કારણ કે, કુદરતના નિયમોનું પાલન કરનારા સામે દેવતા પણ શીશ ઝુકાવે છે.

    ૧૧-જાન્યુઆરી-૨૦૨૧
કુલ દૃશ્યો |

ram_1  H x W: 0 
 
ભગવાન શ્રી રામના વનવાસ દરમિયાનનો એક સુંદર પ્રસંગ છે.
 
શરભંગ નામના ૠષિના માનવદેહનો અંત નજીક હતો. તેમના તપોબળથી પ્રભાવિત થઈ ભગવાન ઇંદ્ર સાક્ષાત્ તેમને સદેહે સ્વર્ગમાં લઈ જવા માટે તેમના આશ્રમે જાય છે. આમ છતાં શરભંગ ૠષિ તેમની સાથે જવાની આદરપૂર્વક ના પાડી દે છે.
તેઓ કહે છે, ભગવાન ! માનવદેહ તો પંચતત્ત્વનું મિશ્રણ છે ! ત્યારે જો હું મારા અંતસમયે સદેહે પૃથ્વીલોક છોડીશ તો એ કુદરતના નિયમોની વિરુદ્ધ હશે. હું આત્મસ્વરૂપ બનીને જ આ પૃથ્વી પરથી વિદાય લઈશ.
 
તેમની આ વાત સાંભળી ઇન્દ્ર પાછા સ્વર્ગલોક ચાલ્યા ગયા. યોગાનુયોગ જ્યારે શરભંગ ૠષિ અને ભગવાન ઇન્દ્ર વચ્ચે આ સંવાદ ચાલતો હતો ત્યારે જ શ્રી રામ માતા સીતા અને લક્ષ્મણ સાથે આશ્રમમાં પ્રવેશી રહ્યા હતા. તેઓએ દૂરથી જ તે બંનેની વાતચીત સાંભળી લીધી હતી.
 
શ્રી રામ શરભંગ ઋષિને મળે છે. તેઓ તેમને ભાવપૂર્વક આવકારતાં કહે છે, ભગવાન ! તમે તો માનવસ્વરૂપમાં ઈશ્ર્વરીય અવતાર છો. મારો આ આત્મા માત્ર તમારાં દર્શન માટે જ આ શરીરમાં છે.
 
શ્રી રામે શરભંગ ૠષિને વંદન કરતાં કહ્યું, ઋષિવર, આપથી અન્ય કોઈ શ્રેષ્ઠ કેવી રીતે હોઈ શકે? આપ તો અમરત્વ અને સદેહે સ્વર્ગે જવાનો અવસર છોડી કુદરતના નિયમો પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી રહ્યા છો. જો કોઈ સામાન્ય માનવ પણ તમારા આ ગુણોને પ્રાપ્ત કરી લે તો તે સામાન્ય હોવા છતાં પણ દેવતાઓ માટે પૂજનીય અને આદરણીય બની જશે, કારણ કે, કુદરતના નિયમોનું પાલન કરનારા સામે દેવતા પણ શીશ ઝુકાવે છે.