અંગ્રેજોએ ભારતની વિકસિત શિક્ષણપદ્ધતિને ધ્વસ્ત કરી | ભાગ - ૧

12 Oct 2021 12:57:48

indian education before b
 
 
 
આપણા દેશમાં શિક્ષણવ્યવસ્થા તથા પાઠશાળાઓ અંગ્રેજોએ જ શરૂ કરી એમ કહેવામાં આવે છે, અંગ્રેજોના આવતા પહેલાં શિક્ષણને મામલે દેશમાં અંધારું જ હતું એમ પણ કહેવામાં આવે છે પણ વાસ્તવિક પરિસ્થિતિ શું હતી ?
 
અંગ્રેજો અને મુસ્લિમ આક્રમકોના આવતા પહેલાં ભારતમાં જે શિક્ષણપદ્ધતિ હતી તેનો મુકાબલો કરી શકે તેવું વિશ્ર્વભરમાં કોઈ નહોતું. અત્યંત વ્યવસ્થિત પદ્ધતિથી રચાયેલી આ ભારતીય શિક્ષણવ્યવસ્થા બધાં જ આવશ્યક ક્ષેત્રોમાં જ્ઞાન અને પ્રશિક્ષણ પ્રદાન કરતી હતી.
 

વિશ્ર્વનું પહેલું વિશ્ર્વવિદ્યાલય (યુનિવર્સિટી) | First university of world Takshashila

 
તક્ષશિલા ( Takshashila ), ભારતમાં સ્થપાયું. તે દિવસોમાં ભારતમાં ‘અશિક્ષિત’ જેવો કોઈ શબ્દ પ્રચલનમાં નહોતો. આજે આપણાં બાળકો ભણવા માટે જુદા જુદા દેશોમાં જાય છે. તે કાળમાં વિભિન્ન દેશોનાં બાળકો ભણવા માટે ભારત આવતા હતા. એક પણ ભારતીય યુવાન, તે કાળમાં વિદેશમાં ભણવા જતો નહોતો. એક પરિપૂર્ણ શિક્ષણપદ્ધતિ ભારતમાં કાર્યરત હતી. છોકરા/છોકરીઓને સામાન્ય રીતે આઠ વર્ષની ઉંમર સુધીનું શિક્ષણ ઘરમાં જ અપાતું હતું. આઠમા વર્ષે છોકરાઓનો ઉપનયન સંસ્કાર કરી તેમને ગુરુ પાસે અથવા ગુરુકુળમાં મોકલવાની પરંપરા હતી. ‘ગુરુ’ શબ્દનો અર્થ માત્ર સંસ્કૃત ભાષાનું શિક્ષણ આપનારા ઋષિ એવો નહોતો થતો. ‘ગુરુ’ પોતાના કોઈ વિશિષ્ટ ક્ષેત્રનો દિગ્ગજ રહેતો હતો.
 
સમુદ્રકિનારે રહેતા પરિવારોનાં બાળકો જહાજ બનાવનારા પોતાના ‘ગુરુ’ પાસે રહી જહાજ નિર્માણનું પ્રત્યક્ષ શિક્ષણ ગ્રહણ કરતા હતા. આ જ પરંપરા ભવનનિર્માણ, લુહારી, ધનુર્વિદ્યા, મલ્લવિદ્યા જેવી જુદી જુદી કલાઓનાં શિક્ષણની બાબતમાં પણ લાગુ હતી.
 
એ પછીનાં ૮-૧૦ વર્ષ સુધી ગુરુને ત્યાં શિક્ષણ મેળવીને તેમાંથી જ કેટલાક વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે વિશ્ર્વવિદ્યાલયોમાં જતા હતા. એ વિશ્ર્વવિદ્યાલયોમાં વિભિન્ન શાસ્ત્રો અને કલાઓના શિક્ષણની વ્યવસ્થા હતી.
 
