ભગવાન આશ્રમમાં આવ્યા અને એક સંદેશો આપી ગયા, પછી જે થયું તે સમજવા જેવું છે

    ૧૮-સપ્ટેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

pathey guru shishya_1&nbs
 
 
હિમાલયના પહાડોમાં એક ગુરુજીનો નાનકડો આશ્રમ હતો. ગુરુજી ખૂબ જ જ્ઞાની હતા અને એકદમ સરળ. જે કોઈ તેમના આશ્રમમાં આવે અને વિનંતી કરે કે મને તમારો શિષ્ય બનાવો તો તેઓ બધાનો જ કોઈ કસોટી લીધા વિના શિષ્ય તરીકે સ્વીકાર કરી લેતા. ગુરુજી પોતાના બધા શિષ્યો પર ખૂબ જ પ્રેમ અને કરુણા રાખતા, તેમની લાગણી અને તેમની વિદ્યાને લીધે શિષ્યોમાં અને ચારે બાજુનાં ગામમાં તેમનું ખૂબ જ માન હતું. ગુરુજી પોતાની સરળતાને કારણે દરેકનો શિષ્ય તરીકે સ્વીકાર કરતા, તેમાં ઘણા શિષ્યો આધ્યાત્મિક રીતે પરિપક્વ ન હતા. આવા શિષ્યોને લીધે આશ્રમમાં ગેરસમજણો સર્જાવા લાગી, ઝઘડા થવા લાગ્યા અને આશ્રમની પવિત્રતા અને શાંતિ ખરાબ થવા લાગી. ગુરુજી આવા ઝઘડાથી દુખી રહેવા લાગ્યા. એક દિવસ કોઈ નકામી બાબતે આશ્રમમાં શિષ્યો વચ્ચે ઝઘડો થયો અને વાત વધી ગઈ. ગુરુજી બહુ દુખી થઈ ગયા અને પોતાની કુટિરમાં એકાંતવાસમાં ધ્યાનમાં બેસી ગયા. ખાવા-પીવાનું બંધ કરી ઉપવાસ પર ઊતરી ગયા અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે મારી પાસે આવનાર દરેકનો શિષ્ય તરીકે હું એટલે સ્વીકાર કરું છું કે કંઈક સારું શીખવાડી હું તેમના જીવનને વધુ સારું બનાવી શકું, પરંતુ મારા શિષ્યો હજી ગુસ્સો, અભિમાન, અહમ્, ઈર્ષ્યાના ગુલામ છે અને હું તેમને સુધારી શક્યો નથી, મેં તેમનો શિષ્ય તરીકે સ્વીકાર કર્યો હોવાથી આશ્રમમાંથી કાઢી મૂકી શકતો પણ નથી. હવે તમે જ આવો અને કોઈ રસ્તો સુઝાડો.
 
ઘણા દિવસોની પ્રાર્થના બાદ ભગવાન ગુરુજી સમક્ષ પ્રગટ થયા. ગુરુજીએ પોતાની મૂંઝવણ કહી અને ઉપાય બતાવવા કહ્યું. ભગવાને કહ્યું, હું પોતે શિષ્યના રૂપે આશ્રમમાં આવીને રહીશ અને બધી ગેરસમજણ અને ઝઘડા દૂર કરી દઈશ, પરંતુ તમે પણ નહીં જાણી શકો કે હું ક્યારે કયા શિષ્યરૂપે આવીશ. આટલું કહી ભગવાન ચાલ્યા ગયા. ઘણા દિવસો બાદ ગુરુજી પોતાની કુટિરની બહાર આવ્યા. બધા શિષ્યોને ભેગા કરી તેમણે કહ્યું, ભગવાને મને કહ્યું છે કે હું કોઈ ને કોઈ શિષ્ય રૂપે આશ્રમમાં આવીશ અને બધા ઝઘડા દૂર કરી આશ્રમમાં શાંતિ સ્થાપીશ. શિષ્યોએ પોતાના વર્તન બદલ ગુરુજીની માફી માગી અને તેઓ ખુશ થયા કે સાક્ષાત્ પ્રભુ તેમની વચ્ચે આવીને રહેશે, પણ ખબર નહોતી કે પ્રભુ કયા શિષ્યના સ્વરૂપે આવશે એટલે બધા શિષ્યોનું એકબીજા પ્રત્યેનું વર્તન ખૂબ જ સારું અને સહૃદયતાવાળું થઈ ગયું, કારણ કે બધા એમ વિચારતા કે સામેવાળા શિષ્યરૂપે કદાચ ભગવાન પોતે હોય. અને આમ થોડા દિવસો પસાર થયા અને દિવસે દિવસે આશ્રમનું વાતાવરણ વધુ ને વધુ સારું અને શાંત થતું ગયું. આશ્રમમાં ભગવાનની હાજરીથી જાણે સકારાત્મકતા અને દિવ્યતા છવાઈ ગઈ. દરેક જણ સામેવાળામાં ભગવાન છે તેમ સમજી તેની દિવ્યતાને નમન કરી નમ્રતાથી વર્તન કરવા લાગ્યા.
 
બસ, જીવનમાં આ નિયમ અપનાવો અને દરેક જણમાં સમાયેલી દિવ્યતાને સ્વીકારી નમન કરી વર્તન કરો તો જીવન સુખમય બની જશે.