૧૯૪૯માં માઓએ કહ્યું હતું કે, ‘તિબેટ ચીનની હથેળી છે અને નેફા, નેપાળ, ભૂતાન, સિક્કિમ અને લદ્દાખ તેની આંગળીઓ.’ હથેળી સાથે આંગળીઓ ભેગી થાય તો મુક્કો બને છે. હવે સમય આવી ગયો છે કે ભારતના નેતૃત્વમાં આ પાંચેય આંગળીઓ ભેગી થાય અને મુક્કો ચીન માટે પ્રહાર બને.
તિબેટને ચીને હડપ કરી લીધું છે, તેની પાસે તેના ધર્મગુરુ ચૂંટવાનો કોઈ જ અધિકાર કે ધાર્મિક આધાર નથી. તિબેટમાં ધર્મગુરુની પસંદગીનો મામલો આસ્થા, શ્રદ્ધા અને સંસ્કૃતિ સાથે જોડાયેલો છે. બૌદ્ધધર્મીઓ પુનર્જન્મમાં વિશ્ર્વાસ કરે છે અને પરંપરા મુજબ દલાઈ લામાને અવતારી પુરુષ માને છે. આગલા દલાઈ લામાના મૃત્યુ વખતે કેટલીક ધાર્મિક વિધિઓના આધારે નવા દલાઈ લામાએ ક્યાં અવતાર ધારણ કર્યો છે એની પસંદગી થાય છે, લામાના મૃત્યુ પૂર્વે જ આજથી પચ્ચીસ વર્ષ પહેલાં ચોક્કસ સંકેતો મળતાં ૧૯૯૫માં માત્ર છ વર્ષના ગેઝુન ચોએક્યી ન્યામીને દલાઈ લામા તરીકે પસંદ કરી લેવાયા હતા. તેને પંચેન લામા કહેવાય છે. રીપોર્ટ્સ મુજબ ભડકેલા ચીને માત્ર ત્રણ દિવસમાં એ છ વર્ષના બાળક અને તેના માતા-પિતાને ગાયબ કરી દીધાં, આજ સુધી તેમનો કોઈ પત્તો નથી. તેની મુક્તિ માટે તિબેટિયનો, યુનાઇટેડ નેશન્સ સહિત અનેક માનવઅધિકારવાદીઓએ ખૂબ પ્રયત્નો કર્યા. દબાણ વધતાં ચીને પંચેન લામા જીવિત હોવાનું કહ્યું પણ એને દુનિયાની સામે ના લાવ્યા. એવી શંકાય સેવાઈ રહી છે કે છ વર્ષના પંચેન લામા આજે ૩૧ વર્ષના હશે પણ ચીને તેમની શારીરિક અને માનસિક હાલત એવી કરી નાખી હશે કે ધર્મગુરુ બનવા કે બીજો કોઈ નિર્ણય કરવા પણ સક્ષમ નહીં હોય. પંચેન લામાને ગાયબ કરી ચીને પોતાના પ્રભાવવાળા બૌદ્ધ ધર્મગુરુઓ દ્વારા તેના ઇશારે નાચે તેવા ગાઈનચેન નોરબુને સત્તાવાર પંચેન લામા જાહેર કર્યા. હજારો ચીની સૈનિકો તથા અન્ય ચીની નાગરિકોને તિબેટમાં સ્થાયી કરી તિબેટિયનોની વસતી ઓછી કરવાના પ્રયત્નો ચીન નફ્ફટાઈથી કરતું રહ્યું છે. ચીન સમર્પિત પંચેન લામા ધર્મગુરુ બને તો ત્યાં કોમ્યુનિસ્ટ પાર્ટી મજબૂત બને અને મલિન ઇરાદાઓ પાર પડે તેવું ‘ધર્મ કાર્ડ’ જિનપિંગ ખેલી રહ્યા છે.