મહિલાઓને પણ ઉચ્ચ શિક્ષણ આપવાની પદ્ધતિ અને પરંપરા હતી. ઋગ્વેદમાં સ્ત્રીશિક્ષણની બાબતમાં અનેક ઉલ્લેખો મળે છે. પ્રારંભિક શિક્ષણ ગ્રહણ કરનારી બાલિકાઓને ‘ઋષિકા’ અને ઉચ્ચશિક્ષિત સ્ત્રીઓ ‘બ્રહ્માવાદિની’ તરીકે ઓળખાતી.
પાણિનિએ પોતાના ગ્રંથમાં છોકરીઓના શિક્ષણ બાબતે લખ્યું છે. વિદ્યાર્થિનીઓ માટે છાત્રાવાસ (હોસ્ટેલ્સ) પણ બનાવાતાં હતાં તેને માટે પાણિનિએ ‘છત્રીશાળા’ શબ્દનો પ્રયોગ કર્યો છે.
 
વિશ્ર્વવિદ્યાલયોમાં શિક્ષણ-સત્ર શરૂ થવાના અને સત્ર સમાપ્તિના સમયે મોટો ઉત્સવ થતો. સત્રારંભ ઉત્સવને ‘ઉપકર્ણમન’ તથા સત્રાસમાપ્તિ વખતે થનારા ઉત્સવન ‘ઉત્સર્ગ’ કહેવાતો હતો. ઉપાધિ (ડિગ્રી) પ્રદાન વખતે થતા ઉત્સવને ‘સમવર્તના’ કહેવાતો.
 
‘હારુન-અલ-રશીદ’ નામક અરબી કથાઓનો નાયક (૭૫૪-૮૪૯) બગદાદમાં રાજ્ય કરતો હતો. આ હારૂન-અલ-રશીદે અને અલ મન્સૂરે ભારતીય વિશ્ર્વવિદ્યાલયોમાંથી પ્રતિભાવાન યુવાનોને લઈ આવવા માટે પોતાના વિશેષ દૂતો મોકલ્યા હતા. આ હતો વિશ્ર્વનો સૌથી પહેલો ‘કેમ્પસ ઇન્ટરવ્યૂ’ ૧૨૦૦ વર્ષ પહેલાંનો.
 
પરંતુ લગભગ નવસો વર્ષ પહેલાં જ્યારે મુસ્લિમ આક્રમકોનાં આક્રમણો થતાં ગયાં, ત્યારે પરિસ્થિતિ બદલાઈ. બખતિયાર ખીલજી જેવા અભણ અને જંગલી સરદારે નાલંદા સહિત મોટાભાગનાં વિશ્ર્વવિદ્યાલયોનો સર્વનાશ કરી નાખ્યો. આપણી જ્ઞાનપરંપરા ખંડિત થઈ ગઈ. એટલે આપણે માની લીધું કે આપણી બધી જ શિક્ષણવ્યવસ્થા ઠપ્પ થઈ ગઈ. પરંતુ એવું નહોતું.
 
મુસ્લિમ આક્રમકોએ આપણાં નાનાં મોટાં વિશ્ર્વવિદ્યાલયો ધ્વસ્ત કર્યાં, અનેક ગુરૂફૂલો સળગાવી દીધાં. પરંતુ તેમની પાસે શિક્ષણનું કોઈ આપણા જેવું મોડેલ થોડું જ હતું ? તેમની પાસે તો શિક્ષણનું કોઈ મોડેલ હતું જ નહીં.
 
તેઓ ખૈબર ખીણનાં ઉત્તરપશ્ચિમમાં સ્થિત અનેક કબાઇલીઓમાંથી એક હતા. આ કબીલા અભણ, ઝનૂની, પરંતુ પોતાના ધર્મ પ્રત્યે અત્યધિક કટ્ટર હતા. કટ્ટરતાના આ જ ઝનૂને તેમને ભારતમાં સત્તા અપાવી. પરંતુ આ વિશાળ દેશમાં પ્રશાસન ચલાવવાનું કોઈ વિશેષ જ્ઞાન તેમની પાસે નહોતું.
 
તેમની પાસે વ્યવસ્થા નહોતી. આજે જેને આપણે મુગલ આર્ટ અને મુગલ સ્થાપત્ય કહીએ છીએ તે મૂળમાં તો ભારતીય સ્થાપત્ય જ છે, જે મુસ્લિમ બાદશાહો માટે અથવા ઇસ્લામી વ્યવસ્થા માટે બનાવવામાં આવ્યાં છે. જો આ વાસ્તુકલા આ આક્રમકો પાસે હોત તો આ શૈલીની અનેક વાસ્તુઓ (ઇમારતો-સ્થાપત્યો) આપણને ભારતની બહાર, અફઘાનિસ્તાન, ઈરાન, ઇરાક, કિરગિસ્તાન, ઉંઝબેકિસ્તાન વગેરે પ્રદેશોમાં મળત. પણ એવું નથી.
 
