લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે નો મરે | વાંચો આ કહેવત પાછળની કથા...

    ૧૨-જાન્યુઆરી-૨૦૨૧
કુલ દૃશ્યો |
 
kahevat katha_1 &nbs
 

લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે નો મરે

 
આ સાંભળતાં જ અરજણ પટેલ કાળાધબ્બ થઈ ગયા. મહારાજને ભજનિયાં સંભળાવતા ઘેર ગયા. ગામલોકો કહેવા લાગ્યા : ‘લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે નો મરે.’ 
 
 
અમારા ભાલ પ્રદેશમાં કોઠ-ગાંગડ ગામ ઢૂંકડું અરણેજ નામનું નાનકું એવું ગામ આવેલું છે. ગામમાં ગરતાં જ અરજણ પટેલની ડેલી દેખાય. ડેલીની કોરેમોરે દુશ્મનની છાતી ફાટે એવો વંડો વાળ્યો છે. પાદરમાં પટેલની બે સાંતીની લાલ લીટીની ભોં છે. ઘર્યે જોટડિયે ભેંસુ દૂઝે છે. જોગમાયાના અવતાર જેવી કેસર પટલાણી ઘરનો વભો સંભાળે છે. ભાત-શિરામણ કરે છે ને છોકરાંછૈયાને સાચવે છે.
 
અરજણ પટેલને આંગણે અઢારેય સુખ મુકામ માંડીને બેસી ગયાં છે, પણ ખાટલે મોટી ખોટ્ય છે. પટેલનો જીવ ભારે કંજૂસ. જિંદગીમાં કોઈનેય કશું દેવા માટે તો ભડના દીકરાએ હાથ લાંબો કર્યો જ નથી. આંગણે બ્રાહ્મણ માગવા આવે ને ‘પુણ્ય પરબડી સાતમ ને સોમવાર’ કહીને ખરા મધ્યાહ્ને પોણો કલાક લંબધારના ખાંભાની જેમ ઊભો રહે તોય ચપટી લોટ પામે નહીં. ગામમાં ભાંડ, ભવાયા, વાદી, મદારી કે તૂરી બારોટ આવે તોય પટેલના ફળિયે કશું પામે નહીં. દિવાળી કે બેસતા વરસના દા’ડે વહવીયાનો ખરડો નોંધાય એમાંય આ ભાયડાનું નામ કોઈ દિ’નો નીકળે. મંદિરનો ફાળો થાય કે બાવાની દીકરી માટે ક્ધયાદાનનું ઉઘરાણું થાય એમાં અરજણ પટેલ ક્યાંય આગળ્ય નો હોય. કેશર પટલાણી કંઈક શ્રદ્ધાળુ ખરાં પણ પટેલની ભૅ ભાર્યે. એ બાપડી ઉઘાડેછોગ તો કોઈને કંઈ આપી શકે નહીં.
 
એવામાં શ્રાવણ મઈનો આવ્યો છે. ગામમાં મનુ મહારાજ કથા વાંચવા આવ્યા છે. ગામેળું રોજ ચૉરે કથા સાંભળવા જાય છે. કેશર પટલાણીનેય કથા સાંભળવાનો ભાવ થયો ને એક દિવસ દીવુડોશી સંઘાત કથામાં ઊપડ્યાં. મહારાજે કથામાં એક સરસ વાત કરી કે ‘આ જન્મે જે બ્રાહ્મણને દાન દ્યે છે ઈ દાન, મૃત્યુ પછી માનવીને માટે ભાથારૂપ બની જાય છે. જે માનવી જીવનમાં દાન જેવી વસ્તુને સમજતો નથી ને ધનના ઢગલા ભેગા કરે છે ઈ તો વાપરવા પામતો જ નથી. મૃત્યુ પછી સાથે લઈ જઈ શકતો નથી. એની વાસના ધનમાં રહી જાય છે ને પછી ધનના ઢગલા ઉપર ઘોઘા બાપજી (નાગ) બનીને બેસે છે. પોતે ઈ ધન વાપરી શકતો નથી ને કોઈને વાપરવા ય દેતો નથી. માટે ભગવાને આપણને મનુષ્યનો અવતાર આપ્યો છે તો સત્ કરમ કરવું ને દાનધરમ કરવું.’
 
