સરકારની ખાલી તિજોરી જોઇને આ ઉદ્યોગપતિએ ૩૦ લાખ ભેટમાં આપી દીધા

    12-Oct-2021
કુલ દૃશ્યો |

dhebarbhai patel_1 & 

ત્યાગભાવના

 
ભારત દેશ આઝાદ થયો તે વખતનો પ્રસંગ છે. ત્યારે ગુજરાતનો ઘણો ભાગ મુંબઈ રાજ્યમાં સમાવિષ્ટ હતો. સૌરાષ્ટનું અલગ રાજ્ય હતું. સૌરાષ્ટના મુખ્યમંત્રી ઢેબરભાઈ બનેલા. ઢેબરભાઈએ જોયું કે સરકારની તિજોરી ખાલી છે. કર્મચારીઓને મહિનાનો પગાર આપવાનું પણ શક્ય નથી. ધન વિના રાજ્ય કેમ ચલાવવું ? વિચાર કરતાં ઢેબરભાઈને નાનજી કાલીદાસ મહેતા યાદ આવ્યા. આફ્રિકા જઈને પુષ્કળ કમાઈ આવેલા ઉદ્યોગપતિ નાનજીની ઉદારતા પણ જાણીતી હતી. ઢેબરભાઈએ એમના ડ્રાઇવરને પોરબંદર લઈ જવા સૂચના આપી. પોરબંદર પહોંચતાં જ એમણે નાનજી મહેતાને ફોન કર્યો. આપને મળવું છે. આતિથ્ય માટે સૌરાષ્ટ જાણીતું છે જ અને સૌરાષ્ટના મુખ્યમંત્રી પોતાના ઘરે આવતા હોય ત્યારે તો વાત જ શું કરવાની ! પધારો પધારો. આપનું આગમન અમારું અહોભાગ્ય ! ઢેબરભાઈ પહોંચ્યા. ઉચિત સ્વાગત અને ઔપચારિક વાર્તાલાપ પછી ઢેબરભાઈએ કહ્યું, ‘નાનજીભાઈ, સૌરાષ્ટ સરકાર પાસે કર્મચારીઓને પગાર ચૂકવવાનાં નાણાં પણ નથી.’
‘આપને કેટલી રકમની અપેક્ષા છે ?’
 
‘ત્રીસ લાખ રૂા.ની.’ ઢેબરબાઈએ જરૂર જણાવી.
 
નાનજી મહેતાએ તરત ચેક-બૂક મંગાવી.
 
ત્રીસ લાખની રકમ લખી. સહી કરીને ઢેબરભાઈના હાથમાં મૂકી અને કહ્યું કે -
 
‘આ રકમ હું લોન તરીકે નથી આપતો પણ ભેટ આપું છું. સૌરાષ્ટના મુખ્યમંત્રી મારા આંગણે પધારે તો મારે ભેટણામાં કંઈક આપવું જ જોઈએ.’
 
ઢેબરભાઈ કહે - ‘નાનજીભાઈ, તમારી ઉદારતા અને ત્યાગને હું કયા શબ્દોમાં વખાણું ? જે સમયે તમે આ રકમ આપી રહ્યા છો એ અમારા માટે કટોકટીનો છે. આવા સમયે તમારું દાન ખૂબ જ ઉપયોગી બન્યું છે. તમારી ત્યાગભાવનાને વંદન.’
 
 
- પ.પૂજ્ય આ.ભ. શ્રી મુનિચંદ્ર સૂરીશ્વરજી મહારાજ