એટલે મોટાં વિશ્ર્વવિદ્યાલયો ભલે ન રહ્યાં હોય પણ પ્રાથમિક/માધ્યમિક સ્તરની શાળાઓનું જાળું તો આખા દેશમાં હતું.
જયાં હિન્દુ રાજા માન્ડલિક (ખંડિયા) તરીકે હતા ત્યાં તેમણે શાળાઓ બનાવરાવી અને ચલાવી.
 
અંગ્રેજો જ્યારે ભારતમાં શાસન કરવાની સ્થિતિમાં આવ્યા ત્યારે તેમણે સૌપ્રથમ ભારતની શિક્ષણપદ્ધતિનું સર્વેક્ષણ કર્યું. સર્વેક્ષણના રિપોટર્સ (અહેવાલો) ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને કેટલેક અંશે ભારતમાં પણ ઉપલબ્ધ છે.
 
આ બધા જ રિપોર્ટસ સનસનાટીભર્યા છે. આપણી બધી જ માન્યતાઓને અને આપણને આજ સુધી ભણાવવામાં આવેલા ઇતિહાસને ખોટા પાડતા આ રિપોર્ટસ છે.
 
સન ૧૭૫૭માં પ્લાસીનું યુદ્ધ જીત્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો બંગાળ પર કબજો થઈ ગયો. જ્યારે તેમણે પોતાનું પ્રશાસન તંત્ર અમલમાં લાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને ખબર પડી કે આખા બંગાળમાં, કરવસૂલીને લાયક ભૂભાગમાંથી ૩૪ ટકા જમીન પર કોઈ પણ પ્રકારની કર વસૂલી થતી નથી. એનું કારણ એ છે કે આ બધી જમીન પાઠશાળાઓ માટે ફાળવાયેલી છે. આ જોઈને અંગ્રેજોએ (એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીઓએ) જ્યાં જ્યાં તેમનું શાસન હતું તે બધાં જ ક્ષેત્રોમાં શિક્ષણનું સર્વેક્ષણ કરવાની યોજના બનાવી.
 
૧૮૧૮માં અંગ્રેજોએ મરાઠાઓને હરાવી અખંડ ભારતના એક વિશાળ ભૂભાગ પર નિયંત્રણ મેળવી લીધું હતું. હવે તેમની પ્રાથમિકતા શાસન ચલાવવાની હતી. શિક્ષણપદ્ધતિ પણ શાસનવ્યવસ્થાનું એક અંગ જ હતી.
 
તે દિવસોમાં મદ્રાસ પ્રેસિડેન્સીમાં ગવર્નર જનરલના પદ પર મેજર જનરલ થોમસ મુનરો નિયુક્ત હતા. તેમણે ૧૮૨૨ની ૨૫ જૂને બહાર પાડેલા એક આદેશ પ્રમાણે મદ્રાસ પ્રેસિડેન્સીના બધા જ કલેક્ટર્સને આદેશ હતો કે તેઓ બધાં જ ગામોની પાઠશાળાઓની માહિતી એકત્ર કરીને મોકલે.
 
થોમસ મુનરો (Sir Thomas Munaro: મે, ૧૭૬૧-૬ જુલાઈ ૧૮૨૭) સ્કોટિશ યોદ્ધા હતા અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં બઢતી (પ્રમોશન) પ્રાપ્ત કરતા કરતા મેજર જનરલ પદ પર પહોંચ્યા હતા. ૧૦ જૂન ૧૮૨૦થી ૧૦ જુલાઈ ૧૮૨૭ સુધી તેઓ મદ્રાસ પ્રેસિડેન્સીના ગવર્નર જનરલ રહ્યા.
 
ઈસ્ટ ઇન્ડિયા કંપની અને અંગ્રેજ શાસન પ્રત્યે અત્યધિક સમર્પિત થોમસ મુનરો ભારતીયોને અપાતા શિક્ષણ વિશે સજાગ હતા. એટલે તેમના કલેક્ટર્સને મોકલેલા રિપોર્ટસનું અધ્યયન કરતાં તેમને ચાર વર્ષ લાગ્યાં.
 