અમેરિકાએ ધર્મગુરુ દલાઈ લામાના ઉત્તરાધિકારીની પસંદગીમાં ચીનના ચંચુપાતને રોકવા એક વિશેષ કાયદો પસાર કર્યો. ફેબુઆરી - ૨૦૨૦માં બનેલા આ કાયદા પર ડોનાલ્ડ ટ્રમ્પે વિદાય લેતી વખતે હસ્તાક્ષર કરીને આખરી મહોર મારી દીધી. ‘ધી તિબેટ પોલિસી ઍન્ડ સપોર્ટ એક્ટ’ નામના નવા કાયદાથી ચીન ભડક્યુ અને અમેરિકાને ધમકી આપી કે, ‘તિબેટ અમારો આંતરિક મામલો છે, તેમાં દખલગીરી કરી તો મોંઘું પડશે.’ વળી તિબેટિયનોનેય ડરાવ્યા કે, ‘નવા દલાઈ લામાની પસંદગી ચીનની મંજૂરી વિના કરી તો ખેર નથી.’
અમેરિકાએ ધમકીને હસી કાઢી, તિબેટિયનોની પડખે રહેતાં કહ્યુ, ‘આ ચીનનો નહીં તિબેટીયનોનો આંતરિક મામલો છે. ધર્મગુરુ તરીકે કોને પસંદ કરવા એનો સંપૂર્ણ અધિકાર તિબેટી બૌદ્ધ અનુયાયીઓને જ છે. સાથે અમેરિકાએ વાણિજ્ય દૂતાવાસના તિબેટિયન રોલ તથા આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા માટે સૈમુએલ ડી બાઉનબેકને વિશેષ કામગીરી સોંપી. અમેરિકાનો સાથ મળતાં તિબેટિયનો ઉત્સાહમાં છે. તિબેટની નિર્વાસિત સરકાર તરીકે ઓળખાતી તિબેટ સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશનના વડા લોબસાંગએ અમેરિકાના આ કાયદાને ઐતિહાસિક ગણાવીને તેનું સ્વાગત કર્યું.
ચીનીઓનો તિબેટ પરનો અત્યાચાર દાયકાઓ જુનો છે. ચીનના તિબેટ પરના અનધિકૃત કબજા બાદ ૧૯૫૯માં તિબેટિયનોએ ચીની આધિપત્ય વિરુદ્ધ આંદોલન કર્યુ. ચીને આંદોલનકારીઓનું કાસળ કાઢી નાંખવા અને દલાઈ લામાની હત્યા કરવા હજારોની હથિયારધારી સેના મોકલી. આખરે દલાઈ લામાએ પોતાના અનુયાયીઓ સાથે તિબેટ છોડવું પડ્યું અને ભારતે તેમને શરણ આપી. એ વખતે દલાઈ લામાની ઉંમર માત્ર ૨૩ વર્ષની હતી. ૮૫ વર્ષની ઉંમરે પહોંચેલા દલાઈ લામા હાલ તેમના લાખ્ખો અનુયાયીઓ સાથે ધર્મશાલામાં રહે છે અને તિબેટની આઝાદી માટે શાંતિપૂર્ણ લડાઈ ચલાવી રહ્યાં છે.
ભારત-તિબેટ સાંસ્કૃતિક, ધાર્મિક અનેક રીતે જોડાયેલા છે. ચીનના કોઈ સાહિત્યમાં હિમાલયનો ઉલ્લેખ જ નથી. સાહિત્યની દૃષ્ટિએ મુલ્યાંકન કરીએ તો પણ તિબેટ ચીનનો ક્યારે ય ભાગ હતું નહીં. તેના સંબંધો સનાતન કાળથી ભારત સાથે જ હતા. એક જમાનામાં ભારત - તિબેટ વચ્ચે ખૂબ વેપારે ય ચાલતો હતો. એ વેપાર ભલે બંધ થયો પણ વ્યવહાર ચાલું છે, સ્નેહ એટલો જ છે. ભારતમાં આશ્રય લઈ રહેલાં તિબેટીયનોને વડાપ્રધાન શ્રી મોદીએ જનધન યોજના સાથે ય સાંકળી લીધા છે. પ.પૂ. દલાઈ લામા ભારતને ગુરુ કહે અને માને પણ છે. આજેય તેઓ પૂરેપૂરા માન - સન્માન સાથે ભારતમાં રહે છે. આથી ચીનને આ બાબતે ભારત માટેય ઘણો દ્વેષ છે. વર્તમાનમાંય ચીને કહ્યું કે, ‘દલાઈ લામાના ઉત્તરાધિકારીની પસંદગીમાં ભારત તરફથી કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ બંને દેશના દ્વિપક્ષીય સંબંધોને પ્રભાવિત કરી શકે છે.’ આ ધમકીથી ‘ઊલટા ચોર કોટવાલ કો દાંટે’ જેવો ઘાટ થયો છે, પરંતુ સક્ષમ ભારતે આવી કોઈ બાબતથી ડર્યા વિના પહેલાંથી જ તિબેટનું સમર્થન કર્યું છે. દલાઈ લામાને નોબેલ પ્રાઇઝ મળ્યું, તાઈવાન મુલાકાત, અરુણાચલ મુલાકાત વગ્ોરે દરેક વખતે ચીન આડું ફાટ્યું ત્યારે ભારત દલાઈ લામાની પડખે રહ્યું હતું.
