શું ચીન બોલીવૂડમાં પગદંડો જમાવી રહ્યું છે ?

    14-Oct-2021
કુલ દૃશ્યો |

china and bollywood_1&nbs
 
 

ચીન વિરોધી કેમ એક પણ ફિલ્મ નથી બની? ‘સાડ્ડાહક્ક’ ગીતમાં ફ્રી તિબેટ લખાયેલો ઝંડો ચીનના કહેવાથી હટાવી દીધો હતો.

કહેવાય છે કે ફિલ્મો જે તે સમાજનું દર્પણ હોય છે. ભારતીય સમાજમાં તો સિનેમાનો વિશેષ પ્રભાવ છે. રિલ લાઇફના નાયકોને દેવતા તુલ્ય ગણી તેમને આદર્શ માનનારા લોકોની સંખ્યા આપણા દેશમાં ઓછી નથી. તેવા સમયે ભારતીય સિનેમા ઉદ્યોગ પર દુશ્મન દેશ ચીનના નિયંત્રણની વાત વિચલિત કરી દેવા પૂરતી છે. વાત જાણે એમ છે કે, ૩ સપ્ટેમ્બરના રોજ લૉ એન્ડ સોસાયટી અલાયન્સ દ્વારા ‘ભારત મેં ચીની પદચિહ્નોં ઔર પ્રભાવ કા માનચિત્રણ’ નામના શીર્ષક હેઠળ પ્રકાશિત ૭૬ પાનાંનું એક તાર્કિક તેમજ તથ્યપૂર્ણ સંશોધન રજૂ કર્યું છે. આ સંશોધન ભારતીય સમાજને પ્રભાવિત કરતાં ક્ષેત્રોમાં ચીનના વધી રહેલા હસ્તક્ષેપને લગતું છે, જેમાં સિનેમા ઉદ્યોગ પ્રમુખ છે. રિપોર્ટમાં ચીનની જાસૂસી સેવાઓ અને ચીની સામ્યવાદી પક્ષ દ્વારા મનોરંજન ઉદ્યોગથી માંડી શૈક્ષણિક સંસ્થાનો સુધી ચીનના વધી રહેલા વર્ચસ્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લાં કેટલાંક વર્ષોથી ચીન વારંવાર ભારતીય મનોરંજન ઉદ્યોગમાં ઘૂસણખોરી કરી અને ફિલ્મોના સહનિર્માણ ક્ષેત્ર થકી બોલિવૂડને પ્રભાવિત કરવાની કોશિશ કરી રહ્યું છે.
 
૨૦૧૯માં બિઝીંગ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ચીન દ્વારા દ્વિપક્ષીય ફિલ્મ સહનિર્માણ સંવાદની મેજબાની કરી હતી તે સાબિત કરે છે કે ચીન બોલિવૂડમાં પગદંડો જમાવવા માટે કેટલી હદે ગંભીર છે. અભિનેતા શાહરૂખ ખાન, નિર્દેંશક કબીર ખાન જેવા બોલિવૂડ કલાકારોને ચીને છાવરવાનું શરૂ કરી દીધું અને બોલિવૂડમાં એક સશક્ત ચીની લોબી તૈયાર કરી
લીધી છે.
 
૨૦૧૮માં ભારતના દૂત ગૌતમ બેલાવાલેએ ચીનના મુખ્ય મીડિયા નિયામક સાથે મુલાકાત કરી અને ફિલ્મો અને મીડિયા પર સહયોગ અંગે ચર્ચા કરી હતી. આ ચર્ચા મુજબ ચાઈના ફિલ્મ ગ્રુપ કોર્પોરેશન, શાંઘાઈ ફિલ્મ્સ ગ્રુપ કોર્પોરેશન અને ફૂડન યુનિવર્સિટી પ્રેસ તથા ભારતનું ઇરોજ ઇન્ટરનેશનલ બન્ને દેશોમાં તમામ પ્લેટફોર્મ પર ચીન-ભારતીય ફિલ્મોનો પ્રચાર, સહનિર્માણ અને વિતરણ કરશે. ૨૦૧૩માં ભારત અને ચીને ફિલ્મ અને પ્રસારણ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવાનો નિર્ણય લીધો હતો. ૨૦૧૭માં ગોવામાં આયોજિત ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ચીન મુખ્ય અતિથિ દેશ હતો.
 

બોલિવૂડ પર ચીનના પ્રભાવનાં કેટલાંક ઉદાહરણો

 
બોલિવૂડ પર ચીનના પ્રભાવનાં હવે પરિણામો પણ જોવા મળી રહ્યાં છે. દા.ત. ઇમ્તિયાઝ અલી દ્વારા નિર્દેંશિત રોકસ્ટારના નિર્માતા દ્વારા ‘સાડ્ડાહક્ક’ ગીતમાં ફ્રી તિબેટ લખાયેલો ઝંડો ચીનના કહેવાથી હટાવી દીધો હતો. પાકિસ્તાન સાથેના યુદ્ધની તો આપણે ત્યાં અનેક ફિલ્મો બની છે. પરંતુ આપણા ફિલ્મ નિર્દેંશકોએ ચીન સાથેની શત્રુતા પર ફિલ્મ બનાવવાની હિંમત કેમ નથી કરતા? કોઈપણ મોટા ફિલ્મી કલાકારે સામ્યવાદી સરકારની નૃશંસતા અને શત્રુતાનું ચિત્રણ કરતી ફિલ્મો કેમ બનાવતા નથી? ઇસ્લામિક કટ્ટરપંથ અને મુગલ મહિમા મંડન પણ ચીનના ઇશારે જ ચલાવાઈ રહ્યું છે. કબીરખાન ધ એમ્પાયર પણ આ ઐતિહાસિક વિકૃતીકરણનું શ્રેષ્ઠ અને તાજું જ ઉદાહરણ ગણી શકાય.
 
આ સિવાય વિશાલ ભારદ્વાજ નિર્મિત મટરુ કી બિજલી કા મંડોલા નામની ફિલ્મમાં માઓત્સે તુંગનો મહિમા મંડિત કરી સામ્યવાદના આદર્શોને મનગઢંત રીતે દર્શાવવામાં આવ્યાં છે. તેમાં દર્શાવવામાં આવ્યું છે કે ગ્રામીણોને તેમની લડાઈમાં માઓ દ્વારા સમર્થન અને સલાહ આપવામાં આવે છે. બાદમાં ખબર પડે છે કે આ માઓ કોઈ નહીં મટરું જ હોય છે. આમ માઓને એક નાયકના રૂપમાં મસિહાના રૂપમાં રજૂ કરવામાં આવ્યો છે. જ્યારે હકીકત એ છે કે ચીનમાં સાંસ્કૃતિક ક્રાન્તિ દરમિયાન માઓ દ્વારા નૃશંસ નરસંહાર કરવામાં આવ્યો હતો.
 
અમેરિકા બાદ ચીન વિશ્ર્વનું બીજું સૌથી મોટું ફિલ્મ બજાર છે. વર્તમાનમાં તેને ત્યાં ૪૧,૦૦૦ સિનેમા સ્ક્રીન છે જે ભારતથી લગભગ બમણી છે. આમીરખાનની દંગલ ફિલ્મે ચીની બોક્સ ઓફિસ પર કરોડો રૂપિયાનો વકરો કર્યો હતો. તેથી સ્વાભાવિક રીતે જ ભારતના અન્ય ફિલ્મકારો પણ આ બજાર તરફ આકર્ષાશે ત્યારે હવે આગામી સમયમાં કદાચ જ ભારતમાં ચીન વિરોધી કોઈ ફિલ્મ બને.