‘૧૮૨૬ની ૧૦ માર્ચે તેમણે આ સર્વેક્ષણના રિપોર્ટસ ને પ્રકાશિત કર્યા. તેનું શીર્ષક હતું.
 
The early measures for education in the Madras Presidency - Sir Thomas Munro’s minutes on education in 1822 and 1826.’
 
આ રિપોર્ટમાં જનરલ મુનરોના શબ્દો છે, ‘પ્રેસિડેન્સીનાં બધાં જ ગામોમાં પાઠશાળાઓ છે’.
 
(Every village has a school)
.
આ રિપોર્ટના સાતમા પ્રકરણ (Chapter)માં જનરલ મુનરો લખે છે,
 
State of native education here exhibited, low as it is compared with that of our own country, it is higher than it was in most European countries at no very distant period’.
 
અર્થાત ‘મદ્રાસ પ્રેસિડેન્સીમાં શિક્ષણનું સ્તર આપણા દેશ (ઇંગ્લેન્ડ) કરતાં ઓછું છે પરંતુ અન્ય લગભગ બધા જ યુરોપિયન દેશો કરતાં સારું છે.’ જનરલ મુનરો ઇંગ્લેન્ડના શિક્ષણના સ્તરને નાનું કેવી રીતે બતાવી શકે તેમ હતા ?
 
પરંતુ અન્ય લોકોએ શું કહ્યું ? અનેક સમકાલીન બ્રિટિશ અધિકારીઓ અને ઈસાઈ મિશનરીઓએ લખી રાખ્યું છે કે ભારતીય શિક્ષણવ્યવસ્થા ઇંગ્લેન્ડની શિક્ષણવ્યવસ્થા કરતાં સારી છે.
 
આ જ મદ્રાસ રિપોર્ટમાં લખ્યું છે, ‘(મદ્રાસ)પ્રેસિડેન્સીમાં ૧૨,૪૯૮ પાઠશાળાઓ છે, જેમાં ૧,૮૮,૬૫૦ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે.’
 
જનરલ મુનરો મદ્રાસમાં જ્યારે શિક્ષણપદ્ધતિના સર્વેક્ષણનો આદેશ આપી રહ્યા હતા લગભગ ત્યારે જ બોમ્બે પ્રેસિડેન્સીના ગવર્નર, માઉન્ટસ્ટુઅર્ટ એલિફન્સ્ટને (૧૮૧૯ થી ૧૮૨૭ના ગાળામાં બોમ્બેના ગવર્નર રહેલા) પણ આ જ પ્રકારના આદેશો કમિશ્નર ઓફ ડેક્કનને અને તથા ગુજરાત અને કોંકણના કલેક્ટર્સને પણ આપ્યા.
 
૧૮૨૪ની ૧૦નો Government of Bombayનો ગામોની સંપૂર્ણ શિક્ષણવ્યવસ્થાની બાબતમાં જાણકારી આપવાનો પત્ર છે. એલ્ફિન્સ્ટને તેને માટે જે કમિટી બનાવી તેમાં જી એલ પ્રેન્દરગાસ્ટનો સમાવેશ ‘બોમ્બે કાઉન્સિલ’ના સદસ્ય તરીકે હતો. પ્રેન્દરગાસ્ટે પોતાના રિપોર્ટમાં લખ્યું છે.
 
There is hardly a village, great or small, throughout our territories, in which there is not at least one school, and in large villages, more.
 
તે દિવસોમાં બંગાળમાં આ સર્વેક્ષણનું કામ કર્યું વિલિયમ એડમે. ૧૭૯૬માં સ્કોટલેન્ડમાં જન્મેલા વિલિયમ, બેપ્ટિસ્ટ મિશનરીના રૂપમાં સન ૧૮૧૮માં ભારત આવ્યા.
 
ત્યારે મરાઠાઓને હરાવ્યા પછી અંગ્રેજોએ લગભગ આખા દેશ પર પોતાની હકૂમત સ્થિર કરી. વિલિયમ ૨૭ વર્ષ ભારતમાં રહ્યા. અહીં તેઓ રાજા રામમોહન રાયના સંપર્કમાં પણ રહ્યા.
 
