદાલતમાંથી બીજી વિશેષ અદાલતમાં તબદીલ કરવાની પણ જોગવાઈ આ કાયદામાં કરવામાં આવી છે. વધુમાં આરોપીઓ સામે વિશેષ કોર્ટ સિવાય અન્ય કોર્ટમાં કામ ચાલતું હોય તો આરોપીની ગેરહાજરીમાં પણ આવા કેસો ચલાવી શકાશે અને આવા કેસોનો નિકાલ પણ થઈ શકશે.
 
શાંત, સુરક્ષા અને સલામત ગુજરાત
 
મુખ્યમંત્રીએ નિર્દોષ ઈમાનદાર નાગરિકોને આવાં ગુંડાતત્ત્વોથી રક્ષણ આપવા એવી જોગવાઈ પણ સુનિશ્ર્ચિત કરી છે કે, ગુંડા ધારા હેઠળ ગુનામાં જે વ્યક્તિ સાક્ષી બનશે તેને પણ રાજ્ય સરકાર પૂરેપૂરું રક્ષણ આપશે અને સાક્ષીની ઓળખ, સરનામું ગુપ્ત રાખવામાં આવશે. તદ્ઉપરાંત સાક્ષીઓનાં નામ અને સરનામાનો ઉલ્લેખ કરવામાં આવશે નહીં. આ જોગવાઈના ઉલ્લંઘન બદલ જે તે વ્યક્તિને એક વર્ષ સુધીની કેદ અને ૫૦૦૦ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરાઈ છે.
આ ઉપરાંત ગુંડાતત્ત્વો દ્વારા મેળવવામાં આવેલી મિલકત ગુંડા ધારા હેઠળ કાનૂની કાર્યવાહીને પાત્ર હોય તેવા કિસ્સામાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તે ટાંચમાં લઈ શકાશે અને જરૂર જણાયે આવી મિલકતના વહીવટકર્તાની પણ તેઓ નિમણૂક કરી શકશે. મુખ્યમંત્રીએ ગુજરાતની શાંત, સલામત, સુરક્ષિત અને સમૃદ્ધ રાજ્યની આગવી ઓળખને વધુ સુદૃઢતાથી આગળ ધપાવવા આ વટહુકમની જોગવાઈઓના ચુસ્ત અમલની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
 
ઉપસંહાર
 
આશા રાખીએ કે ગુજરાત સરકારનું આ ‘સુરક્ષિત’ કદમ ગુજરાતને ગુંડાગીરીથી મુક્ત કરાવવા મહત્ત્વની ભૂમિકા ભજવશે. રાજ્યમાં ગુનાઓનું પ્રમાણ ઘટશે અને પ્રજા સુરક્ષિત બનશે. રાજ્યમાંથી ગુનાખોરી ઓછી થાય તો તેનો વિકાસ ઝડપથી થાય છે. પ્રજાભયમુક્ત બને તો રાજ્ય સોળેકળાએ ખીલી શકે છે. ગુજરાત હાલ તેજ ગતિએ આગળ ધપી રહ્યું છે ત્યારે ગુંડાગીરી ઓછી થશે અને ગુનેગારોને ગુનો કરતાં ભય લાગશે ત્યારે સમાજ સુરક્ષિત બનશે અને સુરક્ષિત અને સલામત સમાજ ગુજરાત રાજ્યને વિકાસના શીખરે પહોંચાડશે.