મનુ મહારાજની વાત સૌના અંતરમાં સોપટ ઊતરી ગઈ. તે દિ’ સૌએ મનુ મહારાજને રોકડ રકમ ને સીધાં લખાવ્યાં. કેસર પટલાણીએ સૌની વાદે વાદે સીધું (રસોઈની કાચી સામગ્રી) નોંધાવ્યું. એણે તો રાતે ઘેર આવેલા અરજણ પટેલને વાત કરી કે ‘આજ હું કથા સાંભળી આવી. મનુ મહારાજ કથા બહુ સારી વાંચે છે.’
 
‘મહારાજને બીજો ધંધોય શું ! ઈ કહેતા જ રહેવાનું ને !’
 
‘પણ હાંભળો તો ખરા, હું એક સીધું દેવાની જીભ કસરીને આવી છું.’
 
‘ચ્યમ પૈસા બહુ કૂદે છે ? ભામટાને દીધે શું દી’ વળે ? કાળદુકાળનું અનાજ કેટલું મોંઘુ થઈ ગ્યું છે. તારે સાંતી હાંકવા થોડું જ જાવું પડે છે ? મઉ થૈને હું મરી જાઉં છું ને તું બામણોને સીધાં દઈને ધરમકરમ કરવા મંડાણી છું ?
 
પટલાણી તો બાપડી કાપો તોય લોહી નો નીકળે એવી છીંયાવીંયા થઈ ગઈ. પતિ આગળ કાંઈ બોલી શકી નહીં. સીધું સીધાને ઠેકાણે રિયું ને બ્રાહ્મણને બે-ચાર ગાળો ઝાપટી લીધી. એમાં કુદરતને કરવું ને બીજા દિ’એ પટલાણી માંદા પડ્યાં. તરિયો તાવ આવવા મંડાણો. ઘણા ઓહડિયાં કર્યાં પણ તાવ જાવાનું નામ લેતો નથી. પટેલની મતિ મૂંઝાણી. હવે કરવું શું ? ત્યારે કોઈકે કીધું કે પટલાણીએ બ્રાહ્મણને સીધું દેવા જીભ કચરી છે ઈ દઈ દ્યો તો મનનો વહેમ ટળે. બીકના માર્યા પટેલ તો ઊપડ્યા જટા ગોર પાસે. જઈને પૂછ્યું :
‘ગોરબાપા ! સીધામાં શું શું સામગ્રી જોવી ?’
 
‘શેર ઘઉંની લોટ, પાશેર ઘી, પાશેર ગોળ. પાશેર ચોખા અને પાશેર દાળ.’
 
અરજણ પટેલે આંગળાના વેઢે હિસાબ ગણ્યો કે બાર આનાનું સીધું થયું. નાડ્યું તૂટે પણ બાર આનાનું સીધું શી રીતે છૂટે? પણ પટલાણીનો તાવ, તરિયો ને મનનો વહેમ કાઢવા માટે સીધું દેવું જ‚રી હતું. એમણે બાપડાએ જન્મ ધરીને કોઈ દિ’ બ્રાહ્મણને સીધું દીધેલું નઈ એટલે બ્રાહ્મણ વધુ સીધું પડાવી ન જાય માટે અરજણ પટેલ જટા ગોર પાસે બે પગ લઈને આવેલા. પછી તો ગોરબાપાને રામરામ કરીને પટેલ પોગ્યા પાધરા વાડીએ.
 
વાડીએથી ઘેર પાછા વળતાં ગામ વચાળે વનુ મહારાજ મળ્યા. પટેલે સીધાની વાત પાકી કરવા વનુ મહારાજને પૂછ્યું :
 
‘વનુ ભૈ ! સીધામાં શું દેવું જોઈ ?’ વનુ મહારાજ બગભગત હતા. એમણે પાધરો જ ઉત્તર આલ્યો :
 
‘અરજણભૈ ! તમારે સીધું દેવાનું હોય તો બાજરાનો શેર લોટ, પાશેર ગોળ ને પાવળું ઘી ય હાલે. બ્રાહ્મણને પોગી જાય. ભાવનાની વાત છે ને ભાઈ !’
 
અરજણ પટેલને આજ જટાગોર કરતાં વનુ મહારાજ વધુ વહાલા લાગ્યા. એ કહે :
 
‘વનુ ભૈ ! કાલ્ય સવારના મારે ઘેર આવીને સીધું લઈ જાજો. હું પટલાણીને ઘેર કે’તો જાઉં છું.’
 