લોર્ડ વિલિયમ બેન્ટિક તે દિવસોમાં ભારતના ગવર્નર જનરલ હતા. અંગ્રેજી સત્તાની રાજધાની કોલકાતા હતી. બેન્ટીકે વિલિયમ એડમ્સને શિક્ષણવિભાગમાં અધિકારી પદ પર નિયુક્ત કર્યા તથા તેમને બંગાળ અને બિહારની પાઠશાળાઓની બાબતમાં રિપોર્ટ આપવા કહ્યું.
 
વિલિયમ એડમ્સ દ્વારા સાન 1835થી 1838 સુધી ત્રણ રિપોર્ટ પ્રસ્તુત કર્યા, જે ‘એડમ્સ રિપોર્ટસ’ના નામથી પ્રસિદ્ધ છે. પોતાના પહેલા રિપોર્ટમાં એડમ્સ લખે છે.
 
‘બંગાળ (તે સમયનું આખું બંગાળ, અર્થાત્ આજનું બાંગ્લાદેશ સહિત) અને બિહારમાં લગભગ એક લાખ શાળાઓ છે. આ બંને પ્રાંતોની જનસંખ્યા લગભગ ચાર કરોડ છે. અર્થાત્ દર ૪૦૦ સંખ્યાએ એક શાળા છે.
 
વિલિયમ એડમે જેને શાળાઓ કહી છે તે બધી સારી મોટી મોટી શાળાઓ નથી. તેમાંથી મોટાભાગની શાળાઓ ઘરની પરસાળમાં, મંદિરોમાં, પીપળાનાં ઝાડ નીચે, કે ભણાવનારા માસ્તરને ઘેર ચાલે છે. બધા જ પ્રકારનું પાયાનું પ્રાથમિક શિક્ષણ અહીં જ અપાય છે.
 
તે દિવસોમાં આખું પંજાબ અંગ્રેજોના કબજામાં નહોતું. મહારાજા રણજીતસિંહે લાહોરને રાજધાની બનાવી પેશાવર સુધી પોતાનું શાસન સ્થાપિત કર્યું હતું. તેમાં જેટલું પણ પંજાબ અંગ્રેજો પાસે હતું, તેનો ગવર્નર જનરલ હતો ચાર્લ્સ, સ્ટુઅર્ટ હાર્ડિંગ. (Charles Stewart Harding)
 
તેણે પણ મદ્રાસ અને બોમ્બે જેવું સર્વેક્ષણ પંજાબમાં કરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઉત્તર-પશ્ચિમ સીમા પર યુદ્ધની પરિસ્થિતિને કારણે તે શક્ય ન બન્યું.
 
પંજાબમાં આવું સર્વેક્ષણ થયું લગભગ ૫૦ વર્ષ પછી, જ્યારે અંગ્રેજોનું આખા પંજાબ પર સ્વામિત્વ થઈ ગયું. જી . ડબલ્યુ. લેટનર નામના બ્રિટિશ આઈ સી એસ અધિકારીએ આ સર્વેક્ષણનું કાર્ય કર્યું હતું. તેમાંથી કેટલાક સર્વેક્ષણોના રિપોર્ટસને આધારે તેમણે પુસ્તક પણ લખ્યું,
 
History of Indigenous Education in Punjab : Since Annexation and in 1882.
 
તેમાં લેટનર ઘણી જબરજસ્ત વાતો લખે છે, તેઓ કહે છે, ભારતમાં ઘણી સારી વિકેન્દ્રિત શિક્ષણવ્યવસ્થા છે. લગભગ દરેક ગામની પોતાની પાઠશાળા છે, જે ગામલોકો જ ચલાવે છે.
 
આ પાઠશાળાઓ માટે ભૂમિ ફાળવાયેલી છે જેની આવકમાંથી પાઠશાળાનો ખર્ચ નીકળે છે.
 
લેટનર આગળ લખે છે, ‘એમાંથી અનેક શાળાઓનો સ્તર આપણાં ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ વિશ્ર્વવિદ્યાલયના સ્તરને સમાન છે. શિક્ષકોને સારું વેતન અપાય છે.’ આ જી. ડબલ્યુ લેટનર (G.W.Ieitner) ઘણું વિશાળ વ્યક્તિત્વ ધરાવતા હતા. Dr. Gottlieb Wilhelm Ieitnerનો જન્મ ૧૮૪૦ની ૧૪ ઓક્ટોબરે હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં થયો હતો. લેટનરનો પરિવાર યહૂદી (જ્યૂ) હતો.
 
