નવા વિશ્ર્વને કેવી રીત જોઈશું ? આ રહી ફોર્મ્યુલા - ગીતાએ પ્રબોધેલી...

    ૨૨-સપ્ટેમ્બર-૨૦૨૦   
કુલ દૃશ્યો |

gita and corona_1 &n
 
 
નવા વિશ્ર્વને કેવી રીતે જોઈશું ? હું લોકડાઉનના પહેલા દિવસથી જ સતત વિશ્ર્વ સાથે જુદી રીતે જોડાયો છું. જેને આપણા સમયના ‘વર્તમાનના ઇતિહાસકાર’ કહેવામાં આવે છે એવા નીલ ફર્ગ્યુસનને સાંભળતો હતો. કેવી હશે કોવિડોત્તર દુનિયા ? શું વાયરસે માત્ર મનુષ્યનાં ફેફસાંને જ ફંફોસ્યાં છે કે જગતમાં જે ભય, ચિંતા અને સ્થગિતતાનાં પડઘમ સંભળાયાં અને સંભળાય છે એની આવનારી ચિત્રાવલી કેવી હશે. હું મારા નગરના ઝાંપે જઈ આવું છું, સચિવાલય સામે ઊભેલા ફૂલો વિનાના બગીચામાં લટાર મારવા નીકળું છું ત્યારે સવારની કોઈ કવિતા ફરવા નીકળી હોય તેવો પવન મળે છે. વૃક્ષો ક્યારેક તો બહુ સમય પછી મળેલા સ્વજનો જેવાં છે. એની ડાળો ઉપર એકલતાના માળા જોવાની મઝા આવે છે. એક તરફ જગતને જોવાની દૃષ્ટિ બદલવી પડશે એવો વિશ્ર્વઘોષ સંભળાય છે તો બીજી તરફ માણસોએ કેવું કેવું વર્તન કર્યું એની સકારાત્મક અને નકારાત્મક કથાઓ આવી રહી છે. જગતને જોવા માટેનું ‘આદર્શ ચક્ષુકેંદ્ર’ ભગવદ્ગીતા છે. હું સત્તરમા અધ્યાયની પૃથક્કરણીય દૃષ્ટિ પામવા મથું છું. આવતીકાલનાં અને આજનાં અવલોકનોને આવી રીતે સ્વાધ્યાયસ્નાન નહીં કરાવીએ તો આપણે આપણી જ ભ્રમજાળમાં ફસાઈ જઈશું.
 
માંહી પડેલાનું ‘મહાસુખ’ તો જે પામે એ પામે.... 
 
પેલું ત્રિગુણાત્મક સત્ય લાધ્યું છે તેને હવે મારી નિરીક્ષામાં ઉમેરવું છે, સત્ત્વ, રજસ અને તમસની ત્રિવિધ કસોટીએ શ્રદ્ધાને, તપને, યજ્ઞને, આહારને અને દાનને જોવું છે. કોરાનાના કસોટીકાળમાં આ હાથ લાગેલું સત્યભીનું સમજણનું વરદાન સમજવું છે. ક્યારેક એમ થાય કે બધી પરિસ્થિતિઓના આ એક્સ-રે અને એમ.આર.આઈ. આખા સમાજની અખિલાઈને સમજવા કે સુધારવા માટે તો ઉપયોગી બની શકે, પણ વ્યક્તિના અંતરતમ લોકડાઉન અને અનલોકની તાળાખોલ ક્ષણોનો વૈભવ બની શકે. એક માણસની દૃષ્ટિ કોઈ ઘટના કે વ્યક્તિને યથાતથ જોઈ-જાણી શકે એનાથી મોટી ઈશ્ર્વરપૂજા કઈ હોઈ શકે ? ભગવદ્ગીતા કોઈ કર્મકાંડનો નહીં , પણ મર્મકાંડનો ગ્રંથ છે. આના ખોળામાં બાળક રમી શકે એવી અલકનંદા છે, પછડાતી અથડાતી ભાગિરથી પણ છે, ધીરગંભીર ગંગાના ક્ષિતિજમંત્રો છે અને સાગર આગળ ભળતી ગંગાસાગરની વિશાળતા પણ છે. આવી ભગવદ્ગીતા જ્યારે અર્જુનને જગતને જોવાની રીત શીખવાડતી હોય ત્યારે વ્યવસાયિકો જેને ‘એનાલેટિકલ એબિલિટી’ કહે છે તેનો જ આ આંતરિક અણસાર છે. જેનું ધ્યેય જગતની સત્તા અને અસ્તિત્વના અર્ક અને અર્થને પામવા માટેનું હોય તે ‘વિશાળતા’ સાથે સાત્ત્વિક શ્રદ્ધાથી ઉપાસતો હોય છે, મહત્ત્વાકાંક્ષા કે સાંસારિક સિદ્ધિઓનું લક્ષ્ય રાખી બેઠેલી વ્યક્તિ જાણે-અજાણે રજસ અને પરપીડન કે અહંકાર માટે સ્વ-કેંદ્રી શ્રદ્ધાથી જીવતા લોકો તામસી શ્રદ્ધાથી જીવતા હોય છે. માંહી પડેલાનું ‘મહાસુખ’ તો જે પામે એ પામે. સાત્ત્વિક શ્રદ્ધાથી ‘સાક્ષીત્વ’નો નિજાનંદ અલગ પ્રકારનો હોય છે.
બળ, ઓજસ વધારનારા સાત્ત્વિક આહારનો મહિમા છે.  
 
