આજથી શરૂ થતા અધિક માસને સરળ ભાષામાં સમજો અને જાણો તેની ધર્મકથા

    ૧૮-સપ્ટેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

ashikmas_1  H x 
 
અધિક જેઠ પુરુષોત્તમ માસ પ્રારંભ નિમિત્તે અધિક જેઠ પુરુષોત્તમ માસ ધર્મકથા

અધિક માસ

 
વર્ષની કાલગણનાને સામાન્યત: બાર માસમાં વિભાજિત કરેલ છે. ચૈત્રી-પંચાંગ તથા વિક્રમ સંવતની કાલગણના ગણિતમાં ચંદ્રની પૃથ્વીની આસપાસની ગતિ તથા પૃથ્વીની સૂર્યની આસપાસની ગતિનું સંકલન-સમૂળે કરવામાં આવે છે. દર ત્રણ વર્ષે ચંદ્રની ગતિને ધ્યાનમાં લેતાં બાર માસના કાલખંડમાં એક માસનો ગાળો વધે છે. અર્થાત્ દર ત્રણ વર્ષે બાર માસને બદલે વર્ષના તેર માસ થાય છે. આ તેરમો માસ એ જ અધિક માસ કહેવાય છે.
 

અધિક માસનું ગણિત

 
સૂર્યની આસપાસ પૃથ્વી પરિભ્રમણ કરે છે ત્યારે પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર પણ પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતો કરતો સૂર્યની પ્રદક્ષિણા કરે છે. હવે વર્ષના માસની ગણતરી માટે ચંદ્રની પૃથ્વીની આસપાસની ગતિને કારણે જે સમય લાગે છે તે ચંદ્રમાસ છે વર્ષ દરમિયાન ચંદ્ર પણ સૂર્યની આસપાસ ગતિ કરતો હોય છે. તેનું ચંદ્રમાન ૩૫૪ દિવસ ૮ કલાક ૪૮ મિનિટ ૩૩ સેકન્ડ હોય છે. હવે પૃથ્વીને સૂર્યની આસપાસ એક પ્રદક્ષિણા-પરિભ્રમણ કરતાં ૩૬૫ દિવસ ૫ કલાક - ૪૮ મિનિટ - ૪૭.૫ સેકન્ડ લાગે છે. આ સમયને સૌરમાન કહેવાય છે. હવે ચંદ્રમાન તથા સૌરમાન વચ્ચે કાલગણનાને આધારે ૧૧ દિવસનું અંતર-તફાવત વધારો રહે છે. આ વધારાને ધ્યાનમાં લેતાં દર ત્રણ વષેર્ર્ જે વર્ષ આવે તે વર્ષમાં ૧૨ માસને બદલે તેર માસ થાય છે. હવે આ તેરમો માસ કયા માસની આગળ આવે તેનું પણ ચોક્કસ ગણિત હોય છે. આ વર્ષે આ અધિક માસ જેઠ માસની આગળ ૧૮ વર્ષ બાદ આવ્યો છે એટલે વિક્રમ સંવત ૨૦૭૪માં જે અધિક માસ છે તે અધિક જેઠ કહેવાય છે. અધિક માસનું જે તે વર્ષમાં નામકરણ કરવું અઘરું હતું તેથી ખગોળશાસ્ત્રીઓની સાથે આ માસમાં જ્યોતિષશાસ્ત્રીઓ તથા ઋષિમુનિઓ - મહાત્માઓ - સંતપુરુષોએ ભક્તિ, સત્સંગ, દાન, ધર્મ, કથા, કીર્તન તથા આધ્યાત્મિક સંવેદનાઓનું જોડાણ કર્યું. આ અધિક માસમાં પુરુષ - પૌ‚ષ (પાવર)ને ધારણ કરનાર જગન્નિયન્તા ભગવાન પુરુષોત્તમ (વિષ્ણુ-કૃષ્ણ)નું મહત્ત્વ તથા તેમનાં ક્ષેત્રો અંગેની ધર્મકથાઓ પુરાણો તથા શાસ્ત્રોમાં આપણને પ્રસાદી રૂપે પ્રાપ્ત થઈ છે. તેથી આ અધિક માસ પુરુષોત્તમ માસ તરીકે પ્રચલિત છે.
 
આ પુરુષોત્તમ માસમાં ધર્મકાર્યોનું તથા તીર્થોના દર્શનનું મહત્ત્વ છે. કથાશ્રવણ, દાન દક્ષિણ્મ, ગૌસેવા, વિવિધ ક્ષેત્રનાં સેવાકાર્યો, જપ-તપ, યજ્ઞને પ્રાધાન્ય આપતા આ અધિક માસમાં સામાજિક-લૌકિક પ્રસંગો - લગ્નપ્રસંગો શુકનવંતા ગણાતા નથી. આ માસમાં કમાયેલ પુણ્ય બારેમાસ પ્રતિષ્ઠા અપાવે છે તથા જીવનમાં સુખ-શાંતિ અર્પે છે.
 
