આરાસુરના મા અંબાજી, મંદિરનું મહત્વ અને જોડાયેલી દંતકથા…. Ambaji temple

    ૨૮-જાન્યુઆરી-૨૦૨૧
કુલ દૃશ્યો |

ambaji_1  H x W

 

આજે પોષી પૂનમ એટલે કે ભગવતી અંબાજીનો પ્રાગટ્ય દિવસ. ઉત્તર ગુજરાતના સીમાડે અરવલ્લી પર્વતના આરાસુરી શિખરે મા અંબાના બેસણા છે. આવો તેમના પ્રાગટ્ય દિવસે આરાસુરના અંબાજીની વાત જાણીએ…( Ambaji temple history in gujarati )

અંબાજી શક્તિપીઠનો ઇતિહાસ ( Ambaji temple history in gujarati )

ગુજરાતમાં આરાસુરમાં અંબાજીની માન્યતા ઘણી છે. અંબાજી ( Ambaji temple ) નું સ્થાન આરાસુરના ડુંગરમાં અરવલ્લી પર્વતના ઘાટથી નૈઋત્ય કોણમાં છે. આબુ રોડ સ્ટેશનથી લગભગ બાર ગાઉ પર આરાસુર નામનું ગામ છે અને આ ગામમાં અંબાજીનું મંદિર છે. આરાસુર ગામમાં મુખ્ય મંદિર, એની આસપાસ ધર્મશાળાઓ, દુકાનો અને મોટે ભાગે જંગલી પહાડી લોકો જેને ભાઉડા કહે છે, તેઓનાં ઝૂંપડાં દેખાય છે. યાત્રાળુનું કામકાજ પણ આ ભાઉડા જ કરે છે. અંબાજીના મંદિરમાં શ્રદ્ધા લોકોમાં વિશેષ જોવા મળે છે. મૂળ આ મંદિર વર્ષો પહેલાં બેઠા ઘાટનું નાનું હતું પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સુધારા સાથે અત્યારે આ મંદિર તેની સર્વોચ્ચ ઊંચાઈને સર કરે તેવું અને ભવ્યાતિભવ્ય મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા બનાવવામાં આવ્યું છે. અત્યારે તો મંદિરની ઉપરનો કળશ અને શિખર સંપૂર્ણ સોનામાંથી બનાવવામાં આવ્યા છે. મંદિરની આગળ મોટો મંડપ છે અને ગર્ભગૃહમાં માતાજીનો ગોખ છે. ખાસ વાત યાદ રાખવા જેવી એ છે કે આટલી મોટી સંખ્યામાં અહીં યાત્રાળુઓ આવે છે, પરંતુ તેમને કદાચ એ વાતની ખબર હશે કે, માતાજીના અસલ સ્થાનકમાં માતાની મૂર્તિ નથી પણ ગોખમાં એવી રીતે વસ્ત્ર અલંકારો તથા આભૂષણો ગોઠવવામાં આવે છે કે જેથી કરીને દર્શન કરનારને સવાર, બપોર ને સાંજે જાણે કે વાઘ ઉપર માતાજી બેઠાં હોય એવા જુદી જુદી જાતનાં દર્શન થાય છે અને વર્ષોથી તેની પાસે ઘીના બે અખંડ દીવા બળે છે.

માતાજીનાં દર્શન

માતાજીનાં દર્શન સવારે અંદરનું બારણું ઊઘડતાં થાય છે. બેઉ વખતે આરતી વખતે પણ દર્શન થાય છે. મંદિરમાં અંદરના ખંડને જાળીવાળાં ‚પાનાં પતરાં મઢેલાં બારણાં છે, તો પણ બહાર રહી આખો દિવસ દર્શન થઈ શકે છે. મંદિરના આગલા ભાગ ઉપર ધાબું છે અને તેના ઉપર ત્રણ શિખર છે.
અંબાજીના મંદિરની સામી બાજુએ ચાચરનો ચોક છે. માતાજીને ચાચરના ચોકવાળી પણ કહેવામાં આવે છે. આ ચાચરના ચોકમાં હોમહવન કરવામાં આવે છે. યાત્રાળુઓ હવન વખતે પુષ્કળ ઘી હોમે છે.