યુદ્ધભૂમિમાં સંસારના અનુભૂતિના વિશ્ર્વને સમજવા અર્જુનને આહારના ત્રણેય ગુણનાં આવરણો સમજાવે છે. બળ, ઓજસ વધારનારા સાત્ત્વિક આહારનો મહિમા છે. આ સ્નિગ્ધ પદાર્થોથી બનેલા આહારો હૃદયને પ્રસન્નતા બક્ષનારા હોય છે. તો ગીતાકાર કહે છે જે કડવું, તીખું કે ખાટું હોય તે અપ્રમાણસર માત્રાને લીધે સંતાપ વધારી શકે છે અને તેથી રાજસિક છે, જ્યારે વાસી, ગંધાતું, છાંડેલું અને યજ્ઞમાં હોમવા યોગ્ય ના હોય તેવું અન્ન તામસ પ્રકારનું હોય છે. ‘અન્ન તેવો ઓડકાર’ એ કહેવત તો આપણા ડહાપણને સાચવીને બેઠી જ હતી પણ તાજું અને ઘરનું ખાવાથી કોરાના જેવી મહામારી દરમ્યાન જાણે કે લોકોનું સ્વાસ્થ્ય સુધર્યું છે તેવો એક વિરોધાભાસ પણ સાંભળવો ગમે તેવી રીતે પ્રસર્યો છે.
 
આવા યજ્ઞોથી જે પ્રસન્નતા પ્રગટવી જોઈએ એ પ્રગટતી નથી.... 
 
યજ્ઞને આપને સમાજનું કાર્ય ગણી શકીએ. જે કશી અપેક્ષા વિના કરવામાં આવ્યું હોય અને એનો હેતુ સમાજ કે સમષ્ટિનો કલ્યાણ હોય તેવો યજ્ઞ એ સાત્ત્વિક છે જ્યારે દંભ કે સ્વાર્થથી કરવામાં આવતા યજ્ઞકાર્ય રજસ ગુણથી પ્રભાવિત હોય છે. અને જે સામૂહિક કાર્યમાં તેજોદ્વેષ કે પરપીડનના હેતુઓ હોય તેવા યજ્ઞો તામસયજ્ઞ ગણાય છે. ઘણા સાહિત્યિક પ્રસંગોમાં શબ્દોની ઓજસ્વિતા પ્રગટતી નથી એનું કારણ એનું મૂળ પોત ‘તેજોદ્વેષ’નું હોય છે. આવા યજ્ઞોથી જે પ્રસન્નતા પ્રગટવી જોઈએ એ પ્રગટતી નથી.
 