આ અધિક જેઠ માસને કારણે આ વર્ષનાં પર્વો પણ થોડા દિવસ મોડા આવશે. અધિક જાણકારી માટે આ પર્વોનું કેલેન્ડર જાણીએ.
 
નવરાત્રિ ૧૦ ઑક્ટો.થી બુધ
વિજયા દશમી ૧૮ ઑક્ટો. ગુરુ
શરદ પૂનમ ૨૪ ઑક્ટોબર સોમ
ધનતેરસ ૫ નવેમ્બર સોમ
કાળીચૌદસ ૬ નવે. મંગળ
દિવાળી ૭ નવેમ્બર બુધ
 
મહર્ષિ કૃષ્ણદ્વૈપાયન વેદવ્યાસ પ્રણીત નારદ મહાપુરાણમાં અધ્યાય પરથી ૬૧માં પુરુષોત્તમ માસને સંલગ્ન વિશેષ જાણકારી મળે છે, જેમાં પુરુષોત્તમ ક્ષેત્ર, પુરુષોત્તમનું મહાત્મ્ય, પુરુષોત્તમ મહાત્મ્યમાં બ્રહ્માંડની ઉત્પત્તિ, પુરુષોત્તમ મહાત્મ્યમાં અભિષેક તથા પુરુષોત્તમ ક્ષેત્રનાં તીર્થોની યાત્રાનું ફળ વગેરે જાણવા મળે છે.
 

પુરુષોત્તમ ક્ષેત્ર -ભરતખંડની ભારતભૂમિ

 
પુરુષોત્તમ તથા પુરુષોત્તમ ક્ષેત્રનું વર્ણન બ્રહ્માએ સ્વમુખે સંભળાવ્યું છે. બ્રહ્માના મુખથી નીકળેલી આ ધર્મકથા સંક્ષિપ્તમાં જાણવા મળે છે.
 
આ પૃથ્વી પર જે ભારત ક્ષેત્ર છે, તેને ‘કર્મભૂમિ’ કહી છે. એ ભારતક્ષેત્રમાં દક્ષિણ સમુદ્રના કિનારે રહેલો જે પ્રદેશ છે તે ‘ઉત્કલ’ નામે પ્રખ્યાત થયો છે. આ ઉત્કલ પ્રદેશ સ્વર્ગ તથા મોક્ષને આપનાર છે. તે સમુદ્રથી ઉત્તર સુધીનો પ્રદેશ છે. જે ‘વિરાજમંડલ’ના નામે પણ કહેવાય છે.
 
આ પ્રદેશ દક્ષિણના સમુદ્રથી ઉત્તરના હિમાલય વચ્ચેનો રેતાળ પ્રદેશ છે. જ્યાં પુણ્યશાળી આત્માઓએ અવતરણ કર્યંુ છે. તેમના વડે સ્થાપિત તીર્થો પવિત્ર છે. આ પ્રદેશ મુક્તિને આપનાર, પાપોનો નાશ કરનાર, પવિત્ર અને ધર્મ તથા કામનાઓને આપનાર છે. તેનો વિસ્તાર દશ યોજનનો છે. આ ક્ષેત્ર પૃથ્વી પર પરમ દુર્લભ છે. જેમ ચંદ્રમા નક્ષત્રોમાં શ્રેષ્ઠ છે અને સમુદ્ર જેમ સરોવરોમાં શ્રેષ્ઠ છે, તેમ આ પુરુષોત્તમ ક્ષેત્ર પણ સર્વ તીર્થમાં શ્રેષ્ઠ છે. વળી જેમ ‘પાવક’ નામનો વસુ બધા વસુઓમાં શ્રેષ્ઠ છે અને જેમ શંકર બધાયે રુદ્રોમાં શ્રેષ્ઠ છે, તેમ પુરુષોત્તમ ક્ષેત્ર સર્વ તીર્થમાં શ્રેષ્ઠ છે. બ્રાહ્મણ બધા વર્ણોમાં, ગરુડ સર્વ પક્ષીઓમાં, કાર્તિકેય સમગ્ર સેનાપતિઓમાં, ઉત્તમ હાથીઓમાં ઇન્દ્રનો ઐરાવત, મહાર્ષિઓમાં ભૃગુ ઋષિ, પર્વતોમાં મેરુ પર્વત - હિમાલય, ઘોડાઓમાં જેમ ઉચ્ચૈ:શ્રવા નામનો ઇન્દ્રનો ઘોડો, કવિઆોમાં શુક્રાચાર્ય, મુનિઓમાં વ્યાસ, ઇન્દ્રિયોમાં મન, પંચમહાભૂતોમાં પૃથ્વી, વૃક્ષોમાં પીપળો, સર્વે અક્ષરોમાં ‘અ’ કાર, ગાયોમાં કામધેનુ, ધાતુઓમાં સોનુ, શસ્ત્રધારીઓમાં રામ, સંયમીઓમાં યમ, સમુદ્રોમાં ક્ષીરસમુદ્ર, સર્વને વશ રાખનારાઓમાં કાલ, ગ્રહોમાં સૂર્ય, બધાં કામોમાં ધર્મકાર્ય શ્રેષ્ઠ છે. તેમ બધાં જ તીર્થોમાં પુરુષોત્તમ ક્ષેત્ર-તીર્થક્ષેત્ર શ્રેષ્ઠ છે.
 