તેમનું ભાષાઓ પર વિલક્ષણ પ્રભુત્વ હતું. તેઓ આઠ વર્ષના હતા ત્યારે તેઓ કોન્સ્ટેન્ટિનોપોલ (આજનું ઇસ્તંબુલ) ગયા અને ત્યાંથી અરબી તથા તુર્કી ભાષાઓ શીખીને આવ્યા. દસ વર્ષની ઉંમરે તેઓ આ બંને ભાષાઓ સહિત મોટાભાગની યુરોપિયન ભાષાઓ સહજપણે બોલી શકતા હતા. ૧૫ વર્ષની ઉંમરે તેઓ ક્રિમિયામાં બ્રિટિશ કમિશ્નરેટમાં અનુવાદકની નોકરીએ લાગ્યા હતા. આ યહૂદી યુવાને તે પછી મુસ્લિમ ધર્મ સ્વીકાર્યો અને તે અરેબિક ભાષાનો વ્યાખ્યાતા બની વિશ્ર્વવિદ્યાલયમાં ભણાવવા લાગ્યો. લંડનની કિંગ્ઝ કોલેજમાં ભણાવતી વખતે તેને બ્રિટિશ સરકારે ભણાવવા માટે ભારતમાં નિમંત્રિત કર્યો. ૧૮૬૪માં લેટનર લાહોરની Government University નો પ્રમુખ બની આઇસીએસ અધિકારી તરીકે ભારત આવ્યા. ૧૮૮૨માં તેમણે જ પંજાબ યુનિવર્સિટીની સ્થાપના કરી. ભારતના આ રોકાણ દરમિયાન તેમણે ભારતીય પ્રણાલીઓનું ઊંડું અધ્યયન કર્યું. લેટનરે ૧૮૭૦-૧૮૭૫ની વચ્ચે ઉત્તર પંજાબના હોશીયારપુર જિલ્લાનું વ્યાપક સર્વેક્ષણ કર્યું, જે પુસ્તકરૂપે પણ પ્રાપ્ત છે. લેટનરે લખ્યું છે, ‘આ હોશિયારપુર જિલ્લામાં સાક્ષરતાનો દર ૮૪% છે.’
 
(અંગ્રેજો ભારતથી ગયા ત્યારે, સન ૧૯૪૮માં કરાયેલાં સર્વેક્ષણમાં આ દર માત્ર ૯% બચ્યો હતો. આ દરમિયાન અંગ્રેજોએ ગામની પાઠશાળાઓ ફાળવાયેલી જમીનો હડપ કરી. વિકેન્દ્રિત શિક્ષણવ્યવસ્થા બંધ કરી. અને પાઠ્યક્રમ તેમના કહ્યા મુજબ નિર્ધારિત થવા લાગ્યો.)
 
ઈસ્ટ ઇન્ડિયા કંપનીના એક અન્ય અધિકારી, એલેકઝાન્ડર વોકરે (૧૭૬૪-૧૮૩૧) દસ વર્ષથી વધુ સમય ભારતમાં ગાળ્યો. તેઓ અમેરિકા પણ ગયા અને ત્યાંથી પાછા ભારત આવ્યા. તેમણે કેરળના મલબારમાં શિક્ષણ અને સાક્ષરતાનું જે વાતાવરણ જોયું, તેને માટે તેમણે લખી રાખ્યું છે. તેમણે લખ્યું છે કે અત્યંત સાદા અને પ્રાકૃતિક સંસાધનોથી ભારતીયોએ પોતાની શિક્ષણપ્રણાલીની રચના કરી છે. વોકર લખે છે, The literature of Malabar has the same foundation, and consists of the same materials, as that of all Hindoo nations. Education with them is an early and important business in every family. Many of their women are taught to read and write. The children are instructed without violence and by a process, peculiarly simple. The system was borrowed from the Bramans and brought from India to Europe. It has been made the foundation of National Schools in every enlightened country. The pupils were the monitors of each other and the characters (અક્ષર/ આંકડા) are traced with finger on the sand.’ (page no 263 of his book)
વોકરે આગળ લખ્યું છે, The Missionaries have now honestly owned that the system upon which these (British) schools are now taught, was borrowed from India.
 
(ક્રમશઃ)
 
લેખક - પ્રશાંત પોળ
ભાવાનુવાદ - શ્રીકાંત કાટદરે 
 
 
 
Powered By Sangraha 9.0