સાત્ત્વિક દાનનાં ત્રણ લક્ષણો અદ્ભુત છે 
 
દાનમાં હમેશાં સાત્ત્વિક નથી હોતું. ભગવાનની આ તાર્કિકતા સમજવા જેવી છે. ‘મારે આપવું જોઈએ’ એવા ભાવથી અને કશા ઉપકારભાવના વજન સિવાય આપવામાં આવતું દાન એ સાત્ત્વિક દાન છે. આ એક અદ્વિતીય ભારતીય મૂલ્ય છે. આપણે તો ત્યાં લોકસાહિત્યમાં તો યાચકને પૂજ્ય ગણવાનું કહ્યું છે, કારણ એને તમે ‘આપો છો’ ત્યારે જ દાનવીરનો હોદ્દો પામો છો. સાત્ત્વિક દાનનાં ત્રણ લક્ષણો અદ્ભુત છે... ‘દેશે, કાલે ચ પાત્રે ચ’.. ક્યા સ્થળે દાન આપો છો, કયા સમયે આપો છો અને કયા પાત્રને આપો છો’ આ બાબતો પણ દાનને સાત્ત્વિક રાજસિક કે તામસિક બનાવી શકે છે. આજે સમાજમાં એક વ્યાપક ફરિયાદ સાંભળવા મળે છે. ‘મેં ફલાણા ભાઈને એ દુ:ખમાં હતા ત્યારે ખૂબ જ મદદ કરેલી, પણ આજે એ અમને ભૂલી ગયા.’ જો તમે આજે દુ:ખી થતા હો તો એ ભૂલ છે અને પશ્ર્ચાદ્વર્તી અસરથી તમારા સાત્ત્વિક ભાવને અભડાવે છે. વાસ્તવમાં તમારે મદદ કરીને ભૂલી જવાનું હતું. કારણ તમે કુપાત્રને દાન કર્યું હતું એટલે એની સાત્ત્વિકતા તો તે દિવસે જ પાતળી પડી ગઈ હતી. એ તો ‘તામસિક માણસ છે’ એ તો તમને અને તમે કરેલી મદદને ભૂલી જ જવાનો હતો. એ એનો સ્વભાવ છે, હવે એના કારણે દુ:ખી થવાનું કોઈ કારણ ના હોવું જોઈએ. કદાચ દાનવીર થવું અઘરું હશે પણ યોગ્ય દાન સ્વીકારનાર થવું એનાથીયે અઘરું છે.
 
આજના સમયમાં ‘વાણી’નું તપ સૌથી અગત્યનું છે. ... 
 
બધા વાત વાતમાં લોકોને તપસ્વી કહી દેતા હોય છે. શારીરિક તપ, માનસિક તપ અને વાણીનું તપ એમ ત્રિવિધ તપ સમજવાં જોઈએ. ખાલી ઉપવાસથી જો શરીર શુદ્ધ થવાનું હોય તો એ શરીર-તપ છે, પણ એમાં સાત્ત્વિકતા ઉમેરાય તો જ એનો પ્રકાશ અંતર સુધી પામી શકાય. આ પણ સમય વાણી અને પાણીના વેડફાટનો સમય છે. મેં તો એવા નગુણા લોકો પાસે મોટા મોટા શબ્દો વપરાતા સાંભળ્યા છે. આ તપ નથી, આ ભાષાને તાપી તાપીને ઓગાળી નાંખવાની તામસિક પ્રવૃત્તિ છે. ભાષા સાથે વ્યભિચાર કરતા લોકો તમને ઠેર ઠેર જોવા મળશે. એ ‘જે બોલે છે’ એને એના ચારિત્ર્ય સાથે કશો જ સંબંધ નથી. આ સંદર્ભમાં આજના સમયમાં ‘વાણી’નું તપ સૌથી અગત્યનું છે. ઓછું બોલો પણ સત્ય બોલો. શબ્દ પણ વરસાદની જેમ આકાશમાંથી મળેલો આશીર્વાદ છે એને વેડફી દેવાનો આપણને અધિકાર નથી.
 
શ્રીકૃષ્ણ અર્જુનને જીવનનું સંગીત સંભળાવી રહ્યા છે, એટલે જીવનની સફળતા કરતાં સાર્થકતા માટે મથવાની વાત કરે છે.