દોરાધાગા કરવા કરતાં ચાદર વણવી સારી છે

    ૨૨-સપ્ટેમ્બર-૨૦૨૦   
કુલ દૃશ્યો |

moraribapu_1  H
 
સૌ કોરોનાના કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે એકબીજાનો સહારો બનીએ એવી મારી કરબદ્ધ વિનંતી. સૌને સ્નેહ આપો. પરિવારના સભ્યો આપને અનુકૂળ થાય એ તમારા બસની વાત નથી, પરંતુ તમે બધાને અનુકૂળ થાવ એ તો તમારા હાથની વાત છે. નેપોલિયન બોનાપાર્ટ કહે છે કે હિંમત એ નથી કે જ્યારે તમારી પાસે આગળ જવા શક્તિ હોય પણ એ છે કે જ્યારે તમારી પાસે શક્તિ ન હોય ને તે છતાં આગળ વધો તે છે.
 
ગોસ્વામી તુલસીદાસે રામ ચરિતમાનસના આરંભમાં ગુરુવંદના કરતાં કહ્યું છે કે ‘બંદઉં ગુરુ પદ કંજ કૃપા સિન્ધુ નરરૂપ હરિ, મહામોહ તમ પૂંજ જાસુ બચન રવિ કર નિકર.’ કૃપાના સાગર ગુરુ મહારાજના ચરણકમળની વંદનાથી મોહમયી અંધકાર દૂર થાય છે. ગુરુ એટલે અંધકારમાંથી પ્રકાશ તરફ જવાની ગતિ. સાચો રાહ બતાવે તે ગુરુ. કંઠી બાંધવાને બદલે ગ્રંથિ છોડાવે તે સાચો ગુરુ. અનિલ જોશીએ કહ્યું છે તેમ દોરાધાગા કરવા કરતાં ચાદર વણવી સારી છે. કબીર સિવાય કોઈને ‘સાહેબ શબ્દ શોભતો નથી. સાર્થ જોડણીકોશ પ્રમાણે ગુરુનો એક અર્થ દીર્ઘ પણ થાય છે. જીવનની અંતિમ પળ સુધી સાથે રહે એ સદ્ગુરુ. કવિ કાગ કહે એમ આભના થાંભલા રોજ ઊભા રહે, વાયુનો વીંઝણો રોજ હાલે. ઉદય ને અસ્તના દોરડા ઉપરે, નટ બની રોજ રવિરાજ મ્હાલે. સૂર્યને ગુરુ તરીકે પ્રસ્થાપિત કરીએ તો જ આપણામાં પ્રકાશપુંજ વિસ્તરશે. હું શિક્ષક હતો અને રહીશ. કેમ કે ડોક્ટર અને શિક્ષક કદી નિવૃત્ત ન થાય. શિક્ષણથી માણસને આંખ અને પાંખ મળે છે. આંખ એટલે નવી દૃષ્ટિ અને પાંખ એટલે નવી દિશા. ગુરુનું ચરણ એ શિષ્યનું શરણ છે. ગુરુનો હાથ એ શિષ્યનો સાથ છે. ગુરુનો કંઠ એ શિષ્યનું વૈકુંઠ છે. ગુરુનું મુખ એ શિષ્યનું સુખ છે અને ગુરુની આજ્ઞા એ શિષ્ય માટે વરદાન છે. બુદ્ધિની બોર્ડર આવે ત્યાંથી ગુરુની સરહદ શરૂ થાય છે. ગુરુનું જ્ઞાન કદી મઠ-મઢી પૂરતું મર્યાદિત ન હોઈ શકે. સૌથી શ્રેષ્ઠ પદ ગુરુપદ છે.
 
અનેક વિરોધાભાસ ભરેલી આપણી જિંદગી છે. પાસે હોય ત્યારે એ વ્યક્તિનો પૂરો સંગ ન કરીએ અને દૂર જાય ત્યારે એને સતત યાદ કરીએ છીએ. મૃત્યુ બાદ વિધિવિધાનોમાં ખર્ચા સૌની શ્રદ્ધા મુજબ કરે પણ માતા-પિતા જીવતાં હોય ત્યારે એની સેવા કરો એ વધુ ઉચિત છે. ઘરમાં આપણને હોટેલ જેવી સગવડતા જોઈએ અને હોટેલમાં ઘર જેવી સગવડતા. મંદિરમાં હો ત્યારે ધંધો યાદ આવે અને ધંધા પર હો ત્યારે બીજું કે ત્રીજું યાદ આવે છે. નિષ્ઠામાં સ્થિર થવું એ મોટામાં મોટું તપ છે. નિષ્ઠા ખોવાઈ છે એવી ટચુકડી જાહેરાત આપવાનો સમય આવી ગયો છે.
 
તમારી પાસે ક્રોધ હોય તો કોઈ દુશ્મનની જરૂર નથી અને તમારી પાસે પ્રેમ છે તો કોઈ દોસ્તની જરૂર નથી. અર્થાત્ પ્રેમ તમને આપોઆપ દોસ્ત બનાવી જ આપે છે. શિષ્યમાં પણ પાત્રતા અને પ્રેમ હોવાં જોઈએ. સાધક બાધક ન હોવો જોઈએ. લોકોને રાજી કરવા કદી મસ્તીને ન ગુમાવવી. નીચું જોઈને ચાલીએ તો કહે કે કોઈ સામે જોતા પણ નથી, ઉપર જોઈને ચાલીએ તો કહે અભિમાની થઈ ગયા છે. ચારે બાજુ જોઈએ તો કહે કે આંખનું ઠેકાણું નથી. આંખ બંધ રાખો તો કહે ધ્યાનનું નાટક કરે છે. અને કંટાળીને આંખો ફોડી નાખો તો કહેશે કરેલા કરમના બદલા દેવા રે પડે છે. કુછ તો લોગ કહેંગે... ઇગ્નોરાય નમ:... સંત, હનુમંત અને ભગવંતનો ત્રિવેણી સંગમ પ્રાપ્ત થાય અને પ્રેમનો પથ સફળ થાય એવી તલગાજરડી વ્યાસપીઠની પ્રાર્થના. મરીઝના શબ્દો સાથે વિરામ લઈએ...
 
બસ એટલી સમજ મને પરવરદિગાર દે.
સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.
સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે,
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.
 
 - આલેખન - હરદ્વાર ગોસ્વામી