આ પુરુષોત્તમ ક્ષેત્રમાં જગદ્વ્યાપી વિશ્ર્વાત્મા દેવેશ્ર્વર શ્રી પુરુષોત્તમ ભગવાન બિરાજે છે, જે જગતનું ઉત્પત્તિસ્થાન તથા જગતના નાથ છે, જેમાં બધું જ પ્રતિષ્ઠા પામી રહ્યું છે. આ પુરુષોત્તમ ક્ષેત્રમાં બ્રહ્મા, ઇન્દ્ર, રુદ્ર અને અગ્નિ આદિદેવો નિવાસ કરે છે. ગંધર્વો, અપ્સરાઓ, સિદ્ધો, પિતૃઓ, દેવતાઈ માણસો, યક્ષો, વિધાદ્યરો, મુનિઓ, ઋષિઓ, પ્રજાપતિઓ, સુપર્ણો, ગરુડો, ક્ધિનરો, નાગો, બીજા પણ સ્વર્ગવાસીઓ નિવાસ કરે છે. અહીં ચાર વેદ, વિવિધ શાસ્ત્રો, ઇતિહાસો, પુરાણો, ઉપનિષદો વગેરેનું નિર્માણ થયું છે. અહીં પવિત્ર નદીઓ, તીર્થો, બધા જ સાગરો, પર્વતો દેવતાઈ સ્વ‚પે બિરાજમાન છે. યુગોના યુગો સુધી પુરુષોત્તમ - પરમાત્માતાએ અવતરણ કર્યંુ છે. તે આ પ્રદેશ સ્વર્ગથી પણ અધિક છે. આ પુણ્યભૂમિમાં મનુષ્યનો પ્રાદુ ર્ભાવ થયો છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું માર્ગદર્શન તથા આચરણ કરતા પ્રતાપી પુરુષો આ ભૂમિમાં પ્રગટ્યા છે. આ પુરુષોત્તમ ક્ષેત્રનાં તીર્થજળોમાં સ્નાન કરી મનુષ્ય સર્વે સંતાપોમાંથી મુક્તિ મેળવી પવિત્ર બને છે.
 
પૃથ્વીના ભૂભાગના ખૂબ જ મોટો પ્રદેશ આ પુરુષોત્તમ ક્ષેત્ર તરીકે સ્વયં પ્રતિષ્ઠિત છે. કાળક્રમે તે ભરતખંડ અને ભારત દેશ સુધી મર્યાદિત થયો છે. હાલનો ભારતદેશ પૂર્વમાં ગંગા સાગર (જગન્નાથપુરી) પશ્ર્ચિમમાં દ્વારકા, ઉત્તરમાં હિમાલય અને દક્ષિણમાં રામેશ્ર્વર સુધી આ પુરુષોત્તમ ક્ષેત્રનો ભાગ છે. જ્યાં વસનારાઓમાં ભક્તિ, સત્સંગ, દાન, ધર્મ, કથા, કીર્તન તથા આધ્યાત્મિક, સામાજિક, સાંસ્કૃતિક માનવીય સંવેદનાઓ બિરાજમાન છે. કર્મયોગની આ ભૂમિ મનુષ્યને નરમાંથી નારાયણ (પુરુષોત્તમ) બનવાની પ્રેરણા આપે છે. પુરુષોત્તમ માસમાં નિત્ય પ્રાત:કાળે પુરુષોત્તમ ક્ષેત્રની ભારત ભૂમિમાતાની વંદના ક્ષમાયાચના.
 
સમુદ્રવસને દેવી પર્વતસ્તનમંડલે
વિષ્ણુપત્નિ નમસ્તુભ્યં
પાદસ્પર્શ ક્ષમસ્વ મે ॥

નમસ્તે સદા વત્સલે માતૃભૂમે
ત્વયા હિન્દુભૂમે સુખમ્ વર્જિતોહમ્....
 
***