સવારના વાડીએ જવા વિદાય થતી વખતે અરજણ પટેલે પટલાણીના ખાટલા કને જઈને કીધું :
 
‘આજ વનુ મહારાજ આવે તો ઈ કે’ ઈ સીધું દઈ દેજો. આપણા મનનો વે’મ ટળી જાય.’
 
આનીપા અરજણ પટેલ વાડીએ પોગ્યા ને આની પા વનુ મહારાજ પટેલની ડેલીએ પોગ્યા. ડેલીની બારી ઉઘાડી ‘પટલાણી ! જેસી કરશન’ કરતાકને ઓશરીની ધારે આવીને ઊભા રહ્યા. પટલાણી કહે :
 
‘તમારા ભૈએ સીધામાં શું દેવાનું કહ્યું છે ?’ વનુ મહારાજ કહે ‘અરજણભાઈએ કાલ મને કીધું છે કે બ્રાહ્મણને મેં બાપગોતરમાં કદી દાન દીધું નથી. આજ મને મૉજ આવી છે. મારે તમને સીધું દેવાનું છે. કાલ્ય સવારે આવીને એક મણ ઘઉં, એક મણ ઘી, એક મણ ગોળ, એક મણ ચોખા ને એક મણ દાળ લઈ જાજો. શ્રાવણ મઈનો છે ને બાર મઈનાનું સીધું બ્રાહ્મણને દેવાય તો અંતકાળે આપણને લેવા સ્વર્ગમાંથી વિમાન આવે.’
 
ભલી ભોળી પટલાણીએ વાત ઉપર વિશ્ર્વાસ રાખીને વનુ મહારાજને કીધું એટલું સીધું જોખી આપ્યું. મહારાજ તો ઊપડતા પગે એક એક પોટલું માથે મૂકીને ઘેર પોગાડી આવ્યા, પણ વનુ મહારાજને થયું કે આજ સાંજ સુધીમાં કાંક નવાજૂની થયા વિના રહેશે નહીં. બાર મઈનાનું અનાજ પડાવી લાવ્યો છું. એટલે આજ અરજણ પટેલ મારા સાલપાંખડાં નોખાં કરી નાખશે ઈ વાત નક્કી.
 
આમ મૂંઝાયેલા મહારાજ, બ્રાહ્મણીને ભણાવીને પોતાના શરીર પર ગોળનું પાણી ચોપડીને તૂટલમૂટલ ખાટલીમાં જઈને સૂઈ ગયા. સાંજ પડી. સૂરજ મહારાજને મેર બેસવાનું ને અરજણ પટેલને ઘેર આવવાનું ટાણું થયું. ઘેર આવતાં પટલાણીએ તાવ ઊતરી ગયાની ને મહારાજને સીધું દીધાની સઘળી વાત કરી. આ સાંભળતાં જ અરજણ પટેલના માથા ફરતો ક્રોધ આવીને બે આંટા દઈ ગયો. એ તો હાથમાં ડંડીકો લઈને બજાર વચાળે બૂમો પાડતા પાડતા નીકળ્યા : ‘ક્યાં ગયો મહારાજ, તારી જાતનો ! તુંબડી તોડી નાખું. તારો ભોલ ફોડી નાખું. ગામમાં તને બીજો કોઈ નો મળ્યો તે મારું જ વતું (હજામત) કરી નાખ્યું ! આજ તને ધોળા દી’એ તારા દેખાડી નો દઉં તો મારું નામ અરજણ પટેલ નંઈ.’
 
આમ સ્વસ્તિવચનોનો વરસાદ વરસાવતા વરસાવતા દુર્વાસા મુનિ જેવા અરજણ પટેલ વનુ મહારાજના આંગણે આવ્યા. આવતાંવેંત જ ક્રોધથી રાતાપીળા થઈને રાડ્ય નાખી :
 
‘ક્યાં મૂવા છે મહારાજ !’ ત્યારે વનુ મહારાજનાં વહુ ઓરડામાંથી બા’રાં નીકળ્યાં ને છીંયાવીંયા થતાં કહેવા લાગ્યાં :
‘અરજણ ભાભાજી ! તમારું સીધું તો તમારા ભૈને બઉ ભાર્યે પડ્યું છે. ઈ ખાધું ત્યારનું શેયણું થઈ ગયું છે. બપોર કેડ્યના તો બોલતાય નથી.’
 