તિબેટમાં ૬૦ લાખ બૌદ્ધો હતા, તેમના પર અત્યાચારો કરી ચીનાઓ ભૂમી પર કબજો જમાવી રહ્યાં છે. હાલમાં તિબેટની હાલત અત્યંત કરુણ છે. કૈલાસ પર્વત પરથી પૂર્વ અને પશ્ર્ચિમ બંને તરફ નદીનો નીકળતી હોવાથી તિબેટ એશિયાનું ‘વોટર ટાવર’ કહેવાતુ, પણ તે અત્યારે વિનાશની સ્થિતિમાં છે, અનેક નદીઓ પર બંધો બાંધી લોકોની જીવાદોરી ચીને નષ્ટ કરી છે, ચીનનો તમામ પ્રકારનો કચરો ત્યાં ઠલવાય છે, ચીને તેને ડર્મ્પિંગ જોન બનાવી દીધું છે, વારે તહેવારે બૌદ્ધ મંદીરો તોડી પાડીને સાંસ્કૃતિક ઓળખ ભુંસવાનો કારસો કરે છે. તિબેટીયનોને વેપાર, ધંધા, શિક્ષણ, પ્રાથમિક જરૂરિયાતો માટે ખૂબ સંઘર્ષ કરવો પડે છે. માનવઅધિકારોની સંપૂર્ણ અવગણના કરી હજ્જારો તિબેટવાસીઓને જેલમાં પૂૂર્યા, તેમના અહિંસક, શાંત, સ્વતંત્રતાના પ્રયોગોને કચડ્યા. ચીનના વિરોધમાં તિબેટિયનોએ આત્મત્યાગ કર્યા બલિદાનો ય આપ્યા છે પણ ચીનનો અત્યાચાર વધતો જ જાય છે.
આ લડાઈ ધર્મ અને અધર્મ વચ્ચેની છે. જેનો કોઈ ધર્મ નથી, જેને કોઈ આસ્થા નથી, નીતિ, મૂલ્યો, સિદ્ધાંતો કે સંસ્કૃતિનું સન્માન પણ નથી એ ચીન કોઈના ધાર્મિક વડા કેવી રીતે પસંદ કરી શકે? તિબેટની ધાર્મિક બાબતમાં ચીનનો આ ચંચુપાત અધર્મ ન કહેવાય તો બીજું શું કહેવાય ? આ અધાર્મિક કૃત્ય સામે ભારત, અમેરિકા જેવા શક્તિશાળી દેશોનો સાથ મળતાં તિબેટિયનોની હિંમત, આશા અને આકાંક્ષાઓ વધ્યાં છે. તેમની ધાર્મિક સ્વતંત્રતા, માનવ અધિકારો, પર્યાવરણ અધિકારો અને નિર્વાસનના સંરક્ષણ માટે બંને દેશો કટિબદ્ધ છે. ચીનની આડોડાઈનો જવાબ એને એની જ ભાષામાં આપવા સંકલ્પબદ્ધ પણ છે. ૧૯૪૯માં માઓએ કહ્યું હતું કે, ‘તિબેટ ચીનની હથેળી છે અને નેફા, નેપાળ, ભૂતાન, સિક્કિમ અને લદ્દાખ તેની આંગળીઓ.’ હથેળી સાથે આંગળીઓ ભેગી થાય તો મુક્કો બને છે. હવે સમય આવી ગયો છે કે ભારતના નેતૃત્વમાં આ પાંચેય આંગળીઓ ભેગી થાય અને મુક્કો ચીન માટે પ્રહાર બને.