અંબાજીની બે વિશેષતા

અંબાજીની બે વિશેષતા ખાસ ધ્યાન ખેંચે તેવી છે. એક તો અંબાજીના કોઈ પણ કામમાં તેલ વાપરવાનો રિવાજ નથી. બાળવામાં તો ઘી જ જોઈએ. તેલ ખવાય તો નહિ જ. તેમજ માથામાંયે ન નખાય, પરંતુ ઘી નાખી શકાય. બીજું એ કે આ માતાજીના સ્થાનમાં સ્ત્રીની પવિત્રતા ખાસ જાળવવી જોઈએ. કોઈ પણ પુરુષથી કોઈ પણ સ્ત્રીની મશ્કરી ના કરી શકાય. વ્યભિચાર તો દૂર રહ્યો, પરંતુ જેટલા દિવસ આ ગામની હદમાં રહો તેટલા દિવસ કોઈથી સંગ ન થાય. સ્ત્રીસંગ કરનાર ઉપર માતાજી ગુસ્સે થાય છે. અને એને મોટું નુકસાન થાય છે એવી માન્યતા પ્રચલિત છે. આ શ્રદ્ધાને પરિણામે જ યાત્રાળુઓ આ સ્થાનમાં પવિત્રતાથી રહે છે.
અંબાજીમાં વર્ષે બેથી ત્રણ મેળાઓ ભરાય છે અને મેળા વખતે ભવાઈ ભજવવામાં આવે છે. અંબાજીની માન્યતા નાગર સંસ્કારી કોમમાં ઘણી હોવાથી આ ભવાઈનો રિવાજ હજીયે ચાલુ છે.

આરાસુરનું અંબાજીનું મંદિર દંતકથામાં…

આરાસુરનું અંબાજીનું મંદિર દંતકથામાં શ્રીકૃષ્ણથીયે જૂના કાળનું મનાય છે. શ્રીકૃષ્ણ પોતાના બાળમોવાળા (બાબરી) આ ઠેકાણે ઉતરાવવા આવ્યા હતા તેવું મનાય છે. અને રુક્મિણીએ માતાજીની પૂજા કરી હતી તેવું મનાય છે. જો આ દંતકથાઓને છોડીને ઐતિહાસિક પુરાવાઓ તપાસીએ તો મંદિરમાં મહારાણા શ્રી માલદેવનો વિ. સ. ૧૪૧૫ (ઈ.સ. ૧૩૫૯)નો લેખ મળે છે. અંબાજીના મંદિરના અંદરના મંડપના દ્વારમાં એક સં. ૧૬૦૧નો લેખ છે, તેમાં રાવ ભારમલ્લીની રાણીએ માતાને કેટલીક વસ્તુઓ અર્પણ કર્યાના લેખો છે, તે ૧૬મા શતકના છે. એક બીજા સં. ૧૭૭૯ના લેખમાં એક ધર્મશાળા બંધાયાની વિગત છે. મતલબ કે. ઈ.સ. ૧૪મા શતકથી તો આરાસુરનાં અંબાજીની માન્યતા સતત ચાલી આવે છે. પણ તે પહેલાંનાં બસો-ત્રણસો વર્ષથી આ સ્થાનનો મહિમા ચાલુ હોવાનો સંભવ છે, કારણ કે અંબાજીની નજીકમાં કુંભારીઆ કરીને એક ગામ છે. આ ગામમાં વિમળ શાહના ધોળા આરસ-પહાણનાં જૈન દેરાસરો છે. આ દેરાસરો વિષે એવી દંતકથાઓ છે કે અંબાજીએ આપેલા ધનથી આ જગ્યાએ વિમળ શાહે ૩૬૦ દેરાસરો બંધાવ્યાં હતાં.

પૌરાણિક માન્યતા મુજબ…

પૌરાણિક માન્યતા મુજબ દેવી ભગવતીની કથા અનુસાર મહિષાસુરે તપ કરી અગ્નિદેવને પ્રસન્ન કર્યા, એમણે વરદાન આપ્યું કે નરજાતિના નામવાળાં શસ્ત્રોથી તેને મારી શકાશે નહીં. આ વરદાનથી તેણે દેવોને હરાવી દીધા અને ઇન્દ્રાસન જીત્યું તથા ઋષિઓના આશ્રમોનો નાશ કર્યો. પછી વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનું નક્કી કર્યું. આથી દેવોએ ભગવાન શિવની મદદ માંગી. ભગવાન શિવે મદદ માટે દેવી શક્તિની આરાધના કરવા દેવોને જણાવ્યું. દેવોએ તેમ કરતાં આદ્યશક્તિ પ્રગટ થયાં અને તેમણે મહિષાસુરનો નાશ કર્યો. તેથી દેવી મહિષાસુર-મર્દિની તરીકે ઓળખાયાં.

સીતાજીની શોધમાં….

બીજી એક કથા મુજબ સીતાજીની શોધ કરતાં રામ અને લક્ષ્મણ આબુ પર્વતના જંગલની દક્ષિણે આવેલા શ્રૃંગી ઋષિના આશ્રમે આવ્યા. ઋષિએ તેમને અંબાજીની આરાધના કરવા કહ્યું, રામ અને લક્ષ્મણે આરાધના કરી, દેવોએ પ્રસન્ન થઈ અજય નામનું એક બાણ આપ્યું, જેનાથી રામે રાવણનો નાશ કર્યો.
દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણની બાબરી ઉતારવાની વિધિ માટે નંદ અને યશોદા ગબ્બર આવ્યાં હોવાનું અને ત્રણ દિવસ રોકાઈને ભગવાન શિવ તથા અંબાજીની પૂજા-અર્ચના કરી હોવાનું એક કથામાં વર્ણન છે.