અરજણ પટેલ ખાતરી કરવા ઓરડાની અંદર ગયા. જઈને જોયું તો વનુ મહારાજ ખાટલામાં સૂતા છે. આંખ્યુના ડોળા ઊંચા ચડી ગયા છે. ડોક લબડી પડી છે. ગોળનું પાણી ચોપડેલું તે અંગ માથે માખિયું બમણે છે. બ્રાહ્મણની હાલત જોતાં જ પટેલનો ગુસ્સો ઓસરી ગયો, પણ બ્રાહ્મણી કે’વા લાગી : ‘મારા ધણીને જો આમાંથી કંઈ થઈ ગયું છેને તો પછી હું દરબારમાં રાવે જઈશ !’
 
અરજણ પટેલ દેખાવે આખલા જેવા અડીખમ હતા પણ સાથોસાથ લોભી, બીકણ ને વહેમીલાય હતા, એટલે સીધું પાછું લેવાની વાત પડતી મૂકીને પાધરા ઘર ભેગા થઈ ગયા. રાત-બધી એમને નીંદર નો આવી. દરબાર ગુસ્સે થશે તો ગામમાંથી ઉચાળા બાંધવા પડશે. મારા માથે બ્રહ્મહત્યાની કાળી ટીલી બેહશે ઈ જુદી.
 
સવાર પડી ત્યાં તો સંકેત પ્રમાણે મહારાજના આંગણે પાંચ-પચ્ચીસ બ્રાહ્મણો ભેગા થયા. બૈરાંઓ રોકકળ કરવા મંડાણાં. કલાકેક થયો ત્યાં ડાઘુઓ નનામી લઈને અરજણ પટેલના ઘર આગળથી ‘રામ બોલો રામ’ કરતા નીકળ્યા.
 
મહારાજ દેવ થઈ ગયા એવી વાત સાંભળતાં જ પટેલના હોશકોશ ઊડી ગયા. એમને થયું કે નક્કી આજ દરબાર મને ઘાણીએ ઘાલીને તેલ કાઢશે. નાતીલાઓ મહારાજને ઘેર આવ્યા એટલે અરજણ પટેલ ત્યાં જઈને વિનવવા લાગ્યા :
‘ભૂદેવો ! વનુ મહારાજને મારું સીધું ખાવાથી કંઈ થયું નથી. માંદા હતા એટલે દેવલોક પામ્યા છે. દરબાર પૂછે તો એમ કહેજો. હું ગરીબ કણબી નાહકનો માર્યો જઈશ. હું તમને સૌને સમજીશ પણ મને આમાંથી કોઈ વાતે ઉગારો.’ છેવટે ‘હા’ ‘ના’ કરતાં અરજણ પટેલે મહારાજનો દા’ડો કરવા અને ભૂદેવોની આખી નાત જમાડવા પાનસે રૂપિયા આપીને પોતાનો જાન છોડાવ્યો. ૧૨મા દિવસે મહારાજનો દા’ડો કર્યો. બ્રાહ્મણોએ ભેગા થઈને લાડવા ટટકાર્યા. તેરમા દિવસે વનુ મહારાજ છતા (જાહેર) થયા.
 
ગામમાં ચણભણ શરૂ થઈ. અરજણ પટેલ વનુ મહારાજના ખોરડે આવ્યા. આખ્યું ચોળીને જોયું તો મહારાજને ફળિયામાં ખાટલો નાખીને બેઠેલા જોયા. અરજણ પટેલ ઉકળાટ ઠાલવતાં બોલ્યા :
 
‘વનુ મહારાજ ! તમે તો દેવલોક પામ્યા હતા ને ? મારી કનેકથી પાનસે રૂપિયા પડાવીને તમારી નાતે દા’ડો પાણીય કરી નાખ્યો. તમે પૃથ્વી માથે પરગટ ક્યાંથી થયા ?’
 
‘અરજણ ભૈ, તમારું સીધું ખાધું એવું જ મોત મને ગોતતું ગોતતું આવ્યું. હું સ્વર્ગલોકમાં ગયો. મારા પેટમાં તમારું આવેલું સીધું પડ્યું હતું એટલે પરભુએ ય મને ત્યાં નો સંઘર્યો. પરબાર્યો પૃથ્વી પર મોકલી આલ્યો. તમારું સીધું બાપા બઉ ભાર્યે પડ્યું.’
 
આ સાંભળતાં જ અરજણ પટેલ કાળાધબ્બ થઈ ગયા. મહારાજને ભજનિયાં સંભળાવતા ઘેર ગયા. ગામલોકો કહેવા લાગ્યા : ‘લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે નો મરે.’